Wednesday, November 20, 2024
More
    હોમપેજમિડિયામીડિયા ક્લબના કાર્યક્રમમાં હિંદુવાદી વક્તાઓને આમંત્રણ અપાય તો ‘ગંગા-જમુની તહેજીબ’વાળાઓને તકલીફ કેમ...

    મીડિયા ક્લબના કાર્યક્રમમાં હિંદુવાદી વક્તાઓને આમંત્રણ અપાય તો ‘ગંગા-જમુની તહેજીબ’વાળાઓને તકલીફ કેમ થાય છે?

    તર્ક અને કારણો રજૂ કરવાના સ્થાને અહીં આ ભાઈએ માત્ર કાજલ હિન્દુસ્તાની પર વ્યક્તિગત પ્રહારો કરીને ગોળગોળ વાતો જ કરી છે. અને આડકતરી રીતે સરકારને પણ ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    જેમનું ‘પત્રકારત્વ’ માત્ર મોદીવિરોધ પૂરતું સીમિત થતું જાય છે અને ધીમે-ધીમે હવે હિંદુત્વના વિરોધ તરફ પણ જતું જાય છે, જેમણે કારકિર્દી દરમિયાન ક્યાંય હિંદુત્વનો ‘હ’ પણ સાંભળ્યો ન હોય અને કાયમ ‘ગંગા-જમુની તહેજીબ’વાળી પિપૂડી વગાડીને જ અહીં સુધી પહોંચ્યા હોય તેમને 2014 પછી જે સામૂહિક વૈચારિક પરિવર્તન આવ્યું છે અને જે નવો પવન ફૂંકાયો છે તેનાથી જાતજાતની તકલીફ થવાની. તેનો કોઈ ઈલાજ નથી. એટ લિસ્ટ, આપણી પાસે તો નથી. તો શું છે? મીઠું છે. એ તેમના ઘા ઉપર ભભરાવી આપીએ. 

    વિગતે વાત કરીએ તો અમદાવાદ-ગાંધીનગરના અમુક પત્રકારોએ મળીને એક ‘ગુજરાત મીડિયા ક્લબ’ની સ્થાપના કરી છે, જે પત્રકારો માટે કામ કરતું રહે છે. હમણાં આ ક્લબે ગુજરાત યુનિવર્સિટી સાથે મળીને એક સરસ કાર્યક્રમ કર્યો. ‘ભારતકુલ’ નામનો આ કાર્યક્રમ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં જ યોજાયો અને તેના શુભારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા. 

    કાર્યક્રમ પૂરો થઈ ગયો પણ અમુક મીડિયા બહાદુરોની ફરિયાદો ઓછી થઈ રહી નથી. ફરિયાદ એવી છે કે કાર્યક્રમમાં હિંદુવાદની વાત કહેનારાં, નારીશક્તિને પ્રોત્સાહન આપનારાં, રાષ્ટ્રવાદની વાત લઈને દેશભરમાં ફરતાં વક્તા, એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીને આમંત્રણ કેમ આપવામાં આવ્યું? 

    - Advertisement -

    પ્રશાંત દયાળ નામના એક ભાઈ યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે. ‘નવજીવન ન્યૂઝ’ નામની પોતાની ચેનલમાં પ્રશાંતભાઈએ ત્રણ દિવસ પહેલાં એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો. શીર્ષક છે- ‘ગુજરાતના પત્રકારો રાજધર્મ ચૂક્યા, સરકાર સ્પોન્સર્ડ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની વક્તા.’ 

    આ ભાઈએ વર્ષો સુધી મોદી અને શાહ અને તેમની સરકારો વિરુદ્ધ લખ્યું છે. વચ્ચે એક પોર્ટલ ચલાવતા, તેમાં કોઈ ભાજપ નેતાના કાકાના માસીના દીકરાના મામાનો પુત્ર પણ કોઈ ગુનામાં ઝડપાય તોપણ સમાચારો લઈ આવતા. ઠીક છે, એ તો તેમનું કામ કહેવાય. ગોધરા હિંદુ હત્યાકાંડ અને ત્યારપછીના સમયગાળામાં ગુજરાતમાં અમુક જે ગંગા-જમુની તહેજીબની વાતો આપણા માથે મારતા રહેતા તેમાં એક નામ તેમનું પણ લખીએ તો બહુ વાંધો નહીં. હવે તો જોકે તેમનું પેલું પોર્ટલ બંધ થઈ ગયું છે. મોદી વડાપ્રધાન બની ગયા. શાહ ગૃહમંત્રી છે. આ ભાઈ ફેસબુક પર પોસ્ટ મૂકીને કોઈ લગ્નમાં આમંત્રણ ન આપે તો તેમાં પણ ‘મોદી-શાહ’ને જોડીને આનંદ મેળવતા રહે છે. 

    વિડીયોની શરૂઆતમાં તેઓ બહુ ગંભીર ચહેરે વાતને આરંભતાં કહે છે કે, ‘ભારતકુળના નામે હું સંકુચિત બની જાઉં, જાતિવાદી બની જાઉં, રૂઢિવાદી બની જાઉં તો મારું ભારત લજવાય.’ આગળ તેઓ કહે છે કે, તેમને કોઈ પત્રકાર કહે કે ચોથી જાગીર કહે તો ગર્વ થાય છે, પણ અમદાવાદમાં તાજેતરમાં એવી એક ઘટના બની છે, જેનાથી ચોથી જાગીર બદનામ થઈ, રૂઢિવાદી ગણાય ગઈ અને જાતિવાદી કહેવાઈ. આવું તેમનું કહેવું છે. 

    તેઓ આગળ ‘પત્રકારત્વ’ પર ઘણું જ્ઞાન આપે છે અને કહે છે કે પત્રકારનો કોઈ ધર્મ હોતો નથી અને કામ કરતી વખતે પત્રકારે પોતે હિંદુ છે કે મુસ્લિમ એ જોવાનું નથી. સાથે એમ પણ કહે છે કે, પોતે પણ હિંદુ છે, દીવા-દિવેટ કરે છે અને હનુમાનજીના મંદિરે પણ જઈ આવ્યા છે. (તેઓ કહે છે તો માની લઈએ.) આગળ એમ કહે છે કે, પોતે હિંદુ છે, પણ સંકુચિત કે રૂઢિચુસ્ત નથી. ‘હું ધાર્મિક કટ્ટરતામાં માનતો નથી, એ કહેવામાં મને ગૌરવ થાય છે.’ એવી વર્ષોથી ચવાઈ ગયેલી વાત પણ તેઓ કહી જાય છે. તેમની વાતનો સાર એ છે કે પત્રકારે પોતાનો ધર્મ પોતાના સુધી જ સીમિત રાખવાનો છે. 

    આગળ તેઓ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીને આમંત્રણ આપવા સામે વાંધો ઉઠાવે છે અને આગળ તેમને ઘૃણા ફેલાવનારાં અને કટ્ટરતા અને નફરત ફેલાવનારાં પણ કહી દે છે. કાજલ બેનને તેઓ આપણામાં કટુતાનાં બીજ રોપનારાં, એકબીજા સાથે લડાવનારાં ગણાવે છે. પછી પણ તેઓ ‘પત્રકારત્વ’ અને ‘ધર્મ’ પર થોડું જ્ઞાન આપે છે, જેની બીજાને જરૂર હોય તો જઈને લઈ લે, આપણને નથી એટલે અહીં ઉલ્લેખ કરવાનો થતો નથી.

    આગળ તેઓ પૂછે છે કે પત્રકારોએ કાજલ હિન્દુસ્તાની પાસેથી શું શીખવાનું છે? ધર્મ શીખવાનો છે? એ હું મારા ઘરે શીખી લઈશ. ‘લવ જેહાદ’ શીખવાનો છે? ત્યારબાદ તેઓ કહે છે કે કાજલ હિન્દુસ્તાની સામે હેટ સ્પીચના પણ કેસ નોંધાયેલા છે અને જાતે જ ચુકાદો આપતાં કહી દે છે કે તેમાં કશું થશે પણ નહીં તે પણ તેઓ જાણે છે. 

    આગળ તેઓ ગોળગોળ વાત કરીને બેલેન્સ કરવાના પણ પ્રયાસ કરે છે અને કહે છે કે, તેઓ જે કોઈ ધર્મના વ્યક્તિ કટ્ટરતાની વાત કરતા હોય તેમની વિરુદ્ધ છે. સરકારને પણ આ ભાઈ સલાહ આપી દે છે અને કહે છે કે, જો તેમની મંજૂરીથી આ આમંત્રણ અપાયું હોય તો આ તેમના માટે બહુ શરમજનક વાત કહેવાય. ફરી પત્રકારોને ‘રાજધર્મ’ શીખવે છે અને અંતે કહે છે કે પોતે અફસોસ વ્યક્ત કરવા સિવાય બીજું કશું જ કરી શકતા નથી. 

    પ્રશાંતભાઈ એકલા નથી. આવા સેક્યુલરો બીજા પણ ઘણા છે, જેમની તકલીફ પણ સરખી જ છે. 

    અહીં પ્રશાંત દયાળની વાતની પહેલી જ લીટીમાં એક મોટી ભૂલ પકડાય જાય છે. તેઓ ‘જાતિવાદ’ની વાત કરે છે. પણ ખરેખર એ હાસ્યાસ્પદ વાત છે. જે મહિલા પોતે અટકના સ્થાને ‘હિન્દુસ્થાની’ લગાવતાં હોય તેમની સાથે જાતિવાદને કઈ રીતે જોડી શકાય? જોડી તો સંકુચિતતાને પણ ન શકાય, કારણ કે કાજલ બેન નારીશક્તિની વાત કરે છે. દીકરીઓને લડતાં શીખવવું એ સંકુચિતતા કહેવાય કે અમુક પ્રકારનાં જ વસ્ત્રો પહેરવા માટે ફરજ પાડવી એ? રૂઢિવાદીવાળી વાતનો પણ અહીં છેદ ઉડી જાય છે. સંકુચિતતા અને રૂઢિવાદવાળી વાત તેમણે બચાવી રાખી હોત અને ક્યારેક અન્ય રિલિજિયનો-મઝહબો પર વિડીયો બનાવવાની હિંમત ચાલી હોત તો કામ આવી હોત, પણ આવી આશા તો જોકે વધુ પડતી કહેવાય!

    આ આખી વાતમાં પ્રશાંત દયાળ ગોળગોળ વાત કરીને કાજલ હિન્દુસ્તાનીને નફરત ફેલાવનારાં ને કટુતાનાં બીજ રોપનારાં ગણાવીને જાતજાતનાં વિશેષણો આપી દે છે, પણ એ માત્ર આરોપો છે, તેને સાબિત કરવા માટે તથ્યો ક્યાંય નથી. માત્ર હવામાં ગોળીબાર કરવો એ પત્રકારત્વ ન કહેવાય. શું કહેવાય એ લખીશું તો અસંસદીય ભાષા થઈ જશે!

    બીજું, અહીં આ ભાઈએ ક્યાંય કાજલ હિન્દુસ્તાનીના જે-તે દિવસના ભાષણને કાઉન્ટર કર્યું નથી. ન તે સંબોધનમાંથી કોઈ એવી વાત સામે લાવીને મૂકી છે અને સાબિત કર્યું છે કે આ વાતથી સમાજમાં ઝેર ફેલાય છે કે કટ્ટરતાનાં બીજ રોપાય છે. વિરોધ હોવો જોઈએ. વ્યક્તિનો વિરોધ પણ હોવો જોઈએ. પણ વિરોધ પાછળ તર્ક અને વ્યાજબી કારણો પણ હોવાં જોઈએ. તમને કોઈ વ્યક્તિની વાત નથી પસંદ, કે વિચારધારા નથી પસંદ તેના માટે કોઈ સંસ્થા કે સરકાર જવાબદેહ નથી. તમને વિરોધ હોય તોપણ, તે પાછળ તર્ક રજૂ કરતાં આવડવું જોઈએ. ન આવડે તો પહેલાં શીખી લેવું જોઈએ. 

    તર્ક અને કારણો રજૂ કરવાના સ્થાને અહીં આ ભાઈએ માત્ર કાજલ હિન્દુસ્તાની પર વ્યક્તિગત પ્રહારો કરીને ગોળગોળ વાતો જ કરી છે. અને આડકતરી રીતે સરકારને પણ ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બહુ ચાલાકીથી બેલેન્સ પણ કરી જાણ્યું છે, પણ તેનાથી જે વિડીયો પાછળનો એજન્ડા છે એ છુપાતો નથી.

    અહીં એક સમૂહ ભલે સરકાર કે સંસ્થા પર દબાણ લાવવાના પ્રયાસ કરતો રહે, પણ હકીકતે તો સરકાર આમાં અભિનંદનને પાત્ર છે. ગુજરાતી મીડિયા ક્લબ અભિનંદનને પાત્ર છે. આવા રાષ્ટ્રવાદી, ધર્મપ્રેમી અવાજોને વધુમાં વધુ સ્ટેજો પર સ્થાન મળે અને તેમના વિચારો છેક સુધી પહોંચતા થાય એવાં કામો જો ભૂપેન્દ્રભાઈ અને તેમની સરકાર કરતી હોય તો આપણો તેમાં ટેકો રહેવાનો, કાયમ માટે!

    ‘લવ જેહાદ’ કે ‘લેન્ડ જેહાદ’ કે પછી ધર્માંતરણ જેવી સમસ્યાઓ સમાજની સમસ્યાઓ છે અને વ્યાપકપણે ચિંતાનો વિષય છે. આ હકીકત છે અને આવી હકીકતો આપણને કાજલ હિન્દુસ્તાની કે પછી તેમના જેવા એક્ટિવિસ્ટો સ્ટેજ પરથી બૂમો પાડીને કહેતા રહે છે. કોઈ સેક્યુલરવાદી યુટ્યુબરને કે ‘પત્રકાર’ને તેમાં ‘નફરત’ અને ‘કટ્ટરતા’ લાગતી હોય તો ભલે લાગે, તેનાથી સત્ય બદલાઈ જતું નથી. સત્ય એ છે કે વર્ષ 2023માં કુલ 153 લવ જેહાદના કેસ પોલીસના ચોપડે નોંધાયા હતા. સત્ય એ છે કે ગુજરાતના દક્ષિણ ભાગમાં ધર્માંતરણ વધી રહ્યું છે. સત્ય એ છે કે હિંદુઓની યાત્રા પર હુમલાઓ વધી રહ્યા છે. આ બધું આપણે આંખે જોઈ રહ્યા છીએ, જો કોઈને ન દેખાય તો આંખ ખોલીને બતાવવા માટે પણ આવા માણસો આપણી વચ્ચે છે. 

    આવા સેક્યુલરવાદી પત્રકારો અને રાજકારણીઓએ વર્ષો સુધી ‘પંથનિરપેક્ષતા’ની અને ગંગા-જમુની તહેજીબની ફાલતુ વાતો આપણા માથે માર્યા કરી. તેનાથી થયું શું? એક ઇકોસિસ્ટમનો એજન્ડા જળવાય રહ્યો ને બીજી બાજુ આપણે આવી વાતોમાં આવીને પોતાનું જ નુકસાન કરતા રહ્યા. હવે જ્યારે સમાજ જાગૃત થઈ રહ્યો છે, આપણને શત્રુબોધ થવા માંડ્યો છે, ત્યારે આપણી ફરજ શું? એ જ, કે ફરી પેલા જૂના રસ્તે ન જઈએ અને જે માર્ગ પકડ્યો છે એને પકડી રાખીએ. 

    આવાઓની તકલીફ એ છે કે વર્ષોથી તેમની સુફિયાણી વાતો બજારમાં ચાલ્યા કરતી હતી. ભડકાઉ ભાષણોથી હમણાં નથી અપાય રહ્યાં એટલાં અપાતાં હતાં અને ખુલ્લેઆમ હિંદુઓ વિરુદ્ધ ષડ્યંત્ર રચવામાં આવતાં હતાં. પણ ત્યારે સામે કોઈ અવાજ ઉઠતો ન હતો. હવે ‘સમસ્યા’ એ છે કે અવાજો ઉઠી રહ્યા છે. આવા અવાજોને દબાવવા માટેના પૂરતા પ્રયાસો થશે, ભૂતકાળમાં પણ થયા છે અને ભવિષ્યમાં પણ થશે. પરંતુ આપણે એજન્ડા સમજી જઈએ એટલા પરિપક્વ હોવા જોઈએ.

    આપણે સમજવું પડશે કે હિંદુઓને એક થવાની વાત કહેવી, લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે લડતાં શીખવવું કે પછી ધર્મરક્ષાની વાત કહેવી એ ઝેર ફેલાવવું ન કહેવાય. ઝેર ફેલાવવું એને કહેવાય કે કોઈ એક મુસ્લિમ નેતા સ્ટેજ પર ચડીને કહે કે 15 મિનિટ માટે પોલીસ હટાવી દો તો અમે તમને બતાવી દઈશું. ઝેર ફેલાવવું એને કહેવાય કે કોઈ મૌલાના પાંચ હજારનું ટોળું ભેગું કરીને કહે કે, ‘આજ કુત્તો કા વક્ત હૈ, હમારા દૌર આયેગા.’ હિંદુ યાત્રાઓ પસાર થતી હોય ત્યારે તેની ઉપર પથ્થર ફેંકવાને ઝેરીલી અને કટુતાભરી માનસિકતા કહેવાય. પણ પ્રશાંત દયાળે આ બધા પર જ્ઞાન પીરસ્યું છે? જવાબ સુજ્ઞ વાચક બહુ સારી રીતે જાણે છે. 

    એટલે આમાં હિંદુઓએ, હિંદુવાદીઓએ કે ઇવન આ ગુજરાતી મીડિયા ક્લબ અને સરકારે પણ એપોલોજેટિક બની જવાની જરૂર નથી. આપણે સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે જે કરવું જોઈએ એ જ કરી રહ્યા છીએ. કકળાટ તો પહેલાં પણ થતો હતો, ભવિષ્યમાં પણ થતો રહેશે. તેમનો કકળાટ તેમને મુબારક, આપણે ‘યતો ધર્મસ્તતો જયઃ’ કરીને કામ કરતા રહીશું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં