‘સેનાનું મનોબળ ન ઘટાડો, જજ કઈ રીતે આતંકવાદી હુમલાની તપાસ કરી શકે’: પહલગામ હુમલાની ન્યાયિક તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, પરત ખેંચાઈ PIL

પહલગામ આતંકવાદી હુમલા બાદ આ મામલે ન્યાયિક કમિશન રચીને તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજદારની ઝાટકણી કાઢતાં આખરે પરત લઈ લેવામાં આવી છે. 

કોર્ટે ગુરુવારે (1 મે) આ મામલે સુનાવણી હાથ ધરી હતી. દરમ્યાન અરજદારને કડક શબ્દોમાં ઠપકો આપવામાં આવ્યો. 

જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, “થોડા જવાબદાર બનો…તમે આ રીતે સેનાનું મનોબળ ઘટાડશો? એ પણ આવા સમયે? કયા દહાડે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ તપાસમાં વિશેષજ્ઞ બની ગયા? અમે માત્ર વિવાદોનો ઉકેલ લાવીએ છીએ.”

આગળ કહ્યું, “તમે જે માંગો કરી છે તેની તમને જાણ પણ છે ખરી? તમે પહેલાં કહો છે કે નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજે તપાસ કરવી જોઈએ. તેઓ કરી શકે એમ નથી. ત્યારબાદ તમે ગાઈડલાઈન, વળતર અને પ્રેસ કાઉન્સિલને દિશાનિર્દેશ આપવા માટે કહો છો.”

સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ બહુ સંવેદનશીલ સમય છે અને દરેક ભારતીય જ્યારે આતંકવાદ સામે લડાઈ લડવા માટે એકજૂટ હોય ત્યારે આ રીતે સેનાનું મનોબળ ન ઘટાડો. મુદ્દાની સંવેદનશીલતાને જુઓ.” 

કોર્ટની આ ટિપ્પણીઓ બાદ અરજદારે અરજી પરત ખેંચી લેવા માટે માંગ કરી હતી, જેને પછીથી મંજૂરી આપવામાં આવી.