Sunday, October 6, 2024
More
    હોમપેજદુનિયા'કારગિલમાં મુજાહિદ્દીનના વેશમાં પાકિસ્તાની સેનાએ જ કરી હતી ઘૂસણખોરી': 25 વર્ષ બાદ...

    ‘કારગિલમાં મુજાહિદ્દીનના વેશમાં પાકિસ્તાની સેનાએ જ કરી હતી ઘૂસણખોરી’: 25 વર્ષ બાદ પાડોશી દેશે સ્વીકાર્યું, આર્મી ચીફે જાહેરમાં કહ્યું- અમારા સૈનિકો માર્યા ગયા હતા

    પાકિસ્તાનના સંરક્ષણ દિવસ નિમિત્તે જનરલ અસીમ મુનીરે રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમાં એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચેનું 1948, 1965, 1971 કે 1999નું કારગિલનું યુદ્ધ હોય, હજારો સૈનિકોએ દેશ અને ઇસ્લામ માટે બલિદાન આપ્યું છે."

    - Advertisement -

    પાકિસ્તાન (Pakistan) વર્ષ 1999માં જમ્મુ-કાશ્મીરના કારગિલ (Kargil) પર થયેલ આક્રમણમાં પોતાની સેનાનો હાથ હોવાનું હંમેશા નકારતું આવ્યું છે પણ તાજેતરમાં યુદ્ધનાં 25 વર્ષ બાદ આખરે આ બાબત સ્વીકારી છે. 6 સપ્ટેમ્બરે પાકિસ્તાનના સંરક્ષણ દિવસ પર એક સંબોધન દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે સ્પષ્ટ શબ્દોમાં આ સ્વીકાર કર્યો હતો.

    પાકિસ્તાન અત્યાર સુધી 4 વાર ભારત સાથે યુદ્ધ કરી ચૂક્યું છે. પ્રથમ 1948માં, બીજું 1965માં, ત્રીજું 1971માં, અને ચોથું 1999. વર્ષ 1999માં પાકિસ્તાને ભારતના કાશ્મીરના સરહદી વિસ્તાર કારગિલમાં ઘૂસણખોરી કરીને જમીન પચાવી પાડવાના પ્રયાસ કર્યા હતા. પછીથી ભારતીય સેનાએ ‘ઑપરેશન વિજય’ લૉન્ચ કરીને પાકિસ્તાનીઓને તગેડી દીધા હતા. જોકે, પાકિસ્તાનીઓ પોતે ભારતની સરહદમાં ઘૂસી ગયા હતા તે ક્યારેય સ્વીકારતા ન હતા, પણ આખરે 25 વર્ષ બાદ શાન ઠેકાણે આવી છે. સ્વયં પાકિસ્તાની સેના પ્રમુખે જાહેરમાં સ્વીકાર કર્યો છે.

    પાકિસ્તાનના સંરક્ષણ દિવસ પર જનરલ અસીમ મુનીરે રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમાં એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચેનું 1948, 1965, 1971 કે 1999નું કારગિલનું યુદ્ધ હોય, હજારો સૈનિકોએ દેશ અને ઇસ્લામ માટે બલિદાન આપ્યું છે.” આ નિવેદન પાકિસ્તાન દ્વારા 2 દાયકા કરતા વધુ સમયથી ચલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાંને ઉઘાડું પાડે છે. ખાસ નોંધવું જોઈએ કે આટલાં વર્ષોમાં પાકિસ્તાન કે તેની સેનાએ ક્યાંય આધિકારિક નિવેદનોમાં કારગિલનો ઉલ્લેખ કર્યો નથી અને કાયમ આ બાબતને તેઓ ટાળતા જ રહ્યા છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ઇસ્લામાબાદે કાયમ કારગિલ યુદ્ધમાં પોતાનો હાથ હોવાની વાત ન સ્વીકારીને એવું જ રટણ કર્યે રાખ્યું હતું કે જે ઘૂસણખોરી કરીને ભારતમાં આવી ચડ્યા હતા તેઓ મુજાહિદ્દીનો હતા, સૈનિકો નહીં. એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાની સેના તો સરહદની સુરક્ષા કરી રહી હતી, પણ મુજાહિદ્દીનોએ ઊંચાઈવાળાં સ્થળો કબજે કરી લીધાં હતાં. પરંતુ હવે સેના પ્રમુખે જ જાહેરમાં સ્વીકાર્યું કે તેમના સૈનિકો જ મુજાહિદ્દીનના વેશમાં લડ્યા હતા.

    મે અને જુલાઈ 1999 વચ્ચે લડાયેલ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોએ આતંકવાદીઓને કવર બનાવીને જમ્મુ-કાશ્મીરના કારગિલ ખાતે LOCની ભારતીય બાજુ તરફ ઘૂસણખોરી કરી હતી. પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનને તેના મનસૂબામાં સફળ થવા દીધું નહોતું, અને ઑપરેશન વિજય દ્વારા જીત મેળવી હતી. આ યુદ્ધ દરમિયાન ઘણા સૈનિકો વીરગતિ પામ્યા હતા.

    યુદ્ધને લઈને ભારતે પુરાવા સાથે જણાવ્યું હતું કે તેમાં પાકિસ્તાની સેનાનો સીધો હાથ હતો, જે બાબત બીજિંગ મુલાકાત દરમિયાન જનરલ મુશર્રફ અને રાવલપિંડી સ્થિત ચીફ ઑફ જનરલ સ્ટાફ મોહમ્મદ અઝીઝ વચ્ચેની ઈન્ટરસેપ્ટ થયેલી વાતચીતમાં પણ સામે આવી હતી. પાકિસ્તાન બીજી તરફ આ બાબતો નકારતું રહ્યું, પણ એ તમામ પ્રયાસો પર ત્યાંના આર્મી ચીફે જ પાણી ફેરવી દીધું છે. આમ તો જોકે, કારગિલમાં પાકિસ્તાનનો જ હાથ હતો, તે જગજાહેર છે અને પાકિસ્તાન નકારે તેનાથી કોઇ ફેર પડતો નથી, પણ હવે દેશે પોતે પણ સ્વીકારી લીધું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં