સંભલની જામા મસ્જિદ બાદ હવે અલીગઢની (Aligarh) જામા મસ્જિદ (Jama Masjid) પણ વિવાદમાં આવી છે. દાવો થઈ રહ્યો છે કે, અલીગઢની જામા મસ્જિદ પ્રાચીન હિંદુ મંદિરોના સ્થાન પર બનાવવામાં આવી હતી. એક RTI એક્ટિવિસ્ટે આ દાવો કર્યો છે અને કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. કોર્ટમાં અરજી દાખલ કરીને તેમણે મસ્જિદને ‘ગેરકાયદેસર’ ઘોષિત કરવાની માંગણી કરી છે. વધુમાં RTI એક્ટિવિસ્ટનો દાવો છે કે, જે સ્થળે આજે જામા મસ્જિદ છે, ત્યાં એક સમયે હિંદુ, બૌદ્ધ અને જૈન સમુદાયનાં પ્રાચીન મંદિરો પણ અસ્તિત્વ ધરાવતાં હતાં. તેમનો દાવો છે કે, જામા મસ્જિદની નજીક આજે પણ ૐનું નિશાન બનેલું જોવા મળે છે.
સોમવારે (6 જાન્યુઆરી) પંડિત કેશવ દેવ ગૌતમ નામના એક RTI એક્ટિવિસ્ટે સિવિલ કોર્ટમાં આ વિષયને લઈને અરજી દાખલ કરી છે. કેશવે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, “હું જામા મસ્જિદની ઉત્પત્તિને લઈને અનેક સરકારી વિભાગોમાં પૂછપરછ કરી રહ્યો છું. ઐતિહાસિક અભિલેખો અનુસાર, તેનું નિર્માણ 18મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું.” તેમણે વધુમાં કહ્યું છે કે, મસ્જિદના સ્થાન પર મંદિરો હોવાનો દાવો અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત બહુવિધ સરકારી વિભાગોને RTI હેઠળ પૂછવામાં આવેલા સવાલોના જવાબના આધારે કરવામાં આવ્યો છે.
‘સરકારી મંજૂરી વગર જ બનાવવામાં આવી હતી મસ્જિદ’
કેશવે વધુમાં કહ્યું છે કે, અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળેલા RTI જવાબથી જાણવા મળ્યું છે કે, જામા મસ્જિદ ‘સરકારી મંજૂરી વગર સાર્વજનિક જમીન પર બનાવવામાં આવી છે.’ આ જાણકારીના આધાર પર પંડિત કેશવ દેવ ગૌતમે કોર્ટમાં અરજી દાખલ કરીને જામા મસ્જિદ પ્રબંધન સમિતિને ‘ગેરકાયદેસર’ ઘોષિત કરવાની માંગણી કરી છે. આ ઉપરાંત તેમણે સરકારને મસ્જિદની જમીનને પોતાના કબજામાં લેવાની માંગણી પણ કરી છે.
અરજીમાં અરજદાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, RTI હેઠળ જાણકારી આપવામાં આવી છે કે, જામા મસ્જિદ નામની ASI પાસે કોઈ સંપત્તિ નોંધાયેલી નથી. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કિલ્લો ASI દ્વારા નોટિફાય છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે, મસ્જિદના ટેકરાના અવશેષો બૌદ્ધ સ્તૂપ અથવા હિંદુ મંદિર સાથે મેળ ખાય છે. દાવો કરવામાં આવ્યો છે કે, જામા મસ્જિદ વાસ્તવમાં હિંદુઓનો કિલ્લો છે, જેના પર ભૂમાફિયાઓએ ચોક્કસ મઝહબને નામે કબજો કરી લીધો છે અને નજીકની દુકાનો તથા મકાનોનાં ભાડાં ભાડા વસૂલીને સરકારી મિલકતનો દુરુપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. હવે આ મામલે 15 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.