હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમાતા ચંદ્રઘંટા: ભયનો નાશ કરીને અભયપદ આપતી જગદંબાની શક્તિનું વાસ્તવિક સ્વરૂપ શું...

માતા ચંદ્રઘંટા: ભયનો નાશ કરીને અભયપદ આપતી જગદંબાની શક્તિનું વાસ્તવિક સ્વરૂપ શું છે?

દેવીની શક્તિ સામે અધર્મનો ભય છે, પરંતુ એ જ શક્તિના ચરણોમાં ભક્તને અભયપદ મળે છે. માતા ચંદ્રઘંટાના સ્વરૂપનો એ જ ગહન સંદેશ છે કે સાચી શક્તિ ભયના આધારે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતી નથી, પરંતુ ધર્મના રક્ષણ માટે ઊભી રહીને ભયને તેનું સામ્રાજ્ય ગુમાવવા મજબૂર કરે છે.

- Advertisement -

‘અંબા અભયપદ દાયિની રે…’ માતાજીની સ્તુતિમાં ગુંજતી આ પંક્તિમાં ભક્તિનો એક ગહન ભાવ સમાયેલો છે. જગદંબાના ચરણોમાં અભયની પ્રાપ્તિ થાય છે. ભક્ત જ્યારે માતાના આશ્રયમાં જાય છે ત્યારે તે માત્ર સંકટમાંથી મુક્તિની પ્રાર્થના કરતો નથી, પરંતુ એવી દિવ્ય શક્તિમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે, જે ભયની સામે અડીખમ ઊભી રહી શકે છે. માતાનું સ્વરૂપ સૌમ્ય હોય કે ઉગ્ર, તેમનું સામર્થ્ય ભક્તને અભય આપે છે. નવરાત્રિના ત્રીજા દિવસે પૂજાતાં માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ આ ભાવને એક વિશિષ્ટ પરિમાણ આપે છે. તેમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે, દસ હાથોમાં વિવિધ આયુધો છે અને વાહન સિંહ છે. આ સ્વરૂપમાં શીતળતા પણ છે અને પ્રચંડ પરાક્રમ પણ. અહીંથી એક પ્રશ્ન જન્મે છે કે ભયનો નાશ કરવા માટે શક્તિનું પ્રાગટ્ય થાય ત્યારે એ શક્તિનું વાસ્તવિક સ્વરૂપ શું હોય છે?

માતા ચંદ્રઘંટાને સમજવા માટે પહેલાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સાથે જોડાયેલી એ લોકપ્રચલિત કથા તરફ જવું પડે, જેમાં એક તરફ ભગવાન શિવનું અલૌકિક, વૈરાગી સ્વરૂપ છે અને બીજી તરફ માતા પાર્વતીની અડગતા તથા દિવ્ય સામર્થ્ય. ત્યાર પછી દેવી મહાત્મ્યમાં વર્ણવાયેલા દેવીના ઘંટનાદને સમજીએ તો માતાના સ્વરૂપમાં રહેલી સૌમ્યતા, ઉગ્રતા અને અભયદાનનાં તત્વો એકબીજા સાથે જોડાવાં લાગે છે.

જ્યારે ભગવાન શિના વરઘોડાથી ભયભીત થઈ સૃષ્ટિ

માતા પાર્વતીની ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવાની તપશ્ચર્યા પૂર્ણ થઈ હતી. ભગવાન શિવે તેમની ભક્તિ અને અડગ સંકલ્પનો સ્વીકાર કર્યો હતો અને બંનેના વિવાહનો સમય આવ્યો. હિમાલયના રાજમહેલમાં આનંદનો માહોલ હતો. પુત્રીના વિવાહની તૈયારીઓ થઈ રહી હતી. પરંતુ વરઘોડો આવ્યો ત્યારે જે દૃશ્ય સર્જાયું તે સામાન્ય વિવાહના પ્રસંગથી તદ્દન જુદું હતું. ભગવાન શિવ વરઘોડા સાથે પધાર્યા. તેમના શરીર પર ભસ્મ હતી, જટાઓ વિખરાયેલી હતી, ગળામાં સર્પો શોભતા હતા અને તેમની સાથે ભૂતગણો તથા વિવિધ ગણો પણ હતા. સ્મશાનમાં નિવાસ કરનારા, સંસારના વૈભવથી અલિપ્ત રહેનારા અને પ્રકૃતિના એવા સ્વામી, જેમના માટે બાહ્ય દેખાવનું કોઈ મહત્ત્વ નથી, તેમનું આ સ્વરૂપ રાજમહેલમાં એકત્ર થયેલા લોકો માટે આશ્ચર્ય અને ભયનું કારણ બન્યું. વર્ણનોમાં માતા પાર્વતીનાં માતા મેનાની મૂર્છાનો પણ ઉલ્લેખ આવે છે. વિવાહનો આનંદ જાણે અચાનક આશંકામાં ફેરવાઈ ગયો.

- Advertisement -

આ પ્રસંગમાં એક ઊંડો વિરોધાભાસ દેખાય છે. જેને માતા પાર્વતીએ પોતાના આરાધ્ય તરીકે સ્વીકાર્યા હતા, જેમને પ્રાપ્ત કરવા માટે તેમણે કઠોર તપ કર્યું હતું, એ જ ભગવાન શિવનું સ્વરૂપ અન્ય લોકો માટે ભયનું કારણ બની ગયું હતું. એક જ સ્વરૂપને જોનારા લોકોના અનુભવો અલગ હતા. પાર્વતી માટે શિવ પરમ આરાધ્ય હતા, જ્યારે તેમના પરિવારજનો માટે શિવનું અપરંપરાગત સ્વરૂપ અસ્વસ્થતા જન્માવતું હતું. માતા પાર્વતીએ આ પરિસ્થિતિમાં પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલો, સિંહ પર આરૂઢ અને વિવિધ આયુધોથી સુશોભિત તેમનું સ્વરૂપ ચંદ્રઘંટા તરીકે ઓળખાયું. આ સ્વરૂપમાં માતાનું તેજ અને સામર્થ્ય પ્રગટ થાય છે. કથાના આ રૂપાંતરમાં વિવાહના પ્રસંગ સાથે માતાના સૌમ્ય અને ઉગ્ર સ્વરૂપનો સમન્વય જોડાય છે.

આ પ્રસંગનો દાર્શનિક અર્થ માત્ર એટલો નથી કે માતાએ ભય દૂર કરવા માટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. અહીં પ્રશ્ન એ પણ છે કે જે સ્વરૂપને આપણે ભયજનક માનીએ છીએ, તે ખરેખર ભયનું કારણ છે કે પછી આપણી સમજની મર્યાદા એ ભયને જન્મ આપે છે? ભગવાન શિવનું સ્વરૂપ કોઈને ભયભીત કરે છે અને માતા પાર્વતી એ જ સ્વરૂપને ઓળખીને સ્વીકારે છે. એટલે ભયનો અનુભવ માત્ર બાહ્ય દૃશ્યથી નક્કી થતો નથી. આપણી દૃષ્ટિ, સમજ અને ચેતના પણ એ અનુભવ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માતા ચંદ્રઘંટાના સ્વરૂપ તરફ જતી આ લોકપ્રચલિત કથા આપણને એ સમજવાની દિશામાં લઈ જાય છે કે દિવ્ય શક્તિનું મૂલ્યાંકન માત્ર તેના બાહ્ય દેખાવથી થઈ શકતું નથી. તેની પાછળ રહેલા તત્વને ઓળખવું પડે છે અને જ્યારે એ જ શક્તિ ધર્મની રક્ષા માટે ઉગ્ર બને છે ત્યારે તેની ઉગ્રતા પણ એક વિશાળ હેતુ સાથે જોડાયેલી હોય છે.

દેવી મહાત્મ્યમાં ગુંજતો ઘંટનાદ: જ્યારે અસુરસેનાની સામે પ્રગટ થઈ દિવ્ય શક્તિ

માતા ચંદ્રઘંટાના સ્વરૂપમાં ઘંટનું વિશેષ સ્થાન છે. આ પ્રતીકને સમજવા માટે માર્કંડેય પુરાણના દેવી મહાત્મ્યમાં વર્ણવાયેલા દેવીના યુદ્ધના પ્રસંગ તરફ જવું જરૂરી છે. દેવી મહાત્મ્ય, જેને દુર્ગા સપ્તશતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં દેવીનાં વિવિધ સ્વરૂપો, તેમના પરાક્રમ અને દેવતાઓના રક્ષણ માટે અસુરો સામેના તેમના યુદ્ધનું વર્ણન આવે છે. આ ગ્રંથના આઠમા અધ્યાયમાં ઘંટનાદનો એક પ્રભાવશાળી પ્રસંગ છે.

ચંડ અને મુંડનો વધ થયા પછી અસુરરાજ શુંભ ક્રોધથી ભડકી ઊઠે છે. તે પોતાની વિશાળ સેનાને યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપે છે. અસુરોની સેનાઓ શસ્ત્રો સાથે દેવી ચંડિકા સામે આગળ વધે છે. દેવી આ વિશાળ સેનાને આવતી જુએ છે અને પોતાના ધનુષ્યની ટંકાર કરે છે. એ ધ્વનિ પૃથ્વી અને આકાશની વચ્ચે ગુંજી ઊઠે છે. ત્યાર પછી દેવીનો સિંહ પ્રચંડ ગર્જના કરે છે અને માતા અંબિકા પોતાના ઘંટના નાદથી એ ગર્જનાને વધુ પ્રબળ બનાવે છે. દેવી કાલીના ભયંકર નાદ સાથે આ ધ્વનિ સમગ્ર દિશાઓમાં ગુંજી ઊઠે છે. અસુરસેના આ પ્રચંડ નાદ સાંભળે છે અને યુદ્ધનું વાતાવરણ વધુ ઉગ્ર બની જાય છે.

દેવી મહાત્મ્યના આ પ્રસંગમાં ઘંટનાદ માત્ર પૂજાનો ધ્વનિ નથી. તે દેવીની ઉપસ્થિતિની ઘોષણા છે. અસુરો પોતાની વિશાળ સેના, શસ્ત્રો અને સંખ્યાબળના આધારે વિજયની આશા રાખે છે. તેમની સામે ઉભેલાં દેવીનું સામર્થ્ય આ બાહ્ય માપદંડોથી નક્કી થતું નથી. ઘંટનાદ, સિંહની ગર્જના અને ધનુષ્યની ટંકાર જાણે અસુરસેનાના આત્મવિશ્વાસને પડકારે છે. દેવીની શક્તિ સામે તેમની સંખ્યાનું બળ પૂરતું નથી. આ જ ગ્રંથના ચોથા અધ્યાયમાં દેવતાઓ દેવીને પ્રાર્થના કરે છે કે તેમનો ઘંટનાદ અસુરોના તેજ અને પરાક્રમને નષ્ટ કરે છે, તેથી એ ઘંટનાદ જગતનું રક્ષણ કરે. આ પ્રાર્થનામાં દેવીના ઘંટનો નાદ ભક્તો માટે અભય અને રક્ષણ સાથે જોડાય છે. દેવી મહાત્મ્યમાં ઘંટનાદનો આ ભાવ માતા ચંદ્રઘંટાના સ્વરૂપમાં રહેલાં પ્રતીકને સમજવા માટે અત્યંત મહત્ત્વનો છે.

દેવીનો નાદ અસુરો માટે પડકાર છે અને ભક્તો માટે આશ્વાસન. એક જ દિવ્ય શક્તિનો અનુભવ બંને માટે અલગ છે. જે અધર્મના બળ પર ઊભો છે તેને ધર્મરક્ષક શક્તિનો ઉદય પોતાના પ્રભુત્વ સામેનો પડકાર લાગે છે. જે ધર્મના આશ્રયની શોધમાં છે તેને એ જ શક્તિ સુરક્ષાની ખાતરી આપે છે. આ જ તફાવત માતા ચંદ્રઘંટાના સ્વરૂપમાં રહેલા ભય અને અભયના સંબંધને સમજવાની ચાવી છે.

મસ્તક પરનો અર્ધચંદ્ર અને ઘંટ: શાંતિ તથા સામર્થ્યનો સમન્વય

માતા ચંદ્રઘંટાના નામમાં જ તેમના સ્વરૂપનું વિશિષ્ટ પ્રતીક સમાયેલું છે. ‘ચંદ્ર’ અને ‘ઘંટા’ના સંયોજનથી બનેલું આ નામ તેમના મસ્તક પર શોભતા અર્ધચંદ્રના ઘંટાકાર સ્વરૂપ તરફ સંકેત કરે છે. માતા દસ ભુજાઓ ધરાવે છે, તેમના હાથોમાં વિવિધ આયુધો છે અને તેમનું વાહન સિંહ છે. તેમના સ્વરૂપમાં શીતળતા, તેજ, સાહસ અને પરાક્રમ એકસાથે પ્રગટ થાય છે. ચંદ્ર ભારતીય ધાર્મિક અને દાર્શનિક પરંપરામાં શીતળતા તથા મન સાથે સંકળાયેલો છે. બીજી તરફ, ઘંટનો નાદ ઉપાસનાની શરૂઆત, જાગૃતિ અને દિવ્ય ઉપસ્થિતિના પ્રતીક તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. માતાના મસ્તક પર આ બંનેનું સંયોજન એક એવી શક્તિનો સંકેત આપે છે, જેની ચેતના શાંત છે, પરંતુ જેનું સામર્થ્ય નિષ્ક્રિય નથી.

માતાના હાથોમાં રહેલાં શસ્ત્રો પણ આ વિચારને વધુ સ્પષ્ટ કરે છે. શસ્ત્ર સામર્થ્યનું પ્રતીક છે, પરંતુ તેનો ઉપયોગ ક્યારે કરવો તે વિવેક નક્કી કરે છે. જ્યાં સંરક્ષણ માટે શક્તિ જરૂરી હોય ત્યાં શસ્ત્રનો ત્યાગ કરવો કર્તવ્યચ્યુતિ બની શકે છે. એ જ રીતે, દરેક પરિસ્થિતિનો ઉત્તર ઉગ્રતા હોય એવું પણ નથી. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ આ બંને છેડાઓ વચ્ચેના સમન્વયને દર્શાવે છે.

તેમનું વાહન સિંહ આ વિચારને વધુ પ્રબળ બનાવે છે. સિંહ બળ, નિર્ભયતા અને સામર્થ્યનું પ્રતીક છે. માતા સિંહ પર આરૂઢ છે. આ દૃશ્યમાં પ્રકૃતિના પ્રચંડ બળ પર દિવ્ય શક્તિનું આધિપત્ય પ્રગટ થાય છે. અહીં શક્તિનો અર્થ માત્ર પ્રચંડ બળ ધરાવવો નથી, પરંતુ એ બળને યોગ્ય દિશા આપવાની ક્ષમતા પણ છે. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ આપણને સમજાવે છે કે શાંતિનો અર્થ શક્તિનો અભાવ નથી અને ઉગ્રતાનો અર્થ વિવેકનો અભાવ નથી. જેની પાસે સામર્થ્ય નથી તેની શાંતિ ક્યારેક લાચારી પણ હોય શકે છે, જ્યારે સામર્થ્ય ધરાવતી સત્તા જ્યારે સંયમિત રહે છે ત્યારે એ સંયમનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.

ભય ક્યાં જન્મે છે અને શક્તિ તેને કેવી રીતે પડકારે છે?

ભય માનવજીવનનો સહજ અનુભવ છે. અજ્ઞાતનો ભય, મૃત્યુનો ભય, પોતાના સ્વજનોને ગુમાવવાનો ભય, પરાજયનો ભય, અપમાનનો ભય અને ભવિષ્યની અનિશ્ચિતતાનો ભય. આમાંથી કેટલાક ભય વાસ્તવિક જોખમ સામે આપણને સાવચેત રાખે છે. પરંતુ ભય જ્યારે બુદ્ધિ અને વિવેક પર પ્રભુત્વ જમાવે છે ત્યારે તે માણસની નિર્ણયશક્તિને પણ નબળી પાડે છે. જે પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા માણસમાં હોય છે, તે જ પરિસ્થિતિ ભયના પ્રભાવ હેઠળ અસહ્ય લાગવા માંડે છે. અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે ભયનો નાશ કરવા માટે માત્ર આશ્વાસન પૂરતું છે? ક્યારેક આશ્વાસન જરૂરી હોય છે, પરંતુ જ્યારે ભયનું કારણ કોઈ પ્રચંડ અન્યાય, આક્રમણ કે વિનાશક શક્તિ હોય ત્યારે માત્ર આશ્વાસનથી તેનું નિવારણ થતું નથી. ત્યાં રક્ષણ આપવાની ક્ષમતા પણ જરૂરી બને છે. જેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હોય, તેની સુરક્ષા માટે જોખમનો સામનો કરવાની તૈયારી ન હોય તો એ પ્રતિજ્ઞાનું મૂલ્ય શું રહે?

માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ આ પ્રશ્નનો ઉત્તર આપે છે. તેમની ઉપાસનામાં ભક્ત માત્ર શાંતિની કામના કરતો નથી, પરંતુ એવી દિવ્ય શક્તિના આશ્રયની પણ પ્રાર્થના કરે છે, જે સંકટ સામે ઊભી રહી શકે. આ શક્તિનો આશય ભયને વધુ ગાઢ બનાવવાનો નથી. તેનો આશય ભયનું કારણ બનેલી શક્તિના પ્રભુત્વને સમાપ્ત કરવાનો છે. આ તફાવત સમજવો જરૂરી છે. ભય પેદા કરવાની ઇચ્છા અને ભયનો અંત લાવવાની ક્ષમતા એક નથી. જે સત્તા બીજાને પોતાના નિયંત્રણમાં રાખવા માટે ભયનો ઉપયોગ કરે છે, તે ભયને સાધન બનાવે છે. જ્યારે ધર્મરક્ષક શક્તિ ભયના મૂળને પડકારે છે ત્યારે ભય તેના માટે સાધન નહીં, પરંતુ દૂર કરવાનું સંકટ હોય છે.

દેવી મહાત્મ્યમાં દેવીનું ઉગ્ર સ્વરૂપ આ જ દાર્શનિક દૃષ્ટિને પ્રગટ કરે છે. દેવીનો પરાક્રમ માત્ર શત્રુનો વિનાશ કરવા પૂરતો નથી. તેમના પરાક્રમના પરિણામે દેવતાઓને સતાવતો ભય દૂર થાય છે અને જગતમાં ફરીથી વ્યવસ્થા સ્થાપિત થવાનો માર્ગ ખૂલે છે. દેવીની શક્તિનું મૂલ્યાંકન માત્ર યુદ્ધમાં થયેલા વિનાશથી નહીં, પરંતુ એ વિનાશ પછી કોને સુરક્ષા મળે છે અને કઈ વ્યવસ્થા પુનઃસ્થાપિત થાય છે તેના આધારે થાય છે. આથી જ માતા ચંદ્રઘંટાનું ઉગ્ર સ્વરૂપ કરુણાથી અલગ નથી. તેમની કરુણા નિર્બળતા નથી અને તેમનો ક્રોધ અંધ આવેશ નથી. જ્યાં રક્ષણ માટે ઉગ્રતા આવશ્યક બને છે ત્યાં એ ઉગ્રતા પણ ધર્મના વિશાળ હેતુનો ભાગ બની શકે છે.

શક્તિનું સૌમ્ય અને ઉગ્ર સ્વરૂપ વિરોધી કેમ નથી?

સામાન્ય રીતે આપણે સૌમ્યતાને શાંતિ સાથે અને ઉગ્રતાને ક્રોધ સાથે જોડીએ છીએ. પરિણામે બંનેને એકબીજાથી વિરુદ્ધ ગુણો માનવાની વૃત્તિ જન્મે છે. પરંતુ સનાતન પરંપરામાં દેવીનાં સ્વરૂપોનું વૈવિધ્ય એક જુદો દૃષ્ટિકોણ આપે છે. એક જ દેવી કરુણામયી પણ છે અને દુષ્ટ શક્તિઓના વિનાશ માટે ઉગ્ર પણ છે. એક જ શક્તિ ભક્ત માટે માતા છે અને અધર્મના માર્ગે ચાલનારા માટે અપરાજિત પડકાર છે. આનો અર્થ એ છે કે દિવ્ય શક્તિનું સ્વરૂપ કોઈ એક ભાવમાં બંધાઈ જતું નથી. તેનું પ્રાગટ્ય જે કાર્ય માટે થાય છે, તે કાર્યના સંદર્ભમાં તેના ગુણો પ્રગટ થાય છે. જ્યાં આશ્વાસનની જરૂર હોય ત્યાં માતૃત્વનું સૌમ્ય સ્વરૂપ અનુભવાય છે. જ્યાં સંરક્ષણ માટે સામર્થ્યનો ઉપયોગ અનિવાર્ય હોય ત્યાં ઉગ્ર સ્વરૂપ પ્રગટ થાય છે.

માતા ચંદ્રઘંટાના મસ્તક પરનો ચંદ્ર અને તેમના હાથોમાં રહેલાં શસ્ત્રો આ સમન્વયને એક જ પ્રતિમામાં પ્રગટ કરે છે. ચંદ્રની શીતળતા અને શસ્ત્રોની પ્રચંડતા એકબીજાને નષ્ટ કરતાં નથી. બંને એક જ દિવ્ય સ્વરૂપમાં સ્થાન પામે છે. આ સ્વરૂપમાં શાંતિનો અર્થ અન્યાય સામે મૌન રહેવું નથી અને શક્તિનો અર્થ દરેક સમસ્યાનો ઉત્તર સંઘર્ષમાં શોધવો પણ નથી.

અહીંથી શક્તિ અને વિવેકના સંબંધનો વિચાર જન્મે છે. સામર્થ્યનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે તેને સંયમિત રાખવું, એ નિર્ણય જ શક્તિને યોગ્ય દિશા આપે છે. વિવેક વિનાની શક્તિ વિનાશક બની શકે છે, જ્યારે સામર્થ્ય વિનાનો વિવેક ઘણી વાર ઇચ્છિત પરિણામ સુધી પહોંચી શકતો નથી. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ આ બંનેનું એકીકરણ છે. આ દૃષ્ટિએ દેવીની ઉપાસના માત્ર ભય દૂર કરવાની પ્રાર્થના નથી. તે શક્તિના યોગ્ય સ્વરૂપની ઉપાસના પણ છે. ભક્ત માતાના આશ્રયમાં સુરક્ષા શોધે છે, પરંતુ માતાનું સ્વરૂપ તેને એ પણ સમજાવે છે કે સુરક્ષા આપતી શક્તિમાં કરુણા હોવી જોઈએ અને કરુણાની પાછળ જરૂર પડે ત્યારે સંરક્ષણ કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ.

ઘંટનાદ બહાર ગુંજે છે, પરંતુ જાગૃતિ અંદર પ્રગટ થાય છે

મંદિરમાં પ્રવેશતી વખતે ઘંટ વગાડવાની પરંપરા ભારતીય ઉપાસનામાં વિશેષ સ્થાન ધરાવે છે. ઘંટનો નાદ વાતાવરણમાં ગુંજે છે અને ઉપાસનાની શરૂઆત સાથે જોડાય છે. આ ક્રિયાને માત્ર ધાર્મિક વિધિ તરીકે જોવાને બદલે તેની પાછળ રહેલા આંતરિક ભાવને પણ સમજી શકાય છે. ઘંટનાદ બહારના અવાજો વચ્ચે એક અલગ ધ્વનિ પ્રગટ કરે છે. તે ઉપાસકનું ધ્યાન વર્તમાન ક્ષણ તરફ ખેંચે છે અને તેને ઉપાસના માટે એકાગ્ર થવાનો અવસર આપે છે. માતા ચંદ્રઘંટાના સ્વરૂપમાં ઘંટનો વિચાર આથી પણ આગળ વધે છે. દેવીનો ઘંટનાદ માત્ર ભક્તને એકાગ્ર કરતો નાદ નથી, પરંતુ અધર્મના સામર્થ્યને પડકારતો નાદ પણ છે. આ બંને અર્થોને જોડીએ તો ઘંટ એક એવી જાગૃતિનું પ્રતીક બને છે, જે એક તરફ પોતાના અંતરમાં ચેતનાને સક્રિય કરે છે અને બીજી તરફ બહારની દુનિયામાં રહેલા અન્યાય સામે સજાગ રહેવાની પ્રેરણા આપે છે.

માણસના જીવનમાં પણ કેટલીક ક્ષણો એવી આવે છે જ્યારે કોઈ ઘટના, કોઈ વાક્ય કે કોઈ અનુભવ જાણે ઘંટનાદની જેમ તેની નિદ્રાધીન ચેતનાને જગાડી દે છે. જે બાબતને તે લાંબા સમયથી અવગણતો આવ્યો હોય, તેનું મહત્ત્વ અચાનક સમજાય છે. જે ભયને તે પોતાના જીવનનો અપરિવર્તનીય ભાગ માની બેઠો હોય, તેને પડકારવાની જરૂરિયાતનો અનુભવ થાય છે અને જે સામર્થ્યને તે પોતાની અંદર ઓળખી શક્યો ન હોય, તેની શોધ શરૂ થાય છે. પરંતુ અહીં જાગૃતિનો અર્થ માત્ર બાહ્ય સંઘર્ષ માટે તૈયાર થવું નથી. ક્યારેક પોતાના મનમાં રહેલા ભયને ઓળખવો પણ એટલો જ જરૂરી છે. ઘણી વાર માણસ પરિસ્થિતિથી જેટલો ભયભીત હોય છે, એટલો જ પોતાના મનમાં રચાયેલા સંભવિત પરિણામોથી પણ ઘેરાયેલો હોય છે. ભવિષ્યમાં શું થશે તેની અનિશ્ચિતતા વર્તમાનના નિર્ણયને પણ કબજે કરી લે છે. આવા સમયે જાગૃતિ માણસને ભય અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત ઓળખવામાં મદદ કરે છે.

માતા ચંદ્રઘંટાના સ્વરૂપમાંથી આ આંતરિક અર્થ પણ પ્રગટ થાય છે. ભયનો સામનો કરવા માટે બાહ્ય સામર્થ્યની જરૂર પડી શકે છે, પરંતુ ભયના પ્રભાવમાંથી બહાર આવવા માટે આંતરિક જાગૃતિ પણ આવશ્યક છે. જે વ્યક્તિ પોતાના ભયને ઓળખી શકે છે, તે ભયને પોતાના દરેક નિર્ણયનું નિયંત્રણ સોંપતી નથી. તે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકે છે, યોગ્ય પગલું પસંદ કરી શકે છે અને જરૂર પડે ત્યારે સંઘર્ષ માટે પણ તૈયાર થઈ શકે છે. આ રીતે ઘંટનાદ માત્ર બહારની દુનિયામાં ગુંજતો અવાજ રહેતો નથી. તે ચેતનાને જગાડતાં પ્રતીક તરીકે પણ સમજાય છે. માતા ચંદ્રઘંટાની ઉપાસનામાં આ જાગૃતિ અને દિવ્ય સામર્થ્યનો સમન્વય જોવા મળે છે.

અભયપદ દાયિની માતા અને ધર્મની રક્ષા

માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ આખરે આપણને એક મૂળભૂત પ્રશ્ન તરફ લઈ જાય છે કે શક્તિ કોના માટે છે? જો શક્તિનો હેતુ માત્ર પોતાના પ્રભુત્વનો વિસ્તાર કરવાનો હોય તો તે બીજાના ભય પર ટકી રહે છે. પરંતુ જો શક્તિનો હેતુ ધર્મની રક્ષા, અન્યાયનો પ્રતિકાર અને નિર્બળને અભય આપવાનો હોય તો તેનું સામર્થ્ય એક વિશાળ નૈતિક હેતુ સાથે જોડાય છે. સનાતન ધર્મમાં દેવીને જગતની પાલનકર્ત્રી અને દુષ્ટ શક્તિઓના વિનાશક સ્વરૂપે પણ જોવામાં આવે છે. આ બંને કાર્યો પરસ્પર સંબંધિત છે. જે વ્યવસ્થા અને જીવનનું રક્ષણ કરવા માગે છે, તેને ક્યારેક એ જીવન અને વ્યવસ્થાને નષ્ટ કરતી શક્તિઓનો સામનો પણ કરવો પડે છે. રક્ષણ અને પ્રતિકાર વચ્ચેનો આ સંબંધ દેવીના ઉગ્ર સ્વરૂપને સમજવા માટે મહત્ત્વનો છે.

માતા ચંદ્રઘંટા ભક્તને અભય આપે છે, કારણ કે તેમના સ્વરૂપમાં સંરક્ષણની ક્ષમતા પ્રગટ થાય છે. તેમનું સ્મરણ કરતા ભક્ત એવી શક્તિના આશ્રયનો અનુભવ કરે છે, જે સંકટ સામે પીછેહઠ કરતી નથી. આ શ્રદ્ધા ભયને નકારવાથી જન્મતી નથી, પરંતુ ભય કરતાં મહાન શક્તિના આશ્રયનો અનુભવ કરવાથી જન્મે છે. અહીંથી માતાના સ્વરૂપનું સૌથી ગહન તત્વ પ્રગટ થાય છે. શક્તિનું વાસ્તવિક સ્વરૂપ માત્ર તેના ઉગ્ર દેખાવમાં નથી, માત્ર તેના શસ્ત્રોમાં નથી અને માત્ર તેના ઘંટનાદની પ્રચંડતામાં પણ નથી. તેનું વાસ્તવિક સ્વરૂપ એ ધર્મમાં છે, જેના રક્ષણ માટે તે પ્રગટ થાય છે. તેની ઉગ્રતા એ હેતુથી અર્થ પામે છે અને તેની કરુણા એ જ હેતુને પૂર્ણતા આપે છે.

નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરતા એક એવો પ્રશ્ન મનમાં ઊભો થાય છે, જે માત્ર ધાર્મિક ઉપાસના પૂરતો સીમિત નથી. જ્યારે અન્યાય સામે ઊભા રહેવાની ઘડી આવે છે ત્યારે શું શાંતિનો અર્થ મૌન રહેવું છે? જ્યારે કોઈના રક્ષણ માટે સામર્થ્યનો ઉપયોગ કરવો જરૂરી બને છે ત્યારે શું ઉગ્રતા કરુણાની વિરુદ્ધ બની જાય છે? અને જ્યારે ભયનો અંત લાવવા માટે શક્તિનું પ્રાગટ્ય થાય છે ત્યારે શું એ શક્તિનો ધ્યેય ભય પેદા કરવાનો હોય છે કે ભયના શાસનનો અંત લાવવાનો? માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ આ પ્રશ્નોના ઉત્તર તરફ દોરી જાય છે. મસ્તક પરનો ચંદ્ર શીતળતાની યાદ અપાવે છે, હાથોમાં રહેલાં શસ્ત્રો સામર્થ્યની અને ઘંટનાદ જાગૃતિ તથા પડકારની. સિંહ પર આરૂઢ માતા જાણે એક જ દિવ્ય સ્વરૂપમાં સમજાવે છે કે કરુણા અને પરાક્રમ, શાંતિ અને સામર્થ્ય તથા સૌમ્યતા અને ઉગ્રતા ધર્મના વિશાળ હેતુમાં એકરૂપ થઈ શકે છે.

‘અંબા અભયપદ દાયિની રે…’ આ ભાવ સાથે જ્યારે ભક્ત માતાના ચરણોમાં શીશ નમાવે છે ત્યારે તે માત્ર સંકટ દૂર કરવાની પ્રાર્થના કરતો નથી. તે એવી શક્તિમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે, જે અધર્મ સામે અડીખમ ઊભી રહે છે અને પોતાના આશ્રિતોને અભય આપે છે. દેવીની શક્તિ સામે અધર્મનો ભય છે, પરંતુ એ જ શક્તિના ચરણોમાં ભક્તને અભયપદ મળે છે. માતા ચંદ્રઘંટાના સ્વરૂપનો એ જ ગહન સંદેશ છે કે સાચી શક્તિ ભયના આધારે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતી નથી, પરંતુ ધર્મના રક્ષણ માટે ઊભી રહીને ભયને તેનું સામ્રાજ્ય ગુમાવવા મજબૂર કરે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં