Monday, March 30, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિવસ્ત્રનો ટુકડો માત્ર નહીં, દેવત્વની ઉપસ્થિતિનો જીવંત સંદેશ હોય છે ધર્મધ્વજ: વાંચો...

    વસ્ત્રનો ટુકડો માત્ર નહીં, દેવત્વની ઉપસ્થિતિનો જીવંત સંદેશ હોય છે ધર્મધ્વજ: વાંચો મંદિરો પર સ્થાપિત થતી ધ્વજાનું વૈદિક અને પૌરાણિક મહત્ત્વ

    અયોધ્યામાં શ્રી રામ મંદિરનાં શિખર પર લહેરાતો આ ધર્મધ્વજ એ જ દિવ્ય ઊર્જાનું આધુનિક પ્રતિરૂપ છે, જે વિશ્વને સંદેશો આપે છે કે સનાતન સંસ્કૃતિ આજે પણ એટલી જ સશક્ત, જીવંત અને પ્રાણવાન છે જેટલી સદીઓ પહેલાં હતી. 

    - Advertisement -

    વર્ષ 2024માં ઐતિહાસિક અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે, હવે તેના શિખરનું કાર્ય પૂર્ણ થયા બાદ ધર્મધ્વજની સ્થાપનાની પરંપરા પણ પૂર્ણ થઈ ચૂકી છે. ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહની ઉપર, નાગરશૈલીનાં ઉચ્ચતમ શિખર પર 25 નવેમ્બર, 2025ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધર્મધ્વજની સ્થાપના કરવામાં આવી. આ ભવ્ય વૈદિક પરંપરા દરમિયાન આખા દેશની, ખાસ કરીને હિંદુ સમાજની આંખો અયોધ્યા પર કેન્દ્રિત થઈ છે. કારણ કે મંદિરના નિર્માણ બાદ તેની સૌથી પવિત્ર પરંપરા ધર્મધ્વજની સ્થાપના હોય છે.

    એ ધ્વજ માત્ર કાપડનો ટુકડો નહીં, પરંતુ એક જીવંત પ્રતીક છે, વિજયનું, શક્તિનું, ધર્મનું અને બ્રહ્માંડની ઉન્નત ઉર્જાનું. 

    ધર્મધ્વજની સ્થાપના માત્ર એક પરંપરા નથી, પરંતુ ભારતીય સભ્યતાના હજારો વર્ષોની સ્મૃતિ, આધ્યાત્મિકતા, જ્યોતિષશાસ્ત્ર અને સાંસ્કૃતિક નિરંતરતાનો પુનઃઉદઘોષ છે. મંદિરનાં શિખર પર ધ્વજ સ્થાપિત કરવાની પરંપરા એટલી પ્રાચીન છે કે તેનું મૂળ વેદો અને પુરાણોનાં પાનાંઓમાં ઊંડાણપૂર્વક જોવા મળે છે. ધ્વજ માત્ર એક વસ્ત્ર નહીં, પણ દેવત્વની ઉપસ્થિતિ, બ્રહ્માંડ સાથેનું જોડાણ અને આકાશી ઉર્જાના પ્રવાહનું પ્રતીક છે.

    અયોધ્યા રામ મંદિરના દ્વારે થઈ રહેલા આ ધર્મકાર્યને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. સમાજનો એક મોટો વર્ગ ધર્મધ્વજના મહત્વથી અજાણ છે. તેવામાં સહજ પ્રશ્ન થઈ શકે છે કે, મંદિરોનાં શિખર પર ધર્મધ્વજ કેમ સ્થાપિત કરવામાં આવે છે? શું તે માત્ર એક ધાર્મિક પરંપરા છે કે તેની પાછળ પણ વૈદિક વિજ્ઞાન, તંત્ર અને પૌરાણિક વિચારધારાનાં ગહન તત્ત્વો છુપાયેલાં છે?- વિગતે સમજીએ. 

    - Advertisement -

    બ્રહ્માંડની ગતિનું પ્રતીક છે ધર્મધ્વજ

    ભાવનગરના જાણીતા જ્યોતિષશાસ્ત્રી અને શિક્ષણ ક્ષેત્રમાં વર્ગ-1 અધિકારી વિશાલ રાજ્યગુરુએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ધર્મધ્વજ વિશેની ઘણી માહિતી આપી હતી. વેદોમાં ધ્વજને ‘કેતુ’ કહેવામાં આવ્યો છે. ઋગ્વેદમાં (1.115.4) સૂર્યને ‘વિશ્વકેતુ’ કહીને સંબોધવામાં આવ્યો છે, એટલે સૂર્યનો ધ્વજ સમગ્ર વિશ્વને પ્રકાશે છે. મંદિરનો ધર્મધ્વજ પણ એ જ રીતે સૂર્યકિરણો અને વાયુની ગતિનું પ્રતીક છે. આગમ શાસ્ત્રોમાં (કામિકાગમ, કારણાગમ) સ્પષ્ટ લખાયું છે કે મંદિરનાં શિખર પર ફરકતા ધ્વજને ‘વિજય કેતુ’ કહેવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે ધર્મનો વિજય થયો છે, અધર્મનો નાશ થયો છે. 

    રામ મંદિરના કિસ્સામાં આ વિજય ઐતિહાસિક અને આધ્યાત્મિક બંને સ્તરે સાર્થક થાય છે. કારણ કે બાબરીરૂપી કલંકના અધર્મને ડામીને ધર્મનો ઉદય થયો છે. વાસ્તુ અને તંત્રશાસ્ત્રમાં મંદિર શિખરને ‘બ્રહ્મરંધ્ર’ કહેવામાં આવે છે. જેમ માનવ શરીરમાં સહસ્ત્રાર ચક્ર દ્વારા બ્રહ્માંડીય ઉર્જા પ્રવેશે છે, તેમ મંદિરના શિખરમાંથી દેવશક્તિ ધર્મધ્વજ દ્વારા ધરતી પર અવતરે છે. 

    ધ્વજદંડ સામાન્ય રીતે તાંબા કે પંચધાતુનો હોય છે અને તેની ટોચ પર ત્રિશૂલ, ચક્ર કે કળશ હોય છે. આ ધાતુઓ વાતાવરણમાંથી વીજળી અને કોસ્મિક રેડિયેશનને આકર્ષે છે. ધ્વજપટ ફરકવાથી વાયુનું ઘર્ષણ થાય છે, જેનાથી નેગેટિવ આયનો (Negative Ions) ઉત્પન્ન થાય છે. આ આયનો મંદિરની આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે અને દર્શનાર્થીઓને માનસિક શાંતિ આપે છે.

    આધુનિક વિજ્ઞાન પણ આ વાત સ્વીકારે છે કે પર્વતની ટોચ કે ઊંચા સ્થળોએ વાયુના ઘર્ષણથી નેગેટિવ આયનો વધુ ઉત્પન્ન થાય છે, એટલે જ મંદિરો ઊંચા સ્થળોએ બાંધવામાં આવે છે અને ધર્મધ્વજ ફરકાવવામાં આવે છે. ધ્વજ એ મંદિરનું ‘બ્રહ્મરંધ્ર એન્ટિના’ છે. મંદિરને વાસ્તુપુરુષનું જીવંત શરીર માનવામાં આવે છે. ગર્ભગૃહ એ હૃદય છે, શિખર એ સહસ્ત્રાર ચક્ર છે અને ધ્વજદંડ એ બ્રહ્મરંધ્ર છે.

    ભારતમાં મંદિરોને ‘દેવલોકનો દ્વાર’ કહેવામાં આવ્યાં છે. તેની બનાવટમાં શિખરનું પોતાનું એક આગવું વૈજ્ઞાનિક અને આધ્યામિક મહત્વ છે. શિખર ઊર્ધ્વગામી ઉર્જાનો માર્ગ છે, બ્રહ્માંડ તરફ ઉઠતી પ્રાર્થના, સંકલ્પ અને અધ્યાત્મની ધ્વનિ. આ જ શિખર પર ધ્વજનું સ્થાપિત થવું દર્શાવે છે કે દેવસ્થાન બ્રહ્માંડની ગહન ઉર્જા સાથે સંકળાયેલું છે અને દેવત્વ તથા બ્રહ્માંડ વચ્ચે સતત સંવાદ ચાલી રહ્યો છે.

    મંદિરનું શિખર ‘આકાશ તત્ત્વ’ સાથેના સંપર્કનું બિંદુ છે. આકાશ તત્વને ધ્વનિ, સ્પંદન અને ચેતનાનો તત્ત્વ માનવામાં આવે છે અને ધ્વજ આ સંચારનું માધ્યમ બને છે, જેમ કે એક જીવંત એન્ટેના. જે દેવત્વ અને ભક્તોની પ્રાર્થના વચ્ચે એક કડી બનાવે છે. આજે પણ જગન્નાથ મંદિર, દ્વારકા મંદિર, સોમનાથ મંદિર સહિતનાં તમામ હિંદુ દેવાલયો પર ધર્મધ્વજ ફરકી રહ્યો છે. જગન્નાથ મંદિરમાં ધ્વજ હવાની વિરુદ્ધ દિશામાં 90ના ખૂણા પર ફરકે છે, જોકે તેનું રહસ્ય આજ સુધી જાણી શકાયું નથી. 

    પૌરાણિક સંદર્ભો

    વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં ઇન્દ્રધ્વજનો (ઇન્દ્રનો ધ્વજ) ઉલ્લેખ આવે છે. ઇન્દ્ર એ વાયુ અને વીજળીના દેવ છે. દર વર્ષે ઇન્દ્રધ્વજ મહોત્સવ થાય છે, જેનું મૂળ વૈદિક છે. મહાભારતમાં (આદિપર્વ) અર્જુનનો ‘કપિધ્વજ’ પ્રખ્યાત છે. કૃષ્ણનો રથ ‘ગરુડધ્વજ’થી શોભતો હતો. આ દર્શાવે છે કે ધ્વજ યોદ્ધા અને દેવતાઓનું વિજય ચિહ્ન છે. રામાયણમાં (યુદ્ધકાંડ 89.24-26) પણ રામ-રાવણ યુદ્ધ દરમિયાન રાવણના રથ પર ધ્વજ હતો, જેને રામે ધ્વસ્ત કર્યો. એટલે ધ્વજનું (અધર્મનું) પતન થયું હતું.

    શિવપુરાણમાં (વિદ્યેશ્વર સંહિતા) કહેવાયું છે કે શિખર પર ધ્વજ ફરકવાથી ‘આકાશ તત્ત્વ’નો (બ્રહ્માંડીય ઉર્જા) સંચાર થાય છે. વાયુ એ પંચમહાભૂતોમાં સૌથી ઝડપી છે અને પ્રાણનો વાહક છે. ધ્વજ ફરકવાથી વાયુની ગતિ દેવતા સુધી પહોંચે છે અને દેવતાની કૃપા ધરતી પર વરસે છે. આ જ કારણ છે કે ધ્વજ દરરોજ બદલવામાં આવે છે, કારણ કે એ દેવતાને ‘આજનો સંદેશો’ આપે છે કે અહીં ભક્તો તમારી પ્રતીક્ષા કરે છે. એટલે જ ધ્વજ ચડાવવાની વિધિમાં ‘ધ્વજ પતાકા પ્રતિષ્ઠા’ નામનો વિશેષ મંત્ર હોય છે.

    જે રીતે યુદ્ધભૂમિમાં ધ્વજ એ દર્શાવે છે કે મહાસેના ઊભી છે, એવી જ રીતે ધર્મધ્વજ એ ઘોષણા કરે છે કે આ સ્થાન જીવંત છે, ઉર્જાથી તરબોળ છે, દેવત્વથી સંરક્ષિત છે. અહીં સ્વયં આદિદેવની સક્રિય ઉપસ્થિતિ છે. 

    કેમ દરરોજ બદલાય છે ધ્વજ? 

    ઘણાં મંદિરોમાં દિવસ દરમિયાન ચાર વખત ધ્વજ બદલવામાં આવે છે તો ઘણાં મંદિરોમાં માત્ર એક વખત બદલવામાં આવે છે. તેની પાછળ પણ અમુક કારણો જવાબદાર છે. દ્વારકાધીશને ‘રણછોડરાય’ કહેવાય છે અને એમની ચાર મુખ્ય આરતીઓ છે – મંગળા, શૃંગાર, ગ્વાલ, સંધ્યા. દરેક આરતી પછી નવો ધ્વજ ચઢાવવાની પરંપરા છે, કારણ કે દરેક પ્રહરમાં ભગવાનનો શણગાર બદલાય છે, એટલે ધ્વજ પણ નવો ચઢે છે. એ ચાર ધ્વજ ચાર પ્રહરનો સંદેશો આપે છે કે ભક્તો ચારેય પ્રહર દ્વારકાધીશને યાદ કરી રહ્યા છે. 

    ધર્મશાસ્ત્રોમાં ધ્વજને ‘જીવંત પ્રાણ’નું પ્રતીક માનવામાં આવે છે. જેમ દીવો રોજ નવું તેલ માગે છે, તેમ મંદિરનો ધ્વજ એ દેવતાની સક્રિય ઉપસ્થિતિનો સંકેત છે. ધ્વજ સ્થિર નથી, તે વાયુ, પ્રાણ અને આકાશ સાથે સતત સંવાદ કરતો રહે છે. એટલે જ તેને સમયાંતરે બદલવામાં આવે છે, જેથી મંદિરની ‘ઊર્જા શુદ્ધિ’ અને ‘દૈવત્વની અખંડતા’નો સંસ્કાર બની રહે. 

    વધુમાં ભગવાન દ્વારકાધીશને જીવંત રાજા તરીકે પૂજવામાં આવે છે, જે સતત તેમની ઉપસ્થિતિને દર્શાવે છે. રાજાના દરબારમાં દરરોજ અને દિવસમાં અનેક વખત ધ્વજ બદલાવની પરંપરા વૈદિકકાળથી ચાલી આવે છે, એ જ પરંપરાનું પાલન મંદિર દ્વારા કરવામાં આવે છે. તે સિવાય ભક્તોએ પ્રેમપૂર્વક ભેટ કરેલા ધ્વજનો ઉપયોગ પણ થઈ શકે છે.

    જગન્નાથ મંદિરમાં ધ્વજ પરિવર્તનનું સ્વરૂપ થોડું અલગ છે. જગન્નાથ ધામમાં ધ્વજને સ્વયં ભગવાન જગન્નાથનું વસ્ત્ર માનવામાં આવે છે. પુરી મંદિરમાં રોજ એક વખત ધ્વજ બદલવો જરૂરી છે, કારણ તે તેને ભગવાનનું ઉત્તરીય વસ્ત્ર (ઉપરી વસ્ત્ર) ગણવામાં આવે છે. દૈનિક સ્નાન, શ્રુંગાર અને ભોગની જેમ ધ્વજ પરિવર્તન પણ દૈનિક સેવાનો એક ભાગ છે. ધ્વજ ખૂબ મોટો હોય છે અને એક જ ધ્વજ સવારથી સાંજ સુધી ચાલે છે. પરંતુ દરરોજ નવો ચઢે છે, કારણ કે એ ભક્તોનો દૈનિક પ્રેમપત્ર છે. 

    ધર્મધ્વજના રંગનું રહસ્ય

    ધર્મધ્વજમાં રંગ અને પ્રતીકો આકસ્મિક નથી હોતા. ભગવો રંગ અગ્નિ, સૂર્યનો રંગ છે, જે તપ, શક્તિ, બ્રહ્મતેજનું (ઈશ્વરીય તેજ) પ્રતીક ગણાય છે. સફેદ રંગ શુદ્ધતા અને સત્વનું પ્રતીક છે. લાલ રંગ શક્તિ અને મા જગદંબાની ઉર્જાનું પ્રતીક છે. ધ્વજ પર અંકિત ૐ, સ્વસ્તિક, સૂર્ય, વૃક્ષ, ગરુડ, ત્રિશુળ જેવા પ્રતીકો દેવતાના સ્વરૂપનો સંકેત આપે છે. મંદિરનો ધ્વજ ભક્તોને એ દર્શાવે છે કે અહીં આ દેવત્વની સત્તા સક્રિય છે અને આ શક્તિ સંચાર કરી રહી છે. 

    મંદિરોનો ધ્વજ એ પણ યાદ અપાવે છે કે ભારત એક દીર્ઘ સાંસ્કૃતિક નિરંતરતા ધરાવતો દેશ છે. ગુલામીના કપરા સમયમાં જ્યારે નગરો ઢાળી દેવયાં, મંદિરો તોડી પડાયાં, ત્યારે પણ હિંદુ સમાજે ધર્મધ્વજ લહેરાવવાની પરંપરાને જીવંત રાખી હતી. ધ્વજ કોઈ પણ સમાજની આત્માની ઘોષણા હોય છે કે એ હજુ જીવંત છે, સમર્પિત છે અને વિશ્વાસથી ભરેલો છે. આજે જ્યારે અયોધ્યામાં ધર્મધ્વજની સ્થાપના થઈ છે, ત્યારે તે એ જ સભ્યતાની વિજયી વાપસીનો સંકેત છે. 

    શિખર પર સ્થાપિત ધર્મધ્વજ ઘણી પરંપરાઓ, શાસ્ત્રીય સિદ્ધાંતો, આધ્યાત્મિક સંકેતો અને વૈજ્ઞાનિક ભાવનાઓનો અદ્ભુત સમન્વય છે. જ્યારે તે લહેરાય છે, ત્યારે માત્ર કાપડ જ નથી હલતું, પરંતુ સમગ્ર પરંપરા, સમગ્ર ઇતિહાસ અને સમસ્ત દૈવત્વની ઊર્જા તેમાં શ્વાસ લે છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિખર પર લહેરાતો આ ધર્મધ્વજ એ જ દિવ્ય ઊર્જાનું આધુનિક પ્રતિરૂપ છે, જે વિશ્વને સંદેશો આપે છે કે સનાતન સંસ્કૃતિ આજે પણ એટલી જ સશક્ત, જીવંત અને પ્રાણવાન છે જેટલી સદીઓ પહેલાં હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં