થોડા સમય પહેલાં એક વરિષ્ઠ અને આદરણીય પત્રકારના સન્માન સમારોહમાં જવાનું બન્યું. તેઓ સમારોહના મુખ્ય વક્તા હતા. પોતાનું સંબોધન શરૂ કર્યું ત્યારે બહુ સરસ વાત કહી: ‘અમને પત્રકારોને દેશથી માંડીને દુનિયાની ઘણી ચિંતા રહે છે, ભલભલાને સલાહ આપીએ છીએ, પણ ક્યારેય સ્થાનિક સ્તરે શું થાય છે કે પોતાના ગામ-શહેરમાં શું સ્થિતિ છે તેની દરકાર રાખતા નથી. તેની ક્યારેય ચિંતા થતી નથી.”
આને વર્તમાન સંદર્ભમાં થોડા ફેરફાર સાથે કહીએ તો એમ કહેવાય કે અમને પત્રકારોને બીજાને ત્યાં દરોડા પડે ત્યાં સુધી કોઈ તકલીફ થતી નથી. આવા બધા દરોડાના સમાચારો હોંશેહોંશે આપીએ છે. પણ જ્યારે છાપા-ચેનલની જ ઑફિસે જો દરોડા પડ્યા તો સૂર બદલાઈ જાય છે. પછી એ દરોડા નથી રહેતા, એ લોકતંત્રની હત્યા થઈ જાય છે. મીડિયા પર હુમલો થઈ જાય છે. અખબારી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો પ્રયાસ થઈ જાય છે.
હમણાં ઇન્કમ ટેક્સ વિભાગે GSTV અને ગુજરાત સમાચાર સંબંધિત અમુક ઠેકાણાં પર દરોડા પાડ્યા. ત્યારબાદ EDની ટીમ આવી. ITના દરોડા પડ્યા એટલે સોશિયલ મીડિયા પર અમુક તથાકથિત પત્રકારોએ રડારોળ શરૂ કરી. ED આવી તો કાર્યવાહીને મીડિયા પર હુમલો ગણાવવામાં આવી. સરકારને શરમ અનુભવવા માટે કહી દેવામાં આવ્યું. આખરે ગુજરાત સમાચારના માલિક ભાઈઓ પૈકીના એક બાહુબલી શાહને એજન્સી ઉઠાવી લઈ ગઈ એટલે ઈકોસિસ્ટમે એકઠી થઈને રડવાનું ચાલુ કર્યું. હજુ ક્યાંકથી અવાજો આવી રહ્યા છે.
ગુજરાત સમાચારે તો જોકે તોપણ થોડું માપ રાખ્યું છે. સત્તાવાર રીતે હજુ ક્યાંય કોઈ પ્રતિક્રિયા આપી નથી. ન તો છાપામાં કોઈ સમાચાર છે કે ન કોઈ વેબસાઈટ-ચેનલ પર ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. બાકી ભૂતકાળમાં આ રીતે દિવ્ય ભાસ્કરની ઑફિસ પર એજન્સીઓ ત્રાટકી હતી ત્યારે છાપાએ બહુ ચલાવ્યું હતું અને ‘અમે તો સાચું જ બોલવાના અને ડરવાના નહીં’, ‘સરકારે જે કરવું હોય એ કરે’ એ મુજબની બૂમો પાડવા માંડી હતી. BBC જેવાઓ સામે જો સરકાર થોડી ચાબુક ઉપાડે એટલે ઇકોસિસ્ટમમાંથી પ્રેસ ફ્રીડમની વાતો થવા માંડે છે.
પરંતુ મૂળ વાત એ છે કે અખબાર ચલાવવું એ પણ આખરે એક ધંધો કહેવાય. તેમાં પૈસો જોડાયેલો છે અને બહુ મોટા પ્રમાણમાં જોડાયેલો હોય છે. આ અખબાર ચલાવનારાઓ સામે કોઈ કાર્યવાહી થાય, નાણાકીય ગેરરીતિની તપાસ થાય કે માલિકો અને સંચાલકો સામે કોઈ કાર્યવાહી થાય તો તેને મીડિયા પર હુમલો કહેવાય? ન કહેવાય. એવું કહેનારા મૂરખ કહેવાય.
