Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશહિંદુ એકતાના સંકલ્પ સાથે શરૂ થયો હતો ગણેશોત્સવ, આગળ જતાં ધાર્મિક જ...

    હિંદુ એકતાના સંકલ્પ સાથે શરૂ થયો હતો ગણેશોત્સવ, આગળ જતાં ધાર્મિક જ નહીં સામાજિક ક્રાંતિનો પણ જનક બન્યો: એ મહાપર્વ પાછળનો ઇતિહાસ વાંચો, જેનાથી લોકમાન્ય ટિળકે પ્રજ્વલિત કરી હતી રાષ્ટ્રવાદની મશાલ

    ટિળકના ગણેશોત્સવનું આયોજન માત્ર ધાર્મિક કર્મકાંડ સુધી સીમિત ન હતું. તેમણે ગજાનનને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે સ્થાપિત કર્યા હતા. આ ઉત્સવ દરમિયાન વિભિન્ન કાર્યક્રમોના માધ્યમથી હિંદુઓના સામાજિક કુરિવાજ અને અસ્પૃશ્યતાને દૂર કરીને તેમને એક અને મજબૂત કરવાનું કામ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    દેશમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારોની હારમાળા પણ શરૂ થઈ જાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમીથી લઈને છેક દિવાળી સુધી હિંદુઓના આ ઉત્સવોની રમઝટ ચાલુ રહે છે. તેમાં એક તહેવાર ગણેશોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભાદરવા મહિનાની ચતુર્થીના દિવસે ભગવાન શ્રીગણેશની પ્રતિમાને સ્થાપિત કરી વધુમાં વધુ 11 દિવસો સુધી તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સ્થાનિક લોકો એકતા અને સૌહાર્દ સાથે ભગવાનના કાર્યમાં સહભાગી બને છે. આમ આપણે ત્યાં જે તહેવારો ઉજવવામાં આવે છે તેનું ધાર્મિક ગ્રંથોમાં પણ મહત્વ વર્ણવાયું છે કે સદીઓથી ચાલતી પરંપરાઓના ભાગરૂપે ઉજવણી કરવામાં આવે છે. પણ આ તહેવાર આ રીતે જોઈએ તો થોડો જુદો પડે છે. વૈદિક યુગથી લઈને મધ્યકાલિન યુગ સુધી સાર્વજનિક ગણેશોત્સવની પરંપરા ભારતમાં નહોતી, પણ આ પરંપરાને શરૂ કરવાનો સંપૂર્ણ શ્રેય જાય છે બાળ ગંગાધર ટિળકને. તેમણે પ્રથમવાર ગણેશોત્સવ ઉજવ્યો હતો, પરંતુ તેમનો ઉદ્દેશ્ય કંઈક અલગ હતો.

    લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે જનમાનસમાં રાષ્ટ્રવાદની ભાવના વિકસિત કરવા અને સમાજને સંગઠિત કરવા માટે અનોખા પ્રયોગો અપનાવ્યા હતા. તે અંતર્ગત જ વિઘ્નનાશક આરાધ્ય શ્રીગણેશજીના પૂજનને તેમણે ઘરની ચાર દીવાલોમાંથી બહાર કાઢીને એક સાર્વજનિક ઉત્સવના રૂપે પ્રસ્તુત કર્યું હતું. આજે આખા દેશમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે અને હિંદુઓ સંગઠિત થઈને ઐક્ય ભાવ સાથે ભગવાન શ્રીગણેશની સ્થાપના કરે છે. દરેક નગર અને ગામડાંમાં ગણેશ મંડળ બનવા માંડ્યાં છે, જે ટિળકના સંગઠન બનાવવાના પ્રયાસને ચરિતાર્થ કરે છે. આપણે સ્વતંત્રતા સંગ્રામના તે દિવસો તરફ નજર કરીશું, જે ગણેશોત્સવ માટે જવાબદાર કારણ બનીને ઊભરી આવ્યા હતા.

