
દક્ષિણ ગુજરાતના વલસાડમાં એક હિંદુ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધરમપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં પિતાએ આરોપ એક મુસ્લિમ યુવક સામે લગાવ્યો છે. પોલીસે હાલ આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
મામલો ધરમપુરના એક ગામનો છે. પીડિત પિતાએ ફરિયાદમાં જણાવ્યું કે તેમની 17 વર્ષીય પુત્રી 19 જાન્યુઆરીથી ગાયબ છે અને જેનો કોઈ પત્તો નથી. બે દિવસ પહેલાં તેમને જાણવા મળ્યું હતું કે તે ધરમપુરમાં રહેતા એક ઉસામા બક્તિયાન નામના શખ્સ સાથે સંપર્કમાં હતી. પિતાએ ઉસામાના ઘરે તપાસ કરતાં જાણ થઈ કે ઉસામા પણ તેના ઘરે નથી.
હિંદુ પરિવારે બંનેની તપાસ કર્યા બાદ પણ કોઈ પત્તો ન મળતાં આખરે પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા હતા. પીડિત પિતાનો આરોપ છે કે ઉસામા તેમની પુત્રીને લગ્નની લાલચ આપીને, અપહરણ કરીને ભગાડી લઈ ગયો છે.
ધરમપુર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) (અપહરણ) અને 87 (લગ્નની લાલચ આપીને મહિલાનું અપહરણ) તેમજ SC/ST એક્ટની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
દરમ્યાન પરિવાર વલસાડ જિલ્લા નાયબ પોલીસ વડાને (DySP) પણ મળ્યો હતો અને કાર્યવાહીની માગ કરી હતી. તેમની સાથે હિંદુ સંગઠનો પણ જોડાયાં હતાં. કેસની ગંભીરતાને જોતાં DySPએ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને કામે લગાડી છે. હાલ પોલીસ મુખ્ય માર્ગો અને હાઇવે પરના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. આરોપીનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને મોબાઈલનાં લૉકેશન પણ ટ્રેક કરવામાં આવી રહ્યાં છે.

DySP જે. કે પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસની પ્રાથમિકતા સગીરાને શોધી કાઢીને સુરક્ષિત પરિવારને સોંપવાની છે. બીજી તરફ આરોપી સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે. મજબૂત ચાર્જશીટ દાખલ થાય એ સુનિશ્ચિત કરવામાં આવશે.