વરિષ્ઠ પત્રકાર જશવંત રાવલ બહુ સરસ વાત કહે છે. વાંચો: “જેમ આશારામ જેલમાં જાય એ ધર્મ પરનો, ભીંડરેવાલને ઝબ્બે કરવા સુવર્ણ મંદિરને અસર પહોંચે, ત્રાસવાદીઓને ખતમ કરતાં મસ્જિદ તૂટે એ બધાં ધર્મ પરનો હુમલો નથી. દુષ્કૃત્યો સામેની કાર્યવાહી છે. કોઈ બાવો,પાદરી કે મૌલવી ધર્મસ્થાનમાં દુષ્કૃત્ય કરે તો એ અધિક સજાનો અધિકારી ગણાય. પત્રકારત્વની આડમાં કોઈ પણ કાયદા વિરુદ્ધ કામ થતું હોય તો એના પર કાર્યવાહી એ પત્રકારત્વ પરની દાઝ નથી ઉલટાનું પવિત્ર વ્યવસાયને અભડાવ્યાના પાતક સામેની આડ છે.”
આ ભેદ સમજવો જરૂરી છે. અખબાર પણ લોકતાંત્રિક વ્યવસ્થાનો એક ભાગ છે. તેને જેટલી સ્વતંત્રતા મળે તેટલી જ જવાબદારીઓ પણ હોય છે, જે દરેક સામાન્ય માણસના ખભે હોય એ અખબાર પર પણ હોય. માત્ર વ્યવસાયના ચરિત્રના કારણે કોઈ વિશેષાધિકાર મળી જતો નથી. જેમ ED અને ઇન્કમ ટેક્સ અન્ય વ્યવસાયિક એકમો વિરુદ્ધ કાર્યવાહી કરે એમ અખબાર પણ વ્યાવસાયિક એકમ છે, તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકે.
આવા સમયે જેઓ કાયમ એન્ટી-એસ્ટાબ્લીશમેન્ટના નામે વ્યક્તિવિરોધ થકી જ પોતાની દુકાન ચલાવતા હોય તેવાઓને કહેવા માટે કારણ મળી જાય છે કે તેના વિરોધના કારણે (તેને આ જમાત ક્રાંતિકારી પત્રકારત્વમાં ખપાવે છે) આ બધું ભોગવવું પડી રહ્યું છે. પણ પ્રશ્ન એ છે કે જો હિસાબકિતાબ ચોખ્ખા હોય, કંઈ ખોટું કામ થયું ન હોય તો પછી ભોગવવાનું આવે ક્યાંથી? ડરવાનું આવે ક્યાંથી?
એટલું ખરું કે પત્રકારો વિરુદ્ધ તેમણે છાપેલા સમાચારો, લેખો માટે કેસ ન થવા જોઈએ કે બિનજરૂરી હેરાનગતિ ન થવી જોઈએ. થાય ત્યારે તમે અવાજ ઉઠાવો એ પણ વ્યાજબી છે. જોકે ગુજરાત સમાચારનાં કારસ્તાનો એ કક્ષાનાં છે કે તેમાં પણ કાર્યવાહી થઈ શકે એમ છે. છતાં સત્તામાં બેઠેલાઓ સહિષ્ણુ છે. ગુજરાત સમાચારના પત્રકારત્વ મામલે કોઈ કેસ થયા નથી, આ નાણાકીય ગેરરીતિ મામલેના કેસ છે. તેને મીડિયા પર હુમલા ન કહેવાય.
નોંધવાનું એ પણ રહે કે ભૂતકાળમાં એક એવો મુખ્યમંત્રી પણ હતો, જેને એજન્સીઓએ બેસાડીને નવ-નવ કલાક સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ પણ એ અડીખમ રહ્યો હતો. તમામ કાર્યવાહીનો સામનો કર્યો, આરોપો ઝીલ્યા, તેના જવાબો આપ્યા અને એક પણ ડાઘ વગર બહાર આવીને તેર વર્ષ સુધી ગુજરાતમાં ઐતિહાસિક શાસન કર્યું, એક દાયકાથી ભારતના વડાપ્રધાન છે અને વિશ્વ તેના કામની નોંધ લે છે.
ગુજરાત સમાચારના માલિકોએ મોદીદ્વેષમાં લેખો છાપછાપ કરવાની જગ્યાએ મોદીના જીવનમાંથી જે શીખવા જેવું હતું એ શીખી લીધું હોત તો આવા વખતે કામ આવ્યું હોત! વાંધો નહીં, જૉન એલિયાએ કહ્યું છે તેમ, કૌન સીખા હૈ સિર્ફ બાતોં સે, સભી કો એક હાદસા જરૂરી હૈ!