જે રાજ્યમાં ચૂંટણી આવતી હોય ત્યાં નહીં ને બીજે-બીજે માથાકૂટ કર્યા કરવાની રાહુલ ગાંધીની આદત હજુ ગઈ નથી. ઑક્ટોબર-નવેમ્બરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવે છે. ઉત્તર પ્રદેશની જેમ ત્યાં પણ કોંગ્રેસની હાલત બહુ સારી નથી. પણ પાર્ટીના યુવા નેતા, પૂર્વ અધ્યક્ષ, વિપક્ષ નેતા પશ્ચિમે ગુજરાત પધાર્યા છે. બે દિવસથી રાહુલ ગાંધી ગુજરાતમાં છે. અહીં તેમણે પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે બેઠક કરી, વિવિધ જિલ્લાના પ્રમુખોને મળ્યા અને બીજા દિવસે કાર્યકર્તાઓની પણ એક સભા સંબોધી.
હવે આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાત આવવા પાછળ કોઈ ખાસ ઉદ્દેશ્ય તો દેખાતો નથી. કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આવ્યા હોત તોપણ એક કારણ મળ્યું હોત. બની શકે કે પ્રદેશ નેતૃત્વને ચૂંટણીના પરિણામની આશંકા પહેલેથી હશે એટલે દોષનો ટોપલો રાહુલ ગાંધીના માથે ન ઢોળાય એમ કરીને ત્યારે તેમના કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યા નહીં હોય.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને માહોલ બનાવવાના તો પૂરતા પ્રયાસ થયા છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસીઓ સક્રિય છે અને ઉત્સાહમાં છે. તેઓ જેટલા ઉત્સાહમાં નથી તેટલા ઉત્સાહમાં ઠેરઠેર યુટ્યુબ ચેનલ ખોલી બેઠેલા તથાકથિત પત્રકારો છે. જેમના માટે વિપક્ષી નેતા શ્વાસ લે એ પણ બ્રેકિંગ ન્યૂઝ છે કે કોઈ કંઇક મોદી વિશે બોલી નાખે એ તેમના માટે ‘સીધો પ્રહાર’ કહેવાય છે. આવા બધાઓ બે દિવસથી રાહુલ ગાંધીની આ મુલાકાતને ‘ક્રાંતિકારી’ અને ‘પવન બદલનારી’માં ખપાવવાના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે, પણ રાહુલ ગાંધીએ એકલે હાથે તેમના આ ભગીરથ કાર્ય પર પાણી ફેરવી નાખ્યું છે.
રાહુલ ગાંધીની વાત સાંભળીએ તો પણ એવું લાગે છે કે તેઓ પોતે પણ ગુજરાતમાં કશુંક કરી નાખવા માટે ભારે ઉત્સાહિત છે. પરંતુ તેમની આ મહેનત સદંતર વ્યર્થ છે અને તેમાંથી કશું જ ઊપજવાનું નથી. કારણ એ છે કે ગુજરાતમાં કોંગ્રેસની હાલત એટલી ખરાબ થઈ ચૂકી છે કે આવનારા એક દાયકા સુધી પાર્ટી ઉપર ઉઠી શકે એમ નથી. ભાજપને સત્તા પરથી દૂર કરવાની વાત બાજુ પર રહી, પાર્ટી તાલુકા કે જિલ્લા પંચાયતો પણ જીતવાની સ્થિતિમાં રહી નથી. પાર્ટીની હાલત સાવ જાય એવી છે એવું જોકે રાહુલ ગાંધી પોતે પણ સ્વીકારીને ગયા છે, એ પણ જાહેરમાં.
કોંગ્રેસ પાસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અંતિમ તક હતી અને તે સમયે અમુક આંદોલનો અને બીજા મુદ્દાઓના કારણે કોંગ્રેસતરફી કે ભાજપ સરકારવિરોધી માહોલ પણ બની ગયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસ છેક 77 સુધી પહોંચી ગઈ, પણ મોદી-શાહની રણનીતિએ ભાજપને ઉગારી લીધો અને 99 બેઠક તો 99 પણ સરકાર સાચવી રાખી.
ત્યારપછી જે બન્યું એનું તો ગુજરાત સાક્ષી રહ્યું છે. પાંચ વર્ષમાં કોંગ્રેસ તૂટતી રહી અને ભાજપ એટલો જ મજબૂત પક્ષ બનતો રહ્યો. તેના પરિણામે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો આવી. હમણાં ભાજપનું સંખ્યાબળ 160 પ્લસ છે. કોંગ્રેસીઓ 10-12 રહી ગયા છે.
ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન સદંતર પડી ભાંગ્યું છે. કાર્યકર્તાઓ વિમુખ થઈ રહ્યા છે. જમીન પર દોડનારું કોઈ રહ્યું નથી અને નેતાઓ પ્રેસ કૉન્ફરન્સ કરીને સંતોષ માનીને બેસી રહે છે. આવી સ્થિતિમાં પ્રદેશ કક્ષાના નેતાઓને થયું હશે કે રાહુલ ગાંધીને બોલાવીને સંગઠનમાં ફરી પ્રાણ ફૂંકી દઈએ. રાહુલ ગાંધી આવ્યા પણ ખરા, પણ આવીને તેમણે એવું કામ કર્યું જેનાથી આ નેતાઓ અને કાર્યકર્તાઓનું મોરલ વધુ ડાઉન થઈ જશે અને ભાજપને એક નવો વિષય મળી જશે.
રાહુલ ગાંધી શું કહે છે વાંચો- “ગુજરાત ફસાયેલું છે. ગુજરાતને રસ્તો નથી દેખાય રહ્યો. ગુજરાત આગળ વધવા માંગે છે. અને કોંગ્રેસ પાર્ટી, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને આ રાજ્યમાંથી કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી તેને રસ્તો દેખાડી શકતી નથી.” રાહુલે આ કહ્યું ત્યાં તાળીઓનો ગડગડાટ થયો. જ્યારે હકીકતે આમાં તાળી પાડવા જેવું કશું જ નથી.
#WATCH | Ahmedabad, Gujarat: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "…Gujarat is stuck, it is unable to see the way, Gujarat wants to move forward. I am a member of the Congress party and I am saying that the Congress party of Gujarat is unable to show it the way, and… pic.twitter.com/UYBZ5BdvfM
— ANI (@ANI) March 8, 2025
રાહુલે આગળ ચલાવ્યું, “હું ડર સાથે કે શરમ સાથે નથી કહી રહ્યો, પરંતુ હું આ વાત તમારી સામે એટલા માટે કહી રહ્યો છું કે રાહુલ ગાંધી હોય, આપણા મહાસચિવ હોય, પ્રદેશ અધ્યક્ષ હોય…આપણે ગુજરાતને રસ્તો દેખાડી શકતા નથી. આપણે ગુજરાતની જનતાનું સન્માન કરતા હોઈએ તો સ્પષ્ટ કહેવું પડશે કે આજ સુધી 15-30 વર્ષ ગુજરાતની જે આશાઓ આપણી પાસે હતી, મારી પાસેથી હતી, આપણા પ્રદેશ અધ્યક્ષ પાસે હતી, આપણા ઇન્ચાર્જ પાસે હતી, એ આપણે પૂરી ન કરી શક્યા. જો આપણે આ ન સ્વીકારીએ તો આપણો ગુજરાતની જનતા સાથે કોઈ સંબંધ નહીં બની શકે.
“લગભગ 30 વર્ષ થઈ ગયાં. આપણે અહીં સરકારમાં નથી. જ્યારે હું આવું છું ત્યારે ચર્ચા 2007, 2012, 2017, 2022, 2027ની ચૂંટણીઓ પર થાય છે. પણ પ્રશ્ન ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણી જવાબદારી છે, તેને આપણે પૂરી ન કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને નહીં ચૂંટે. આપણે ખરેખર ગુજરાતની જનતા પાસે આ માંગવું પણ ન જોઈએ કે તમે અમને સરકાર આપો. જ્યાં સુધી આપણે આપણી જવાબદારી ન પૂર્ણ કરીએ. જ્યારે આપણે જવાબદારી પૂર્ણ કરીશું ત્યારે જ ગુજરાતના લોકો આપણને સમર્થન આપશે.”
#WATCH | Ahmedabad, Gujarat: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "…It has been almost 30 years since we have been in power here. Whenever I come here, there are discussions on Assembly elections of 2007, 2012, 2017, 2022, 2027…But the question is not about… pic.twitter.com/7TU2KL1rUq
— ANI (@ANI) March 8, 2025
અન્ય એક ટિપ્પણીમાં રાહુલ ગાંધી કહે છે કે, એક વખત તેઓ એક બેઠકમાં હતા ત્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસનો એક કાર્યકર્તા તેમની પાસે આવ્યો અને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં સમસ્યા એ છે કે તે બારાતના ઘોડાને રેસમાં વાપરે છે અને રેસના ઘોડાને બારાતમાં. આ બદલવાની જરૂર છે. આ વાક્યો પર પણ બહુ તાળીઓ પડી. કારણ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ જાણે. પણ લોકો ઈન્ટરનેટ પર કહી રહ્યા છે કે આ તો રાહુલ ગાંધીની પોતાની વાત થઈ રહી હોય તેમ લાગે છે કારણ કે કોંગ્રેસ સૌથી વધુ ચૂંટણી તો તેમના નેતૃત્વમાં જ હારી છે.
આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતના લોકો સાથે સંબંધ બાંધવો હોય તો પહેલાં બે ગ્રુપ બંધ કરવાં પડશે. કડક કાર્યવાહી કરવી પડશે અને 10, 15, 20, 30 લોકોને કાઢવા પડે તો કાઢી મૂકવા પડશે. સાથે એ પણ સ્વીકાર્યું કે અમુક લોકો ભાજપ માટે કામ કરી રહ્યા છે અને તેમને બહાર કરવાની જરૂર છે.
આમાંથી મોટાભાગની વાતો પર કોંગ્રેસ કાર્યકર્તાઓની તાળીઓ ભલે પડી હોય પણ આમાં તાળી પાડવા જેવું કે ખુશ થવા જેવું કંઈ હતું નહીં. નેતા પાર્ટીની નબળાઈઓ જણાવી રહ્યો હોય ત્યારે શાંતિથી બેસીને સાંભળવું જોઈએ, પણ આ કાર્યકર્તાઓને કોણ જાણે કેમ મજા આવતી હતી. પરંતુ પ્રદેશ કક્ષાના નેતાઓને રાહુલ ગાંધીની આ વાતો કઠી હશે.
કારણ એ છે કે એક તો એ જાહેર કાર્યક્રમોમાં કહેવામાં આવી અને સીધી રીતે જ કહી દેવામાં આવ્યું કે સંગઠન કંઈ કરી રહ્યું નથી જેના કારણે લોકો ગુજરાતમાં કોંગ્રેસને તક આપી રહ્યા નથી. સામાન્ય રીતે આવી વાતો બંધ બારણે થતી બેઠકોમાં કહેવામાં આવતી હોય છે. તેમણે આડકતરી રીતે અમુક નેતાઓને કાઢવાની પણ વાત કરી. આ વાત મંચ પરથી કહેવી સરળ છે, પણ અમલ કરવું અત્યંત કઠિન. કારણ કે અનુભવી નેતાઓને બાજુ પર મૂકીને તેમના માર્ગદર્શન વગર સાવ નવા ચહેરાઓ મૂકવામાં આવે તો તેઓ સદંતર તાળું મારવાનો વખત આવે એવી જ સ્થિતિ ઊભી કરે. બીજી તરફ આવી વાતોથી જે અત્યારના નેતાઓ થોડુંઘણું કામ કરી રહ્યા હશે તેઓ પણ પાછલી સીટ પકડી લેશે.
બીજું, રાહુલ ગાંધીને લાગે છે કે સંગઠન મજબૂત કરવાથી ગુજરાતના લોકો તેમની ઉપર વિશ્વાસ મૂકવા માંડશે. આ સંભવતઃ તેમના કોઈ સલાહકારે જણાવ્યું હોવું જોઈએ. પણ હકીકત એ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનાં મૂળિયાં એટલાં મજબૂત થઈ ચૂક્યાં છે કે બીજી કોઈ પાર્ટી ગમે એટલી મજબૂત હોય, તેણે પહેલાં ભાજપનો આ કિલ્લો તોડવો પડે. કોંગ્રેસ માટે હવે પડકાર માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો નથી, સતત આગળ વધતા જતા ભાજપના રથને રોકવાનો પણ છે. પહેલું કામ પ્રમાણમાં સહેલું છે, બીજું અત્યંત કઠિન.
એટલે આ બધી વાતો સાંભળવામાં સારી લાગે એમ છે. ગુજરાતની જનતા બહુ શાણી અને સમજદાર છે. તેઓ જાણે છે કે કોણ બહાર જઈને તેમને ગાળો દઈને મત ઉઘરાવે છે અને કોણ રાજ્યમાં આવીને મીઠી-મીઠી વાતો કરી જાય છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસે હજુ અહીં ઘણી મહેનત કરવાની છે. પણ જે રીતે પોલ ખુલી રહી હતી ત્યારે તાળીઓનો ગડગડાટ થતો હતો તેને જોતાં લાગે છે કે કોંગ્રેસીઓ માટે હજુ ગાંધીનગર ઘણું દૂર છે.