    1857ની ક્રાંતિની નિષ્ફળતા અને બાળ ગંગાધર ટિળકનો ઉદય

    વાત છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની. ક્રાંતિવીર મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારી પર કરેલો ભડાકો આખા દેશમાં સંભળાયો. પ્રથમ વખત કોઈ ભારતીય સૈનિકે નિર્ભયતાથી અંગ્રેજ શાસનની છાતી સોંસરવી ગોળી ધરબી દીધી હતી. અંગ્રેજોને કોઈ કાળે આ સહન થઈ શકે એમ નહોતું. મંગલ પાંડેના સાહસ બાદ દેશમાં એક નવો જુવાળ ઉત્પન્ન થયો. બીજી તરફ અંગ્રેજોએ પણ ગંભીરતાને સમજી લઈને તાત્કાલિક ધોરણે પાંડેને ફાંસીના માચડે ચડાવી દીધા. અંગ્રેજોને એવું લાગતું હતું કે, સરજાહેરમાં મંગલ પાંડેને ફાંસી પર લટકાવીને ભારતીયોમાં જાગી ઉઠેલા સાહસને કચડી નખાશે. પરંતુ, થયું તેનાથી વિપરીત.

    - Advertisement -

    મંગલ પાંડેને ફાંસી અપાયા બાદ ભારતીયો રોષથી ભભૂકી ઉઠ્યા. હર એક બાળક ક્રાંતિકારી બનવા નીકળી પડ્યો, મહિલાઓ પણ હથિયાર ધારણ કરીને અંગ્રેજ શાસનના મૂળિયાં હલાવવા સાબદી થઈ અને તેનું નેતૃત્વ કરી રહ્યાં હતાં ઝાંસીના મહારાણી મણિકર્ણિકા. આખા દેશમાં વિપ્લવ ફાટી નીકળ્યો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બે ઘડી માટે ધરબાઈ ગઈ. પરંતુ દેશના ક્રાંતિવીરોની એકતાના અભાવે ખૂબ જ નિર્દયતાથી 1857ની આ પ્રથમ ક્રાંતિને અંગ્રેજોએ કચડી નાખી. પરંતુ, તેની અસર એવી હતી કે, બ્રિટિશ પાર્લામેન્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સત્તા લેવા મજબૂર થવું પડ્યું અને અહીંથી ભારતમાં શરૂ થયું ‘તાજનું શાસન’. ક્રાંતિની નિષ્ફળતા બાદ એકતાનો અભાવ ભારતીય ક્રાંતિવીરોને સારી રીતે સમજાઈ ગયો હતો. બ્રિટિશ સંસદના સીધા શાસન બાદ અંગ્રેજોએ ભારતીયોને ખુશ કરવા માટે ઉદારવાદી નીતિ અપનાવી હતી.

    પરંતુ, ક્રાંતિકારીઓએ સામાન્ય નાગરિકોના ધ્યેયને અડગ રાખ્યો. 1857ની ક્રાંતિની વિફળતા બાદ અંગ્રેજ શાસનથી મુક્તિ મેળવવા માટે સંઘર્ષનું બીજું ચરણ શરૂ થયું હતું. લોકમાન્ય બાળ ગંગાધર ટિળક આ સંઘર્ષના જનક હતા. 19મી સદીના અંતિમ દશકોમાં ભારતભરમાં ઘણી રાષ્ટ્રવાદી હસ્તીઓ ઊભરી, જેમણે સ્વરાજ્ય અને અંગ્રેજોની દમનકારી નીતિને લઈને જાહેરમાં વાતો કરવાનું શરૂ કર્યું. પરંતુ, તેમાં ઘણા કથિત રાષ્ટ્રવાદી નેતાઓ સંસ્થાનવાદી શાસનને સંપૂર્ણપણે ખતમ કરવાને બદલે અંગ્રેજો પાસેથી આંશિક સ્વતંત્રતા મેળવવાની વાતો કરવા લાગ્યા. પરંતુ, એક મુખ્ય ભારતીય રાષ્ટ્રવાદીનું લક્ષ્ય વધુ ક્રાંતિકારી હતું. તેમનો એક જ ધ્યેય હતો- સ્વરાજ અથવા તો સ્વશાસન. આ રાષ્ટ્રવાદી કોઈ અન્ય નહીં, પરંતુ મરાઠી પત્રકાર, શિક્ષક, રાજનેતા અને સામાજિક કાર્યકર્તા બાળ ગંગાધર ટિળક હતા.

    ટિળક બાળપણથી છત્રપતિ શિવાજી મહારાજના જીવનથી પ્રભાવિત હતા. તેમણે પુણેમાં ભાષણ આપતા એવું પણ કહ્યું હતું કે, “છત્રપતિ શિવાજી મહારાજે મુઘલોને હાંકી કાઢ્યા હતા અને હવે તમે લોકો અંગ્રેજોને હાંકી કાઢવા કમર કસો.” તેમણે એવું પણ કહ્યું હતું કે, “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને પામીને જ જંપીશ.” દરમિયાન તેમણે જીજી અગરકર સાથે મળીને ‘કેસરી’ (મરાઠી) અને ‘મરાઠા’ (અંગ્રેજી) નામના સમાચાર પત્રોની સ્થાપના કરી અને બ્રિટિશ શાસન વિરુદ્ધ રાષ્ટ્રવાદી પ્રતિરોધ ફેલાવવા માટે તેમનો ઉપયોગ કર્યો.

    ગણેશોત્સવની શરૂઆત અને હિંદુ એકતાનો પ્રારંભ

    લોકમાન્ય ટિળકના જીવનચરિત્ર (‘લોકમાન્ય તિલક: ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કે જનક’, 1959)માં ધનંજય કીર લખે છે કે, 19મી સદીના અંતિમ દશકોમાં અંગ્રેજોએ વિભાજનકારી નીતિ અપનાવી હતી. તેઓ ટિળકના હવાલાથી લખે છે કે, વર્ષ 1893માં આખા દેશમાં હિંદુ-મુસ્લિમ હુલ્લડો ફાટી નીકળ્યાં. 11 ઑગસ્ટના રોજ તત્કાલીન બૉમ્બે શહેરે એવી હિંસા જોઈ, જે પહેલાં ક્યારેય જોવા નહોતી મળી. પુણેમાં રહેતા ટિળકે સાંપ્રદાયિક તણાવને પ્રોત્સાહન આપવા બદલ અંગ્રેજો પર પ્રહાર કરવાના શરૂ કર્યા. તેમણે અંગ્રેજો પર પક્ષપાતી (મુસ્લિમો તરફી) હોવાના આરોપ લગાવ્યા. કીરે ટિળકના જીવનચરિત્રમાં તેમને ટાંકીને વધુમાં લખ્યું હતું કે, જ્યારે સરકારી સુરક્ષા નિષ્ફળ બની તો હિંદુઓ પાસે મુસ્લિમ આક્રમણને પાછળ ધકેલવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

    ટિળક અનુસાર, અંગ્રેજોએ મુસ્લિમોનો પક્ષ એટલા માટે લીધો કારણ કે, તેમને ધીમે-ધીમે જાગી રહેલા હિંદુ બહુમતનું જોખમ દેખાવા લાગ્યું હતું. પરંતુ, હિંદુઓમાં અંગ્રેજોને ઉખાડી ફેંકવાની મહત્તમ ક્ષમતા નહોતી. કારણ કે, હિંદુઓ વાડામાં વિભાજિત હતા, તેમાં એકતાનો અભાવ હતો અને સંગઠનનો પણ અભાવ હતો. હિંદુઓની રક્ષા અને અંગ્રેજ હૂકુમતને ઉખાડી ફેંકવાના ઉદ્દેશ્ય સાથે તેમણે ગણેશ પૂજાને સાર્વજનિક ઉત્સવ બનાવવાનો નિર્ણય કર્યો અને અહીંથી શરૂ થયો ગણેશોત્સવ.

    20 ઓકટોબર, 1893માં તેમણે પ્રથમ વખત પુણેમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી. ભગવાન ગણેશની પૂજા માટે જ્ઞાતિ-જાતિના ભેદભાગ વગર હિંદુઓ આવવા લાગ્યા અને સંગઠનો બનવાની શરૂઆત થવા લાગી. ઇતિહાસકારો અનુસાર, શિવાજી મહારાજના બાલ્યકાળમાં તેમના માતા જીજાબાઈએ ગ્રામદેવતા કસ્બા ગણપતિની સ્થાપના કરી હતી. બાદમાં પેશવાઓએ તેનો વિસ્તાર કર્યો હતો. પરંતુ ટિળકના ગણેશોત્સવનું આયોજન માત્ર ધાર્મિક કર્મકાંડ સુધી સીમિત ન હતું. તેમણે ગજાનનને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે સ્થાપિત કર્યા હતા. આ ઉત્સવ દરમિયાન વિભિન્ન કાર્યક્રમોના માધ્યમથી હિંદુઓના સામાજિક કુરિવાજ અને અસ્પૃશ્યતાને દૂર કરીને તેમને એક અને મજબૂત કરવાનું કામ કરવામાં આવ્યું હતું. અંગ્રેજોને ઉખાડી ફેંકવાની યોજનાબદ્ધ તૈયારીઓ પણ શ્રીગણેશજીના સાનિધ્યમાં થવા લાગી હતી. ટિળકે હિંદુઓ અને રાષ્ટ્રવાદી મુસ્લિમોને હાંકલ કરી હતી કે, ગણેશ વિઘ્નહર્તા છે અને આ વિઘ્નને હરવા માટે પણ તેઓ જ મદદ કરશે. ત્યારબાદ ક્રાંતિકારીઓ એકઠા થવા લાગ્યા અને 10 દિવસ સુધી ગણેશોત્સવના નામે અંગ્રેજોને ઉખાડી ફેંકવાની યોજના ઘડવા લાગ્યા.

    અહીંથી હિંદુઓ પણ એક થવા લાગ્યા, જેથી કરીને મહારાષ્ટ્રમાં મુસ્લિમ દમન અને અંગ્રેજોનું દમન અંકુશમાં આવી ગયું. મહારાષ્ટ્રના નાનામાં નાના ગામડા સુધી પણ સંગઠનો બનવા લાગ્યાં અને હિંદુવિરોધી હિંસા પર તેઓ રસ્તા પર આવવા લાગ્યા. ધીમે-ધીમે મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓએ આખા દેશમાં ગણેશોત્સવની શરૂઆત કરીને આ રીતે શરૂ થઈ એક મહાન પરંપરા. જેના જનક હતા બાળ ગંગાધર ટિળક. અગ્રેજોને પણ તેમના આ કાર્યની ભાળ મળવા લાગી હતી, પરિણામે ઘણીવાર ટિળકને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. પરંતુ તેમણે અટક્યા વિના અવિરત પ્રયાસો ચાલુ રાખ્યા હતા. 15 એપ્રિલ 1895માં તેમણે શિવાજી ઉત્સવની પણ શરૂઆત કરી હતી. ગણેશોત્સવ અને શિવજયંતિ (શિવાજી ઉત્સવ)ના કારણે હિંદુઓ એક થવા લાગ્યા અને ક્રાંતિકારીઓને પણ અવકાશ મળવા લાગ્યા. પરિણામે એકતા અને મજબૂત સંગઠનના કારણે પ્રબળ વિરોધ શરૂ થયો અને લોહિયાળ ક્રાંતિની શરૂઆત થઈ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં