Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાતમાં ‘આપ’ને મળશે 105 બેઠકો’: GSTVના નામે ફરતો થયો ‘મહાસરવે', ચેનલે ગણાવ્યો...

    ‘ગુજરાતમાં ‘આપ’ને મળશે 105 બેઠકો’: GSTVના નામે ફરતો થયો ‘મહાસરવે’, ચેનલે ગણાવ્યો ફર્જી, કહ્યું- અમે કોઈ સરવે કર્યો નથી

    આ તથાકથિત ‘મહાસરવે’માં ગુજરાતમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી સરકાર બનાવતી બતાવવામાં આવી હતી. 

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ઓપિનિયન પોલના નામે ફેક અને એડિટેડ સરવેનું પ્રમાણ ધીમેધીમે વધતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ મીડિયા ચેનલ આજતકે પોતાના લોગો સાથે શૅર થઇ રહેલા ફેક પોલ વિશે સ્પષ્ટતા કરી હતી તો હવે ગુજરાતની પણ એક મીડિયા ચેનલના નામે ખોટો સરવે શૅર થઇ રહ્યો છે, જેમાં આપને 105 બેઠકો મળતી બતાવવામાં આવી રહી છે. 

    સોશિયલ મીડિયા પર મીડિયા ચેનલ GSTVના લોગો સાથે એક પોલ શૅર કરવામાં આવી રહ્યો હતો. જેમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને 98થી 105, ભાજપને 52થી 59, કોંગ્રેસને 9થી 16 અને અન્યને 00 થી 02 બેઠકો મળતી બતાવવામાં આવી હતી. આ સરવેને ‘ગુજરાતનો મહાસરવે’ ગણાવવામાં આવ્યો હતો. 

    ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને 92 બેઠકોની જરૂર પડે છે. જેથી આ તથાકથિત ‘મહાસરવે’ અનુસાર, ગુજરાતમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી સરકાર બનાવતી બતાવવામાં આવી હતી. 

    - Advertisement -

    જોકે, જે ચેનલના લોગો સાથે આ સરવે શૅર કરવામાં આવી રહ્યો હતો તે જ ચેનલે પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી સરવેની પોલ ખોલી હતી અને જણાવ્યું હતું કે ચેનલે આવો કોઈ સરવે કર્યો નથી અને તેમના નામે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. 

    GSTVએ ટ્વિટ કરીને આ ‘મહાસરવે’ને ફેક ગણાવીને લખ્યું કે, ‘ગુજરાતમાં ચૂંટણી સમયે સોશિયલ મીડિયામાં GSTVના લોગો સાથે એક પ્લેટ વાયરલ થઇ રહી છે. જેની સાથે ચેનલને કોઈ નિસબત નથી.’ ચેનલે જણાવ્યું કે, તેમણે આ પ્રકારનો કોઈ મહાસરવે કર્યો જ નથી અને તેઓ આ પ્રકારની હરકત સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. 

    ચેનલે સાથે ગુજરાતના ડીજીપી, ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસના અધિકારીક ટ્વિટર હેન્ડલ પણ ટેગ કર્યાં હતાં. જોકે, આ અંગે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે જાણી શકાયું નથી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત સપ્તાહે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ‘ઇન્ડિયા ટૂડે’ અને ‘એક્સિસ માય ઇન્ડિયા’ના લોગો સાથે એક ‘ફેક સરવે’માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 98 બેઠકો મળતી બતાવવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ડિયા ટૂડે જૂથની સંસ્થા ‘આજતકે’ આ ફર્જી પોલની પોલ ખોલી હતી અને કહ્યું હતું કે, તેમણે આવો કોઈ પણ પ્રકારનો સરવે કર્યો નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં