Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆદિત્ય ઠાકરે તકલીફમાં મુકાઈ શકે છે; કેન્દ્ર સરકારે તેમના વિરુદ્ધ કાર્યવાહી શરુ...

    આદિત્ય ઠાકરે તકલીફમાં મુકાઈ શકે છે; કેન્દ્ર સરકારે તેમના વિરુદ્ધ કાર્યવાહી શરુ કરવાનો આદેશ આપ્યો

    ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ પર્યાવરણ મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

    - Advertisement -

    શિવસેના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે હવે વ્યક્તિગત તકલીફમાં મુકાઈ શકે છે. એકનાથ શિંદે દ્વારા ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કરાયા બાદ દસ દિવસમાં જ સત્તા ગુમાવનાર ઠાકરે પરિવાર પર વધુ એક મુસીબતનો સામનો કરી રહ્યો હોવાનું નજરે પડી રહ્યું છે. આ વખતે આદિત્ય ઠાકરેને વ્યક્તિગત રીતે મુશ્કેલી પડી રહી હોવાનું જણાઈ રહ્યું છે.

    સમાચાર અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે આદિત્ય ઠાકરેના મંત્રાલયના છેલ્લા અઢી વર્ષના કામકાજનું ઓડીટ કરવાનો હુકમ આપ્યો છે. આદિત્ય ઠાકરે પોતાના પિતા ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પર્યાવરણ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

    છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી માંગ કરી રહી હતી કે મહા વિકાસ આઘાડી સરકારના પર્યાવરણ મંત્રાલય જેની આગેવાની જુનિયર ઠાકરે કરી રહ્યા હતા તેના ખર્ચની તપાસ કરવામાં આવે. આદિત્ય પર આરોપ હતો કે તેમનાં ખાતાંને મળેલા ફંડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે પણ જે આદેશ બહાર પાડ્યો છે તેમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે છેલ્લા અઢી વર્ષ દરમ્યાન મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ ખાતાંમાં થયેલો ખર્ચ ખાતાકીય બાબતોએ કરવામાં આવ્યો છે કે આદિત્ય ઠાકરેના વિધાનસભા વિસ્તારની બાબતોમાં કરવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવે.

    વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની યુતિએ સંયુક્ત રીતે વિધાનસભા ચૂંટણી લડી હતી અને બહુમતિ પણ મેળવી હતી. આ ચૂંટણી દરમ્યાન આદિત્ય ઠાકરે મુંબઈની વરલી બેઠક પરથી લડ્યા હતા અને જીત્યા હતા. આ સાથે આદિત્ય પોતાના પરિવારમાંથી કોઇપણ પ્રકારની ચૂંટણી લડનાર પ્રથમ વ્યક્તિ બની ગયા હતા.

    પરંતુ ચૂંટણી બાદ અઢી વર્ષ શિવસેનાના મુખ્યમંત્રી અને અઢી વર્ષ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીના મુદ્દે આ યુતિ તૂટી પડી હતી અને શિવસેના – રાષ્ટ્રવાદી કોંગ્રેસ – કોંગ્રેસ એમ ત્રણ પક્ષોએ મળીને મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીનું ગઠન કરીને સરકાર બનાવી હતી.

    આ સરકારનું નેતૃત્ત્વ ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું જે આદિત્ય ઠાકરેના પિતા છે અને તેમના મંત્રાલયમાં આદિત્યને પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

    અગાઉ જ્યારે ભાજપ-શિવસેનાની યુતિ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ સરકાર ચલાવી રહી હતી ત્યારે આરે કોલોની ખાતે બાંધવામાં આવનાર મુંબઈ મેટ્રોના કાર શેડનો વિરોધ સરકારમાં પોતાનો પક્ષ સામેલ હોવા છતાં આદિત્ય ઠાકરેએ કર્યો હતો. પોતાના પર્યાવરણ મંત્રી બન્યા બાદ આદિત્યે આ શેડનો પ્રોજેક્ટ રદ્દ કરી દીધો હતો જેને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકારે પોતાની સરકારના પ્રથમ નિર્ણય તરીકે પુનઃ મંજૂરી આપી દીધી હતી.     

    હવે આ જ આદિત્ય ઠાકરે વિરુદ્ધ તેમનાં જ પર્યાવરણ મંત્રાલયના અઢી વર્ષના કામકાજ બાબતે કેન્દ્ર સરકારે તપાસ શરુ કરવાના આદેશ આપી દીધા છે. આમ સરકાર અને સત્તા ગુમાવ્યા બાદ આદિત્ય ઠાકરેને વ્યક્તિગત તકલીફોનો સામનો કરવાનો આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં