હોમપેજગુજરાતડિકોડિંગ ગુજરાત કેબિનેટ રિશફલ: એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા ફરી એક વખત જૂની ફોર્મ્યુલા,...

ડિકોડિંગ ગુજરાત કેબિનેટ રિશફલ: એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા ફરી એક વખત જૂની ફોર્મ્યુલા, 2027 માટે તૈયાર થયો રોડમેપ

પાર્ટી ત્રણ દાયકાઓથી સત્તામાં હોય તો સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય એ સ્વાભાવિક છે. જોકે ગુજરાતમાં વિપક્ષ નામે હવે કશું રહ્યું નથી, છતાં અમુક મુદ્દાઓ પડકાર ઊભા કરવાના, તેમાં વિપક્ષ હોય કે ન હોય તેનો ફેર પડતો નથી. ભાજપ એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા માટે આવા પ્રયોગો કરતો રહે છે અને છેલ્લાં અમુક વર્ષોથી તેમાં તેમને ફાવટ પણ આવી ગઈ છે.

- Advertisement -

નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યા પછી દર બે-ત્રણ વર્ષે સરકારમાં ધરમૂળથી ફેરફારો કરવાની પરંપરાને જાળવી રાખતાં ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણીનાં બરાબર બે વર્ષ પહેલાં મંત્રીમંડળ બદલી નાખ્યું છે. આ વખતે જોકે મુખ્યમંત્રી યથાવત રહ્યા છે, સાથે અમુક કાર્યક્ષમ, સક્ષમ મંત્રીઓને પણ યથાવત્ રાખવામાં આવ્યા, હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાના મંત્રીથી સીધું નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું અને પૂર્ણ કદનું મંત્રીમંડળ બનાવી દેવાયું. અગાઉની સરકારમાં માત્ર 16 મંત્રીઓ હતા, હવે આ સંખ્યા વધીને 26 થઈ ગઈ છે.

મંત્રીમંડળ જોઈને લાગે છે કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને બરાબર ડિઝાઇન કરવામાં આવ્યું છે. સરકારમાં રહીને જેમણે કામ કર્યું, પોતાની ક્ષમતા પુરવાર કરી એ તમામને ફરીથી રિપીટ કરવામાં આવ્યા. અમુક મંત્રીઓ જે વિવાદમાં સપડાયા હતા તેમનું જવું નક્કી હતું. અમુક જેમણે ‘માસ્તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં’ની નીતિ રાખી હતી તેઓ પણ બાકાત થયા. અમુકને સામાજિક સમીકરણો ગોઠવવા માટે અને બીજાને તક આપવા માટે બાકાત કરવામાં આવ્યા હોય એમ પણ બની શકે.

પાર્ટી ત્રણ દાયકાઓથી સત્તામાં હોય તો સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય એ સ્વાભાવિક છે. જોકે ગુજરાતમાં વિપક્ષ નામે હવે કશું રહ્યું નથી, છતાં અમુક મુદ્દાઓ પડકાર ઊભા કરવાના, તેમાં વિપક્ષ હોય કે ન હોય તેનો ફેર પડતો નથી. ભાજપ એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા માટે આવા પ્રયોગો કરતો રહે છે અને છેલ્લાં અમુક વર્ષોથી તેમાં તેમને ફાવટ પણ આવી ગઈ છે.

- Advertisement -

2015માં આનંદીબેનની સરકાર આંદોલનોમાં ફસાઈ એટલે બદલવાનો વારો આવ્યો. એ સમય એવો હતો જ્યારે આંદોલનો અને અવ્યવસ્થાનો લાભ ઉઠાવીને સત્તા મેળવવા માટે વિપક્ષોએ ભરપૂર તૈયારી કરી હતી, પણ વર્ષ-દોઢ વર્ષ પહેલાં જ બનેલી નવી વિજય રૂપાણી સરકાર ઓછા નુકસાને નીકળી ગઈ અને 2017માં સત્તા ટકી રહી.

કોરોના મહામારી દરમિયાન રૂપાણી સરકારે રાજ્ય સાચવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો, પણ એ સમય એવો હતો કે લોકોમાં નારાજગી રહે જ. જોકે કોરોના વખતે તો દેશનાં તમામ રાજ્યોમાં સત્તાવિરોધી જ લહેર હતી, એટલે તેના કારણે રૂપાણી સરકારને નુકસાન થયું એમ કહેવાથી પણ બચવું જોઈએ, પણ બીજાં પણ અનેક કારણો હતાં. અનેક જૂના ચહેરાઓ વર્ષોથી સરકારમાં હતા, જેમની વિરુદ્ધ નારાજગીની અસર પણ સરકારને થતી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી પણ માથે હતી. બરાબર ત્યારે જ ભાજપે મુખ્યમંત્રી સહિત આખી સરકાર બદલી નાખી.

સરકાર બદલી નાખો એટલે જૂની શાસનવ્યવસ્થા સામે જે નારાજગી હોય એમાંથી અમુકનું ઔચિત્ય રહેતું નથી તો અમુક સમસ્યાઓના સમાધાન માટે નવી આશા જાગે છે. પરિણામે નવા આવનારાઓને કે નવેસરથી ફરી શરૂઆત કરનારાઓને એક પેસેજ મળી રહે છે. ભાજપ આવા વખતે તેનો સદુપયોગ કરી લેવા માટે જાણીતો છે. આ ફોર્મ્યુલા દર વખતે તેને કામ આવી છે.

આ વખતે જોકે મુખ્યમંત્રી બદલવાની કોઈ જરૂર ન હતી, કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સામે વ્યક્તિગત રીતે કોઈ વધારે નારાજગી જોવા મળતી નથી. એનો અર્થ એ પણ નથી કે આનંદીબેન અને વિજયભાઈના કિસ્સામાં એવું હતું, પણ તેઓ સરકારનો ચહેરો બની ગયા હતા. મુખ્યમંત્રી આમ તો સરકારનો ચહેરો હોવાના જ, પણ હાલ સ્થિતિ થોડી જુદી છે. આ સરકારમાં કોઈ એક વ્યક્તિ કેન્દ્રમાં હોય એમ ન હતું. એટલે ભૂપેન્દ્રભાઈ 2027 સુધી મુખ્યમંત્રી રહેશે એ નક્કી થઈ ગયું છે. ત્યારની વાત ત્યારે.

હર્ષ સંઘવીનું પ્રમોશન પાક્કું હતું. સરકારના ચહેરાની વાત આવે તો ઘણી વખત સંઘવી આગળ નીકળી જતા હતા. સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા, ગ્રાઉન્ડ પર કરેલાં કામોના કારણે ઘણી વખત અન્ય ખાતાંની ફરિયાદો તેમની જ પાસે જતી. ગૃહ રાજ્યમંત્રી રહેતાં તેમણે કામ પણ પ્રશંસનીય કર્યું અને અધિકારીઓ પર પકડ ન રાખી શકવાની સરકારની ઓવરઓલ જે છબી રચાઈ હતી, તેમાં સંઘવી જ એક અપવાદ હતા. તેમની છબી એક પાવરફૂલ નેતા તરીકેની, કામ કઢાવી શકનાર નેતા તરીકેની બની ગઈ છે, તેનો હવે ભરપૂર ઉપયોગ ભાજપ ભવિષ્યમાં કરશે.

નાયબ મુખ્યમંત્રી તરીકે સંઘવીને ગૃહ ખાતું આપવામાં આવ્યું છે. વર્ષો પછી એવું થઈ રહ્યું છે કે ગૃહ ખાતું મુખ્યમંત્રી સિવાય અન્ય કોઈ કેબિનેટ મંત્રી પાસે ગયું હોય. મોદી હતા ત્યારે તેઓ પણ આ વિભાગ પોતાની પાસે જ રાખતા. આનાથી સમજાય છે કે હર્ષ સંઘવીનું સ્થાન સરકારમાં અગત્યનું બની ગયું છે. હવે તેઓ વર્ષો સુધી ગુજરાતના રાજકારણના કેન્દ્રમાં રહેશે. મોદીના ગયા પછી ગુજરાતને જે ચહેરાની જરૂર હતી એ ચહેરો મળી ગયો છે. ભાજપને પણ એ સમજાય ગયું છે.

ભારતના રાજકારણમાં જાતિગત સમીકરણ ગોઠવ્યા વગર એક પણ કામ થતું નથી. આ વખતે પણ એ બરાબર ગોઠવવામાં આવ્યું છે. દરેક સમુદાયને, દરેક પ્રદેશને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે અને સમાજોને પણ બરાબર સાચવી લેવામાં આવ્યા છે.

ટૂંકમાં કહીએ તો આ મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ લગભગ નક્કી જ હતું, એ થવાનું જ હતું. વાત માત્ર સમયની હતી. હવે નવી સરકાર 2027 સુધી કામ કરશે, જેના હિસાબે 2027માં પાર્ટી ચૂંટણી લડવા ઉતરશે. ત્યારે પરિણામ જે આવે એ, અત્યાર સુધી તો ભાજપે બરાબર દિશા પકડી રાખી છે.

એક આડવાત, આમાં આમ આદમી પાર્ટીવાળાઓએ નવું ચાલુ કર્યું છે અને આ બધાની ક્રેડિટ ખાવા માંડી છે. તેમનું કહેવું છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતના કારણે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ખેડૂતોના મુદ્દે ઉપાડેલાં આંદોલનોના કારણે ભાજપે મંત્રીમંડળ બદલી નાખવું પડ્યું. આ નરેટિવને હવા આપવા માટે યુટ્યુબ પર દુકાનો ખોલી બેઠેલી જમાતમાંથી પણ અમુકે સક્રિયપણે રસ લેવા માંડ્યો છે.

હકીકત એ છે કે આમ આદમી પાર્ટી હજુ ગુજરાતમાં એવું ફેક્ટર નથી કે તેના કારણે આખી કેબિનેટ બદલવી પડે. સોશિયલ મીડિયા પર હોહા કરવાને પડકાર ઉભો કરવો ન કહેવાય. ખેડૂતોના મુદ્દામાં એવું છે કે આમ આદમી પાર્ટી બહુ પ્રયાસો પછી પણ એવો ખાસ માહોલ ઉભો કરી શકી નથી.પણ ટ્રકની પાછળ ભાઉં-ભાઉં કરીને ભાગતા જતા શ્વાનને કાયમ એવું લાગતું હોય છે કે ટ્રક તેના ભસવાના કારણે આગળ ભાગે છે.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં