Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'હિંદુસ્તાન ઝિંદાબાદ'ના નારા, ઢોલ-નગારાં અને ફટાકડાની ગુંજ.... વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બાદ...

  ‘હિંદુસ્તાન ઝિંદાબાદ’ના નારા, ઢોલ-નગારાં અને ફટાકડાની ગુંજ…. વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બાદ દેશભરમાં દિવાળી જેવો માહોલ, ખેલાડીઓની પ્રશંસાથી ઉભરાયું સોશિયલ મીડિયા

  ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવી દીધું હતું. ત્યારબાદ દેશભરમાં દિવાળીની જેમ ઉજવણી શરૂ થઈ ગઈ હતી. લોકો રસ્તા પર આવીને પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા હતા. ઘણા લોકો તો હર્ષાશ્રુમાં લિપ્ત થઈ ગયા હતા. ઢોલ-નગારા અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

  - Advertisement -

  T20 વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને તેના ઘરઆંગણે હરાવીને 13 વર્ષ બાદ વિશ્વકપ પોતાને નામ કર્યો છે. આ ભવ્ય અને ઐતિહાસિક વિજય બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. રાત્રે જ વિજય બાદ દેશભરમાં ઉજાણી કરવામાં આવી અને લોકો રસ્તા પર નીકળ્યા હતા. બીજી તરફ, સોશિયલ મીડિયામાં પણ ખેલાડીઓને શુભકામનાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યાં. એક રીતે દિવાળી જેવો માહોલ સર્જાયો.

  T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉન સ્થિત કેંસિંગ્ટન ઓવલ ખાતે રમાઈ હતી. ભારતે 176 રન બનાવીને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ મેચ 7 રનથી જીતી લીધી હતી. ભારતના બોલરો આ ઐતિહાસિક જીતના હીરો રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ઐતિહાસિક વિજય બાદ દેશભરમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા. આખા દેશમાં વિવિધ સ્થળોએ જીતની ઉજવણી કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પણ લોકોએ ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ પાઠવવામાં આવી. જીત બાદ ભારતમાં જાણે દિવાળીનું આગમન થયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો હતો. મોડી રાત્રે જ લોકોએ રસ્તાઓ પર આવીને ઉજવણી શરૂ કરી દીધી હતી. ક્યાંક ઢોલ-નગારા વાગી રહ્યા હતા તો કેટલીક જગ્યાએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી હતી.

  રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો છે. આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. આ ક્રમમાં વડાપ્રધાન મોદીએ પણ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવીને કહ્યું હતું કે, દેશને ભારતીય ક્રિકેટ ટીમ પર ગર્વ છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કરીને ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું કે, “ચેમ્પિયન! આપણી ટીમ T20 વર્લ્ડ કપને શાનદાર અંદાજમાં ઘરે લઈને આવી છે. અમને ભારતીય ક્રિકેટ ટીમ પર ગર્વ છે. આ મેચ ઐતિહાસિક હતી.”

  - Advertisement -

  વડાપ્રધાન મોદીએ વિડીયોમાં કહ્યું કે, “ટીમ ઇન્ડિયાને આ ભવ્ય વિજય માટે તમામ દેશવાસીઓ તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આજે 140 કરોડ દેશવાસીઓ તમારા આ શાનદાર પ્રદર્શન માટે ગર્વ અનુભવી રહ્યા છે. રમતના મેદાનમાં તમે વર્લ્ડ કપ જીત્યો પરંતુ હિન્દુસ્તાનના દરેક ગામ, શેરી-મહોલ્લામાં કોટિ-કોટિ દેશવાસીઓના દિલ જીત્યા છે. આ ટુર્નામેન્ટ એક વિશેષ કારણથી પણ યાદ રાખવામાં આવશે. એટલા બધા દેશ, આટલી બધી ટીમો અને એક પણ મેચ હારવી નહીં, આ નાની ઉપલબ્ધિ નથી. તમે ક્રિકેટ જગતના દરેક મહારથી, તેમના દરેક બોલને રમ્યા અને શાનદાર વિજય પ્રાપ્ત કરતાં રહ્યા. એક પછી એક વિજયે તમારો હોંસલો બુલંદ કર્યો અને આ ટુર્નામેન્ટને પણ રસપ્રદ બનાવી દીધી.”

  તેમણે વધુમાં કહ્યું કે, “તમે શાનદાર જીત હાંસલ કરી છે. મારા તરફથી તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.” માત્ર વડાપ્રધાન મોદી જ નહીં, પરંતુ રાષ્ટ્રપતિ, ગુહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સહિતના તમામ નેતાઓએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી છે. વિપક્ષના નેતાઓએ પણ ભારતીય ટીમને આ ભવ્ય વિજય બદલ શુભકામનાઓ પાઠવી છે.

  દેશભરમાં થઈ રહી ઉજવણી

  શનિવારે (29 જૂન) રાત્રે અંદાજિત 11:30 કલાકે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવી દીધું હતું. ત્યારબાદ દેશભરમાં દિવાળીની જેમ ઉજવણી શરૂ થઈ ગઈ હતી. લોકો રસ્તા પર આવીને પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા હતા. ઘણા લોકો તો હર્ષાશ્રુમાં લિપ્ત થઈ ગયા હતા. ઢોલ-નગારા અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં ભારતવાસીઓએ કોઈપણ કચાશ છોડી નથી. ખાસ વાત તો એ છે કે, જમ્મુ-કાશ્મીરના લોકો પણ રસ્તા પર આવીને ભારતીય ટીમને શુભકામનાઓ આપી રહ્યા હતા. જોર-જોરથી ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

  સોશિયલ મીડિયામાં જમ્મુ-કાશ્મીરનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાશ્મીરીઓ ઉત્સાહપૂર્વક ઉજવણી કરતાં જોઈ શકાય છે. લોકોએ ફટાકડા ફોડીને, નાચીને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા હતા.

  ટીમ ઇન્ડિયાની જીત સાથે મુંબઈમાં પણ ભવ્ય ઉજવણી થઈ હતી. મુંબઈ એરપોર્ટ ખાતે ઢોલ-નગારાના તાલે યાત્રિકો ઝૂમી ઉઠ્યા હતા. એરપોર્ટમાં યાત્રિકોએ એકબીજાને મીઠાઈઓ ખવડાવીને જીતની ઉજવણી કરી હતી. તે સિવાય મુંબઈના અનેક સ્થળોએ રાત્રે ઉજવણી કરવામાં આવી હતી. આખો દેશ રાત્રે જાગીને જીતની ઉજવણી કરી રહ્યો હતો.

  તે સિવાય મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ આતશબાજી કરીને લાગણીઓ વ્યક્ત કરી હતી. હાથમાં તિરંગો લઈને લોકોએ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો હતો. મધ્ય પ્રદેશમાં ગ્વાલિયરની સાથે-સાથે અનેક સ્થળોએ આવી જ ઉજવણી થઈ હતી.

  આ ઉપરાંત દિલ્હીમાં પણ લોકોએ ભારે ઉત્સાહથી ઉજવણીમાં ભાગ લીધો હતો. રાત્રે લોકોએ બહાર નીકળીને ‘ઇન્ડિયા.. ઇન્ડિયા..’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. તે સિવાય NCR અને નોઇડામાં પણ ભારે ઉજવણી કરવામાં આવી હતી.

  ગુજરાતમાં અમદાવાદ ખાતે લોકોએ મોડી રાત્રે જ ઉજવણી શરૂ કરી દીધી હતી. આતશબાજી અને ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠયા હતા. અમદાવાદના વિવિધ સ્થળોએ આ પ્રકારની ઉજવણી જોવા મળી હતી. લોકોએ હાથમાં તિરંગા લઈને હોંશે-હોંશે ઉજવણીમાં ભાગ લીધો હતો. અમદાવાદ સિવાય પણ ગુજરાતના દરેક શહેરોમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી હતી.

  દરેક રાજ્ય અને દરેક શહેરોમાં ભારતીય ટીમની જીતની ઉજવણી જોરશોરથી કરવામાં આવી હતી. આખા દેશમાં દિવાળી જેવો માહોલ બની ગયો હતો. કોઈએ એકબીજાને મીઠાઈઓ વહેંચી હતી તો કોઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું હતું. ‘ભારત માતા કી જય’, ‘ઇન્ડિયા.. ઇન્ડિયા..’, ‘હર હર મહાદેવ’ અને ‘જય શ્રીરામ’ના નારાઓથી શહેરની તમામ ગલીઓ ગુંજી ઉઠી હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં