
લખનઉના અલીગંજમાં આવેલા એક કોચિંગ સેન્ટરમાં આગ ફાટી નીકળ્યા બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ દુર્ઘટનાના પગલે પ્રયાગરાજમાં નિયમોનું ઉલ્લંઘન કરતાં કોચિંગ સેન્ટરો સામે એક્શન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા યુટ્યુબ શિક્ષક ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરના ‘ખાન ગ્લોબલ ક્લાસીસ’ કોચિંગ ઇન્સ્ટિટ્યુટને સીલ કરી દેવામાં આવ્યું છે.
પ્રશાસને સીલ કરતાં પહેલાં ક્લાસરૂમમાંથી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને ઓફિસ પણ બંધ કરી હતી. કાર્યવાહી બાદ કોચિંગ સેન્ટરની બહાર એક સત્તાવાર નોટિસ ચોંટાડવામાં આવી છે, જેમાં સ્પષ્ટ ચેતવણી છે કે જો પરવાનગી વગર સીલ તોડવામાં આવશે અથવા ફરીથી ક્લાસ શરૂ કરાશે તો જવાબદારો સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Khan Sir का Khan Global Studies Coaching Center हुआ Seal | Prayagraj News | Lucknow Fire | CM Yogi#khansir #amarujala pic.twitter.com/GjkrUiuEca
— Amar Ujala (@AmarUjalaNews) June 24, 2026
કોચિંગ સેન્ટરને સીલ કરવા પાછળનું મુખ્ય કારણ બિલ્ડિંગના નકશા અને મંજૂરી સાથે જોડાયેલું છે. ઝોનલ ઓફિસરના જણાવ્યા અનુસાર, જે બિલ્ડિંગમાં ખાન ગ્લોબલ ક્લાસીસ ચાલી રહ્યા હતા તેનો નકશો ‘કમર્શિયલ’ ઉપયોગ માટે પાસ થયેલો છે. નિયમો મુજબ કોચિંગ ઇન્સ્ટિટ્યુટનું સંચાલન ‘કમ્યુનિટી સર્વિસ’ હેઠળ આવે છે. જેના માટે લેન્ડ યુઝની જરૂરી મંજૂરી લેવામાં આવી ન હોવાથી નિયમોના ભંગ બદલ આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
પ્રયાગરાજમાં માત્ર ખાન કોચિંગ જ નહીં, પરંતુ અન્ય ઘણી મોટી સંસ્થાઓ પણ હવે રડારમાં છે. પ્રશાસને કર્નલગંજ વિસ્તારમાં આવેલા અમુક ક્લાસીસ અને સિવિલ લાઇન્સમાં સરદાર પટેલ માર્ગ પર સ્થિત ધ્યેય IAS સહિત અન્ય કેટલાય સેન્ટરો પર તપાસ કરી છે. આ તમામ સંસ્થાઓમાં સુરક્ષા અને નિયમોના ધારાધોરણોની ખામી જોવા મળી છે.
તંત્રએ હાલમાં પ્રયાગરાજના આશરે 50 જેટલાં કોચિંગ સેન્ટરોને ચિહ્નિત કર્યાં છે, જ્યાં કાયદેસરની કાર્યવાહીની તલવાર લટકી રહી છે. શહેરમાં બિલ્ડિંગના નકશાઓની સાથે-સાથે લિફ્ટ, વીજળી અને સૌથી મહત્વપૂર્ણ એવી ફાયર સેફ્ટીની NOCની આકરી ચકાસણી થઈ રહી છે. જે એકમો નિયમોનું પાલન નહીં કરતાં હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

