8 સપ્ટેમ્બર, 2025ના રોજ પાડોશી દેશ નેપાળની (Nepal) રાજધાની કાઠમંડુ સહિત તમામ શહેરોમાં અચાનક રસ્તાઓ પર પ્રદર્શનકારીઓના ટોળાં વળવા લાગ્યાં. મીડિયા નેરેટિવ એવો બન્યો કે આ પ્રદર્શન (Protest) સોશિયલ મીડિયા બેન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ હતું. Gen-Zના યુવાનોએ આખો દેશ ફૂંકી માર્યો. આ હિંસક પ્રદર્શનમાં લગભગ 20 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. સંસદ અને રાષ્ટ્રપતિ ભવનમાં પણ તોડફોડના પ્રયાસો થયા. સરકારે સ્થિતિ સંભાળવા માટે સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી દીધો, પણ હિંસા ન અટકી. આખરે સેનાના દબાણમાં વડા પ્રધાને રાજીનામું આપી દીધું.
હવે પ્રશ્ન એ થઈ રહ્યા છે કે શું આ બધુ અચાનક થઈ ગયું? માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાથી રાતોરાત કોઈ દેશની સત્તા ઉથલી શકે? ભ્રષ્ટાચારનો મુદ્દો નેપાળમાં વર્ષોથી છે, પણ કેમ સરકાર બેકફૂટ પર ગઈ ત્યારે હમણાં જ આ મુદ્દે હિંસા ચાલુ જ રખાઈ? ખરેખર રાતોરાત લાખો પ્રદર્શનકારીઓને એકઠા કરવા શક્ય છે? કે પછી આની પાછળ પણ કોઈ નક્કી કરાયેલી ‘મોડસ ઑપરેન્ડી’ હતી? જે આપણે તાજેતરનાં વર્ષોમાં બાંગ્લાદેશ અને શ્રીલંકામાં જોઈ હતી.
હામી નેપાળ- રસ્તાઓ પર પ્રદર્શનકારીઓને ઉતારનારી તાકાત
નેપાળના કથિત આંદોલન વિશે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળે છે કે આ અરાજકતાનું સૌથી મોટું આયોજક એક સંગઠન છે. જેનું નામ ‘હામી નેપાળ’ છે. આ અરાજકતા જેટલી સરળ અને સ્પષ્ટ દેખાઈ રહી છે, એટલી છે નહીં. તેની પાછળ ઘણાં આંતરાષ્ટ્રીય સંગઠનો પણ જોડાયેલાં છે. હામી નેપાળનો પ્રમુખ એક યુવક છે, જેનું નામ સૂદન ગુરુંગ છે. હામી નેપાળે જ આ પ્રદર્શનોનાં બેનરો અને પોસ્ટરો તૈયાર કર્યાં, લોકોને એકઠા કર્યા. સોશિયલ મીડિયાથી લઈને જમીન સુધીના મોબાઈલાઈઝેશન પાછળ પણ આ જ ગ્રુપ કામ કરી રહ્યું હતું.
नेपाल में Gen Z Protest वाले Regime Change के पीछे NGO?
— OpIndia.tv (@OpIndia_tv) September 9, 2025
प्रदर्शन ऑर्गनाइज करने वाले 'Hami Nepal' और 'Sudan Gurung' के पीछे विदेशी हाथ… रेमन मैग्सेसे विनर Sanduk Ruit के साथ भी ताल्लुक? @journoharshv बता रहे नेपाल में सत्ता परिवर्तन के पीछे की पूरी Exclusive कहानी pic.twitter.com/3MqmP65FLb
હામી નેપાળે ટોળાં ભેગાં કરવા માટે ડિસ્કોર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો, જ્યાં ગ્રુપ ચેટમાં પ્રદર્શનની તમામ સૂચનાઓ આપવામાં આવી રહી હતી અને કોણ શું કરશે એ પણ નક્કી થતું હતું. ગ્રુપની વધુ તપાસ કરવામાં આવી તો તેમાં કોઈ બાંગ્લાદેશની જેમ નેપાળની સત્તા ઉઘાડી ફેંકવાની વાત કરતું હતું તો કોઈ હિંસાની બધી તસવીરો ઇન્ટરનેશનલ મીડિયા સુધી પહોંચાડવાની વાત કરી રહ્યું હતું. ગ્રુપમાં પેટ્રોલ બૉમ્બ બનાવવાની પદ્ધતિઓ પણ શીખવવામાં આવી રહી હતી. લોકોને કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ‘હત્યારી સરકાર’ના લખાણ સાથેની DP લગાવે. નેપાળ પોલીસ અને સુરક્ષાદળોની તસવીરોને શાર્પ શૂટર ગણાવીને શેર કરવામાં આવતી હતી.
આ ગ્રુપમાં સતત હિસા અને નરસંહારની વાતો કરવામાં આવી રહી હતી. આવી જ વાતો અગાઉ બાંગ્લાદેશમાં વડાં પ્રધાન શેખ હસીનાના સત્તાપલટા વખતે જોવા મળી હતી. જોકે, આટલું મોટું પ્રદર્શન માત્ર એક યુવાનોનું ગ્રુપ આયોજિત કરે એ શક્ય નથી. હામી નેપાળ વિશે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં એ જાણવા મળ્યું કે તેની સ્થાપના 2015માં થઈ હતી.
આ સંગઠન નેપાળમાં સમાજસેવા કરતું હોવાનો દાવો કરે છે. તેનો વાસ્તવિક પ્રમુખ સંદર્ક રૂઈટ નામનો એક શખ્સ છે. તેને હામી નેપાળે પોતાનો મેન્ટર ગણાવ્યો છે. ખાસ વાત એ છે કે તેને રેમન મેગસેસ એવોર્ડ પણ મળેલો છે. આ શખ્સ બારબરા ફાઉન્ડેશન નામનું એક NGO પણ ચલાવે છે. તેની સ્થાપના એક અમેરિકી મહિલાએ કરી હતી. આ NGO નેપાળમાં જ કામ કરે છે. તે પત્રકારોને એવોર્ડ પણ આપે છે અને જાતિવાદ જેવા મુદ્દાઓ પર કામ કરતું હોવાનો દાવો પણ કરે છે. હામી નેપાળને ઑફિસ સ્પેસ પણ આ જ સંગઠને આપી છે.
અલ જઝીરા સાથે હામી નેપાળનું કનેક્શન
હામી નેપાળનું કનેક્શન અલ જઝીરા સાથે પણ છે. તે સિવાય અન્ય કેટલાક NGO સાથે પણ તેની લિન્ક છે, જેના તાર સીધા બ્રિટનની સરકાર સાથે જોડાયેલા છે. હવે ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે નેપાળની આ ઘટનાનું રિપોર્ટિંગ કરવામાં સૌથી આગળ અલ જઝીરા રહ્યું છે. માત્ર એટલું જ નહીં, પણ બાંગ્લાદેશમાં જે રીતે હિંસા બાદ અમેરિકી અને પશ્ચિમી દેશોના દૂતાવાસ પ્રદર્શનકારીઓ સાથે ઊભા રહ્યા હતા, એવું જ હવે નેપાળમાં પણ થઈ રહ્યું છે.
અમેરિકી એમ્બેસીએ બાકી દૂતાવાસોની સાથે મળીને એ જ ભાષા કહી છે, જે તેમણે બાંગ્લાદેશમાં સત્તાપલટો થયા બાદ કહી હતી. આ સાથે જ હિંસા બાદ UNHCR, UN, એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને દુનિયાભરમાં ‘રિજિમ ચેન્જ સ્પેશ્યાલિસ્ટ NGO’ પણ સક્રિય થઈ ચૂક્યાં છે. તમામ સંગઠનોએ માત્ર નેપાળની હિંસા પર ફોકસ કર્યું છે અને વારંવાર તેનું પુનરાવર્તન કર્યું છે.
આ બધી બાબતોમાં કંઈકને કંઈક સમાનતાઓ નીકળે છે. વાસ્તવમાં આવા ‘રિજિમ ચેન્જ ઑપરેશન્સ’માં હિંસાને એમ્પલિફાય કરીને બતાવવી, ચૂંટણી પ્રક્રિયાઓમાં ગરબડીના ઢોલ પિટવા, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લીડ આપવી અને યુવાનોનો ઢાલની જેમ ઉપયોગ કરવો, એ એક મોડસ ઑપરેન્ડી હોય છે. એટલે કે ચહેરાઓ સ્થાનિક દેખાય, પણ તેનું કનેક્શન આંતરરાષ્ટ્રીય હોય છે. જોકે, આ પેટર્ન નવી નથી.
અન્ય પાડોશી દેશોમાં પણ જોવા મળી હતી સમાન પેટર્ન
નેપાળની હાલની તમામ ઘટનાઓ શ્રીલંકા અને બાંગ્લાદેશની યાદ અપાવે છે. શ્રીલંકામાં પણ સમાન પેટર્ન જોવા મળી હતી. યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર પડી ભાંગી હતી. બાંગ્લાદેશમાં પણ એવું જ થયું હતું અને પાકિસ્તાનમાં ઘણી વખત આવું થતું જોવા મળે છે. બાંગ્લાદેશમાં પણ શરૂઆત વિદ્યાર્થી આંદોલનથી થઈ હતી. સામાન્ય માંગણી હતી કે આરક્ષણ નીતિ પર પુનર્વિચાર કરવામાં આવે. જોકે, થોડા જ સમયમાં સરકારે માંગણીઓ સ્વીકારી પણ લીધી, તેમ છતાં હિંસા ન અટકી અને આખરે સેનાના દબાણમાં આવીને શેખ હસીનાએ રાજીનામું આપી દીધું.
આ તો થઈ બાંગ્લાદેશની વાત. હવે તે જ ઘટનાને નેપાળ હિંસા સાથે સરખાવી જુઓ. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શનો શરૂ કર્યાં અને નેપાળમાં Gen-Z યુવાનોએ. બાંગ્લાદેશમાં પણ એક નજીવી માંગણી પર રમખાણો શરૂ થયાં અને નેપાળમાં પણ. બાંગ્લાદેશમાં માંગણીઓ સ્વીકારી લેવાયા બાદ પણ હિંસા ફેલાવવામાં આવી અને નેપાળમાં પણ એવું જ થયું. આખરે બંને ઘટનાઓમાં સેનાની ભૂમિકા પણ નિર્ણાયક રહી છે. કારણ કે બાંગ્લાદેશમાં પણ સેનાએ જ શેખ હસીનાનું રાજીનામું લીધું અને નેપાળમાં પણ સેનાએ જ વડા પ્રધાનને રાજીનામું આપવા કહ્યું.
બાંગ્લાદેશમાં પણ ઇન્ટરનેશનલ મીડિયા, ખાસ કરીને અલ જઝીરા, BBC, વોશિંગ્ટન પોસ્ટે કટ્ટરપંથી ટોળાંનો સાથ આપ્યો અને સરકારને ટાર્ગેટ કરી. આવું જ નેપાળમાં પણ થયું. ત્યાં સુધી કે બાંગ્લાદેશ વખતે પણ અમેરિકી અને અન્ય યુરોપિયન દૂતાવાસોએ તે જ ભાષા વાપરી જે દર વખતે ‘રિજિમ ચેન્જ ઑપરેશન્સ’માં વાપરવામાં આવે છે અને હવે નેપાળમાં પણ એવું જ થયું.
આ બધી જ બાબતો શ્રીલંકામાં પણ થઈ હતી. 2021માં શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ વિદ્રોહ થયો, પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા અને સેનાએ ‘ન્યૂટ્રલ’ રહીને સરકારને નકારી કાઢી. શ્રીલંકાથી લઈને બાંગ્લાદેશ અને નેપાળ સુધી એક જ ‘રિજિમ ચેન્જ પ્લેબુક’નો ઉપયોગ થયો છે. એટલે કે એશિયાના દેશોને અસ્થિર કરવા માટે એ જ જૂના ટૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુવાનોના ટોળાં + કોઈ એક મુદ્દો + સોશિયલ મીડિયામાં હિંસાનું વહેણ + આંતરરાષ્ટ્રીય કનેક્શન + ઇન્ટરનેશનલ મીડિયાનું કવરેજ અને પશ્ચિમી દૂતાવાસોનું વલણ.
હવે પ્રશ્ન એ પણ થાય કે આ બધુ બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને અન્ય દેશોમાં થઈ શકે છે તો ભારતમાં નહીં થતું હોય? જોકે, એ વાસ્તવિકતા છે કે ભારતમાં પણ ગ્લોબલ ઇકોસિસ્ટમે આવા પ્રયાસો કરી જોયા છે. કથિત ખેડૂતોના આંદોલન વખતે પણ આવું જ થયું હતું. આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ ઘટનાને ‘ખેડૂતોનો વિદ્રોહ’ ગણાવી હતી અને ઘણા ‘ઇન્ટરનેશલ સ્ટાર’ પણ આ ઘટનામાં કૂદી પડ્યા હતા. CAAના વિરોધ વખતે પણ શાહીન બાગથી લઈને દિલ્હીના રમખાણો સુધી એક પક્ષ કે સમુદાયને સરકાર વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પણ ભારતમાં આ પ્લેબુક નિષ્ફળ રહી. તેની પાછળનું સૌથી મોટું કારણ છે મજબૂત રાજકીય નેતૃત્વ. અહીં વડા પ્રધાન મોદી અને સરકારમાં બેઠેલા માણસોને એ ખ્યાલ હતો કે ક્યારે શું કરવાનું છે અને ક્યારે શું નથી કરવાનું. નેતૃત્વની દૂરદર્શિતા પણ આમાં કારગર નીવડી છે. મોદી સરકાર વિશે કાયમ એવું કહેવાતું રહ્યું છે કે તે ભવિષ્યને ધ્યાને રાખીને કોઈપણ નિર્ણય લે છે. તો એ જ સરકાર વિરુદ્ધ ચાલી રહેલાં ષડ્યંત્રોની પણ તેને સારી રીતે જાણ હશે.
જોકે, અહીં સમસ્યા ટળી નથી જતી. આ ઇકોસિસ્ટમ વારંવાર ભારતમાં સત્તા પરિવર્તન લાવવા માટેના પ્રયાસો કરતી રહી છે અને આગળ પણ પ્રયાસો કરતી રહેશે. પણ, દેશનું કુશળ નેતૃત્વ તે થવા નહીં દે. તેથી નેતૃત્વ પર ભરોસો રાખીએ અને સરકારને વધુ મજબૂત બનાવીને દેશને લોહિયાળ અખાડો થતાં બચાવતા રહીએ.


