Sunday, October 6, 2024
More
    હોમપેજરાજકારણAAPના જે પૂર્વ મંત્રીએ લીધા હતા દેવી-દેવતાઓને ન માનવાના શપથ, જેમણે મંદિરોને...

    AAPના જે પૂર્વ મંત્રીએ લીધા હતા દેવી-દેવતાઓને ન માનવાના શપથ, જેમણે મંદિરોને લઈને પણ ઓક્યું હતું ઝેર, તેઓ હવે કોંગ્રેસી થયા: હિંદુવિરોધી નિવેદનો પણ આપી ચૂક્યા છે રાજેન્દ્ર પાલ

    રાજેન્દ્ર પાલ ગૌતમ હવે કોંગ્રેસી થઈ ગયા છે. આ રીતે તેમણે એક ચક્ર પૂરું કરી લીધું. શુક્રવારે (6 સપ્ટેમ્બર) તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસમાં સામેલ થયા. કોંગ્રેસે પણ તેમને આવકારી લીધા.

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટીનો હિંદુદ્વેષ કોઇથી છૂપો નથી. પાર્ટીના અણનમ ‘યુવાનેતા’ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના મોટાભાગના નેતાઓએ હિંદુ ધર્મ કે તેમાં માનનારાઓ વિરુદ્ધ ઝેર ઓક્યું હોય તેવાં અઢળક ઉદાહરણો આપણે ભૂતકાળમાં જોયાં છે. આટલા ઓછા હોય તેમ કોંગ્રેસ વારેતહેવારો અન્ય પાર્ટીઓમાંથી પણ આવી ‘કુશળતા’ ધરાવનારાઓને પાર્ટીમાં આવકારતી રહે છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના ‘ભરોસાપાત્ર’ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો. તેમનો ટૂંકો પરિચય એ છે કે ગુજરાત ચૂંટણી વખતે દિલ્હીમાં યોજાયેલા જે હિંદુઓના ધર્માંતરણ કાર્યક્રમમાં દેવી-દેવતાઓને ન માનવાના શપથ લેવાયા હતા, તેમાં તેઓ હાજર હતા. તે સમયે તેઓ કેજરીવાલ સરકારમાં મંત્રી હતા, પછીથી તેમનું રાજીનામું લઇ લેવામાં આવ્યું.

    કોંગ્રેસીઓ અને રાહુલ ગાંધી ભૂતકાળમાં અનેક વખત હિંદુઓની લાગણી દુભાય તેવું જાહેરમાં બોલી ચૂક્યા છે. હમણાં જ રાહુલે સંસદમાં હિંદુઓ પર કરેલી ટિપ્પણી ભારે વિવાદનો વિષય બની હતી. તે પહેલાં મંદિરની મૂર્તિઓને તેમણે શક્તિવિહિન કહી દીધી હતી. કોંગ્રેસે પ્રભુ રામના મંદિરનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે એક એફિડેવિટ કરીને કહ્યું હતું કે ભગવાન રામના અસ્તિત્વના કોઇ પ્રમાણભૂત કે ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ નથી. સદીઓના સંઘર્ષ બાદ જ્યારે દેશના સવા સો કરોડ હિંદુઓની અસ્થાના પ્રતીક સમા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ ત્યારે પણ કોંગ્રેસીઓએ પોતાનો અસલ મિજાજ બતાવ્યો અને આમંત્રણનું અપમાન કરીને ઠુકરાવી દીધું હતું. એટલે આ પાર્ટીને જો રાજેન્દ્ર પાલ ગૌતમના આગમનથી ‘ગર્વ’ અનુભવાતો હોય તો તેમાં કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ.

    હિંદુ દ્વેષમાં અવ્વલ, દેવી-દેવતાઓનાં અપમાન માટે કુખ્યાત છે રાજેન્દ્ર પાલ

    રાજેન્દ્ર પાલ એક સમયે આમ આદમી પાર્ટીના ‘દિગ્ગજ નેતા’ ગણાતા હતા. પાર્ટીએ તેમને મંત્રી પણ બનાવ્યા હતા. પરંતુ તેમની હિંદુવિરોધી છબીના કારણે લોકો જ્યારે ચડી બેઠા, ત્યારે પાર્ટીએ તેમને મંત્રી પદ પરથી રજા આપી દીધી. ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ ઘટી છે જેમાં તેમણે હિંદુ દેવી-દેવતાઓ અને મંદિરોને લઈને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હોય. હજારો હિંદુઓને દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવવાના હોય કે પછી મંદિરોમાં બહેન-દીકરીઓને લઈને આપત્તિજનક નિવેદનો આપવાનાં હોય, તાજેતરમાં જ કોંગ્રેસના ખોળે બેસેલા રાજેન્દ્ર પાલનો ઇતિહાસ આ મામલે વિવાદાસ્પદ રહ્યો છે.

    - Advertisement -

    હિંદુઓના ધર્માંતરણ કાર્યક્રમમાં હાજરી, મંત્રીપદેથી આપવું પડ્યું હતું રાજીનામું

    વાત છે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતેની. ઑક્ટોબર, 2022માં એક સમયે આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને ‘સાચા સનાતની’ હોવાનું દેખાડવા માટે મંદિરે-મંદિરે દોડાદોડ કરી રહ્યા હતા અને બીજી તરફ તેમની સરકારના મંત્રી જઈને ધર્માંતરણ કાર્યક્રમમાં હાજરી આપતા હતા અને હિંદુ દેવી-દેવતાઓને ન માનવાના શપથ લઇ રહ્યા હતા. આ મંત્રી એ જ હતા- રાજેન્દ્ર પાલ ગૌતમ.

    ઑક્ટોબર, 2022માં તેઓ દિલ્હીમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા, જ્યાં એકસાથે હજારો હિંદુઓનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હતું. જેમાં એક વ્યક્તિએ લોકોને વિવાદિત શપથ લેવડાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “હું બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહીં માનીશ, અને ન તેમની પૂજા કરીશ. હું રામ અને કૃષ્ણને ઈશ્વરને નહીં માનીશ અને ન ક્યારેય તેમની પૂજા કરીશ. હું ગૌરી ગણપતિ વગેરે હિંદુ ધર્મના કોઈ દેવીદેવતાઓને નહીં માનીશ કે ન તેમની પૂજા કરીશ.”

    આ જ કાર્યક્રમના એક અન્ય એક વિડીયોમાં ‘પ્રતિજ્ઞા’ લેવડાવતાં કહેવામાં આવે છે કે, “હું શ્રાદ્ધ પક્ષ ક્યારેય નહીં કરીશ કે ન ક્યારેય પિંડ દાન કરીશ. હું બુદ્ધ ધર્મ વિરુદ્ધ ક્યારેય કોઈ વાત કરીશ નહીં. હું કોઈ પણ ક્રિયાક્રમ બ્રાહ્મણોના હાથોથી કરાવીશ નહીં.” ત્યારબાદ શપથ લેવડાવનાર વ્યક્તિએ તત્કાલીન આમ આદમી પાર્ટીના મંત્રીને તેમનામાંથી જ એક ગણાવીને અને બાબા સાહેબના સૈનિક ગણાવીને કહ્યું હતું કે, “હિંદુઓને બ્રાહ્મણ ધર્મરૂપી ‘નર્ક’માંથી બહાર આવી બૌદ્ધ ધર્મમાં સામેલ થવા માટે આમંત્રણ આપે છે.”

    પછીથી તેમનો ખૂબ વિરોધ થયો અને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર સવાલો સર્જાયા ત્યારે તેમણે રાજેન્દ્ર પાલ ગૌતમનું મંત્રીપદેથી રાજીનામું લઇ લેવું પડ્યું હતું.

    ‘મંદિરોમાં બેન-દીકરીઓની ઇજ્જત લૂંટાય છે, જવાનું બંધ કરો’: રાજેન્દ્ર પાલ

    મંત્રીપદેથી રાજીનામું ભલે લઇ લેવામાં આવ્યું હોય, પણ આમ આદમી પાર્ટીના નેતાનો હિંદુદ્વેષ યથાવત રહ્યો હતો અને તેમણે વિવાદિત નિવેદનો આપવાની પ્રવૃત્તિ પણ ચાલુ જ રાખી હતી. ડિસેમ્બર, 2023માં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, મંદિરોમાં બેન-દીકરીઓની ઈજ્જત લૂંટવામાં આવે છે અને ત્યાં જવા પર લોકોની હત્યા થાય છે. તેમનો આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો અને ટીકા પણ ખૂબ થઈ હતી.

    વર્તમાનમાં કોંગ્રેસના અને તે સમયના AAP નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ વિડીયોમાં કહેતા સંભળાયા હતા કે, “તમે એવી બાબતો પર વિશ્વાસ ન કરો જે તમને નુકસાન પહોંચાડતી હોય.” આગળ કહે છે, “તમે એક વાત કહો. જો ક્યાંય મંદિરમાં જવાથી આપણા લોકોની હત્યા થતી હોય, જો મૂર્તિ સ્પર્શ કરવાથી આપણા યુવાઓની હત્યા થઈ જાય, તો તમે એવી જગ્યાઓએ શું કામ જાઓ છો જ્યાં તમારું અપમાન થાય? જ્યાં તમારી બેન-દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવે, જ્યાં તમારી હત્યા કરી નાખવામાં આવે, જ્યાં અપમાન થતું હોય ત્યાં જવાનું બંધ કરો.”

    ‘ધ વાયર’ સાથે વાતચીતમાં કહ્યું હતું- હિંદુઓ બહુ જલ્દી ભારતમાં ‘લઘુમતી’ થઈ જવાના

    નોંધવું જોઈએ કે આ કોઈ એક-બે વર્ષની વાત નથી, રાજેન્દ્ર પાલ ઘણાં વર્ષોથી હિંદુઓ માટે આવી વાતો કહેતા આવ્યા છે. નવેમ્બર, 2022માં લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયરે’ તેમને સાક્ષાત્કાર કરવા માટે બોલાવ્યા હતા. હિંદુઓ વિરુદ્ધ પ્રોપગેન્ડા ચલાવવા માટે માટે જાણીતાં પત્રકાર આરફા ખાનમ સાથેના ઇન્ટરવ્યુમાં જાણે તેમને ‘દોડવું હતું ને ઢાળ મળ્યો’ જેવી સ્થિતિ સર્જાઈ.

    4 નવેમ્બર, 2022ના રોજ આ ‘કાર્યક્રમ’ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં રાજેન્દ્ર પાલે ભારતના હિંદુઓના ‘માસ ધર્માંતરણ’ની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે દિવસ હવે દૂર નથી કે ભારતના હિંદુઓ બહુસંખ્યકમાંથી અલ્પસંખ્યક થઇ જશે. આરફા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “જે લોકો બહુસંખ્યકવાદની રાજનીતિમાં લિપ્ત લોકો વિરુદ્ધ લડવા ઈચ્છે છે, તેમણે આગળ આવવું જોઈએ. તે લોકો (હિંદુઓ) બહુ ઝાઝો સમય બહુસંખ્યક નથી રહેવાના. મેં કોઇ લક્ષ્ય વગર પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું. (જોકે પાર્ટીએ હિંદુઓનો આક્રોશ જોઇને તેમનું રાજીનામું લઈ લીધું હતું તે અલગ વાત છે.) પણ જે રીતે આજે બહુસંખ્યકો દેશમાં આતંક ફેલાવે છે, એવી જ રીતે થોડા જ સમયમાં તેઓ અલ્પસંખ્યક થઈ જશે.”

    આ જ ઇન્ટરવ્યુમાં તેમણે હિંદુઓને હિંસક અને ભેદભાવથી ભરેલા કહીને પોતાના તર્કોના સાચા ઠેરવવાના પ્રયત્નો પણ કરેલા. તેમણે કહ્યું હતું કે, “લોકોના હ્રદયમાં ડર ઉભો કરવા અને તેમને (હિંદુઓને) આતંક ફેલાવતા અટકાવવા તેમને અલ્પસંખ્યક કરવા જ પડશે. આ દેશમાં 110 કરોડથી વધુ લોકો ST/SC સમુદાયના છે અને આગામી 5-7 વર્ષોમાં તે તમામ લોકો બૌદ્ધ ધર્મ અપનાવી લેશે. પછી જોઈએ છીએ કે કોણ અલ્પસંખ્યક રહે છે.” તેમણે દાવો કર્યો હતો કે તે વર્ષે 2 લાખ હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. જોકે પોતે ‘બાફ્યું’ હોવાનું જણાતાંજ તેમણે કવર કરતા કહ્યું કે તેઓ બહુમત કે અલ્પસંખ્યકની અવધારણામાં ભરોસો નથી કરતા.

    હવે આ જ રાજેન્દ્ર પાલ ‘વિધિવત’ રીતે કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસને ‘ગર્વ’ થયો

    રાજેન્દ્ર પાલ ગૌતમ હવે કોંગ્રેસી થઈ ગયા છે. આ રીતે તેમણે એક ચક્ર પૂરું કરી લીધું. શુક્રવારે (6 સપ્ટેમ્બર) તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસમાં સામેલ થયા. કોંગ્રેસે પણ તેમને આવકારી લીધા. પાર્ટી મહસાચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, આ તેમની પાર્ટી માટે ગર્વની ક્ષણો છે.

    બીજી તરફ, રાજેન્દ્ર પાલે પણ કહ્યું કે, તેઓ રાહુલ ગાંધીથી પ્રભાવિત થઈને કોંગ્રેસમાં સામેલ થયા છે. સાથે ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો અને સામાજિક સમરસતા અને ન્યાયની વાતો પણ કરી. દિવસ-રાત જાતિવાદનું રટણ કર્યા કરતા કોંગ્રેસીઓ સામાજિક સમરસતાની વાત કરે એ બાબત કેટલી હાસ્યાસ્પદ છે એ સુજ્ઞ વાચક જાણે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં