Wednesday, December 4, 2024
More
    હોમપેજક્રાઈમજેમાંથી સર્જાયું AIMIM, એ સંગઠને જ કરી હતી મલ્લિકાર્જુન ખડગેનાં માતા-બહેનની હત્યા:...

    જેમાંથી સર્જાયું AIMIM, એ સંગઠને જ કરી હતી મલ્લિકાર્જુન ખડગેનાં માતા-બહેનની હત્યા: રઝાકારોએ હિંદુઓને માર્યા-કાપ્યા, લૂંટ્યા અને કર્યાં હતાં અમાનવીય કૃત્યો- વાંચો નરસંહાર વિશે

    રઝાકારો હૈદરાબાદમાં આતંક મચાવવા લાગ્યા અને હિંદુઓ પર અત્યચાર કરવા લાગ્યા. કેટલાય ગામોમાં લૂંટફાટ કરવામાં આવી, કેટલાય હિંદુઓના ઘરો સળગાવી નાખ્યા, સ્ત્રીઓ સાથે બળાત્કાર થયા અને કેટલાય નિર્દોષ હિંદુઓની હત્યા કરવામાં આવી.

    - Advertisement -

    20 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra Legislative Election) યોજાવાની છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Aditya Nath) અમરાવતીમાં સભા દરમિયાન એક નિવેદન આપ્યું, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે. CM યોગીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) પર આરોપ લગાવ્યો હતો કે તેઓ મુસ્લિમ વોટ મેળવવા મામલે જાણીજોઈને તેમની બાળપણની દુઃખદ ઘટના પર મૌન છે. CM યોગીએ તેમના ભાષણમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે રઝાકારો (Razakars) દ્વારા કરાયેલા નરસંહારમાં ખડગેનાં માતા અને તેમની બહેનને જીવતાં સળગાવી દેવામાં આવ્યાં હતાં.

    ઉલ્લેખનીય છે કે CM યોગીએ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો તે હિંદુઓના નરસંહાર સાથે જોડાયેલી છે. દેશમાં સ્વતંત્રતા પહેલાં અને સ્વતંત્રતા પછી પણ દેશના બહુમતી હિંદુઓ પર લઘુમતી કટ્ટરવાદીઓ દ્વારા કરાયેલા અત્યાચાર અજાણ્યા તો નથી. એ અલગ વાત છે હિંદુઓ પરના અત્યાચાર અંગે વાત કરવા વિપક્ષના કોઈ એક નેતા પણ તૈયાર નથી. અન્ય નેતાઓની તો શું વાત કરવી જ્યારે અત્યચારનો ભોગ બનેલા પરિવારમાંથી આવતા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે જ આ મામલે મોઢામાં મગ ભરીને બેઠા છે.

    આ ઘટના દેશના ભાગલા અને સ્વતંત્રતા પછીની છે. દેશના ભાગલા પડ્યા ત્યારે સત્તાવાર આંકડાઓ પ્રમાણે 50,000 લોકોના કોમી રમખાણોમાં મૃત્યુ થયાના અહેવાલ છે. જોકે વાસ્તવિક આંકડો તો ઘણો વધારે છે. અહીં નોંધનીય છે કે દેશના ભાગલા પડ્યા ત્યારે દેશી રજવાડાઓને ભારત અને પાકિસ્તાનમાંથી કોઈ એક સાથે જોડાવાનું હતું. આ સમયે હૈદરાબાદ એવું રજવાડું હતું જેનો નિઝામ પાકિસ્તાન સાથે જોડવા ઈચ્છતો હતો.

    - Advertisement -

    કટ્ટર ઇસ્લામવાદી હતો હૈદરાબાદનો નિઝામ

    પરંતુ ભૌગોલિક રીતે હૈદરાબાદનું પાકિસ્તાન સાથે જોડાવું શક્ય નહોતું. ત્યારે નિઝામે દિલ્હીમાં બેઠેલા શીર્ષ નેતૃત્વને આ અંગે હેરાન કરવાનું શરૂ કર્યું. મહત્વની બાબત એ હતી કે હૈદરાબાદની બહુમતી હિંદુઓની હતી અને મુસ્લિમો માત્ર 13% જ હતા. તેમ છતાં હૈદરાબાદના ઉચ્ચ પદો પર 88% મુસ્લિમો હતા. હૈદરાબાદનો નિઝામ કટ્ટરપંથી હતો. તેણે તેની એક કવિતામાં લખ્યું છે કે, “મેં પાસબાને દિન હું, કુફ્ર કા જલ્લાદ હું.” અર્થાત હું ઇસ્લામનો રક્ષક છું અને કાફિરોનો ભક્ષક છું.

    આ નિઝામના જનાનખાનામાં 360થી વધુ સ્ત્રીઓ હતી જેમાંથી મોટાભાગની ‘કાફિર’ એટલે કે બિન-મુસ્લિમ હતી. ઉપરાંત નિઝામે 10-12 વર્ષની વયની બિન-મુસ્લિમ છોકરીઓ પણ ખરીદી હતી. હૈદરાબાદનો નિઝામ અને AIMIMના પૂર્વવર્તી સંગઠન મજલીસ-ઇતિહાદ-ઉલ-મુસ્લિમીનના (Majlis-Ittihad-ul-Muslimeen) તત્કાલીન અધ્યક્ષ કાસીમ રિઝવી ઈચ્છતા હતા કે હૈદરાબાદનું જોડાણ ભારત નહીં પરંતુ પાકિસ્તાન સાથે થાય. પરંતુ હૈદરાબાદની હિંદુ બહુલ પ્રજા ઈચ્છતી હતી કે હૈદરાબાદનું વિલીનીકરણ ભારતમાં થાય.

    પાકિસ્તાન સાથે જોડાવાનો વિરોધ કરતા હિંદુઓ પર અત્યાચાર

    હિંદુઓએ હૈદરાબાદને પાકિસ્તાન સાથે ન જોડવા માટે વિરોધ કરવા લાગ્યા. હૈદરાબાદનું બળજબરીથી પાકિસ્તાન સાથે જોડાણ કરવા માટે મજલીસ-ઇતિહાદ-ઉલ-મુસ્લિમીને નિઝામની અંગત સેનાના સ્વરૂપમાં રઝાકારોને તાત્કાલિક ઉભા કરી દીધા. રઝાકારો હૈદરાબાદમાં આતંક મચાવવા લાગ્યા અને હિંદુઓ પર અત્યાચાર કરવા લાગ્યા. કેટલાય ગામોમાં લૂંટફાટ કરવામાં આવી, કેટલાય હિંદુઓના ઘરો સળગાવી નાખ્યા, સ્ત્રીઓ સાથે બળાત્કાર થયા અને કેટલાય નિર્દોષ હિંદુઓની હત્યા કરવામાં આવી.

    નોંધનીય છે કે વર્ષ 1947માં આંધ્રપ્રદેશ, તેલંગાણા, હૈદરાબાદ-કર્ણાટક (જેમાં બિદર અને અવિભાજિત કાલબુર્ગી અને રાયચુર જિલ્લાનો સમાવેશ થાય છે) અને મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ હૈદરાબાદના નિઝામના શાસન હેઠળ હતો. નિઝામ અને રિઝવીએ જે હિંદુઓ ભારત સાથે જોડવા માંગતા હતા તેમના પર ત્રાસ ગુજારવાની પુરતી છૂટ રઝાકારોને આપેલી હતી. પરિણામે કેટલીય હિંદુ મહિલાઓને નિ:ર્વસ્ત્ર કરીને જાહેરમાં નચાવવામાં આવી અને તેમની પર બળાત્કાર ગુજારવામાં આવ્યા. સેંકડો હિંદુઓને મારી નાખવામાં આવ્યા, તેમના ઘરો લૂંટવામાં આવ્યા, તેમના ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા.

    ખડગે 6 વર્ષની ઉંમરે બન્યા હતા નરસંહારના સાક્ષી

    આ નરસંહારમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે જિલ્લાના છે તે જિલ્લો બીદર પણ સામેલ હતો. મેં 1948માં જયારે મલ્લિકાર્જુન ખડગે માત્ર 6 વર્ષના હતા ત્યારે રઝાકારો ઘોડા પર સવાર થઈને, રાઈફલો અને અન્ય શસ્ત્રોથી સજ્જ થઈને ગામમાં ઘૂસ્યા અને લગભગ 200 લોકોને મારી નાખ્યા. રઝાકારો મૃતદેહોને ત્યાં લક્ષ્મી મંદિરમાં લઈ ગયા અને સળગાવી દીધા. આ ઉપરાંત કેટલાક ઘરોમાં પણ આગ લગાવી હોવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. આ જ ઘટનામાં મલ્લિકાર્જુન ખડગેનું ઘર પણ સામેલ હતું. જેમાં રઝાકારોએ લગાવી આગના પરિણામે તેમની માતા અને બહેન મૃત્યુ પામ્યાં હતાં.

    નોંધનીય છે કે આ બાબતનો ઉલ્લેખ મલ્લિકાર્જુન ખડગે પોતે કરી ચૂક્યા છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તેઓ બાળપણમાં તેમના ઘરની પાસે રમી રહ્યા હતા અને તેમના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે રઝાકારોએ તેમના ઘરને આગ લગાવી દીધી હતી. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ આગમાં તેમની માતા અને તેમની બહેન મૃત્યુ પામ્યા હતા અને તે એકલા જ બચી શક્યા હતા.

    પ્રિયાંક ખડગેએ પણ સ્વીકારી છે વાસ્તવિકતા

    આ પછી વર્ષ 2022માં મલ્લિકાર્જુનના પુત્ર અને કર્ણાટકમાં કેબિનેટ મિનિસ્ટર પ્રિયાંક ખડગેએ પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ હકીકત સ્વીકારી હતી. CNN-ન્યુઝ 18ને આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રિયાંક ખડગેએ રઝાકારો દ્વારા હિંદુઓ પર અને વિવિધ ગામો પર કરવામાં આવેલ હુમલાને સ્વીકારવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે રઝાકારોએ તેમની દાદી અને ફોઈની ઈરાદાપૂર્વક હત્યા કરી હતી.

    પ્રિયાંકે કહ્યું હતું કે, “રઝાકારો દરેક ગામ પર હુમલો કરી રહ્યા હતા. તેઓ ચાર લાખની મજબૂત સેના હતા અને તેમની પાસે કોઈ નેતા ન હોવાથી તેઓ પોતાની રીતે કામ કરી રહ્યા હતા.” તેમણે કહ્યું હતું કે રઝાકારોએ તેમના ઘરને આગ લગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, “મારા દાદા ઘરે દોડી આવ્યા, પરંતુ તેઓ માત્ર મારા પિતાને (મલ્લિકાર્જુન) જ બચાવી શક્ય. દુર્ઘટનામાં મારા દાદી અને ફોઈને બચાવવામાં ઘણો વિલંબ થયો જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા.” પ્રિયાંકે એમ પણ કહ્યું હતું કે, આ ઘટના બાદ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પિતા જંગલમાં છૂપાઈ ગયા હતા.

    કોણ છે ‘રઝાકારો’

    ‘રઝાકારો’ એ હૈદરાબાદના નિઝામ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલું એક અર્ધસૈનિક બળ હતું. જેમાં મોટાભાગે મુસ્લિમો સામેલ હતા. આ બળે હૈદરાબાદને પાકિસ્તાન સાથે જોડવા માટે હૈદરાબાદના નિઝામ અને મજલીસ-ઇતિહાદ-ઉલ-મુસ્લિમીનના અધ્યક્ષ કાસિમ રિઝવીના ઈશારે નરસંહાર કર્યો હતો. 

    હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણ બાદ અને કાસિમ રિઝવીના પાકિસ્તાન ગયા બાદ રઝાકારો એટલા સક્રિય જોવા મળ્યા નહોતા. પરંતુ વર્ષ 1971માં રઝાકારોએ બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સેનાના સહાયક દળ તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે સ્થાનિક વસ્તી પર દરોડા પાડવામાં લશ્કરને મદદ કરી હતી અને તેમના પર ભયંકર અત્યાચાર કરવાનો આરોપ હતો. આ સમયે રઝાકારોમાં મોટાભાગે ઉર્દૂભાષી બિહારી મુસ્લિમો અને પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના વિભાજનનો વિરોધ કરનારા ધાર્મિક પક્ષો, જેમ કે જમાત-એ-ઈસ્લામી, અલ બદર અને અલ શમ્સ સામેલ હતા.

    ક.મા. મુન્શીએ પણ તેમના પુસ્તકમાં કર્યો છે નરસંહારનો ઉલ્લેખ

    નોંધનીય છે કે આ નરસંહારનો ઉલ્લેખ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની કેબિનેટમાં ખાદ્ય મંત્રી અને હૈદરાબાદમાં એજન્ટ જનરલ રહેલા ક.મા. મુનશીએ તેમના પુસ્તક ‘એન્ડ ઓફ એન એરા’માં કર્યો છે. તેમણે લખ્યું છે કે તેમણે અને તેમની ટીમે 17 મે, 1948ના રોજ ગામની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ બાદ નિષ્કર્ષ પર આવ્યા કે 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. તેમણે લખ્યું હતું કે 9 અને 10 મેના રોજ બે દિવસ સુધી હત્યાકાંડ ચાલુ રહ્યો હતો. ગામમાં ઘણા મૃતદેહો પડ્યા હતા અને તેમની મુલાકાત સુધી પંચનામા કરવામાં આવ્યા ન હતા. મુનશીએ લખ્યા અનુસાર ગામ કબ્રસ્તાન જેવું લાગતું હતું અને હુમલામાં બચી ગયેલા મોટાભાગના ગામલોકો ભાગી ગયા હતા.

    ધ ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ નરસંહારના સાક્ષી અને તેમાંથી જીવિત બચેલ 4 વ્યક્તિઓને તેઓ મળ્યા હતા. તેમના અનુસાર રઝાકારો 500ના ટોળા સાથે ઘોડાઓ પર સવાર થઈને આવ્યા હતા. તથા 8, 9 અને 10 મે 1948 3 દિવસના સમયગાળામાં ગામને લૂંટ્યું અને 200થી વધુ લોકોની હત્યા કરી હતી.

    આમ જોવા જોઈએ તો સદીઓથી કોંગ્રેસ હિંદુઓ પરના અત્યાચારની સાક્ષી રહી છે. તેમ છતાં મુસ્લિમ વોટબેંકને સાચવવા ક્યારેય કોંગ્રેસના મુખમાંથી હિંદુઓ માટે એક શબ્દ પણ સારો નીકળ્યો નથી અને જો નીકળ્યો હશે તો એ પણ તુષ્ટિકરણની રાજનીતિ માટે જ. કોંગ્રેસ કે તેના એક પણ નેતા આજ સુધી હિંદુઓ સાથે થતા અત્યાચારના વિરોધમાં એક શબ્દ પણ બોલ્યા નથી. ઉપરથી હિંદુઓ સાથે થઇ રહેલ અત્યાચાર અંગે જયારે કોંગી નેતાને પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પશ્ન પૂછનાર પત્રકારને માર મારવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં