વડોદરાના પૂર્વ AAP ઉપપ્રમુખ રિયાઝ શેખની ખંડણીના ગુનામાં ધરપકડ, ભાજપ વિરુદ્ધ ખોટાં પોસ્ટરો લગાવવાના આરોપમાં સુરતથી પણ પકડાયો એક કાયકર્તા

તાજેતરમાં જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખની એક મહિલાના અપહરણ અને મારમારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને અન્ય કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનને બાનમાં લઈને ધાક બતાવવાના પ્રયાસ કર્યા હતા ત્યારે પણ તેમની અટકાયત કરવી પડી હતી. હવે આગળ વધીએ તો વડોદરા અને સુરતમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વડોદરાના આપના ઉપપ્રમુખ તરીકે ઓળખ આપીને ખંડણી ઉઘરાવવા મામલે એક રિયાઝ શેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સુરતના એક AAP કાર્યકર્તાને ભાજપ વિરુદ્ધનાં ભડકાઉં પોસ્ટરોને લઈને પકડવામાં આવ્યો છે.

વડોદરાના કેસની વાત કરીએ તો આરોપ છે કે મનીષ અને સોનું વારસિયામાં દારૂનો ધંધો કરે છે તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરીને ખંડણી પેટે દર મહિને 2 હજારની માંગણી કરી કુલ 14 હજાર પડાવી લેનારા વડોદરા શહેરના AAPના પૂર્વ ઉપપ્રમુખ વિરુદ્ધ વારસિયાના કેબલ ઈન્ટરનેટ પ્રોવાઇડરે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે રિયાઝ શેખની ધરપકડ કરી લીધી હતી. 

મનીષ બેલાણીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 9 નવેમ્બર, 2025ના રોજ તેઓ ઘરે હાજર હતા. ત્યારબાદ તેમના પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જે તેમણે બ્લોક કરી દેતા બીજા એક નંબર પરથી કોલ આવ્યો હતો. જે કોલ રિસીવ કરતા સામે પક્ષેથી ધમકી આપવામાં આવી હતી કે ‘હું તમારો ધંધો બંધ કરાવી દઈશ.’ ત્યારબાદ બીજો નંબર પણ બ્લોક કરતા ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે તે પોતે આમ આદમી પાર્ટીનો ઉપપ્રમુખ રિયાઝ શેખ બોલે છે. 

ત્યારબાદ રિયાઝે ધમકી આપી હતી કે તે દારૂની બાતમી અને કથિત ફોટા અને વિડીયો પોલીસ કમિશનર સુધી પહોંચાડી દેશે. ત્યારબાદ રિયાઝે ફેસબુક પોસ્ટ કરીને જાહેરમાં દારૂના ધંધાના આક્ષેપ કર્યા હતા. ફરિયાદમાં એવું પણ કહેવાયું છે કે રિયાઝ શેખે સમાધાનના 10 હજાર લીધા અને દર મહિને 5 હજારનો હપ્તો માંગ્યો. જે બાદ પૈસા આપવાનું બંધ કરતા તેણે ફેસબુક પર પોસ્ટ વાયરલ કરી હતી.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે રિયાઝે ત્રણ મહિના પહેલાં જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે તે સોશિયલ મીડિયા પર હજુ આમ આદમી પાર્ટી સંબંધિત અપડેટ્સ શૅર કરતો જોવા મળે છે. કોઈ નેતા પકડાય એટલે તેનો પાર્ટી સાથે સંબંધ નથી એવું કહી દેવાની ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓને હવે ટેવ પડી ગઈ છે એ પણ એક હકીકત છે.

સુરતમાં પણ AAP કાર્યકર્તાની ધરપકડ

વધુમાં સુરતમાંથી પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે. ભાજપવિરોધી પોસ્ટરો લગાવવા મામલે આપના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ કિરીટ ઉર્ફે કેપી પરષોત્તમ પાનસુરીયા છે અને મૂળ જૂનાગઢના વિસાવદરનો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે ભાજપવિરોધી પોસ્ટરો સરથાણા કિરણચોક ખાતે આપના કાર્યાલયમાં પડ્યાં હતાં, જ્યાંથી તે પોસ્ટરો લઈ આવ્યો હતો. જોકે, કાર્યાલય પર આવાં વિવાદિત પોસ્ટરો કોણ લાવ્યું હતું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.