જંતર-મંતર પર પ્રદર્શનની પરવાનગી નહીં છતાં દીવાલ કૂદીને ઘૂસ્યા CJPના કોકરોચો, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી પોલીસે ફરી કરી અટકાયત

દિલ્હીના જંતર-મંતર ખાતે પરવાનગી વગર પ્રદર્શન કરવાનો અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર કોકરોચો વિરુદ્ધ દિલ્હી પોલીસે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. મંગળવાર, 13 ઑક્ટોબરના રોજ કાયદાનું ઉલ્લંઘન કરીને પ્રદર્શન સ્થળે ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા સૌરવ દાસ અને આશુતોષ રાંકા સહિતના કોકરોચોની પોલીસે સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે.

નોંધનીય છે કે 12 ઑક્ટોબરે દિલ્હી પોલીસે જંતર-મંતરને પ્રદર્શન માટેના નિયુક્ત સ્થળ તરીકેના દરજ્જામાંથી હટાવી દીધું હતું અને ત્યાં પ્રદર્શન કરવાની પરવાનગી પણ નહોતી. આમ છતાં કાયદાકીય પ્રતિબંધો અને અગાઉ શાંતિ જાળવવા માટે બોન્ડ પર સહી કર્યા હોવા છતાં આ કોકરોચો 13 ઑક્ટોબરે ફરી જંતર-મંતર પહોંચ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપવા માટે JDUની ઑફિસની દીવાલ કૂદીને પ્રદર્શન સ્થળે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

સામે આવ્યું છે કે CJPના આ કોકરોચોએ સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપવા માટે નજીકમાં આવેલી જનતા દળ (યુનાઇટેડ) એટલે કે JDUની ઑફિસની દીવાલ અને કમ્પાઉન્ડ પરથી કૂદીને પ્રદર્શન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. દિલ્હી પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ ઉપદ્રવીઓને તાત્કાલિક કસ્ટડીમાં લીધા હતા.

10 ઑક્ટોબરે પણ કર્યા હતા ડિટેન

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ 10 ઑક્ટોબરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે માટે દિલ્હી પોલીસે જંતર-મંતર પર કોઈપણ અનધિકૃત પ્રદર્શનની પરવાનગી આપી નહોતી. તેમ છતાં અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર જ ઉતરતાની સાથે પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી.

ત્યારબાદ 11 ઑક્ટોબરે ત્રણેયને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટે તેમને ₹50,000ના પર્સનલ બોન્ડ અને આગામી એક વર્ષ સુધી કોઈપણ પ્રકારની શાંતિ ભંગ ન કરવાની તથા કાયદાનું પાલન કરવાની શરતે મુક્ત કર્યા હતા. બોન્ડ ભર્યા હોવા છતાં કાયદાકીય શરતોનો અનાદર કરીને માત્ર બે જ દિવસમાં આ કોકરોચો ફરીથી ગેરકાયદે પ્રદર્શન કરવા જંતર-મંતર પહોંચી ગયા હતા.

ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર અને SIR સંદર્ભે CJPના કોકરોચો પબ્લિસિટી સ્ટંટ કરી રહ્યા છે. બંધારણીય નિયમો અનુસાર થતી મતદાર યાદીઓની શુદ્ધિકરણ પ્રક્રિયાને લઈને અફવાઓ ફેલાવી રાજીનામાંની માગ કરવી એ માત્ર એક રાજકીય એજન્ડાનો ભાગ છે. આ જ કારણોસર જાહેર શાંતિ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આ વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાની ના પાડી હતી.

એરપોર્ટ પરથી થયેલી પ્રથમ અટકાયત અને ત્યારબાદ મેજિસ્ટ્રેટ સમક્ષ શાંતિ જાળવવા આપેલા વચનનું ઉલ્લંઘન કરીને 13 ઑક્ટોબરે ફરી દીવાલ કૂદીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા પોલીસે ફરીથી સૌરવ દાસ અને આશુતોષ રાંકાને તાબામાં લીધા છે. અદાલતી શરતોના ભંગ બદલ અને ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ તેમની સામે કેવી કાર્યવાહી થશે તે જોવું રહ્યું.