શહેરના નારોલમાં (Narol) વર્ષ 2018માં બળાત્કાર અને અપહરણનો મામલો સામે આવ્યો હતો. આ મામલે આરોપી શોયેબની (Shoeb) ધરપકડ કરવામાં આવી હતી. હવે કોર્ટે આ અંગે ચુકાદો આપીને આરોપીને 20 વર્ષની સજા (20 Years Prison) ફટકારી છે. આ મામલો સામે આવ્યો ત્યારે સગીરાની ઉંમર 15 વર્ષ હતી. ઘટનાના 2 દિવસ પછી જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
નોંધનીય છે કે આરોપી શોયેબ ઉર્ફે શાહરૂખ ઉર્ફે કાણિયો અસલમભાઇ શેખે (પઠાણ) તેના જ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને ફસાવી હતી. તેણે લગ્ન કરવાની લાલચ આપી 5 એપ્રિલ 2018ના રોજ તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. ત્યારબાદ આરોપી શોયેબ શેખ સગીરાને જુદી જુદી જગ્યાએ લઈ જઈને ત્યાં રાખી તેના પર બળાત્કાર ગુજાર્યા હતો.
POCSO અંતર્ગત ચાલ્યો હતો કેસ
સગીરાની ભાળ ન મળતા સગીરાની માતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ઘટનાના બીજા જ દિવસે એટલે કે 7 મે 2018ના રોજ ઝડપી લીધો હતો. તથા સગીરાને છોડાવી તેના માતા-પિતાને સુપરત કરી હતી. આ મામલે પોલીસે POCSO અને બળાત્કારની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો. તથા POCSO સ્પેશ્યલ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો.
આ કેસમાં સરકારી વકીલ ભરત પટણી અને દેવેન્દ્ર પઢીયારે કહ્યું હતું કે, “આરોપી સગીરાનું અપહરણ કરી લઈ ગયો હોવાનું તથા બળાત્કાર ગુજાર્યો હોવાનું પુરવાર થાય છે. આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે, આખોય કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સફળ રહ્યો છે, આવા કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે. ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે અને સમાજમાં દાખલો બેસે તે હેતુને ધ્યાનમાં રાખી આરોપીને સખતમાં સખત સજા કરવી જોઈએ.”
ફટકારી 20 વર્ષની કેદ
જોકે આરોપીએ ઓછી સજા કરવાની પણ અપીલ કરી હતી. બંને પક્ષની રજૂઆત બાદ POCSO કોર્ટના જજ સી.જી. મહેતાએ કહ્યું હતું કે, “આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, ત્યારે આવા કેસમાં આરોપી સામે દયા ન દાખવી શકાય.” કોર્ટે આરોપી શોયેબને 20 વર્ષની કેદ ફટકારી હતી. આ ઉપરાંત ₹1.20 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.