વર્ષોથી ખામોશ ગુજરાત પોલીસની પિસ્તોલ હમણાં બે દિવસ પહેલાં ફરી ધણધણી ઉઠી. ઘણા સમયે એનકાઉન્ટર શબ્દ સાંભળવા મળ્યો. ગાંધીનગરમાં રાત્રે સૂમસામ રસ્તા પર એક યુવકની હત્યા કરનાર આરોપીને ઘટનાના રિકન્સ્ટ્રક્શન વખતે તે જ જગ્યા પર ઠાર કરવામાં આવ્યો.
ઘટના 20 સપ્ટેબરની છે. યુવકનો જન્મદિવસ હતો. પાર્ટીમાંથી એક મહિલા મિત્ર સાથે પરત ફરતો હતો ત્યારે ગાંધીનગરમાં એક કેનાલ રોડ પર એક લૂંટારાએ બંને સાથે મગજમારી કરી. યુવકે પ્રતિકાર કર્યો તો પેલાએ છરી મારી દીધી. લૂંટ મચાવીને ભાગી ગયો. યુવતીને પણ ઈજા પહોંચાડી. પછીથી એક હોમગાર્ડે પોલીસને જાણ કરી અને પોલીસે બંનેને હોસ્પિટલ પહોંચાડ્યાં પણ યુવક ન બચી શક્યો.
ત્રણ દિવસમાં પોલીસે આરોપી વિપુલ પરમારને પકડી પાડ્યો. ધરપકડ પછી જાણવા મળ્યું કે તે મનોવિકૃત છે. આ રીતે કપલને ટાર્ગેટ કરતો રહે છે. અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે બીજા દિવસે એ જ સ્થળે લઈ જવામાં આવ્યો. પોલીસનું કહેવું છે કે પિસ્તોલ ઝૂંટવીને ભાગવા જતો હતો ત્યાં તેને ઠાર કરવો પડ્યો.
હમણાં એનકાઉન્ટરથી યુપી પોલીસ ઓળખાય છે. એક સમયે આ કામ ગુજરાત પોલીસે ઉપાડ્યું હતું. યુપીમાં પછીથી ચાલુ થયું એટલે જેઓ આ ભાષામાં સમજે તેમની શાન ઠેકાણે નહીં આવી જાય ત્યાં સુધી ચાલુ રહેશે. ગુજરાતમાં એક સમય પછી જરૂર પડી નહીં. ગુજરાત શાંત, સુરક્ષિત બની શક્યું તેની પાછળ આમ તો ઘણાં પાસાં છે. એક આ પણ હોવું જોઈએ. પછી જરૂર ન પડી એટલે પોલીસે પણ પિસ્તોલ મ્યાન કરી દીધી હતી. પણ હવે ફરીથી બહાર કાઢવી પડી છે.
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી અમુક એવી ઘટનાઓ બની રહી હતી જેનાથી એક તો ભયનો માહોલ સર્જાતો હતો અને બીજો એ પ્રશ્ન ઉદભવતો હતો કે કાયદાનો ડર કેમ નથી. અમદાવાદમાં થોડા સમય પહેલાં ગુંડા તત્ત્વો ખુલ્લેઆમ તલવારો લઈને રખડતા હોવાનો વિડીયો વાયરલ થયો. છાશવારે શહેરોમાં હત્યાના બનાવો વધ્યા. હિંદુ તહેવારો પર પથ્થરમારા અને જેહાદી હિંસામાંથી ગુજરાત પણ બાકાત રહી શક્યું નથી.
ગુજરાત પોલીસ કાર્યવાહી કરે જ છે. સચોટ કાર્યવાહી કરે છે. પણ વર્ષોની સિસ્ટમ એવી છે કે ‘ન્યાય’ મળવામાં વર્ષો લાગી જાય છે. અમુક લૂપહોલના કારણે પછીથી ગુનેગારો છૂટી ગયાના પણ દાખલા બન્યા છે. આ એક તરફ સામાન્ય પ્રજાનો વિશ્વાસ નબળો પાડે છે. બીજી તરફ ગુનેગારોને આત્મવિશ્વાસ આપે છે. આ આત્મવિશ્વાસ જ ગુનાખોરી વધારે છે. સિસ્ટમ રાતોરાત બદલાતી નથી. પણ અમુક સોલ્યુશન તાત્કાલિક નીકળી શકે છે.
એનકાઉન્ટર બાદ સામાન્ય પ્રજામાં પોલીસની પ્રશંસા થાય તેનું કારણ પણ આ જ છે. ગુનેગારોમાં ડર બેસાડવા માટે તે જે ભાષામાં સમજે એ જ ભાષામાં સમજાવવો જરૂરી હોય છે. ખુલ્લેઆમ કાયદાને પડકારનારાઓની સરભરા કરવા કરતાં સ્થળ પર તેનો ન્યાય થાય ત્યારે લોકો વધાવી લે છે કારણ કે સિસ્ટમની ખામીઓથી તેઓ પણ પૂરેપૂરા વાકેફ છે.
આવાં એનકાઉન્ટરો પછી બુદ્ધિજીવીઓ કાયમ ચર્ચા કરતા રહે છે કે ખરેખર આ વ્યાજબી હતું કે કેમ, કારણ કે આમાં કાયદાથી થોડા વિપરીત જવાની વાત આવે છે. પણ વાસ્તવિકતા કાયમ આ રંગીન વાતોથી અલગ હોય છે. સામાન્ય માણસને જોઈએ છે કે તેની આસપાસ શાંતિ જળવાય રહે. તેના માટે રસ્તા શું અપનાવવામાં આવે છે તેની સાથે તેને નિસ્બત હોતી નથી. એટલે જ આવા દરેક બનાવ વખતે મોટેભાગે પ્રશંસા જ નીકળે છે.
શાંતિ સ્થાપવાનો આ એકમાત્ર માર્ગ નથી, પણ અમુક વખત મર્યાદાઓ ઓળંગવી પડે છે. કારણ કે સમાજમાં, દુનિયામાં આદર્શ કશું હોતું નથી. જે પ્રમાણેની સ્થિતિ હતી તેને જોતાં ગુજરાત પોલીસે જે કર્યું એ મહદ અંશે વ્યાજબી છે. પણ તેમણે વારંવાર આ ન કરવું પડે એવી આશા રાખીએ.


