
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ (પુરનિયા ચોરાહા) વિસ્તારમાં સોમવારે (22 જૂન) બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં 15 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટાભાગના 20થી 24 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ સામેલ છે, જેઓ ત્યાં આવેલા એનિમેશન કોચિંગ સેન્ટરમાં ભણવા માટે આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ઘસ્ફોટ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ અકસ્માત પાછળ બિલ્ડિંગ માલિકોની ઘોર બેદરકારી જવાબદાર છે. જે બિલ્ડિંગમાં આગ લાગી, તેના માટે વર્ષ 2014માં માત્ર રહેણાંક (આવાસીય) હેતુ માટેનો નકશો પાસ કરવામાં આવ્યો હતો. પરંતુ નિયમોને નેવે મૂકીને તેનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ, બીજા માળ પર કોચિંગ સેન્ટર અને ગેમિંગ ઝોન તેમજ ત્રીજા માળ પર ઑફિસ ચાલતી હતી.
આ આગ એટલી જીવલેણ બની કારણ કે બિલ્ડિંગમાં સુરક્ષાના કોઈ સાધનો નહોતા. ઇમારતમાં અંદર આવવા અને બહાર જવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો અને સાંકડી સીડીઓ હતી. બિલ્ડિંગમાં કોઈ ‘ઇમરજન્સી એક્ઝિટ’ પણ બનાવવામાં આવ્યો નહોતો. શરૂઆતી તપાસ મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગનો ઝેરી અને કાળો ધુમાડો આખી બિલ્ડિંગમાં અને સીડીઓ પર ફેલાઈ ગયો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્યા નહીં અને શ્વાસ રૂંધાવાને કારણે તેમનાં મોત થયાં.
આ મામલે એક મોટો ઘટસ્ફોટ એ પણ થયો છે કે વર્ષ 2016માં લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA) દ્વારા આ ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ બિલ્ડિંગ માલિકોના કોર્ટમાં વાંધા બાદ માત્ર બે જ મહિનામાં આ આદેશ રદ કરી દેવાયો હતો.
6 સામે FIR
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને કડક પગલાં લીધાં છે. આ મામલે અલીગંજ પોલીસ સ્ટેશનમાં 6 વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 125 અને 3(5) હેઠળ નામજોગ FIR નોંધવામાં આવી છે.
વધુમા બિલ્ડિંગના ત્રણ માલિકો રામકૃષ્ણ ઉપાધ્યાય, વીરેન્દ્ર પ્રસાદ શુક્લા, તુશાંક ક્રિષ્ણા જયસ્વાલ અને એક સ્ટુડિયો ઑપરેટર સુરેશ કુમાર સાહુ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત બેદરકારી દાખવવા બદલ વીજળી વિભાગ, ફાયર બ્રિગેડ અને એલડીએના 4 જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
4 અધિકારીઓ સસ્પેન્ડ
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં જાનકીપુરમ વીજળી વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગૌરવ કુમાર, ઇન્દિરા નગરના ફાયર સેફ્ટી ઑફિસર કમલેન્દ્ર કુમાર સિંઘ, તેમજ લખનઉ વિકાસ પ્રાધિકરણના (LDA) આસિસ્ટન્ટ એન્જિનિયર અનિલ કુમાર અને જુનિયર એન્જિનિયર પ્રમોદ પાંડે સામેલ છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે બે સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે અને 7 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. વધુમાં મૃતકોના આશ્રિતોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

