Saturday, October 12, 2024
More
    હોમપેજરાજકારણસરપંચથી કરી હતી રાજકારણની શરૂઆત, RSS સંલગ્ન શાળામાં રહી ચૂક્યા છે શિક્ષક,...

    સરપંચથી કરી હતી રાજકારણની શરૂઆત, RSS સંલગ્ન શાળામાં રહી ચૂક્યા છે શિક્ષક, પિતા હતા સિક્યોરિટી ગાર્ડ: જાણો કોણ છે ઓડિશાના નવા CM મોહન ચરણ માઝી

    52 વર્ષીય મોહન ચરણ માઝી ચાર ટર્મથી ધારાસભ્ય છે. પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેમણે લાંબી મજલ કાપવી પડી અને સંઘર્ષ પણ ઘણો વેઠવો પડ્યો. 1997થી તેઓ સક્રિય રાજકારણમાં છે. શરૂઆત સરપંચ પદ પરથી થઈ હતી, જે એક રાજ્યના મુખ્યમંત્રી પર આવીને અટકી છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી સાથે ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાઇ હતી, જેમાં ઓડિશા પણ એક હતું. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત બહુમતી મેળવીને સરકાર બનાવી અને તેની સાથે જ બીજુ જનતા દળ અને નવીન પટનાયકના 24 વર્ષના એક લાંબા શાસનનો અંત આવ્યો. જીત બાદ ભાજપે સત્તાનું સુકાન મોહન ચરણ માઝીના હાથમાં સોંપ્યું. બુધવારે (12 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ ભાજપ નેતાઓની હાજરીમાં માઝીએ ઓડિશાના 15મા મુખ્યમંત્રી પદે શપથ લીધા. તેઓ રાજ્યમાં પહેલા ભાજપ મુખ્યમંત્રી છે. 

    52 વર્ષીય મોહન ચરણ માઝી ચાર ટર્મથી ધારાસભ્ય છે. પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેમણે લાંબી મજલ કાપવી પડી અને સંઘર્ષ પણ ઘણો વેઠવો પડ્યો. 1997થી તેઓ સક્રિય રાજકારણમાં છે. શરૂઆત સરપંચ પદ પરથી થઈ હતી, જે ઓડિશાના મુખ્યમંત્રી પર આવીને અટકી છે.

    મોહન માઝી કેંદુઝર જિલ્લાના વતની છે. તેઓ સાધારણ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેમના પિતા એક ચોકીદારની નોકરી કરતા હતા. તેમણે 1987માં હાયર સેકન્ડરી અને 1990માં 12મુ ધોરણ પાસ કર્યું. ત્યારબાદ તેમણે BAની ડિગ્રી મેળવી અને પછી લૉ કોલેજમાંથી LLBની ડિગ્રી મેળવી. રાજકારણમાં પ્રવેશ્યા તે પહેલાં મોહન ચરણ પોતાના વિસ્તારની એક સરસ્વતી શિશુમંદિર સ્કૂલમાં શિક્ષક હતા. શિશુમંદિર વિદ્યાભારતી સંચાલિત કરે છે અને જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા છે. 

    - Advertisement -

    1997થી સક્રિય રાજકારણમાં

    1997માં તેઓ રાજકારણમાં આવ્યા. સૌપ્રથમ તેઓ ગામના સરપંચ બન્યા હતા. લગભગ ત્રણ વર્ષ સુધી તેઓ સરપંચ રહ્યા. વર્ષ 2000માં તેઓ પહેલી વખત કેઓંઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2004માં પણ તેઓ આ બેઠક પરથી જ ચૂંટાયા હતા. 2005થી 2009 સુધી તેઓ BJD-BJP સરકારમાં ડેપ્યુટી ચીફ પણ રહ્યા હતા. 

    વર્ષ 2009 અને 2014ની ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 2019માં આ જ બેઠક પરથી તેઓ ફરી વિજેતા બનીને વિધાનસભામાં પહોંચ્યા હતા. 2024માં પણ તેઓ તે જ બેઠક પરથી જીતીને આવ્યા છે. 2019માં પાર્ટી મુખ્ય વિપક્ષ બનતાં તેમને ચીફ વ્હીપ તરીકે નીમવામાં આવ્યા હતા. 

    મોહન ચરણ માઝીની ઓળખ એક ફાયરબ્રાન્ડ આદિવાસી નેતા તરીકેની છે. ઉપરાંત તેમનું સંગઠનાત્મક કૌશલ્ય પણ આટલાં વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મદદરૂપ થયું છે અને પાર્ટીને અહીં સુધી પહોંચાડવામાં સિંહફાળો આપનારા નેતાઓમાં તેમની પણ ગણતરી થાય છે. ઉપરાંત, તેમની નિષ્કલંક છબી પણ મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવામાં મદદરૂપ થઈ. 

    2019માં MLA હોવા છતાં અનેક દિવસો ગુજાર્યા હતા ફૂટપાથ પર

    તેમની સરળતા દર્શાવતો એક કિસ્સો વર્ષ 2019ની ચૂંટણી પછી જાણીતો બન્યો હતો. 2019માં ફરી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા બાદ તેમણે ગૃહમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સરકારી આવાસ ફાળવવામાં વિલંબ થવાના કારણે તેમણે ઘણી રાત્રી ફૂટપાથ પર ઊંઘીને કાઢવી પડી હતી. તેમણે કહ્યું હતું કે, આટલા ઓછા સમયમાં તેઓ ઘર ભાડે લઇ શકે એમ નથી અને એક વખત તેઓ ખુલ્લામાં ઊંઘતા હતા તો ફોન પણ ચોરાઈ ગયો હતો. 

    જોકે, હવે નવા મુખ્યમંત્રી માટે નિવાસસ્થાન શોધવાનું કામ આરંભી દેવામાં આવ્યું છે. કારણ એ છે કે પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક રાજધાની ભુવનેશ્વર ખાતેના પોતાના અંગત નિવાસસ્થાને જ રહેતા હતા અને એટલે છેલ્લાં 24 વર્ષમાં ક્યારેય મુખ્યમંત્રી માટે સરકારી નિવાસસ્થાનની જરૂર પડી જ નહીં. નવીન પટનાયક 24 કરતાં વધુ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા, જેઓ સૌથી લાંબો સમય સીએમ રહેનારા નેતાઓની યાદીમાં બીજા ક્રમે છે. જો 76 દિવસ વધુ સીએમ રહ્યા હોત તો પહેલાં ક્રમે પહોંચી ગયા હોત. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં