આજે આપણે ભારતના એ એવા ન્યાયમૂર્તિની વાત કરવાના છીએ જેમનું નામ ન માત્ર ભારતીય ઈતિહાસ પરંતુ વૈશ્વિક ઈતિહાસમાં પણ સન્માન સાથે લેવામાં આવે છે. જેમને જાપાનમાં (Japan) પૂજવામાં આવે છે. આ ઉપરાંત જાપાનમાં તેમની યાદમાં ખાસ સ્મારકો બનાવવામાં આવ્યા છે. આ સ્મારકો ત્યાંના યાસુકુની મંદિર અને ક્યોટોમાં ર્યોઝેન ગોકોકુ મંદિરમાં સ્થિત છે. આ ન્યાયમૂર્તિ એટલે ન્યાયાધીશ રાધાવિનોદ પાલ (Radhabinod Pal).
રાધાવિનોદ (રાધાબિનોદ) પાલનો જન્મ 27 જાન્યુઆરી 1886ના રોજ તત્કાલીન બંગાળ પ્રાંત થયો હતો. તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ અને કોલકાતા યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ, તેમણે 1923થી 1936 સુધી તે જ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની ભૂમિકા પણ ભજવી. 1941માં, તેમને કલકત્તા હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ ઉપરાંત, તેઓ અંગ્રેજોના સલાહકાર રહી ચૂક્યા હતા.
ટોક્યો ટ્રાયલ્સમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત
ઉલ્લેખનીય છે કે તેમણે આંતરરાષ્ટ્રીય કાયદામાં કોઈ ઔપચારિક તાલીમ નહોતી મેળવી છતાં, તેમને ‘ટોક્યો ટ્રાયલ્સ’માં (Tokyo Trials) ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અહીંથી જ રાધાવિનોદ પાલને વૈશ્વિક ખ્યાતિ મળી હતી. રાધાબિનોદ પાલ બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધ અપરાધો સામેના આંતરરાષ્ટ્રીય કેસ ‘ટોક્યો ટ્રાયલ્સ’માં ભારતીય ન્યાયાધીશ હતા.
તે સમયે ભારતમાં બ્રિટીશ રાજ હતું. તેમનું વ્યક્તિવ એવું હતું કે બ્રિટિશ સરકારે તેમને ‘ટોક્યો ટ્રાયલ્સ’માં ભારતના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. આ મામલે કુલ 11 ન્યાયધીશોની બેન્ચ બનાવવામાં આવી હતી. આ 11 ન્યાયાધીશોમાંથી, તેઓ એકમાત્ર ન્યાયાધીશ હતા જેમણે સાહસ પ્રદર્શિત કરીને 11 ન્યાયાધીશોની વિરુદ્ધનો ચુકાદો આપ્યો હતો.
પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે કરી ચુક્યા છે પરિવાર સાથે મુલાકાત
તેમણે એવો ચુકાદો આપ્યો હતો કે, બધા યુદ્ધ અપરાધીઓ નિર્દોષ છે. મહત્વની બાબત છે કે આ યુદ્ધ કેદીઓમાં જાપાનના તત્કાલીન વડાપ્રધાન હિદેકી તોજો અને 20થી વધુ અન્ય નેતાઓ અને લશ્કરી અધિકારીઓ સામેલ હતા. આ ઉપરાંત યુદ્ધબંદીઓમાં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના નાના નોબુસુકે કિશી પણ સામેલ હતા, જેમને પછીથી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તે 1957માં જાપાનના વડાપ્રધાન બન્યા હતા.
આ જ કારણ હતું કે, 2007માં, જ્યારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે કોલકાતામાં રાધાવિનોદ પાલના પુત્ર પ્રશ્ન્તા પાલ સાથે પણ મુલાકાત કરી હતી. દરમિયાન આબેએ તેમની સાથે વાતચીતમાં કહ્યું હતું કે, “જાપાનમાં તમારા પિતાનું આજે પણ ખૂબ સન્માન કરવામાં આવે છે.”
