Friday, April 19, 2024
More
    હોમપેજમંતવ્યઉઝબેકિસ્તાનની દુઃખદ ઘટના બાદ કોંગ્રેસના જયરામ રમેશે ભારત વિરોધી ઝેર ઓક્યું; નેટીઝન્સે...

    ઉઝબેકિસ્તાનની દુઃખદ ઘટના બાદ કોંગ્રેસના જયરામ રમેશે ભારત વિરોધી ઝેર ઓક્યું; નેટીઝન્સે આકરી ઝાટકણી કાઢી

    ફક્ત મોદી વિરોધમાં જયરામ રમેશ આવું કહી રહ્યાં છે. એ શક્યતા પણ નકારી ન શકાય કે ભારતીય કોરોના વિરોધી રસીની સફળતા અને ચીની રસીની નિષ્ફળતાએ ગામ્બિયા અને ઉઝબેકિસ્તાન જેવા નાનાં રાષ્ટ્રોને ભારત વિરોધી પ્રચાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હોઈ શકે.

    - Advertisement -

    થોડા સમય અગાઉ આફ્રિકાના ગામ્બિયા દેશમાં ભારતમાં બનેલા કફ સીરપને લીધે કેટલાંક બાળકોનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલો પ્રકાશિત થયાં હતાં. હવે આવી જ ઘટના ઉઝબેકિસ્તાનમાં બની છે. ગામ્બિયાની ઘટના બાદ ત્યાંની સરકારે એ બાબતનો રદિયો આપ્યો હતો કે ભારતમાં બનેલા કફ સીરપને લીધે જ બાળકોના મૃત્યુ થયાં છે એમ કહી શકાય તેમ નથી. તેમ છતાં કોંગ્રેસી પ્રવક્તા અને વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઉઝબેકિસ્તાનની ઘટનાને ગામ્બિયા સાથે જોડી તેનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરતાં ભારત વિરોધી ઝેર ઓકી દીધું છે.

    ઉઝબેકિસ્તાનમાં આવેલા સમરકંદમાં ભારત સાથે સંલગ્ન એવા કફ સીરપને લીધે 18 બાળકોનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલો દેશભરના મીડિયામાં ગત રાત્રી દરમ્યાન પ્રકાશિત થયાં છે. આ પ્રકારની ઘટના થવી એ ખરેખર દુઃખદ છે પરંતુ જયરામ રમેશ જેવા રાજકારણના અનુભવી નેતાએ આ બાબતે સરકારની ટીકા કરવાની લ્હાયમાં દેશનું અપમાન કરતી ટ્વીટ કરી દીધી હતી.

    પોતાની ટ્વીટમાં જયરામ રમેશે જણાવ્યું હતું કે, “મેઈડ ઇન ઇન્ડિયા કફ સીરપ ઘાતક હોય એવું લાગે છે. પહેલાં તેણે ગામ્બિયામાં 70 બાળકોનો ભોગ લીધો અને હવે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોનો. મોદી સરકારે ભારત દુનિયાની ફાર્મસી (દવાની દુકાન) હોવા અંગેનો ગર્વ લેવાનું છોડી દેવું જોઈએ અને વિશ્વ દ્વારા આ બાબતે કડક પગલાં લેવાવાં જોઈએ.”

    - Advertisement -

    પહેલાં તો આપણે ઉઝબેકિસ્તાનની સરકારે આ ઘટના અંગે જે આધિકારિક નિવેદન આપ્યું છે તે જોઈએ. આ નિવેદનમાં ઉઝબેકિસ્તાનની સરકારે લખ્યું છે કે, “(આ સીરપની) બનાવટમાં દુષિત ઈથેનીલ ગ્લાયકોલ જોવા મળ્યું છે. એમ પણ જાણવા મળ્યું છે કે આ દવાઓનો હાઈ ડોઝ પ્રિસ્ક્રીપ્શન વગર આ બાળકોને આપવામાં આવ્યો હતો.”

    ઉપરોક્ત નિવેદનનો સ્પષ્ટ અર્થ છે કે જે કમનસીબ બાળકો મૃત્યુ પામ્યાં છે તેમને આ સીરપ કોઇપણ પ્રકારના પ્રિસ્ક્રીપ્શન વગર આપી દેવામાં આવ્યું હતું. કફ સીરપનો ઉપયોગ આપણા દેશમાં વિવિધ રીતે થાય છે તે આપણે જાણીએ છીએ આથી શરદી-ઉધરસ દરમ્યાન નિર્દોષ લાગતું આ સીરપ જો ડોક્ટરની સલાહ અથવાતો પ્રિસ્ક્રીપ્શન વગર લેવામાં આવે તો તે જીવલેણ નીવડી શકે છે તે સ્પષ્ટ છે.

    જો કે ઉઝબેકિસ્તાનની સરકાર આ બાબતે પુરતી તપાસ કરશે એ ચોક્કસ છે, તેમ છતાં જયરામ રમેશે પોતાની રીતે ન્યાયાધીશ બની જઈને ત્વરિત ન્યાય તોળવાની શી જરૂર હતી એ કોઇપણ વ્યક્તિની સમજણશક્તિની બહાર છે. ચલો અંગ્રેજીમાં જેને knee jerk reaction કહેવામાં આવે છે એ તો કોઇપણ આપી શકે છે પરંતુ આ સમગ્ર ઘટનામાં ભારતનું અપમાન કરવાની જરૂર જયરામ રમેશને કેમ લાગી હશે?

    આપણે જાણીએ છીએ કે કોરોના દરમ્યાન પણ કોંગ્રેસે ભારતીય બનાવટની રસીઓ પર શંકા વ્યક્ત કરી હતી. અમુક વિપક્ષી નેતાઓ જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્ય હતાં, ઉપરાંત લેફ્ટ-લિબરલ પત્રકારોએ ભારતને ચીનની રસી ઉપયોગમાં લેવાની સલાહ આપતાં રીતસર દબાણ કર્યું હતું. એવી જ રીતે આ વખતે ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનની બે ઘટનાઓ પર જયરામ રમેશની ટ્વીટ કદાચ ભારતને ઔષધીય ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતાં અટકાવવાનો બીજો એક પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે.

    જેમ અત્યારે ઉઝબેકિસ્તાને કહ્યું છે તે જ પ્રમાણે ગામ્બિયાએ પણ અગાઉ નિવેદન દ્વારા જાહેર કર્યું હતું કે ભારતીય કફ સીરપને લીધે તેને ત્યાં 70 બાળકોનાં મૃત્યુ થયાં છે તે બાબતની પુષ્ટિ થઇ શકતી નથી. આમ આ રીતે વગર પુષ્ટિ થયેલા મીડિયા રીપોર્ટસને આધાર બનાવીને જયરામ રમેશ અને કોંગ્રેસ કેવી રીતે ભારતની કોફ સીરપ ઘાતક છે એવું કહી રહ્યાં છે?

    આટલું જ નહીં પરંતુ તેઓ આ પ્રકારના રીપોર્ટ અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે અને મેઈડ ઇન ઇન્ડિયા કફ સીરપ ઘાતક છે એવું અસત્ય ફેલાવીને દુનિયાના અન્ય દેશોને ભારત વિરુદ્ધ પગલાં લેવા માટે ઉશ્કેરી રહ્યાં છે. જયરામ રમેશની આ ટ્વીટે નેટીઝન્સને પણ ગુસ્સે કર્યા હતાં અને તેમને ઝાટકી નાખતી ઘણી ટ્વીટ સામે આવી છે.

    માધવ શર્માએ જયરામ રમેશનો ઉધડો લેતાં ગામ્બિયા અને DCGIના રીપોર્ટને ટાંક્યો છે અને તેમને ખોટી માહિતી ફેલાવવા બદલ શરમાવું જોઈએ તેમ કહ્યું છે.

    તો એમએસ શ્રીનિવાસ રાવે રમેશને પ્રશ્ન કર્યો છે કે તેઓ પોતાના જ દેશને આટલી બધી નફરત કેમ કરે છે? અને આગળ પૂછ્યું છે કે શું આ પ્રકારના સીરપ આપણા દેશમાં આજકાલમાં જ બન્યાં છે?

    ગણેશને જયરામ રમેશને ભારતીય કફ સીરપની કહેવાતી નિષ્ફળતાથી તેઓ કેમ ખુશ છે તેવો ધારદાર પ્રશ્ન પૂછી લીધો છે.

    સૌદામિની જયરામ રમેશને જવાબ આપતાં કહે છે કે ફક્ત આ કારણસર જ હવે કોંગ્રેસને આગામી ચૂંટણીઓમાં શૂન્ય બેઠકો મળવી જોઈએ

    જતીન પરીખે ટેક્નીકલ પ્રશ્ન કરતાં જયરામ રમેશને પૂછ્યું છે કે આ રીતે ભારતની કફ સીરપ બનાવતી કંપનીઓ વિષે એક જ પ્રકારનું મંતવ્ય ઘડીને તેઓ શું કહેવા માંગે છે?

    આદિ યોગી નામના યુઝરે ભારત સરકારને વિનંતી કરી છે કે વિદેશમાં ભારતને બદનામ કરવાના આ પ્રયાસ બાબતે તપાસ થવી જોઈએ

    સનાતનીએ કટાક્ષ કરતાં જણાવ્યું છે કે કદાચ આ ટ્વીટથી ચીનને ભારતની દવાઓ ઈમ્પોર્ટ ન કરવા બાબતે સહમત કરી શકાશે

    આમ આ રીતે જયરામ રમેશ અને કોંગ્રેસનો મોદી વિરોધ દેશવિરોધ છે તેવી ઘણા બધાં રાજનૈતિક ટીકાકારોની ટીકા ફરીથી સત્ય સાબિત થઇ રહી છે. ગામ્બિયા અને ઉઝબેકિસ્તાન બંનેમાંથી કોઇપણ દેશે ભારતની કફ સીરપની અસરથી તેમનાં દેશના બાળકો મૃત્યુ પામ્યાં છે એવું સીધેસીધું ક્યાંય કીધું નથી. તેમ છતાં ફક્ત મોદી વિરોધમાં જયરામ રમેશ આવું કહી રહ્યાં છે. એ શક્યતા પણ નકારી ન શકાય કે ભારતીય કોરોના વિરોધી રસીની સફળતા અને ચીની રસીની નિષ્ફળતાએ ગામ્બિયા અને ઉઝબેકિસ્તાન જેવા નાનાં રાષ્ટ્રોને ભારત વિરોધી પ્રચાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હોઈ શકે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગમે તે શક્ય છે અને ચીન પાસેથી તો આવી આશા રાખી પણ શકાય. પરંતુ જયરામ રમેશ જેવા લોકો આ રીતે ચીની હાથનાં પ્યાદાં બની જઈને દેશને બદનામ તો કરે જ છે પરંતુ અન્ય રાષ્ટ્રોને ભારત વિરુદ્ધ પગલાં લેવા પ્રોત્સાહિત પણ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં