‘ભ્રષ્ટ થઈ ગઈ છે AAP, પીએમ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ’: 6 રાજ્યસભા સાંસદો સાથે ભાજપમાં જોડાયા રાઘવ ચઢ્ઢા, વાંચો અન્ય નામો

આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ AAP છોડીને ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાવાની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે હાજર રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે તેઓ અને રાજ્યસભામાં AAPના બે તૃતીયાંશ સાંસદોએ પાર્ટી છોડીને BJPમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યસભામાં AAPના કુલ 10 સાંસદો છે, જેમાંથી 7 તેમની સાથે છે.

રાઘવ ચઢ્ઢાએ પોતાના નિર્ણય અંગે કહ્યું કે, “અમે એ નિર્ણય લીધો છે કે અમે એટલે કે રાજ્યસભામાં AAPના બે તૃતીયાંશ સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને BJPમાં વિલય કરી લઈશું.”

‘હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું’ : રાઘવ ચડ્ઢા

તેમણે પાર્ટી પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું, “જે AAPને મેં પોતાના લોહી-પરસેવાથી સીંચી અને પોતાની જવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે પોતાના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પરંતુ પોતાના વ્યક્તિગત ફાયદા માટે કામ કરે છે.”

તેમણે કહ્યું કે, “પાછલા કેટલાક વર્ષોથી મને આ અનુભવ થતો હતો કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. તેથી, આજે અમે આ જાહેરાત કરીએ છીએ કે હું AAPમાંથી પોતાને અલગ કરી રહ્યો છું અને જનતાની નજીક જઈ રહ્યો છું.”

આ સાથે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ઘણા એવા મજબૂત નિર્ણયો લીધા છે જે લેવામાં કદાચ અગાઉના નેતાઓ હિચકાતા હતા, ભલે તે આતંકવાદને જડમાંથી ઉખાડી નાખવાની વાત હોય કે ભારતને વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવાની.”

તેમણે કહ્યું કે, “જનતાએ આ નેતૃત્વને એક વાર નહીં, બે વાર નહીં પરંતુ ત્રણ વાર સમર્થન આપ્યું છે. અમે બધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિત શાહના સંકલ્પ સાથે કામ કરવાને પોતાનું સૌભાગ્ય માનીએ છીએ અને દેશ માટે અથાગ પરિશ્રમ કરતા રહીશું.”

નોંધનીય છે કે રાઘવ ચઢ્ઢા સિવાય અન્ય નામોમાં સ્વાતિ માલીવાલ, અશોક કુમાર મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંઘ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સિંઘ સાહનીનો સમાવેશ થાય છે.