આમ આદમી પાર્ટીની (AAP) સમસ્યાઓ હવે દિનપ્રતિદિન વધતી જોવા મળી રહી છે. દિલ્હીમાં કારમી હાર બાદ હવે ધીરે-ધીરે અન્ય પ્રદેશોમાં પણ સમસ્યાઓ ઊભી થતી દેખાઈ રહી છે. હવે જાણવા મળી રહ્યું છે કે, મધ્ય પ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલમાં (Bhopal) પાર્ટીના પ્રદેશ કાર્યાલય (Regional Office) પર તાળું લાગી ગયું છે. આ તાળું મકાન માલિકે પોતે લગાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આરોપ છે કે, AAPએ છેલ્લા ત્રણ મહિનાથી ભોપાલના કાર્યાલયનું ભાડું ભર્યું નથી. સુભાષનગર સ્થિત આ ઓફિસમાં લાંબા સમયથી પાર્ટીની ગતિવિધિઓ ચાલી રહી હતી, પરંતુ ભાડું ન મળતા મકાન માલિકે સખત પગલાં લેવા પડ્યા હોવાનું કહેવાય રહ્યું છે.
માહિતી અનુસાર, મકાન માલિક વિવેક ગંગલાનીએ જણાવ્યું છે કે, ભાડાની સાથે-સાથે વીજળીનું બિલ પણ ભરવાનું બાકી છે. એટલું જ નહીં, પરંતુ તેમણે ઓફિસમાં દારૂની પેટીઓ અને બીજી આપત્તિજનક ગતિવિધિઓનો આરોપ પણ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, ભાડું માંગવા પર તેમને ધમકીઓ પણ મળી હતી. જે બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી પણ કરી રહ્યા છે.
મકાન માલિકનું કહેવું છે કે, ત્રણ મહિનાનું ₹60 હજાર ભાડું નથી ભર્યું. સાથે જ 6 મહિનાનું લગભગ ₹12થી 13 હજારનું વીજળી બિલ પણ જમા નથી કરાવ્યું. તેમણે આરોપ લગાવ્યો છે કે, પાર્ટીના લોકોને ઘણી વખત કોલ કર્યો, પણ તેઓ કોલ પણ નથી ઊંચકી રહ્યા. મકાન માલિક અનુસાર, AAPના પદાધિકારીઓએ કહ્યું છે કે, નેતા અને સરકાર સાથે લડશો તો માર્યા જશો. જે બાદ આખરે મકાન માલિકે તાળું મારવાની ફરજ પડી હતી.
શું છે AAPનો પક્ષ?
મકાન માલિકે ઓફિસને તાળું મારી દીધું પણ AAPના ટોચના નેતાઓને તેની ખબર પણ નથી. મધ્ય પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રાની અગ્રવાલે કહ્યું છે કે, તેમને આ વિશે કંઈ ખબર નથી અને તેઓ ભોપાલમાં પદાધિકારીઓ સાથે વાત કરશે. આ ઉપરાંત ભોપાલ જિલ્લા પ્રમુખ સીપી સિંઘ ચૌહાણે પણ આ ઘટનાથી અજાણ હોવાનો ડોળ કર્યો હતો અને કહ્યું હતું કે, તેમનું જિલ્લા કાર્યાલય નરેલા શંકરીમાં છે અને તેમને રાજ્ય કાર્યાલય વિશે કોઈ માહિતી નથી.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ મધ્ય પ્રદેશમાં પોતાના મૂળિયા મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં સફળતા ન મળી હોવા છતાં, સિંગરૌલીના મેયર રાની અગ્રવાલે સ્થાનિક ચૂંટણી જીતીને પક્ષનો ધ્વજ લહેરાવ્યો હતો. AAPએ તાજેતરમાં છત્તીસગઢમાં ખાતું પણ ખોલાવ્યું છે. પરંતુ હવે ભોપાલ કાર્યાલયને તાળું મારવામાં આવતા, પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે કે કેમ?