હર્ષ સંઘવીને ગૃહ, મોઢવાડિયાને વન-પર્યાવરણ, વાઘાણીને કૃષિ-ખેડૂત કલ્યાણ … રાજ્યના નવા મંત્રીમંડળને ખાતાની ફાળવણી

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થયા બાદ હવે ખાતાઓની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક સવા કલાક સુધી ચાલી હતી. જેમાં ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોંપવામાં આવ્યો છે. 

તે સિવાય મોઢવાડિયાને વન અને પર્યાવરણ તથા સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ, ઋષિકેશ પટેલને ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને સંસદીય બાબતો, કુંવરજી બાવળિયાને શ્રમ અને રોજગાર, ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સોંપાયો છે. 

આ ઉપરાંત જીતુ વાઘાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, માછીમારી, પશુપાલન અને ગૌવંશને પ્રોત્સાહન, કનુભાઈ દેસાઈને નાણાં ખાતું, નરેશ પટેલને આદિવાસી વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીક ઉદ્યોગ, ડૉ. પ્રદ્યુમ્ન વાજાને સામાજિક અન્યાય અને અધિકાર તથા રમણભાઈ સોલંકીને ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના ખાતા સોંપાયા છે.

આ ઉપરાંત રાજ્ય મંત્રીઓમાં ઈશ્વરસિંહ પટેલને જળ સંસાધનો, પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસ, પરષોત્તમ સોલંકીને માછીમારી, કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર, રમેશભાઈને કૃષિ અને ખેડૂત કલ્યાણ, દર્શનાબેન વાઘેલાને નગર વિકાસ અને નગર આવાસ, કૌશિક વેકરીયાને કાયદો અને ન્યાય, પ્રવીણ માલીને વન અને પર્યાવરણ ખાતામાં રાજ્યમંત્રી બનાવાયા છે. 

વધુમાં ડૉ. જયરામ ગામિતને રમતગમત, કમલેશ પટેલને નાણાં, સંજયસિંહ મહિડાને આપદા વ્યવસ્થાપન, પૂનમચંદ મહિડાને આદિવાસી વિકાસ, સ્વરૂપજી ઠાકોરને ખાદી ઉદ્યોગ અને રિવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને વયસ્ક શિક્ષણ વિભાગ સોંપાયો છે.