રાધાવિનોદ પાલે આપેલ ચુકાદો
બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ યુદ્ધ જીતેલ દેશો જાપાનને પાઠ ભણાવવા માંગતા હતા. એટલા માટે યુદ્ધ પૂર્ણ થયા બાદ અમેરિકાએ ‘ક્લાસ એ વોર ક્રાઇમ’ નામક કાયદો બનાવ્યો. આ કાયદાનો અમલ કરવા માટે, જાપાનમાં ‘ઈન્ટરનેશનલ મિલિટરી ટ્રિબ્યુનલ ફોર ધ ફાર ઈસ્ટ’ એ સંયુક્ત રાષ્ટ્રના 11 ન્યાયાધીશોની એક ટીમ બનાવી. ત્યારપછી ‘ટોક્યો ટ્રાયલ’ શરૂ થઈ.
આ કાયદા હેઠળ, જાપાનના 25 આરોપીઓને 55 ક્લાસ-A કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા. એક પછી એક બધા ન્યાયાધીશો આ આરોપીઓને દોષિત જાહેર કરી રહ્યા હતા. આ દરમિયાન રાધા વિનોદ પાલે યુદ્ધબંદીઓને નિર્દોષ જાહેર કર્યા. આ એવો સમય હતો જ્યારે ભાગ્યે જ કોઈક મિત્ર રાષ્ટ્રો કે વિજેતા રાષ્ટ્રો વિરુદ્ધ બોલવાની હિંમત કરતુ હતું.
અહીં એ બાબતનો પણ ઉલ્લેખ આવશ્યક છે કે આખો કેસ એશિયા ખંડમાં આવેલ જાપાનનો હતો તેથી નામ માત્રના 2 એશિયાઈ જજનો આ બેન્ચમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંના એક રાધાવિનોદ પાલ હતા. બીજા બધા ન્યાયાધીશો યુરોપ કે અમેરિકાના હતા. આ બધા ન્યાયાધીશોમાંથી, રાધાબિનોદ પાલ એકમાત્ર એવા ન્યાયાધીશ હતા જેમણે એવો ચુકાદો આપ્યો હતો કે બધા યુદ્ધબંદીઓ નિર્દોષ હતા.
તેમણે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે કોઈ ઘટના બની ગયા પછી તેના પર કાયદો બનાવવો યોગ્ય નથી. એટલા માટે રાધાવિનોદ પાલે, યુદ્ધકેદીઓ પરના કેસને વિશ્વયુદ્ધના વિજેતા દેશોની બળજબરીનું કૃત્ય ગણાવ્યું હતું. તથા યુદ્ધબંદીઓને મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો જ્યારે બાકીના બધા ન્યાયાધીશોએ યુદ્ધબંદીઓને મૃત્યુદંડની સજા આપી હતી.
જાપાનમાં આજે પણ થાય છે એટલું જ સન્માન
રાધાવિનોદ વિશે જાપાનના સર્વોચ્ચ ધાર્મિક પાદરી નાનબુ તોશિયાકીએ લખ્યું છે કે, “અહીં અમે રાધાબિનોદ પાલના જોશ અને સાહસનું સન્માન કરીએ છીએ, જેમણે કાયદાકીય વ્યવસ્થા અને ઐતિહાસિક ઔચિત્યનું રક્ષણ કર્યું. અમે આ સ્મારક પર તેમના મહાન કાર્યોને અંકિત કરીએ છીએ, જેથી તેમના સત્કાર્યોને હંમેશ માટે જાપાનના લોકોની ધરોહર બનાવી શકીએ.”
કદાચ આ જ નિર્ણયના પગલે રાધાવિનોદ પાલને તેમના જીવનના અંતિમ દિવસોમાં ગરીબીને કારણે ઘણા કષ્ટ સહન કરવા પડ્યા. કારણ કે તે સમયે ભારતમાં બ્રિટીશ રાજ હતું અને બ્રિટન પણ મિત્ર રાષ્ટ્રો એટલે કે વિજેતા રાષ્ટ્રોમાનું જ એક હતું. છેવટે તેમણે 10 જાન્યુઆરી, 1967ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ રાધાવિનોદ પાલ તથા સમગ્ર કેસ પર એક ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું નામ ટોક્યો ટ્રાયલ છે. આ એક મિનીસિરીઝ છે જેમાં અભિનેતા ઇરફાન ખાને રાધાવિનોદ પાલનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. આ મિનીસિરીઝ જાપાન-નેધરલેન્ડ-કેનેડાએ બનાવેલી છે.