Sunday, September 8, 2024
More
    હોમપેજદુનિયાસમતળ કરી દેવાઇ પયગંબર મુહમ્મદના અમ્મી-અબ્બુની કબર, પત્ની ખદીજાનું ઘર બન્યું શૌચાલય…...

    સમતળ કરી દેવાઇ પયગંબર મુહમ્મદના અમ્મી-અબ્બુની કબર, પત્ની ખદીજાનું ઘર બન્યું શૌચાલય… એ મસ્જિદ પણ કરાઈ બંધ જ્યાં પયગંબરે પઢી હતી નમાઝ: મક્કા-મદીના પર વહાબી ઇસ્લામની પકડ

    રસપ્રદ વાત એ છે કે, 75 વર્ષ પહેલા, કાબા નજીક પયગંબર મુહમ્મદના જન્મસ્થળને 'જાનવરો ના બજાર'માં ફેરવી દેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    મક્કા-મદીના (Mecca-Medina) એ ઇસ્લામના પવિત્ર સ્થાનો છે જે સાઉદી અરેબિયામાં આવેલા છે. દર વર્ષે લાખો લોકો હજ યાત્રા માટે સાઉદી અરેબિયા (Saudi Arabia) જતાં હોય  છે. સામાન્ય રીતે, ઇસ્લામમાં મૂર્તિપૂજા પર પ્રતિબંધ છે, પરંતુ વહાબી અને સાઉદી પરિવારોની જેટલી કટ્ટરતાથી મૂર્તિપૂજાને ધિક્કારે છે એટલી કટ્ટરતાથી બીજું કોઈ ધિક્કારતું નથી. સાઉદી અરેબિયામાં ઘણા ઇસ્લામિક કેન્દ્રો હતા જે મૂર્તિપૂજાને પ્રોત્સાહન આપતા હતા, પરંતુ સાઉદી અરેબિયાની સરકાર અને વહાબીઓએ તેનો નાશ કર્યો છે અથવા તેનો ઉપયોગ કરવાની રીત બદલી નાખી છે.

    ‘મૂર્તિપૂજા’ને દાબવા માટે કેવી રીતે ઐતિહાસિક સંરચનાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે તે વિશે વાત કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે વહાબીઓ કોણ છે અને સાઉદ પરિવારના અસ્તિત્વ પાછળનું કારણ શું છે.

    વહાબી એ સુન્ની ઇસ્લામની સૌથી રૂઢિચુસ્ત શાખા છે. ઇસ્લામની આ કટ્ટરવાદી શાખાને વહાબીઝમ (Wahhabism) કહેવામાં આવે છે, જેની સ્થાપના 18મી સદીમાં મુહમ્મદ ઇબ્ન અબ્દ અલ-વહાબ દ્વારા કરવામાં આવી હતી. વહાબીઓ પયગંબર મુહમ્મદ દ્વારા પ્રચલિત અને પ્રસારિત કરાયેલ ઇસ્લામના ‘શુદ્ધ’ સ્વરૂપમાં ‘પાછા જવાનો’ પ્રયાસ કરે છે. વહાબીઝમ માત્ર એકેશ્વરવાદ પર ભાર મૂકે છે, અને મૂર્તિપૂજા જેવી પ્રથાઓનો સખત વિરોધ કરે છે. કારણ કે તે મૂર્તિપૂજાને શિર્ક (Shirk) ‘પાપ’ માને છે. એટલું જ નહીં, વહાબી તો સંતો/સૂફીઓ અને ઇસ્લામ સાથે સંકળાયેલા પ્રતીકોને માનવાનો પણ ઇનકાર કરે છે. એટલે કે, વહાબીઓના મતે, દરગાહની મુલાકાત લેવી અને પોતાના પૂર્વજોને યાદ કરવા એ ‘શિર્ક’ છે.

    - Advertisement -

    ઇસ્લામની કટ્ટરપંથી વહાબી શાખાના સ્થાપક મુહમ્મદ ઇબ્ન અબ્દ અલ-વહાબે દિરિયાહમાં (Diriyah) આશ્રય લીધો હતો, જેને આજના સમયમાં રિયાદ શહેરના બહારી વિસ્તારમાં સ્થિત નખલિસ્તાનના નામે ઓળખવામાં આવે છે. દિરિયાહ પર અલ સઉદના નેતા મુહમ્મદ ઇબ્ન સાઉદનું શાસન હતું. સાઉદે ના માત્ર વહાબને હિઝાજમાં (જ્યાં મક્કા-મદીના આવેલા હતા) રહેવાની જગ્યા આપી, પરંતુ વર્ષ 1744માં તેની સાથે એક કરાર પણ કર્યો. આ જ ‘વહાબી-સાઉદી કરાર’ હેઠળ પ્રથમ સાઉદી રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મુહમ્મદ ઇબ્ન સાઉદને અમીરનું બિરુદ મળ્યું હતું, જ્યારે વહાબને ‘ઇમામ’નું બિરુદ આપવામાં આવ્યું હતું.

    આ કરાર મજબૂત રહે તે સુનિશ્ચિત કરવા માટે, ઇબ્ન સાઉદના મોટા પુત્રએ અલ-વહાબની પુત્રી સાથે લગ્ન કર્યા અને આ પછી અલ-સઇદે જાહેરમાં વહાબીઝમનો સ્વીકાર કર્યો. વહાબના આ કટ્ટરપંથી ઇસ્લામે મજહબી સુધારાનો ઉગ્ર વિરોધ કર્યો અને સૂફી કાર્યક્રમો અને સંતોની ઇબારત (લખાણો) પર પ્રતિબંધ મૂક્યો. આટલું જ નહીં, જ્યારે સાઉદે નજદની બહાર વિજય મેળવ્યો ત્યારે તેના નેતૃત્વમાં શિયા (Shia) મસ્જિદોને તોડી પાડવામાં આવી હતી. એટલું જ નહીં, શિયાઓને અલગ પાડવા માટે, તેમને ‘રાફીદા’નું (અસ્વીકાર કરનારા) અપમાનજનક ટેગ આપવામાં આવ્યું હતું, જે આજે પણ યથાવત છે. પાકિસ્તાન જેવા કટ્ટરપંથી દેશમાં શિયાઓને કાફિર (Kafir) ગણવામાં આવે છે અને તેમના પર દમન ગુજારવામાં આવે છે.

    વહાબી વિચારધારાના કટ્ટરવાદી વિચારોને કારણે સાઉદી અરેબિયામાં ઘણા ઐતિહાસિક સ્મારકોનો યોજનાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. વહાબીઓ માનતા હતા કે આવા ઐતિહાસિક સ્થળોને બચાવવાથી મૂર્તિપૂજાને પ્રોત્સાહન મળશે અને લોકો આ પ્રતીકોનું પાલન કરવાનું શરૂ કરશે, જે ઇસ્લામની વિરુદ્ધ છે. આ સ્થિતિમાં, તેઓએ ઘણી ઐતિહાસિક અને ધાર્મિક ઇમારતોનો નાશ કર્યો. આ સાથે, કોઈપણ પ્રકારની ઇબાદત અને મજહબી તીર્થયાત્રા, જેમાં અલ્લાહ સિવાય કોઈને પણ માનવાની વાત હોય તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    કર્બલામાં હુસૈન ઈબ્ન અલીની કબરનો કરાયો હતો નાશ

    વર્ષ 1802માં, સાઉદ બિન અબ્દુલ-અઝીઝની આગેવાની હેઠળ વહાબી સેનાએ કર્બલા શહેર પર હુમલો કર્યો. કર્બલા (Karbala) તે સમયે તુર્કીના ઑટોમન કર્બલા સામ્રાજ્ય હેઠળ આવતું હતું. જે હજી પણ શિયા મુસ્લિમો માટે પવિત્ર શહેર છે. પરંતુ દિરિયાહ પરના હુમલા દરમિયાન, અબ્દુલ અઝીઝની આગેવાનીવાળી સેનાએ હુસૈન ઇબ્ન અલીની કબરનો નાશ કર્યો, હજારો શિયા મુસ્લિમોની હત્યા કરી અને શહેરને લૂંટી લીધું હતું. વહાબીઓએ મહોરમ મહિના પહેલા પાંચ હજારથી વધુ શિયાઓની કત્લેઆમ કરી હતી.

    કર્બલા અત્યારે ઈરાકમાં છે, પરંતુ શિયાઓના આ પવિત્ર સ્થળ પર વહાબી-સાઉદીના હુમલાએ વહાબીઓની કટ્ટરવાદી માનસિકતા છતી કરી હતી. વહાબીઓ શફાઅત જેવા ધાર્મિક વિધિઓને શિર્ક માને છે. શફાઅત એટલે મુસ્લિમ સંતો (સૂફીઓ) દ્વારા અલ્લાહને પ્રાર્થના કરવી, કબરો પર ઈમારતો(દરગાહ) બાંધવી, હજયાત્રા (ઝિયારાહ) અને તવસ્સુલ (અલ્લાહની નજીક જવા માટે ઇબાદત), જેનો વહાબીઓ સખત વિરોધ કરે છે.

    કર્બલાના વિનાશના 4 વર્ષ પછી 1806 સુધીમાં વહાબીઓએ મદીના શહેર પર કબજો જમાવ્યો અને જે ઇમારતોથી એમને ભય લાગતો હતો કે આ ઇમારત મૂર્તિપૂજાને પ્રોત્સાહન આપશે એવી ઈમારતોનો વ્યાપકપણે નાશ કર્યો. વહાબી તાકતોએ જન્નત અલ-બાકી કબ્રસ્તાનની અંદર અને બહારના તમામ ગુંબજ અને ઢાંચાઓનો નાશ કર્યો. વહાબીઓએ જે કબ્રસ્તાનનો નાશ કર્યો તે કોઈ સામાન્ય કબ્રસ્તાન ન હતું, પરંતુ મદીનાના હિજાઝમાં પ્રથમ ઇસ્લામિક કબ્રસ્તાન હતું. તેઓએ ફાતિમા અલ-ઝહરાની મસ્જિદ, અલ-મનરતૈનની મસ્જિદ અને કુબ્બત અલ-થનાયા સહિત ઇસ્લામની અન્ય ઇમારતોનો પણ નાશ કર્યો.

    અલ બાકી કબ્રસ્તાનનો તાજેતરનો ફોટો (સ્ત્રોત:અલ અરેબિયા)

    વર્ષ 1816માં દિરિયાહના અમીર અબ્દુલ્લાહ બિન મુહમ્મદ બિન સઉદની વિરુદ્ધ ઑટોમન સેનાનું નેતૃત્વ કરવાવાળા મિશ્રના વલી મુહમ્મદ અલી પાશાના પુત્ર તુસુન પાશાનું મૃત્યુ થઈ ગયું. તેના મૃત્યુના બે વર્ષ બાદ 1818માં સુલ્તાન મહમૂદ દ્વિતીયના નેતૃત્વમાં ઑટોમન ખિલાફતે વહાબીઓને કચડવાનો નિર્ણય કર્યો. આ ક્રમમાં, તુસુન પાશાના પુત્ર ઇબ્રાહિમ પાશાએ દિરિયાહમાં સેનાનું નેતૃત્વ કર્યું અને વહાબીઓને ભૂંડી રીતે હરાવીને, મક્કા-મદીના પર ફરીથી કબજો કર્યો. આ સાથે, સાઉદની પ્રથમ સલ્તનતનો અંત આવ્યો. સાઉદ કાબિલાની અને વહાબીઓની હાર પછી, ઑટોમન સામ્રાજ્યએ મસ્જિદોનું પુનઃનિર્માણ કર્યું. ઑટોમન સામ્રાજ્યએ પયગંબર મુહમ્મદની પુત્રી ફાતિમા અલ-ઝહરા, ઝૈનુલ ‘અબિદિન’ (અલી બિન અલ-હુસૈન), મુહમ્મદ ઇબ્ન ‘અલી અલ-બકીર અને જાફર અલ-સાદિકની કબરો પર પણ ગુંબજ બાંધ્યા હતા.

    ઑટોમન સામ્રાજ્ય દ્વારા આ મસ્જિદો અને દરગાહના પુનઃનિર્માણની પ્રક્રિયા લાંબો સમય ચાલી શકી નહીં, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં હાર બાદ, સાઉદ કબીલો ફરીથી ઊભો થયો અને વર્ષ 1924માં ફરી મક્કા અને મદીના પર કબજો કર્યો. વહાબી-સઉદે ફરીથી જન્નત ઉલ બકી કબ્રસ્તાન પર હુમલો કર્યો અને કબરો, મસ્જિદો, ગુંબજો અને અન્ય ઢાંચાઓનો નાશ કર્યો. 25 એપ્રિલ 1925ના રોજ, વહાબી તાકતોએ, રાજા ઇબ્ન સાઉદની પરવાનગીથી, કબરો, ગુંબજ અને કબરોનો નાશ કરી દીધો. અહીં જે કબરોનો નાશ કરવામાં આવ્યો હતો તેમાં પયગંબર મુહમ્મદની અમ્મી અમીના, અબ્બા અબ્દુલ્લા ઈબ્ન અબ્દુલ-મુત્તલિબ અને પ્રમુખ ઈમામો તેમજ પરિવારના અન્ય સભ્યોની કબરોનો સમાવેશ થતો હતો.

    જન્નત-ઉલ-બકી કબ્રસ્તાનનો જૂનો ફોટો (સ્ત્રોત: Cities from Salt)

    આજે પણ વહાબી મૌલવીઓ આવા ઘણા ઐતિહાસિક વારસાના સ્થળોના વિનાશને એવા આધાર પર યોગ્ય ઠેરવે છે કે મૃત્યુ પામેલા લોકોની ઇબાદત અલ્લાહની ઇબાદતમાં ખલેલ પહોંચાડતી હતી.

    મક્કા-મદીનાના વિકાસ અને વિસ્તારની આડમાં ઘણી પ્રાચીન ઇમારતોનો કરવામાં આવ્યો નાશ

    નોંધનીય છે કે સાઉદી અરેબિયાએ મુખ્ય મસ્જિદમાં વધુ લોકોને આકર્ષવા માટે 4 વિસ્તરણ પરિયોજનાઓ પણ શરૂ કરી હતી. કિંગ અબ્દુલ અઝીઝે વર્ષ 1955માં આવો પહેલો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં નવા માળ, એક નવું મોટું ચોગાન, ઇલેક્ટ્રિક લાઇટ અને પંખા લગાવવાના હતા. આવો બીજો પ્રોજેક્ટ કિંગ ફહદ દ્વારા વર્ષ 1988માં શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રાન્ડ મસ્જિદની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા પંખા લગાવવા, મિનારાઓનું નિર્માણ, એસકલેટર અને એસી સિસ્ટમ જેવી સુવિધાઓ બનાવવામાં આવી હતી.

    2008માં, કિંગ અબ્દુલ્લા ઇબ્ન અબ્દુલ અઝીઝની આગેવાની હેઠળની સાઉદી સરકારે ગ્રાન્ડ મસ્જિદના વિસ્તરણને મંજૂરી આપી હતી, જેમાં તેના ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં 3,200,000 ચોરસ ફૂટ જમીનનું અધિગ્રહણ સામેલ હતું. 2011માં, કિંગ અબ્દુલ્લાની સરકારે જાહેરાત કરી હતી કે 21 બિલિયન ડોલરની ‘કિંગ અબ્દુલ્લા વિસ્તાર પરિયોજના’ હેઠળ મિનારાઓ સહિત અનેક નવા સંરચનાઓ ઊભી કરવામાં આવશે અને 2.5 મિલિયન હજ યાત્રીઓને સમાવવા માટે પરિક્રમા (મતાફ) ક્ષેત્રનો વિસ્તાર વધારવામાં આવશે. આ પછી, મક્કા-મદીના ખાતેના ઘણા ઐતિહાસિક સ્થળો નાશ કરવામાં આવ્યો હતો.

    મક્કા-મદીનામાં જે વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો તેમાં ઑટોમન સામ્રાજ્ય દ્વારા બાંધવામાં આવેલ મહત્વના વસ્તુશિલ્પ પોર્ટિકોનો પણ સમાવેશ થાય છે. તે 17મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, જે તેની ભવ્ય કમાનો અને થાંભલાઓ માટે પ્રખ્યાત હતું. 2013માં ઑટોમન પોર્ટિકોને તોડી પાડવાના કારણે તુર્કીમાં ઘણો વિરોધ થયો હતો. એટલું જ નહીં, અબ્બાસીઓ દ્વારા બનાવવામાં આવેલી ગ્રાન્ડ મસ્જિદના કેટલાક મહત્વપૂર્ણ ભાગો પણ આ સમયગાળા દરમિયાન નષ્ટ કરવામાં આવ્યા હતા.

    ઑટોમન પોર્ટિકો (સ્રોત: CNN)

    અહેવાલો અનુસાર, 1985થી અત્યાર સુધીમાં 98% ઐતિહાસિક અને ઇસ્લામિક હેરિટેજ સાઇટ્સ તોડી પાડવામાં આવી છે. ટીકાકારોનો આરોપ છે કે સાઉદી સરકાર ઈતિહાસને ‘ભૂંસી નાખવા’ માંગે છે. આવી જ એક ખાસ હેરિટેજ સાઇટ, જે પયગંબર મુહમ્મદના ચાચા હમઝાનું ઘર હતું, તેને હોટલ બનાવવા માટે તોડી પાડવામાં આવ્યું હતું.

    એટલું જ નહીં, વહાબીઓ અને સઈદની જોડીએ પયગંબર મોહમ્મદની પત્ની ખદીજાનું ઘર પણ તોડી પાડ્યું હતું. એક દાયકા પહેલા ખદીજાના ઘરની જગ્યાએ 1400 જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા. બ્રિટિશ ઈતિહાસકાર ઝિયાઉદ્દીન સરદારે પણ તેમના પુસ્તક મક્કાઃ ધ સેક્રેડ સિટીમાં આ વાતની પુષ્ટિ કરી છે.

    સરદારે લખ્યું છે કે, “આ પરિસર અલ-અયાદ કિલ્લા પર બાંધવામાં આવ્યું હતું, જેનું નિર્માણ 1781માં કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે મક્કાને હુમલાખોરોથી બચાવવાના કામમાં આવશે નહીં. ગ્રાન્ડ મસ્જિદ સંકુલનો બીજો છેડો જે પયગંબર મુહમ્મદની પ્રથમ પત્ની ખદીજાનું ઘર હતું તે શૌચાલયના બ્લોકમાં ફેરવાઈ ગયો છે. રોયલ મક્કા ક્લોક ટાવર પવિત્ર મસ્જિદ પર ફરતી એકમાત્ર ઇમારત નથી. અહીં રેફલ્સ મક્કા પેલેસ છે, જે એક લક્ઝરી હોટેલ છે, જ્યાં બટલર સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ છે. આ ઉપરાંત, મક્કા હિલ્ટન પણ છે, જે પયગંબરના સૌથી નજીકના સાથી અને પ્રથમ ખલીફા અબુ બકરના ઘર ઉપર બનેલું છે. અહી ઇન્ટરકોન્ટિનેન્ટલ મક્કા જેવી ઘણી રચનાઓ છે. આ બ્લોકમાં અન્ય ઘણી ફાઇવ-સ્ટાર હોટલ અને બહુમાળી એપાર્ટમેન્ટ બ્લોક્સ છે.”

    તેમણે આગળ લખ્યું, “આગામી દાયકા દરમિયાન પવિત્ર મસ્જિદ ખાતે 130 સ્કાઈસ્ક્રેપર(બહુમાળી ઇમારતો)  બાંધવામાં આવશે. જેથી 5 મિલિયન લોકો એટલે કે 50 લાખ હજ યાત્રીઓ એકસાથે આવી શકે. ઈતિહાસને નષ્ટ કરવા માટે, સાઉદી અરેબિયા ઑટોમનના સમયના બાંધકામ, ખાસ કરીને સૌથી જૂના ભાગને તોડી રહ્યું છે. ઑટોમન સુલતાન – સુલતાન સુલેમાન, સુલતાન સલીમ I, સુલતાન મુરાદ III અને સુલતાન મુરાદ IV અને તેમના અનુગામીઓ દ્વારા 1553 થી 1629 સુધી બાંધવામાં આવેલી ભવ્ય મસ્જિદો – તોડી પાડવામાં આવશે અને એક બહુમાળી ઇમારત બનાવવામાં આવશે.”

    સરદારે આગળ લખ્યું, “જે સ્તંભો પર પયગંબરના સાથીઓના નામો લખેલા છે તે પણ તોડી પાડવામાં આવશે. હકીકતમાં જૂની મસ્જિદને બુલડોઝર વડે સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે. ઈતિહાસની શરૂઆત ઇસ્લામના બીજા ખલીફા ઉમર ઈબ્ન ઝુબૈરથી થાય છે, જેમણે કાબાના પુનઃનિર્માણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું, અને અબ્બાસી ખલીફાઓ સુધી, જેમણે હાલની મસ્જિદ બનાવી છે. એ બધુ જ તોડી પાડવામાં આવશે. તેની જગ્યાએ 12 માળની નવી ઈમારત બનાવવામાં આવશે, જેથી હજ (Hajj) માટે આવતા લોકો ‘પથ્થરોથી શેતાનને મારી’ શકે. એવું લાગે છે કે થોડા સમયની અંદર જ ભવ્ય રોયલ પેલેસની સામે આવેલ પયગંબર મોહમ્મદનું ઘર પણ તોડી પાડવામાં આવશે. તેને જમીનદોસ્ત કરીને કાર પાર્કિંગની જગ્યામાં રૂપાંતરિત કરવામાં આવશે.”

    ઝિયાઉદ્દીન સરદારના પુસ્તક, મક્કા: ધ સેક્રેડ સિટીનું પૃષ્ઠ

    આ અનુસાર 13 ઓગસ્ટ 2002ના રોજ મદીનામાં મસ્જિદ-એ-નબવીથી ચાર કિલોમીટર દૂર સ્થિત પયગંબરના નવમા વારસ સૈયદ ઇમામ અલ-ઉરૈદી ઇબ્ન જાફર અલ-સાદિકની 1,200 વર્ષ જૂની મસ્જિદ અને કબરને ઉડાવી દેવામાં આવી હતી જે સંપૂર્ણપણે નાશ પામી હતી.

    આટલું જ નહીં, વર્ષ 2003માં એક ઐતિહાસિક ઑટોમન અજ્યાદ  કિલ્લો, જે એક સમયે મક્કાને હુમલાઓથી સુરક્ષિત રાખતો હતો અને 200 વર્ષથી વધુ જૂનો હતો તેને તોડી પાડવામાં આવ્યો હતો. તેની જગ્યાએ 601 મીટર ઊંચું મક્કા રોયલ હોટેલ ક્લોક ટાવર બનાવવામાં આવ્યું. આ ક્લોક ટાવર ‘બિન લાદેન ગ્રુપ’ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં પાંચ માળનો શોપિંગ મોલ, લક્ઝરી હોટેલ, પાર્કિંગ વગેરેનો સમાવેશ થાય છે.

    અજ્યાદ કિલ્લો (સ્ત્રોત: વિકિપીડિયા)

    તુર્કીએ અજ્યાદ કિલ્લાને બચાવવા માટે યુનેસ્કોના હસ્તક્ષેપની માંગ કરી હતી, પરંતુ યુનેસ્કોએ આ મામલે કંઈ કર્યું નહોતું. એટલું જ નહીં, મક્કા-મદીનાના રસ્તા બનાવવા માટે ઘણા પહાડો પણ કાપી નાખવામાં આવ્યા હતા. 2013માં, મદીનાની ઉત્તરે ઉહુદ ટેકરીઓમાં તિરાડો પડી હતી જેને કોંક્રિટથી ભરી દેવામાં આવી હતી. અહેવાલો કહે છે કે ઈ.સ.625માં કુરૈશ સામે ઉહુદના યુદ્ધમાં ઘાયલ થયા પછી પયગંબર મુહમ્મદને ત્યાં લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આજે જે જગ્યાએ હિલ્ટન હોટેલ આવેલી છે, ત્યાં ઇસ્લામના પહેલા ખલીફા અબુ બકરનું ઘર હતું, તે જગ્યાને પણ સમતળ કરવામાં આવી હતી.

    મદીનામાં હિલ્ટન હોટેલ (સ્રોત: હિલ્ટનની વેબસાઇટ)

    ઇસ્લામિક હેરિટેજ રિસર્ચ ફાઉન્ડેશનના સ્થાપક, ઈતિહાસકાર, અને ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ઈરફાન અલ-અલાવીએ અનુમાન લગાવ્યું છે કે વિકાસ કાર્યની આડમાં, સાઉદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં 300થી વધુ ઇસ્લામિક ઐતિહાસિક ધરોહરોના ઢાંચાઓને નષ્ટ કરી નાખ્યા છે.

    ટાઇમ મેગેઝિનના વર્ષ 2014ના અનુસાર મદીનામાં 6 નાની મસ્જિદો, જ્યાં મુહમ્મદે નમાજ પઢી હોવાનું માનવામાં આવે છે, તે બંધ કરી દેવામાં આવી છે. ઇસ્લામના પ્રથમ ખલીફા અબુ બકરની સાતમી મસ્જિદને ATM બનાવવા માટે તોડી પાડવામાં આવી છે. એટલું જ નહીં, પયગંબર મુહમ્મદની પુત્રી અને તેમના ચાર ‘સૌથી મહત્વપૂર્ણ સાથી’ દ્વારા બનાવવામાં આવેલી પ્રખ્યાત ‘સાત મસ્જિદો’માંથી પાંચ તોડી પાડવામાં આવી છે. તેમાં મસ્જિદ અબુ બકર, મસ્જિદ સલમાન અલ-ફારસી, મસ્જિદ ઓમર ઇબ્ન અલ-ખત્તાબ, મસ્જિદ સૈયદા ફાતિમા બિન્ત રસુલિલ્લાહ અને મસ્જિદ અલી ઇબ્ન અબી તાલિબનો સમાવેશ થાય છે, જે હવે અસ્તિત્વમાં નથી.

    રસપ્રદ વાત એ છે કે, 75 વર્ષ પહેલા, કાબા નજીક પયગંબર મુહમ્મદના જન્મસ્થળને ‘જાનવરો ના બજાર’માં ફેરવી દેવામાં આવ્યું હતું. હાલમાં, સાઉદી સરકારે સુક અલ-લૈલ સ્ટ્રીટ પર સ્થિત તેમના જન્મસ્થળને ‘મક્કા અલ મુકર્રમાહ લાઇબ્રેરી’ નામની લાઇબ્રેરીમાં ફેરવી દીધું છે.

    સાઉદી સરકાર દ્વારા હેરિટેજ સ્થળોને તોડી પાડવા અંગે યુનેસ્કોનું મૌન

    સાઉદી અરેબિયા પાસે છ યુનેસ્કો હેરિટેજ સાઇટ્સ (UNESCO Heritage Sites) છે: મક્કા અને મદીનાના પ્રવેશદ્વાર, દીરિયામાં અત-તુરૈફ જિલ્લો, હેલ પ્રદેશની રોક આર્ટ, અલ-હિજ્ર પુરાતત્વીય સ્થળ (મદૈન સાલેહ), અલ અહસા ઓએસિસ અને હિમા. સાંસ્કૃતિક વિસ્તાર. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર UNESCO દ્વારા વિશ્વભરમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વારસા સ્થળોના સંરક્ષણની વકીલાત કરી રહ્યું છે, પરંતુ સાઉદી અરેબિયામાં તે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.

    અફઘાનિસ્તાનમાં બામિયાન બુદ્ધની મૂર્તિઓનો વિનાશ અને તાલિબાન અને વહાબી માનસિકતા વચ્ચે સમાનતા

    માર્ચ 2001માં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે બામિયાન બુદ્ધની બે વિશાળ પ્રતિમાઓને તોડી પાડી હતી, જે છઠ્ઠી સદીમાં બામિયાન ઘાટીમાં બનાવવામાં આવી હતી. તાલિબાન નેતા મુલ્લા મોહમ્મદ ઉમરે ઈશનિંદા અને ઇસ્લામિક સિદ્ધાંતોની વિરુદ્ધ જાહેર કરીને બામિયાન બુદ્ધને (Buddhas of Bamiyan) ઉડાવી દેવાનો આદેશ આપ્યો હતો. તેનું કારણ એ છે કે સુન્ની (Sunni) મુસ્લિમ દેવબંદી (હંફી) સમુદાય અને તાલિબાન મૂર્તિઓને હરામ માને છે. સમગ્ર વિશ્વના વિરોધ છતાં બામિયાન બુદ્ધને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા.

    તાલિબાન (Taliban) દ્વારા બામિયાનનો નાશ તેને વહાબી (સલાફી) ઉગ્રવાદી વિચારધારા સાથે જોડે છે, જે ઇસ્લામના શુદ્ધ સ્વરૂપમાં માને છે.

    એ જ રીતે, સાઉદી અરેબિયા ઐતિહાસિક રીતે ઇસ્લામિક હેરિટેજ સાઇટ્સને સાચવવામાં વધુ રસ ધરાવતું નથી. તેમનું માનવું છે કે આવા સ્થળો મૂર્તિપૂજા કે શિર્કને પ્રોત્સાહન આપી શકે છે. જો કે, ભારતીય સૂફીઓએ આ વર્ષે મે મહિનામાં સાઉદી અરેબિયાની સરકારને મદીનામાં નાશ પામેલા જન્નત અલ-બાકી કબ્રસ્તાનને ફરીથી બનાવવાની અપીલ કરી હતી, જેના માટે અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરતું સાઉદી અરેબિયાને આ અપીલથી કોઈ ફરક પડ્યો નહોતો, અને ફરક પડવાનો પણ નહોતો.

    આ લેખ મૂળ અંગ્રેજીમાં શ્રદ્ધા પાંડેએ લખ્યો હતો. મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં