દિવ્યાંગો વિશેની ટિપ્પણીઓ મામલે સુપ્રીમ કોર્ટે સમય રૈના સહિત ચાર કોમેડિયનો સામેનો કેસ બંધ કર્યો, તમામ FIR રદ

કૉમેડિયન સમય રૈના અને અન્ય વ્યક્તિઓ સામે દિવ્યાંગો વિશે કરેલી ટિપ્પણીઓ મામલે નોંધાયેલી FIR સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. શુક્રવારે (14 ઑગસ્ટ) સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો.

આ મામલો સમય રૈનાના યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ સંબંધિત છે, જેમાં પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયાએ કરેલી એક ટિપ્પણીને લઈને ગત વર્ષે મોટો વિવાદ સર્જાયો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

14 ઑગસ્ટે CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આદેશ પસાર કર્યો હતો.

સમય રૈના ઉપરાંત કોર્ટે બલરાજ ઘાઈ (જેના સ્ટુડિયોમાં લેટન્ટના એપિસોડ શૂટ થાય છે), કૉમેડિયનો વિપુલ ગોયલ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવરને પણ રાહત આપી છે.

કોર્ટે અગાઉ આ કોમેડિયનોને દિવ્યાંગો માટે સકારાત્મક કામો કરવા માટે આદેશ આપ્યો હતો. જેને લઈને કોર્ટે કહ્યું કે, “એક વખત જેન્યુઇન પ્રયાસો થાય તો સકારાત્મક પરિણામો પણ મળે. આ બધા બહુ તેજસ્વી યુવાઓ છે. તેમણે જો સકારાત્મક દિશામાં કામ શરૂ કર્યું હોય તો તેનાં સકારાત્મક પરિણામો પણ મળશે.”

કોર્ટે દિવ્યાંગો વિશે કરેલી ટિપ્પણી મામલે કરવામાં આવેલી FIR રદ કરી દીધી છે અને કેસ બંધ કરી દીધો છે.

વિવાદ ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ના નવેમ્બર 2024ના એક એપિસોડથી ઉદ્ભવ્યો હતો. એક NGOએ સમય રૈના અને અન્ય વિરુદ્ધ દિવ્યાંગ વ્યક્તિની સ્થિતિ વિશે અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવાના આરોપસર અરજી દાખલ કરી હતી.

નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે રૈના સહિતના કોમેડિયનોને મહિનામાં ઓછામાં ઓછા બે કાર્યક્રમો કરીને દિવ્યાંગો માટે ભંડોળ એકઠું કરવા માટે નિર્દેશ આપ્યા હતા અને સાથે તેમાં દિવ્યાંગોને જોડવા માટે પણ જણાવ્યું હતું. પરંતુ પછીથી સંસ્થાએ કોર્ટને ફરિયાદ કરી હતી કે સમય રૈનાએ ક્યારેય પછી તેમનો સંપર્ક કર્યો ન હતો.

બીજી તરફ રૈનાના વકીલે દાવો કર્યો હતો કે શો મારફતે દિવ્યાંગો માટે ₹9 લાખ એકઠા કરવામાં આવ્યા હતા અને બાંહેધરી આપી હતી કે NGOનો પણ જલ્દીથી સંપર્ક કરવામાં આવશે.

જોકે કોર્ટે આ બાબતે વાંધો ઉઠાવીને કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવા બદલ સમય રૈનાને ₹3 લાખનો દંડ ફટકાર્યો હતો. સાથે ભવિષ્યમાં પણ ઉલ્લંઘન થાય તો વધુ કડક સજા કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

આજે કોર્ટે સમય રૈના અને અન્યોએ યોજેલા કાર્યક્રમોની નોંધ લઈને કેસ બંધ કરી દીધો છે. કોર્ટને જણાવવામાં આવ્યું કે પુણેમાં માર્ચમાં દિવ્યાંગો માટે એક મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવા બીજા ચાર કાર્યક્રમો કરવામાં આવશે. ઉપરાંત અત્યાર સુધીમાં ₹12.5 કરોડ એકઠા થઈ ચૂક્યા છે અને તેનો ઉપયોગ દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવશે.

કોર્ટે આ પ્રયાસોની નોંધ લઈને આખરે કાર્યવાહી બંધ કરી હતી.

ઇન્ડિયાઝ ગોટ લેટન્ટના અન્ય એક એપિસોડ મામલે પણ રણવીર અલાહાબાદિયા, સમય રૈના, આશિષ ચંચલાની વગેરે ઇન્ફ્લુએન્સરો સામે કેસ થયા હતા, જે મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.