Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાતસરદાર પટેલનું એકતા અભિયાન અને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નિર્ણાયક ભૂમિકા: વાત પ્રથમ...

    સરદાર પટેલનું એકતા અભિયાન અને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નિર્ણાયક ભૂમિકા: વાત પ્રથમ રજવાડાના ભારત વિલયની

    સરદાર પટેલની જયંતિ પર ભાવનગર અને ભાવનગરના મહારાજા સાહેબને યાદ કરવાનું એકમાત્ર કારણ એ છે કે, તેમણે ભારતના વિલીનીકરણ માટે પહેલુ અને નિર્ણાયક પગલું ભર્યું હતું અને સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નરૂપી યજ્ઞમાં પ્રથમ આહુતિ આપી હતી.

    - Advertisement -

    દેશ ‘એકતા દિવસ’ની ઉજવણી કરી રહ્યો છે. વિવિધ સ્થળો અને રાજ્યોમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર વિશેષ સમારોહ, કાર્યક્રમ અને ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. અખંડ ભારતને એકસૂત્રમાં બાંધીને દેશને ગૌરવમયી સ્થાન પ્રદાન કરનારા સરદાર પટેલની દ્રઢ ઇચ્છાશક્તિ અને દેશભક્તિને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે અને તેની સાથે યાદ કરી રહ્યા છે ભાવનગર સ્ટેટ અને તેમના શાસક મહારાજા રાઓલ સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલને. કારણ એકમાત્ર એ છે કે ભાવનગર અખંડ ભારતના સ્વપ્નનું પ્રથમ પગથિયું બન્યું હતું. 

    સરદાર પટેલે પ્રયાસો શરૂ કર્યા ત્યારે એકમાત્ર ભાવનગર એવું રજવાડું હતું, જેણે સામે ચાલીને અખંડ ભારતમાં વિલય થવાનું પસંદ કર્યું. તેના પરિણામો એ આવ્યાં કે ભાવનગરને જોઈને અન્ય રજવાડાં પણ અખંડ ભારતમાં ભળતાં ગયાં. 1947ની સ્વતંત્રતા પછીના વિખરાયેલા અને ખંડ-ખંડ ભારતને એકસૂત્રમાં બાંધનારા સરદાર પટેલના અભિયાનમાં ભાવનગરે પ્રથમ અજોડ પગલું ભર્યું હતું અને ત્યાંથી રજવાડાંના વિલીનીકરણનું અભિયાન શરૂ થયું હતું. 

    ભાવનગરના તત્કાલીન શાસક મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે ભારતીય સંઘમાં ભાવનગરનું દાન આપીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ લેખમાં મહારાજા સાહેબ અને સરદાર પટેલ વચ્ચેની વાતચીત પર ચર્ચા કરીશું. સરદાર પટેલની જયંતિ પર તેમના ભારતને એક કરવાના અભિયાનમાં કઈ રીતે ભાવનગર રાજ્યે સિંહફાળો આપ્યો હતો અને પરિણામે અભિયાન શરૂ થયું હતું, આ તમામ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરીશું. 

    - Advertisement -

    1939ની પ્રજા પરિષદ અને સરદાર પટેલ સાથે મહારાજાની મુલાકાત

    ભાવનગર રાજ્ય આમ તો રાજાશાહી હતું, પરંતુ તેમાં પ્રજા પરિષદ, સુનાવણી, કોર્ટ અને અન્ય અગત્યના લોકશાહી તત્ત્વો પણ સામેલ હતાં. સામાન્ય લોકોને પણ સત્તાઓ આપવામાં આવતી હતી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતે પણ સ્વતંત્ર અને ઉદાર વ્યક્તિત્વના ધણી હતા. તેમનો જન્મ 19 મે, 1912માં ભાવનગરમાં થયો હતો. તેમના પિતા મહારાજા ભાવસિંહજી બીજાનાં અવસાન પછી માત્ર સાત વર્ષની નાની ઉંમરે તેમને ભાવનગરની ગાદી સોંપવામાં આવી હતી. જોકે, 1931 સુધી દીવાનના માર્ગદર્શન હેઠળ શાસન ચલાવવામાં આવ્યું હતું. 

    કૃષ્ણકુમારસિંહજીના શાસનકાળમાં ભાવનગર કાઠિયાવાડનું મુખ્ય વેપારી કેન્દ્ર બન્યું હતું, જ્યાં સમુદ્રી વેપાર અને ઔધોગિક વિકાસને પ્રોત્સાહન મળતું હતું. 1938માં તેમને અનેક આંતરરાષ્ટ્રીય સન્માન પણ મળ્યાં હતાં અને KCSIનું ગૌરવ પણ મળ્યું હતું, તેમ છતાં તેમનું હ્રદય હંમેશા ભારતીય સ્વતંત્રતા આંદોલન સાથે વણાયેલું હતું. 

