Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણપહેલાં હતા પાર્ટીના ‘આદરણીય MLA’, રાજીનામું આપ્યા બાદ થઈ ગયા ‘લલ્લુ-પંજુ’: ભૂપત...

    પહેલાં હતા પાર્ટીના ‘આદરણીય MLA’, રાજીનામું આપ્યા બાદ થઈ ગયા ‘લલ્લુ-પંજુ’: ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ગોપાલ ઈટાલિયાને હવે ‘મર્દાનગી’ યાદ આવી

    વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પાર્ટી તૂટવાથી ગિન્નાયેલા આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ભૂપત ભાયાણી વિશે આપત્તિજનક વાતો કહી હતી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી નેતા અને વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ બુધવારે (13 ડિસેમ્બર) રાજીનામું ધરી દીધું હતું. તેમના જવાથી હવે આમ આદમી પાર્ટી પાસે ચાર જ ધારાસભ્યો રહી ગયા છે. જેના કારણે પાર્ટીના શીર્ષ નેતૃત્વને ચિંતા પેંઠી છે અને બેફામ નિવેદનો અપાઈ રહ્યાં છે. ગોપાલ ઈટાલિયાએ ‘લલ્લુ-પંજુ’ અને ‘નામર્દ’ જેવા શબ્દો વાપરીને ભૂપત ભાયાણી માટે આપત્તિજનક વાતો કહી તો સાથે ઈસુદાન ગઢવીએ વિસાવદરની જનતાની માફી માંગી હતી.

    વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પાર્ટી તૂટવાથી ગિન્નાયેલા આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ભૂપત ભાયાણી વિશે બોલતા કહ્યું, “મર્દ માણસ હોત તો સંઘર્ષના મેદાનમાં ઉભા હોત. લલ્લુપંજુ હશે તો સંઘર્ષનું મેદાન છોડી ભાગી જશે. જે મર્દ છે એ અહીં છે અને જેનામાં મર્દાનગી નથી એ મેદાન છોડીને ભાગી જાય છે.”

    વધુમાં ભાજપનું નામ લેતા કહ્યું, “ભાજપમાં જેની મૂછે લીંબુ લટકતા હોય કે માઈનો લાલ હોય એ મને ધમકાવી કે લલચાવી બતાવે, જે લલ્લુપંજુ હોય એને લલચાવી શકાય. અરવિંદ કેજરીવાલના સાચા સૈનિકોને નહીં. અમે છે ત્યાં સુધી તમે આમ આદમી પાર્ટીને ખતમ કરી શકશો નહીં.” જોકે, અહીં નોંધવા જેવું એ છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય કે સાંસદ નથી. એવું નથી કે તેમણે પ્રયાસ કર્યા ન હતા, પણ કતારગામ બેઠક પરથી બહુ કારમી હાર વેઠવી પડી હતી.

    - Advertisement -

    તો આ જ મામલે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સંબોધતા કહ્યું, ‘મેં પહેલાં પણ ભૂપત ભાઈને સમજાવ્યા હતા કે આ ભાજપ છે ડબ્બામાં નાખી દેશે. ચિઠ્ઠીના ચાકર બનીને રહેવું હોય તો ત્યાં જવાય.” આગળ કહ્યું કે, “વિસાવદરની જનતા કાયમ BJP વિરોધી રહી છે, છતાંય હું વિસાવદરની જનતાને હું વિંનતી કરું છું કે અમે ઉમેદવાર આપવામાં માર ખાઈ ગયા છીએ. બીજી વાર ધ્યાન રાખીશું.”

    આ નિવેદનો મામલે હજુ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીની કોઈ પ્રતિક્રિયા બહાર આવી નથી. ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના જ સભ્ય હતા અને આ જ પાર્ટીની ટીકીટ પર લડીને વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેમને સંભળાવી રહ્યા છે તેઓ તેમની જ પાર્ટીના સાથી સભ્ય રહી ચૂક્યા છે.

    ભૂપત ભાયાણી જે વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય છે એ બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી. આ ઉપરાંત હર્ષદ રિબડિયા કે હાલ જેઓ ભાજપના સભ્ય છે તેઓ પણ પહેલાં કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજાર વોટોના માર્જીનથી હરાવ્યા હતા. નોંધનીય છે કે ભૂપત ભાયાણી શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા પરંતુ 2 વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને હવે ફરી એકવાર ભાજપનો કેસરિયો ધારણ કરવાની તૈયારી કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં