મરાઠા શાસકો અને ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં બાંધવામાં આવેલા કુલ 12 કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 11 કિલ્લાઓ મહારાષ્ટ્રમાં સ્થિત છે અને એક તમિલનાડુમાં આવેલો છે. વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં યાદીમાં આ કિલ્લાઓને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ ઓળખ મળવાથી દરેક ભારતીયને ખુશી થઈ છે. તેમણે ઉમેર્યું કે, “મરાઠા સામ્રાજ્યની ભવ્યતાની વાત કરીએ ત્યારે તેની સાથે સુશાસન, સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક સ્વાભિમાન અને સામાજિક કલ્યાણ વગેરે પણ યાદ કરવામાં આવે છે. આ મહાન શાસકોએ અન્યાય સામે ન ઝૂકીને આપણને બહુ મોટી પ્રેરણા આપી હતી.”
Every Indian is elated with this recognition.
— Narendra Modi (@narendramodi) July 12, 2025
These ‘Maratha Military Landscapes’ include 12 majestic forts, 11 of which are in Maharashtra and 1 is in Tamil Nadu.
When we speak of the glorious Maratha Empire, we associate it with good governance, military strength, cultural… https://t.co/J7LEiOAZqy
પીએમ મોદીએ દેશવાસીઓને આ કિલ્લાઓની મુલાકાત લેવા માટે અને મરાઠા સામ્રાજ્યના ભવ્ય ઇતિહાસને સમજવા માટે અપીલ કરી હતી.
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં 390 નાના-મોટા કિલ્લાઓ છે, જેમાંથી 12ની પસંદગી કરવામાં આવી છે. ભારતના પ્રસ્તાવ પર પેરિસમાં યોજાયેલી બેઠકમાં લગભગ 59 મિનિટ જેટલી ચર્ચા થઈ. કુલ 20 સભ્યોમાંથી 18નું ભારતના પ્રસ્તાવને સમર્થન મળ્યું હતું. ત્યારબાદ સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી. મૂળ રીતે જાન્યુઆરી 2024માં વર્લ્ડ હેરિટેજ કમિટીને ભલામણ મોકલવામાં આવી હતી. ત્યારબાદ એડવાઇઝરી બોડી સાથે અનેક તકનીકી બેઠકો, સ્થળ નિરીક્ષણ વગેરે જેવી 18 મહિના લાંબી પ્રક્રિયામાંથી પૂર્ણ થયા બાદ આખરે આ કિલ્લાઓને યાદીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરવામાં આવેલા આ કિલ્લાઓ તત્કાલીન મરાઠા સામ્રાજ્યની સૈન્ય શક્તિ અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા પ્રતિબિંબિત કરે છે. વાસ્તવમાં મરાઠા સેનાનો વિચાર છત્રપતિ શિવાજી મહારાજના શાસન સમયે 17મી સદીમાં 1670 આસપાસ રોપાયો. ત્યારબાદના શાસકોએ તેમનાં જ પદચિહ્નો પર ચાલીને તેમાં વધારો કર્યો. આ કિલ્લાઓ માત્ર પથ્થરનાં માળખાં માત્ર નથી, પણ મરાઠા શૌર્ય, સંગઠનશક્તિ અને તે સમયના શાસકોની રણનીતિક બુદ્ધિમતા પણ દર્શાવે છે.
પર્વતો, જંગલો અને દરિયાકિનારે બનાવવામાં આવેલા આ કિલ્લાઓ સ્થાપત્યકલાના પણ ઉત્તન નમૂના છે. કુદરતી રક્ષા, સૈન્ય કાર્યક્ષમતા અને સાંસ્કૃતિક ભવ્યતા દર્શાવતાં આ બાંધકામો હવે દુનિયાભરમાં ઓળખ પામી રહ્યાં છે.
આ કિલ્લાઓમાં સલહર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજયદુર્ગ, સિંધુદુર્ગ અને જિંજીનો સમાવેશ થાય છે. જેમાંથી 11 મહારાષ્ટ્રમાં આવેલા છે. એક જિંજી કિલ્લો તમિલનાડુમાં છે, જે દક્ષિણ ભારતનો સૌથી મજબૂત કિલ્લો માનવામાં આવે છે અને ત્રણ પહાડો પર ફેલાયેલો છે.
સલહર, શિવનેરી, લોહગઢ, રાયગઢ, રાજગઢ અને જિંજી એ પહાડી વિસ્તારોમાં આવેલા છે. પ્રતાપગઢનો કિલ્લો ઘનઘોર જંગલમાં સ્થિત છે. પન્હાલા એક ટેકરી પર સ્થિત છે. વિજયદુર્ગ એ દરિયાકાંઠે આવેલો કિલ્લો છે. જ્યારે ખંડેરી, સુવર્ણદુર્ગ અને સિંધુદુર્ગ એ કિલ્લાઓ છે, જે સમુદ્રમાં ટાપુ પર બાંધવામાં આવ્યા હતા. આ કિલ્લાઓ એ વાતનો પુરાવો આપે છે કે તે સમયના શાસકો પણ ભૌગોલિક કે રણનીતિક રક્ષા માટે કેટલા સજાગ હતા.