    મહારાજ કૃષ્ણકુમારસિંહજી અને સરદાર પટેલની પ્રથમ મુલાકાત 1939માં થઈ હતી. મહારાજાએ ભાવનગરમાં પ્રજા પરિષદનું આયોજન કર્યું હતું અને સરદાર પટેલને આમંત્રિત કર્યા હતા. આ પરિષદમાં સરદારે પ્રજાસત્તાક, રાજ્ય વિકાસ અને રાષ્ટ્રીય એકતા પર પ્રવચન આપ્યું હતું, જેનાથી મહારાજાના મનમાં તેમની પ્રત્યે અત્યંત આદર જન્મ્યો હતો. આ જ બેઠકમાં ભવિષ્યનાં એકીકરણના બીજ વવાયાં હતાં. 

    મહારાજા સાહેબે પછીથી કહ્યું હતું કે, “સરદારના શબ્દોમાં એકતાની ઉન્નત શક્તિ હતી, જેણે મારા હ્રદયને સ્પર્શ કર્યો છે.” આ વિશ્વાસથી જ 1947માં એકીકરણની પ્રક્રિયા સરળ બની હતી. 

    1947ની સ્થિતિ- ખંડ-ખંડ ભારતને ‘અખંડ’ બનાવવાનો પડકાર

    1947માં દેશને સ્વતંત્રતા તો મળી ગઈ, પરંતુ તે સમયે ભારતમાં 565 રજવાડાં હતાં, જેમનું ક્ષેત્રફળ ભારતના કુલ વિસ્તારમાં 48% હતું. આ રજવાડાંને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા. એક ભારતમાં જોડાવું, બીજું પાકિસ્તાનમાં જોડાવું અને ત્રીજું સ્વતંત્ર રહેવું. સરદાર પટેલે ગૃહમંત્રી તરીકે ‘એક્સેશન ઇન્સ્ટ્રુમેન્ટ’ તૈયાર કરીને રજવાડાંને ભારતીય સંઘમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું. આ દસ્તાવેજ દ્વારા રજવાડાઓને રક્ષા, વિદેશનીતિ અને સંચાર પર ભારત સંઘને અધિકાર આપવાનું કહેવાયું હતું, જ્યારે આંતરિક વહીવટ અને વારસાને સુરક્ષા આપવાની બાહેંધરી પણ આપવામાં આવી હતી. 

    સ્થિતિ એવી હતી કે ઘણાં રજવાડાં સ્વતંત્ર રહેવા માગતાં હતાં અને તેના કારણે ભારતને એક કરવું મુશ્કેલ કામ બની ગયું હતું. કોઈ એક રજવાડું જો ભારત સંઘમાં જોડાય તો બાકીનાં રજવાડાં પણ તેને જોઈને ભારત સંઘમાં જોડાઈ શકે તેમ હતાં. આ ડામાડોળ વચ્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર આહ્વાનનો પ્રથમ સ્વીકાર કર્યો હતો અને સ્વેચ્છાએ એક તુલસીપત્ર પર 1,800 પાદર દેશને અર્પણ કરી દીધાં હતાં. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “ભાવનગરની પ્રજા અને તેના વારસા માટે ભારતીય સંઘમાં જોડાવું એ જ એકમાત્ર યોગ્ય વિકલ્પ છે.” 

    ગાંધી સાથે મુલાકાત અને સરદારની કૂટનીતિ

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સરદાર પટેલ વચ્ચે મુખ્ય વાતચીત 1947ના ડિસેમ્બરમાં દિલ્હીમાં થઈ હતી. મહારાજા તે સમયે માત્ર 35 વર્ષના હતા. તેમણે 17 ડિસેમ્બર, 1947ના રોજ બિરલા હાઉસમાં ગાંધી સાથે મુલાકાત કરી હતી અને ભારતમાં વિલયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.1માં મહારાજાની ગાંધી સાથેની મુલાકાતનું વર્ણન લખ્યું છે. વર્ણન અનુસાર, સમય નજીક જણાતાં ગાંધીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. મહારાજાએ ગાંધીને એકલા મળીને વાતચીત કરી હતી. 

    તેમણે ગાંધીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે, “મારું રાજ્ય હું દેશના ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે જે નિર્ણય થશે તે જ હું સ્વીકારીશ.” ગાંધી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે?’ મહારાજાનો જવાબ હતો કે, “મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. જ્યારે આખેઆખો હાથી જતો હોય તો અંબાડીને રાખવાનો કોઈ અર્થ નથી.”

    ગાંધીએ તે સમયે કહ્યું હતું કે, “ભાવનગર મહારાજનો નિર્ણય ભારતની એકતા માટે મહત્વનો છે.” આ દરમિયાન તેમણે મહારાજાને સરદાર પટેલ સાથે મુલાકાત કરવાની સલાહ આપી હતી અને આ દિશામાં આગળ વધવા કહ્યું હતું. ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સરદાર પટેલ બંનેની એક બેઠક થાય છે અને પ્રથમ વખત કોઈ રજવાડાને ભારત સંઘમાં જોડવા પર વિચાર કરવામાં આવે છે. 

    ‘પ્રજાવત્સલ રાજવી’ના નામથી કૃષ્ણકુમારસિંહનું જીવનચરિત્ર લખનારા તથા ભાવનગરની શામળદાસ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. ગંભીરસિંહ ગોહિલે પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સરદારે મહારાજાને વ્યક્તિગત રીતે કહ્યું હતું કે, “રજવાડાઓનું એકીકરણ માત્ર રાજકીય બાબત નથી, પરંતુ તેમાં પ્રજાનું કલ્યાણ પણ છુપાયેલું છે. આપ જેવા પ્રગતિશીલ શાસકોના સહયોગથી જ ભારત વિશ્વની મહાન લોકશાહી બની શકે તેમ છે.” મહારાજાએ જવાબમાં ભાવનગર રાજ્યના વેપારીઓ, પ્રજા અને તેની આર્થિક સ્થિરતાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. 

    આ દરમિયાન સરદાર પટેલે ખાતરી આપી હતી કે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “ભાવનગરને વાર્ષિક સાલિયાણું, આંતરિક વહીવટની સ્વાયત્તા અને વેપારી માર્ગોની સુરક્ષા આપવામાં આવશે. તમારી પોલિટેકનિક સંસ્થાઓને વધુ મજબૂત કરવામાં કેન્દ્ર મદદ કરશે.” આ વાતચીતમાં કોઈ દબાણ નહોતું, તે વિશ્વાસ પર આધારિત હતી. 

    ત્યારબાદ વીપી મેનનના માધ્યમથી આ સમજૂતીને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું અને તે કરારમાં ભાવનગર મહારાજાને સંબોધીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, “આ વિલય ભાવનગરને વધુ મજબૂત બનાવશે અને ભાવનગરની મહારાજા સાહેબની પ્રજા સાથેનું તેમનું જોડાણ, લાગણી અખંડ અને અકબંધ રહેશે.” 

    પ્રથમ વિલય અને તેનું પરિણામ- અનેક રજવાડાં થયાં તૈયાર

    આ કરારનું તાત્કાલિક પરિણામ 15 જાન્યુઆરી, 1948ના રોજ આવ્યું, જ્યારે સરદાર પટેલ ભાવનગર પહોંચ્યા હતા અને વિશેષ સમારોહમાં મહારાજા કૃષ્ણકુમારસિંહે જાહેરમાં ભાવનગરની પ્રજાને ‘જવાબદાર લોકતંત્ર’ આપવાની આધિકારિક ઘોષણા કરી હતી. આ દરમિયાન જ તેમણે વહીવટ પ્રજાના પ્રતિનિધિઓને સોંપી દીધો હતો અને એક્સેશન ઇન્સ્ટ્રુમેન્ટ પર સહી કરી દીધી હતી. આ સાથે જ ભાવનગર ભારતનું પ્રથમ એવું રજવાડું બન્યું હતું, જે સંપૂર્ણપણે ભારતમાં વિલય થયું હતું. 15 ફેબ્રુઆરી, 1948ના રોજ ભાવનગર સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીન થયું, જેનાથી અન્ય 222 સૌરાષ્ટ્રનાં રજવાડાઓને પણ પ્રેરણા મળી. 

    આ પગલાંની અસર એટલી તીવ્ર હતી કે તેનાથી જૂનાગઢ, પોરબંદર અને તેની જેવા અન્ય રજવાડાઓને અને તેની પ્રજાને સંદેશ મળ્યો કે માત્ર એકતા જ પ્રગતિનો માર્ગ છે. સરદાર પટેલ અને ભાવનગર મહારાજના સંયુક્ત પ્રયાસથી વિલીનીકરણની પ્રક્રિયા આગળ વધવા લાગી હતી. ગાંધી પણ અન્ય રજવાડાઓને ભાવનગરનું ઉદાહરણ આપતા હતા. મનુબહેનનાં પુસ્તકમાં વર્ણન છે કે ગાંધી તેમને મળવા આવેલા અન્ય રાજવીઓને કહેતા કે, “તમે પૂછતા હતા ને કે અમારે હવે શી રીતે વરતવું? તો તમે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ અપનાવો.” 

    ભાવનગર રાજ્યમાંથી પ્રેરણા લઈને દેશના અન્ય રજવાડાઓ પણ ભારતમાં વિલય થવા માટે તૈયાર થવા લાગ્યા હતા અને સરદાર પટેલે વિલીનીકરણની પ્રક્રિયા ઝડપથી આગળ વધારી હતી. ભાવનગરનું વિલીનીકરણ સરદાર પટેલનું વ્યૂહરચનાનું પ્રથમ વિજયી પગલું હતું. તેમણે કૂટનીતિ અને વિશ્વાસના આધારે રજવાડાં એક કર્યાં હતાં. સરદાર પટેલની જયંતિ પર આ ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે એકતા વિશ્વાસ અને સમર્પણથી જ બને છે. સરદાર પટેલની જયંતિ પર ભાવનગર અને ભાવનગરના મહારાજા સાહેબને યાદ કરવાનું એકમાત્ર કારણ એ છે કે, તેમણે ભારતના વિલીનીકરણ માટે પહેલુ અને નિર્ણાયક પગલું ભર્યું હતું અને સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નરૂપી યજ્ઞમાં પ્રથમ આહુતિ આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં