મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Elections) કુલ 288 સીટોનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ઝારખંડમાં પણ 88 સીટોનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે હવે એક્ઝિટ પોલ્સનો મારો શરૂ થઇ ચૂક્યો છે. આમ જોવા જઈએ તો બંને રાજ્યોમાં સરકાર કયા પક્ષની બનશે એ તો 23 નવેમ્બરે જ જાણી શકાશે, પરંતુ એક્ઝિટ પોલ્સ જીવવાનો દાવા કરી રહેલ પક્ષોનો આત્મવિશ્વાસ વધારવા અને ડગાવવા બંને માટે કામ કરતા હોય છે. આ ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ પ્રમાણે જ પરિણામ આવશે કે કેમ એતો જોવું રહ્યું.
આમ જોવા જઈએ કોઈપણ ચૂંટણી પછી મીડિયાનું કામ છે એક્ઝિટ પોલ્સ આપવાનું. પણ એમાંથી કેટલી ચેનલોના એક્ઝિટ પોલ્સ કેટલા અંશે સાચા પડે છે એ તો પર્શ્ન જ છે. જોકે, એક્ઝિટ પોલ્સથી પરિણામ નક્કી થાય ન થાય પણ ‘માહોલ’ ચોક્કસ નક્કી થઈ જતો હોય છે. તાજેતરમાં જ યોજાયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ્સ ગળું ફાડી ફાડીને કોંગ્રેસની જીત દર્શાવી રહ્યા હતા અને આ જ પોલ્સ પર વિશ્વાસ કરી પરિણામ પહેલા કોંગ્રેસે ‘જીતનું જશ્ન’ મનાવવાનું પણ શરૂ કરી દીધું હતું.
જોકે, વાસ્તવિક પરિણામમાં ભાજપની જીત થતા કોંગ્રેસનો ‘માહોલ’ બગડી ગયો હતો. હા, બીજી એક મહત્વની વાત આ ચૂંટણી પછી ચૂંટણી પંચના અધ્યક્ષે એક્ઝિટ પોલ્સ મામલે મીડિયાને ફટકાર પણ લગાવી હતી, છતાં પણ એક્ઝિટ પોલ્સ આપવા એ તો મીડિયાનો જન્મસિદ્ધ અધિકાર છે. ત્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ્સનો મારો શરૂ થઇ ગયો છે. તો ચાલો વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણીના એક્ઝિટ પોલ્સ કેટલા અંશે સાચા પડ્યા હતા તે જોઇને આપણે થોડું આંકલન કરીએ.
મહારાષ્ટ્રના એક્ઝિટ પોલ્સ કેટલા અંશે પડ્યા હતા સાચાં?
2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાઈ હતી. ત્યારે ચૂંટણી મામલે એક્ઝિટ પોલ્સે ભવિષ્યવાણી કરી હતી ભાજપ-શિવસેના ગઠબંધન પ્રચંડ બહુમત સાથે જીત મેળવશે. મહારાષ્ટ્રમાં, સરેરાશ સાત એક્ઝિટ પોલ્સમાં ભાજપની આગેવાની હેઠળની NDA 207 સીટ જીતશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જે વિધાનસભાની 145 બેઠકોના બહુમતી આંકથી વધુ છે. બીજી તરફ કોંગ્રેસ-એનસીપી ગઠબંધન 65 સીટ મેળવશે અને અન્ય 16 બેઠકો અપક્ષોના ખાતે જશે એવી આગાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 2019માં ન્યૂઝ 18-IPSOSએ – એનડીએ માટે 243 અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન માટે માત્ર 41 બેઠકોની આગાહી કરી હતી. જોકે, પરિણામ સમયે તે આગાહી સાચી પડી શકી ન હતી. જ્યારે ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલ એક્ઝિટ પોલ્સ પરિણામોની સૌથી નજીક હતા, જેમાં NDA માટે 166 અથવા તેનાથી વધુ બેઠકોની આગાહી કરવામાં આવી હતી અને કોંગ્રેસ-એનસીપી માટે 90 અથવા તેનાથી ઓછી સીટોનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. રિપબ્લિક-જન કી બાતમાં NDA માટે 216-230 બેઠકો અને કોંગ્રેસ-એનસીપી માટે 52-59 બેઠકોની આગાહી કરવામાં આવી હતી. ટાઈમ્સ નાઉએ NDA માટે 230 અને કોંગ્રેસ-એનસીપી માટે 48 બેઠકોની આગાહી કરી હતી. એબીપી ન્યૂઝ-સી વોટરએ NDA માટે 204 અને કોંગ્રેસ-એનસીપી માટે માટે 69 બેઠકોની આગાહી કરી હતી.
જોકે, વાસ્તવિક પરિણામો એક્ઝિટ પોલ્સ કરતા ઉલટા આવ્યા હતા. વાસ્તવિક પરિણામોમાં NDAને 161 બેઠકો મળી હતી. જોકે, સત્તા વહેંચણીને લઈને કોઈ એક નિર્ણય પર ન આવવાના પરિણામે NDA સરકાર બનાવી શકી નહીં. આ પછી શિવસેનાએ કોંગ્રેસ અને NCP સાથે મળીને મહાવિકાસ અઘાડી સરકાર બનાવી હતી, જેની સંયુક્ત સંખ્યા 98 હતી. પરંતુ વર્ષ 2022માં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) તૂટી હતી અને મહાયુતિએ શિવસેનાના શિંદે જૂથ સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારબાદ 30 જૂન 2022ના રોજ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેના શપથ પણ લીધા હતા.
ઝારખંડમાં કેટલી હદે સાચા પડ્યા હતા એક્ઝિટ પોલ્સ?
2019માં ઝારખંડ વિધાનસભા ચૂંટણી 30 નવેમ્બર અને 20 ડિસેમ્બરે યોજાઈ હતી. ત્રણ પોલ્સની સરેરાશ અનુસાર એવી આગાહી કરવામાં આવી હતી કે, JMM-કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ ગઠબંધન રાજ્યની 81માંથી 41 બેઠકો જીતશે, ગઠબંધનને બહુમતીની નજીક લઈ જશે. જયારે બીજા સ્થાને ભાજપ 29 બેઠકો સાથે અને પછી ક્રમશ: ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટીને (AJSUP) 4 સીટ અને પછી ઝારખંડ વિકાસ મોરચાને (JVM) 3 સીટની આગાહી કરવામાં આવી હતી. જોકે, JVM 2020માં ભાજપમાં ભળી ગઈ હતી. વધેલી 4 બેઠકો અપક્ષોના ફાળે જવાની આગાહી કરવામાં આવી હતી.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાએ આગાહી કરી હતી કે, JMM-કોંગ્રેસની આગેવાની હેઠળની UPA 38-50 સીટો જીતશે, જ્યારે ભાજપ 22-32 સીટો જીતશે. ABP-સીવોટરે ભવિષ્યવાણી કરી હતી કે,UPA 31-39 બેઠકો જીતશે, જ્યારે ભાજપ 28-36 બેઠકો જીતશે. ટાઈમ્સ નાઉએ UPAને 44 અને ભાજપને 28 બેઠકોની આગાહી કરી હતી.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પોલ્સ વાસ્તવિક પરિણામથી ઘણા નજીક જોવા મળ્યા હતા. પરિણામ અનુસાર, JMM-કોંગ્રેસ-RJDને 47 સીટો મળી હતી. જયારે ભાજપને 25 મળી હતી, જે પોલ્સની સરેરાશ સીટો કરતા 4 ઓછી હતી. AJSUPને 2 સીટો,JVMને 3 સીટો અને અપક્ષોને 4 સીટ મળી હતી. જે પછી ઝારખંડમાં UPA ગઠબંધને સરકાર બનાવી હતી અને હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા હતા.