તારીખ હતી 29 ડિસેમ્બર 1943, અંગ્રેજોની ગુલામીની સાંકળમાં બંધાયેલી ભારત ભૂમિના એક દ્વીપ (તે સમયે જાપાનના કબજામાં) ‘પોર્ટ બ્લેયર‘ની (Port Blair) સાંકડી હવાઈ પટ્ટી પર જાપાની સેનાનું એક વિમાન (Japanese army plane) લેન્ડ થયું અને ભારતના ક્રાંતિવીરોની (Indian revolutionaries) એક ટુકડી તેમાંથી બહાર આવી. તે દિવસે દેશની પ્રથમ આઝાદ હિંદ સરકારના (Azad Hind government) રાષ્ટ્ર પ્રમુખ અને પ્રથમ વડાપ્રધાન ભારતના અદમ્ય સાહસવીર નેતાજી સુભાષચંદ્ર બોઝના (Netaji Subhash Chandra Bose) પગરવથી અંગ્રેજ સરકાર થથરી ઉઠી. તેમની સાથે તેમના સેક્રેટરી અને મિનિસ્ટર એવા આનંદ મોહન સહાય, ADC કેપ્ટન રાવત અને બોઝના ડોક્ટર કર્નલ DS રાજુ પણ હતા.
ત્યાર બાદ અંદામાન ખાતે આઝાદ હિંદ સરકારના ગવર્નર આરકોટ દોરઈસ્વામી અને પોર્ટ બ્લેયરના જાપાની એડમિરલે તેમનું સ્વાગત કર્યું. આ દ્રશ્ય અંગ્રેજોને વાઢો તો લોહી ન નીકળે એવું હતું. તેના બરાબર બીજા દિવસે, એટલે કે 30 ડિસેમ્બર 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેયરના જીમખાના ગ્રાઉન્ડમાં પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો (First National Flag) અને તે સાથે જ તેમણે ભારત ભૂમિ પર INAને પહોંચાડવાનું વચન પૂર્ણ કર્યું.
અંગ્રેજોની કેદમાં બંધ હતા નેતાજી
માત્ર આટલું વાંચીને જ રોમાંચિત થઈ જવાય, તો વિચારો કે તે સમય કેવો રહ્યો હશે જયારે વાસ્તવમાં સમય રેખા આ દ્રશ્યોની સાક્ષી બની હશે. આજે 30 ડિસેમ્બર 2024માં આ ઐતિહાસિક ઘટનાની 81મી વર્ષગાંઠે જાણીશું કે તે સમયનો આખો ઘટનાક્રમ કેવો રહ્યો હતો અને શા માટે આજની આ તારીખ આટલી મહત્વપૂર્ણ છે. આ માહિતી પહેલા આપણે સમયની પાંખો લગાવીને સ્વતંત્રતા પહેલાના ભારતમાં પહોંચવું પડશે.
વાત એમ હતી કે, સ્વતંત્રના બ્યુગલો ફૂંકાઈ ચૂક્યા હતા અને સુભાષચંદ્ર બોઝે શરૂ કરેલી ક્રાંતિએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. અંગ્રેજ સરકારે 2 જુલાઈ 1942ના રોજ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરીને નેતાજીને કલકત્તાની પ્રેસિડેન્સી જેલમાં ધકેલી દીધા. જોકે અંગ્રેજોના હાથે ઝડપાયા બાદ પણ નેતાજીએ પોતાની ગતિવિધિ ચાલુ રાખી. 29 નવેમ્બરથી તેમણે જેલમાં જ ભૂખ હડતાલ શરૂ કરી અને અન્નનો ત્યાગ કર્યો. અંગ્રેજ સરકાર ગભરાઈ ગઈ અને નાછૂટકે તેમને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ચુસ્ત બદોબસ્ત હોવા છતાં નેતાજીને ન રોકી શક્યા અંગ્રેજો
બોઝની આ ભૂખ હડતાલથી અંગ્રેજોને પેટમાં ફાળ પડી અને અંગ્રેજ સરકાર નેતાજીની ક્રાંતિ સામે ઘૂંટણીએ આવ્યું. તેમને ડર હતો કે જો જેલમાં બોઝને કશું થઈ ગયું તો તેમનું જીવવું હરામ થઈ જશે. અંતે ભૂખ હડતાલના એક જ સપ્તાહમાં એટલે કે 5 ડિસેમ્બરે ગવર્નર જોન હર્બટે નેતાજીને મુક્ત કરવાના આદેશ આપ્યા. એક એમ્બ્યુલન્સ મારફતે નેતાજીને તેમના ઘર સુધી પહોંચાડી દેવામાં આવ્યા. નેતાજીનું શરીર ચોક્કસ અસ્વસ્થ હતું, પરંતુ તેમનું મનોબળ હિમાલય જેવડું હતું. બીજી તરફ તેમને મુક્ત કર્યા બાદ પણ અંગ્રેજો તેમનાથી થથરી રહ્યા હતા અને તેમના પર એક-બે નહીં, એક સાથે 14-14 જાસૂસોનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો.
નેતાજી આમ પણ થોડો સમય સ્વસ્થ થવા પર આપવા માંગતા હતા, માટે તેમણે થોડા દિવસો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યું અને ફરી પાછા બેઠા થઈ ગયા. અંગ્રેજો નહોતા જાણતા કે સુભાષચંદ્ર બોઝને કેદ કરવા એટલા સરળ નથી. 16-17 જાન્યુઆરી 1941ના રોજ અંગ્રેજોના ખેમામાં ભાગદોડ મચી ગઈ, અંગ્રેજ અમલદારોને તે સાંભળીને પરસેવો વળી ગયો કે નેતાજી તેમના ચક્રવ્યુહને ભેદીને નીકળી ગયા છે. ઈતિહાસકારોની માનીએ તો તે મોડી રાત્રે અંગ્રેજ જાસૂસો અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચેથી મુસ્લિમનો વેશ ધારણ કરી એક કાર લઈને ઘરેથી નીકળી ગયા.
દૃઢ સંકલ્પ અને નવી સરકાર સાથે પરત ફર્યા નેતાજી, કર્યા ભારતીય દ્વીપોના નામકરણ
બસ તે પછી નેતાજીએ સંકલ્પ કર્યો કે હવે તેઓ પરત ફરશે, તો દેશની પોતાની ફોજ સાથે. જોકે આ આખી ઘટના બાદ નેતાજી માત્ર એક વાર ભારત આવ્યા અને એ તારીખ, એટલે આજની 29 ડિસેમ્બર. જોકે અંગેજના કેડી તરીકે ભાગેલા સુભાષચન્દ્ર બોઝ હવે આઝાદ હિંદ સરકારના વડાપ્રધાન હતા. પોર્ટ બ્લેયરમાં જાપાની વિમાનથી લેન્ડ થયાના બીજા દિવસે એટલે કે 30 ડિસેમ્બરના રોજ તેમણે દેશનો ઝંડો ફરકાવ્યો. આ પહેલીવાર હતું કે અંગ્રેજોથી છીનવેલી ધરતી પર કોઈ ભારતીય વડાપ્રધાને ધ્વજારોહણ કર્યું હોય. આ વાતને આજે 81 વર્ષ થયા.
દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે આ દ્વીપ પર જાપાનનો કબજો હતો. બાદમાં નેતાજીની રણનીતિથી તેને નેતાજીને સોપી દેવામાં આવ્યો. તે પહેલા આ દ્વીપ પર ડચ અને બાદમાં અંગ્રેજોએ કબજો જમાવ્યો હતો. જાપાનીઓએ જીત્યા બાદ નેતાજી દ્વારા તેને ભારતનો ભાગ ઘોષિત કરવામાં આવ્યો. 30 ડિસેમ્બર 1943ના દિવસે નેતાજીએ અહીં ત્રિરંગો ફરકાવ્યા બાદ અંદામાનનું નામ શહીદ અને નિકોબાર દ્વીપનું નામ સ્વરાજ ઘોષિત કર્યું. ધ્વજારોહણ બાદ આઝાદ હિંદ સરકારના જનરલ લોકનાથનને અહીં પ્રથમ ગવર્નર બનાવવામાં આવ્યા.
વિદેશી ધરતી પર આઝાદ હિંદ ફોજને આપેલું વચન નિભાવ્યું ,ચીન, જાપાન, ઇટલી અને જર્મની જેવા દેશોએ માન્યું નેતાજીનું લોઢું
અહીં તે પણ ઉલ્લેખ કરવો જ રહ્યો કે અહીં આવતા પહેલા સુભાષચન્દ્ર બોઝે સિંહ ગર્જના માફક વિશ્વને પોતાની અને આઝાદ હિંદ ફોજની હયાતીથી માહિતગાર કર્યા હતા. તેના એક મહિના બાદ જ સિંગાપોરના પાડાંગમાં આઝાદ હિંદ ફોજને સંબોધિત કરતા વચન આપ્યું હતું કે વર્ષ 1943ના અંત સુધીમાં આઝાદ હિંદ ફોજ ભારત ભૂમિ પર હશે. પોતાનું આ વચન પાળીને આઝાદ તેઓ હિંદ ફોજને ભારત ભૂમિ પર લઈ આવ્યા. અહીં આવીને તેમણે પોર્ટ બ્લેયરની સેલ્યુલર જેલની મુલાકાત લીધી અને ભારતના વીર સપૂત ક્રાંતિકારીઓ અને વીરગતોને વંદન કર્યા હતા.
અહીં તે જણાવવું પણ જરૂરી છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ ખાલી કહેવા ખાતરના આઝાદ હિંદ ફોજના ચીફ અને દેશના પહેલા વડાપ્રધાન નહોતા. તેમની સરકારમાં 11 મંત્રીઓ હતા અને INAના (આઝાદ હિંદ ફોજ) 8 પ્રતિનિધિઓ હતા. નેતાજી પોતે આઝાદ હિંદ સરકારના રાષ્ટ્ર પ્રમુખ, વડાપ્રધાન અને યુદ્ધ મંત્રી હતા. ચીન સહિતના વિશ્વના અનેક દેશોએ આ સરકારનું લોઢું માનીને તેને માન્યતા પણ આપી હતી. આઝાદ હિંદ સરકારને માન્યતા આપનારા દેશોમાં ચીન (બાંગ જિંગ વી સરકાર), જાપાન, જર્મની, ઇટલી, ક્રોએશિયા, બર્મા, થાઇલેન્ડ, ફિલિપિન્સ અને મંચૂરિયાનો સમાવેશ થાય છે. આ તમામ દેશોએ આઝદ હિંદ સરકારને માન્યતા આપી દીધી હતી.
81 વર્ષ પહેલા જ્યાં નેતાજીએ ફરકાવ્યો ઝંડો, ત્યાં આજે 150 ફૂટની ઊંચાઈએ ગર્વથી લહેરાય છે તિરંગો
આજથી બરોબર 81 વર્ષ પહેલા અંદામાન ક્લબ અને જીમખાનાના ગ્રાઉન્ડમાં જ્યાં આઝાદ હિંદના વડાપ્રધાન નેતાજી સુભાષચંદ્ર બોઝે તિરંગો ફરકાવ્યો હતો, તે સ્થળ પર આજે 150 ફૂટની ઊંચાઈ પર ગર્વથી આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે. હા એક વાત છે કે બદલતા સમય સાથે અહીં ઘણોબધો ભૌગોલિક બદલાવ આવ્યો છે, 2018માં અહીં મોટો ફેરબદલ કરીને જગ્યાને જીમખાનાને રોસ આઈલેન્ડ પાસે ખસેડી લેવામાં આવ્યું. પણ આ સ્થળ હજુ નેતાજીની યાદમાં મોદી સરકારે સજાવી રાખ્યું છે.
સ્વતંત્રના રંગથી રંગાયેલા ભારત પાછળ કેવડો ભોગ આપવામાં આવ્યો છે, અહીં લાગેલી તે સમયની બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરો તેની ચાડી ખાય છે. આજે આ સ્થળ મોટું ટુરિસ્ટ સ્પોટ બની ચૂક્યું છે અને દરરોજ સેંકડો પર્યટકો અહીં આવે છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ અહીં દેશભક્તિના કાર્યક્રમ થાય છે. ફરવાની ભાવના સાથે આવેતા ભારતીયો અહીંથી છાતીમાં દેશભક્તિની સુવાસ અને માનસ પર ક્રાંતિકારીઓના બલિદાનનોની છબીઓ કંડારીને પરત જાય છે.