Wednesday, December 4, 2024
More
    હોમપેજરાજકારણયમુનાની સફાઈ, શીશમહેલ વિવાદ, કામમાંથી છટકબારી….માત્ર રાજીનામું જ ન આપ્યું, કૈલાશ ગેહલોતે...

    યમુનાની સફાઈ, શીશમહેલ વિવાદ, કામમાંથી છટકબારી….માત્ર રાજીનામું જ ન આપ્યું, કૈલાશ ગેહલોતે કેજરીવાલને એ વાતો યાદ કરાવી, જેનો જવાબ માંગી રહી છે દિલ્હીની જનતા પણ

    AAPના મંત્રી કૈલાશ ગહેલોતે રાજીનામું આપતો પત્ર પોતાના સત્તાવાર X હેન્ડલ પર સાર્વજનિક કર્યો હતો. આ રાજીનામાં પત્રમાં તેમણે યમુનાની સફાઈ અને કેજરીવાલના 'શીશમહેલ'ના મુદ્દાઓ પણ ટાંક્યા છે.

    - Advertisement -

    આગામી વર્ષના પ્રારંભે જ દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને તે પહેલાં સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી દિવસે-દિવસે બેકફૂટ પર જઈ રહી છે. રાજધાની ક્ષેત્રમાં વધતા પ્રદૂષણ અને અન્ય સમસ્યાઓનો સરકાર પાસે કેન્દ્ર અને પડોશી રાજ્યોને જવાબદાર ઠેરવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી અને નેતાઓ પર ભ્રષ્ટાચારના ભરપૂર કેસો પણ છે. આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલ જે ટીમ લઈને રાજકારણ બદલવા માટે નીકળ્યા હતા એ ટીમ પણ વિખેરાઈ રહી છે. આમાં વધુ એક નામ રવિવારે (17 નવેમ્બર) જોડાયું, જ્યારે દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોતે (Kailash Gahlot) રાજીનામું આપી દીધું.

    ગેહલોતે અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સીએમ આતિશીને બે અલગ-અલગ પત્રો મોકલીને પોતે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી અને દિલ્હી સરકારના મંત્રીપદેથી રાજીનામું આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું. આતિશીને મોકલેલા પત્રમાં તેમણે વધુ કારણોનો ખુલાસો કર્યો નથી, પણ કેજરીવાલને લખેલા પત્રમાં તેમણે વિગતવાર કારણો આપ્યાં છે અને નારાજગી કેમ છે એ પણ જણાવ્યું છે. આ પત્રની પણ ખાસ્સી ચર્ચા ચાલે છે.

    કૈલાશ ગહેલોતે રાજીનામું આપતો પત્ર પોતાના સત્તાવાર X હેન્ડલ પર સાર્વજનિક કર્યો હતો. આ પત્રમાં તેમણે દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીની કામ કરવાની પદ્ધતિ પર નારાજગી વ્યક્ત કરીને યમુનાની સફાઈ અને ‘શીશમહેલ’ જેવા મુદ્દાઓ પણ ટાંક્યા. તેમણે પત્રમાં કહ્યું કે પાર્ટી ઘણા સમયથી યમુનાની સફાઈની વાતો કરી રહી છે, પરંતુ નદી સાફ થવાની જગ્યાએ વધુ ને વધુ દૂષિત થઈ છે. તેમણે ‘શીશમહેલ’નો ઉલ્લેખ કરીને કહ્યું છે કે આવા વિવાદોના કારણે હવે પ્રશ્ન એ સર્જાયો છે કે આપણે ખરેખર ‘આમ આદમી’ છીએ કે કેમ.

    - Advertisement -

    ગેહલોતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં ‘શીશમહેલ’ વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “‘શીશમહેલ’ જેવા શરમજનક અને વિચિત્ર પ્રકારના વિવાદો આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે કે શું હજુ પણ આપણે આમ આદમી છીએ? તેના પર ભરોસો કરી શકાય? હવે તે સ્પષ્ટ છે કે દિલ્હી સરકાર (AAP) પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સામે લડવામાં જ વિતાવે છે, તો આવી સ્થિતિમાં દિલ્હીનો વાસ્તવિક વિકાસ ન થઇ શકે. મારી પાસે પાર્ટીથી અલગ થવા માટે કોઈ જ વિકલ્પ નથી રહ્યો એ એટલે જ હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.”

    પત્રમાં તેમણે પાર્ટીના મુલ્યો અને વર્તમાન સ્થિતિને ટાંકીને કહ્યું છે કે, “હું તમને (અરવિંદ કેજરીવાલને) તેમ પણ જણાવવા માંગીશ કે આજે પાર્ટી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. આજે એ જ મૂલ્યો સામે પડકારો સર્જાયા છે, જે મૂલ્યોને લઈને આપણે સૌ એક થયા હતા. રાજનૈતિક મહત્વકાંક્ષી લોકો આગળ નીકળી ગયા અને જનતા પ્રત્યેના વાયદાઓ અધૂરા રહી ગયા. ઉદાહરણ આપું તો, છેલ્લાં કેટલાંય વર્ષોથી આપણે યમુનાને સ્વચ્છ નદી બનાવવાના વાયદા કર્યા હતા, પરંતુ હજુ સુધી તે નથી થઈ શક્યું. ઊલટાની યમુના પહેલા કરતાં વધુ પ્રદૂષિત થઈ ગઈ છે.”

    કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાવતાં આ પત્રમાં લખ્યું છે કે, “બીજી એક પીડાદાયક વાત એ છે કે લોકોના અધિકારો માટે લડવાને બદલે આપણે માત્ર આપણા જ રાજકીય એજન્ડા માટે લડી રહ્યા છીએ, આનાથી દિલ્હીની જનતાને મૂળભૂત સેવાઓ પૂરી પાડવી પણ મુશ્કેલ બની રહી છે. મેં મારી રાજકીય સફરની શરૂઆત દિલ્હીના લોકોની સેવા કરવાની પ્રતિબદ્ધતા સાથે કરી હતી અને હું તેમ કરવાનું ચાલુ રાખવા માંગુ છું, તેથી જ મારી પાસે પક્ષ સાથે છેડો ફાડવા અને ‘AAP’ના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નથી.”

    અહીં ખાસ નોંધવું જોઈએ કે યમુનાની સફાઈ, દિલ્હીનું ક્રાંતિકારી પરિવર્તન કે પછી શીશમહેલ વગેરે એવા મુદ્દાઓ છે, જેની ઉપર દિલ્હીની જનતાથી માંડીને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી કેજરીવાલ સરકારને સવાલો કરી રહી છે. તેમણે ન તો યમુનાની સફાઈ કરાવી, કે ન પ્રદૂષણનો મુદ્દો સોલ્વ કરી શક્યા છે. કોઈ પણ સમસ્યા માટે દિલ્હી સરકાર કેન્દ્ર સરકારને કે પાડોશી રાજ્યને જવાબદાર ઠેરવીને બાકીનો સમય પ્રેસ કૉન્ફરન્સમાં વીતાવી દે છે.

    અત્યાર સુધી જ્યારે આવા મુદ્દાઓ ઉઠતા ત્યારે કેજરીવાલ અને તેમની પાર્ટીના નેતાઓ કાયમ તેને ભાજપનું ષડ્યંત્ર ગણાવી દેતા અને કહેતા કે આમ કરીને ભાજપ રાજકારણ રમે છે. પણ હવે આ સવાલો પાર્ટીમાંથી જ ઉઠવા માંડ્યા છે અને જેઓ એક સમયે કેજરીવાલની પડખે હતા તેઓ જ પ્રશ્નો કરવા માંડ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીએ તો ગેહલોતના રાજીનામામાં પણ ભાજપનું જ ષડ્યંત્ર શોધી કાઢ્યું છે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં