
સુરતમાં આવેલ અલથાણ વિસ્તારમાં ગતરોજ એક હિંદુ સગીરાની છેડતીની અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હજારોની સંખ્યામાં રોષે ભરાયેલા સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેમણે આરોપી મોહમ્મદ અઝીઝ ઇલિયાઝને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.
અહેવાલ અનુસાર 24 એપ્રિલની રાત્રિના આશરે સવા આઠ વાગ્યાની આસપાસ હિંદુ સગીરા એટલાન્ટા મોલ પાસે આવેલા તેના ટ્યુશન ક્લાસીસથી ઘરે જઈ રહી હતી. આ દરમિયાન બારડોલીના રહેવાસી 39 વર્ષીય મોહમ્મદ અઝીઝ ઇલિયાઝ નામના શખ્સે સગીરાનો હાથ પકડી તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ હિંમત બતાવી ચીસાચીસ કરતા આસપાસના લોકો તુરંત તેની મદદે દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આ ઘટનાની જાણ વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસની 112 કંટ્રોલરૂમની વાન ઘટનાસ્થળે પહોંચી તે પહેલાં પણ આરોપીને માર માર્યો હતો. પોલીસ આવતા આરોપીને વાનમાં બેસાડ્યા બાદ પણ ભીડનો રોષ શાંત ન થતા વાનમાંથી આરોપીને બહાર ખેંચીને મેથીપાક ચખાડ્યો હતો. સ્થિતિ એટલી તંગ બની હતી કે પોલીસ મહામુસીબતે આરોપીને ભીડમાંથી બચાવી અલથાણ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
આ ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા અને ગ્રુપમાં ફેલાતા જ પાટીદાર સમાજના અગ્રણીઓ, હિંદુ સંગઠનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. છેડતીના સ્થળથી લઈને પોલીસ સ્ટેશન સુધીના 3 કિલોમીટરના વિસ્તારમાં આશરે 4000થી વધુ લોકો એકઠા થઈ જતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. લોકોએ પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર કરી આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગણી કરી હતી.
DCP નિધિ ઠાકુરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે બનેલી આ ઘટનામાં પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીના વાલીઓ અને શિક્ષકની હાજરીમાં POCSO એક્ટ હેઠળ કડક કલમો લગાવી FIR નોંધવામાં આવી છે.”
ઘટના અંગે એસીપી આર. દેસાઈએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી 49 વર્ષીય આરોપી શેખ મોહમ્મદ અઝીઝને પકડી પાડી PCR વાનને સોંપ્યો હતો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
#WATCH | Gujarat: Surat ACP R Desai says, "Today, in Surat's Althan police station, a girl was returning from her tuition, and a man tried to assault her. People gathered, caught him and called the PCR… Legal action was taken after the girl's complaint. No one was… https://t.co/u9TDlCrC4s pic.twitter.com/x1f35TAllo
— ANI (@ANI) April 25, 2026
તેમણે આગળ જણાવ્યું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આશરે 70થી 80 જેટલા પોલીસ જવાનોનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતોથી વિપરીત પોલીસે સ્પષ્ટતા કરી હતી કે ભીડ પર કોઈ લાઠીચાર્જ કરવામાં આવ્યો નથી અને પીડિતાનાં માતાનાં નિવેદન બાદ પરિવારને સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવાયો હતો. વધુમાં પીડિતાનાં માતાએ હિંદુ સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

