કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટી પડતાં કામદારો દબાયા, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ

કોલકાતાના તારાતલા વિસ્તારમાં બુધવારે (24 જૂન) એક નિર્માણાધીન શેડ તૂટી પડતાં અનેક લોકો દબાઈ ગયા હતા. હાલ રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને 14 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. આ લખાય રહ્યું છે ત્યારે હજુ અમુક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાય રહ્યું છે.

અહીં એક ગોડાઉન માટે શેડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને ઘણા શ્રમિકો કામ કરી રહ્યા હતા. અચાનક શેડનો એક ભાગ તૂટી પડતાં કામદારો દબાઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પછીથી NDRFની ટીમ અને ભારતીય સેનાની ટીમો પણ બચાવકાર્ય માટે પહોંચી.

હાલ રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે અને ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સીધા હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી અમુકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે પરિસ્થિતિ પર નજર રાખવા માટે અને રાહત-બચાવકાર્યમાં સમન્વય માટે એક સ્ટેટ કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે. સરકારનું કહેવું છે કે દુર્ઘટનાનાં કારણોની વિગતવાર તપાસ કરવામાં આવશે પરંતુ હાલ પ્રાથમિકતા લોકોને બચાવવાની છે. રાજ્ય સરકારનાં મંત્રી અગ્નિમિત્રા પૉલ પણ પછીથી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને રાહત-બચાવકાર્યનું નિરીક્ષણ કર્યું હતું.  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યાં ઘટના બની ત્યાં છેલ્લા છ-સાત મહિનાથી એક ગોડાઉન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જમીન બેહેરા બ્રધર્સ કન્સ્ટ્રક્શનની છે અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટનું કામ અસગર ખાનનું હતું. પ્રાથમિક દૃષ્ટિએ નિર્માણમાં સુરક્ષા માનકોનું પૂરતું પાલન ન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વિગતવાર તપાસ બાદ બાકીની વિગતો જાણવા મળશે.