Wednesday, November 6, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિદ્વારકાથી એક રહસ્યમય કાષ્ટ પહોંચ્યું પુરી, સ્વયં ભગવાન વિશ્વકર્માએ બનાવી દિવ્ય મૂર્તિઓ:...

    દ્વારકાથી એક રહસ્યમય કાષ્ટ પહોંચ્યું પુરી, સ્વયં ભગવાન વિશ્વકર્માએ બનાવી દિવ્ય મૂર્તિઓ: જાણો રાજા ઇન્દ્રદ્યુમ્ને બનાવેલા જગન્નાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ; પુરાણોમાં પણ ઉલ્લેખ

    મંદિરના નિર્માણ બાદ રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન શ્રીકૃષ્ણને મંદિરમાં બિરાજમાન થવા માટે આહ્વાન કર્યું. ભગવાને ફરીથી સ્વપ્નમાં આવીને કહ્યું કે, "તું મારી મૂર્તિ બનાવવા માટે પુરીના સમુદ્રમાં તરી રહેલા એક વિશાળ કાષ્ટના ટુકડાને લઈને આવ, જે દ્વારકાથી પુરી તરફ આવી રહ્યું છે."

    - Advertisement -

    આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા 7 જુલાઈના રોજથી શરૂ થઈ ચૂકી છે. પુરીની જગન્નાથ યાત્રા સાથે દેશભરનાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. દર વર્ષે આ રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથીથી શરૂ થાય છે. જેને અષાઢી બીજ પણ કહેવાય છે. સૌથી મોટી રથયાત્રા ઓડિશા પુરી મંદિરથી નીકળે છે. પુરીમાં ભગવાન જગન્નાથનું ભવ્ય મંદિર છે. ત્યાંથી જે રથયાત્રા નીકળે છે તે લગભગ 10 દિવસ સુધી ચાલે છે અને અષાઢ શુક્લ પક્ષના 11મા દિવસે ભગવાનની મંદિરમાં વાપસી થાય છે. ત્યારે ભગવાનની યાત્રાનું સમાપન થાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે પુરીના જગન્નાથ મંદિરનો ઇતિહાસ જાણવો પણ ખૂબ જરૂરી છે. એક એવો ઇતિહાસમાં જે પોતાની ભીતર બ્રહ્માંડના ઘણા રહસ્યોને દબાવીને બેઠો છે.

    પૌરાણિક માન્યતા એવી છે કે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમના ચાર ધામોની યાત્રા પર જાય છે, ત્યારે તેઓ હિમાલયના ઊંચા શિખરો પર સ્થિત બદ્રીનાથ ધામમાં સ્નાન કરે છે. પશ્ચિમમાં ગુજરાતના દ્વારકા નગરીમાં ભગવાન વસ્ત્ર ધારણ કરે છે. ઓડિશાના પુરી ધામમાં તેઓ ભોજન કરે છે અને દક્ષિણમાં રામેશ્વરમમાં તેઓ વિશ્રામ કરે છે. દ્વાપર યુગ બાદ ભગવાન શ્રીકૃષ્ણ પુરીમાં નિવાસ કરવા લાગ્યા અને બની ગયા જગતના નાથ અર્થાત જગન્નાથ. પુરીનું જગન્નાથ ધામ પવિત્ર ચાર ધામોમાંથી એક છે. અહીં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ (બળભદ્ર) અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે.

    પુરાણોમાં પુરી વિસ્તારને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવ્યું છે. તેને શ્રીક્ષેત્ર, શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર, શક ક્ષેત્ર, નીલાંચલ, નિલગિરી અને શ્રી જગન્નાથ પુરી પણ કહેવામાં આવે છે. બ્રહ્મ અને સ્કંદ પુરાણ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ અહીં પુરુષોત્તમ નીલમાધવના રૂપમાં અવતર્યા હતા અને સબર જનજાતિના પરમ પૂજ્ય દેવતા બન્યા હતા. સબર જાતિના દેવતા હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથનું સ્વરૂપ કબીલાના દેવતા જેવુ છે. પહેલાં આદિજાતિના લોકો કાષ્ટમાંથી (લાકડામાંથી) પોતાના આરાધ્યની મૂર્તિઓ બનાવતા હતા. તેથી આજે પણ ભગવાનની મૂર્તિઓને કાષ્ટમાંથી બનાવવામાં આવે છે.

    - Advertisement -

    રાજા ઇન્દ્રદ્યુમ્ને બનાવ્યું હતું મંદિર

    પુરીના જગન્નાથ મંદિરનો ઇતિહાસ રાજા ઇન્દ્રદ્યુમ્ન સાથે શરૂ થાય છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન માળવાના રાજા હતા, જેમના પિતાનું નામ ભરત અને માતાનું નામ સુમતિ હતું. તેમને ભગવાન શ્રીકૃષ્ણએ સ્વપ્નમાં દર્શન આપ્યા હતા. ભગવાને તેમને સ્વપ્નમાં કહ્યું કે, નીલાંચલ પર્વતની એક ગુફામાં જગતના નાથની એક મૂર્તિ છે, જેને નીલમાધવ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાને રાજાને આજ્ઞા કરી કે, તેઓ પુરીમાં ભવ્ય મંદિર બનાવીને તે મૂર્તિને ત્યાં સ્થાપિત કરે. રાજાએ પોતાના મંત્રીઓને નીલાંચલ પર્વતની શોધમાં મોકલ્યા હતા. મંત્રીઓમાં એક વિદ્યાપતિ નામનો બ્રાહ્મણ પણ હતો.

    વિદ્યાપતિ સારી રીતે જાણતા હતા કે, સબર જનજાતિના લોકો નીલમાધવની પૂજા કરે છે. તેઓ પોતાના જીવ કરવા વધુ નીલમાધવને માને છે અને તેમણે નીલમાધવની મૂર્તિને નીલાંચલ પર્વતનની ગુફામાં છુપાવીને રાખી છે. વિદ્યાપતિ તે પણ જાણતા હતા કે, સબર જનજાતિના મુખિયા વિશ્વવસુ નીલમાધવના પરમ ઉપાસક છે અને તેમણે જ મૂર્તિ ગુફામાં છુપાવી રાખી છે. તેથી વિદ્યાપતિએ મુખિયાની પુત્રી સાથે વિવાહ કર્યા હતા. આખરે તેઓ પોતાની પત્નીની મદદથી નીલાંચલ ગુફા સુધી પહોંચવામાં સફળ થયા હતા. તેમણે ત્યાંથી નીલમાધવની મૂર્તિ ચોરી લીધી અને રાજાને જઈને આપી દીધી હતી.

    વિશ્વવસુ સહિતના જનજાતિના લોકો પોતાના આરાધ્યની મૂર્તિ ચોરી થવા પર ખૂબ દુઃખી થઈ ગયા હતા. તેમણે અન્ન-જળનો ત્યાગ કરી દીધો હતો. જેના કારણે સ્વયં નારાયણ પણ દુઃખી થઈ ગયા હતા. એક રાત્રે રાજાના મહેલમાંથી અચાનક તે મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ હતી અને નીલાંચલ ગુફામાં જઈને ફરી સ્થાપિત થઈ ગઈ હતી. આ સાથે તે જ રાત્રે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન શ્રીકૃષ્ણએ સ્વપ્નમાં આવીને વચન આપ્યું હતું કે, તેઓ એક દિવસ જરૂરથી પરત ફરશે. પરંતુ સાથે ભગવાને વિશાળ મંદિર બનાવવાની શરત પણ રાખી હતી. રાજાએ તે સમયના શ્રેષ્ટ વાસ્તુકારોને બોલાવીને અદભૂત મંદિર બનાવી નાખ્યું હતું.

    દ્વારકાથી પુરી સુધી આવ્યું રહસ્યમય વૃક્ષનું કાષ્ટ

    મંદિરના નિર્માણ બાદ રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન શ્રીકૃષ્ણને મંદિરમાં બિરાજમાન થવા માટે આહ્વાન કર્યું. ભગવાને ફરીથી સ્વપ્નમાં આવીને કહ્યું કે, “તું મારી મૂર્તિ બનાવવા માટે પુરીના સમુદ્રમાં તરી રહેલા એક વિશાળ કાષ્ટના ટુકડાને લઈને આવ, જે દ્વારકાથી પુરી તરફ આવી રહ્યું છે.” રાજાએ સૈનિકોને આદેશ આપ્યો અને સૈનિકોએ તે કાષ્ટના ટુકડાને શોધી કાઢ્યું. પરંતુ તમામ સૈનિકો મળીને પણ તે કાષ્ટના ટુકડાને ઊંચકી શક્યા નહીં. ત્યારે રાજાને સમજાયું કે, નીલમાધવના અનન્ય ભક્ત સબર જનજાતિના મુખિયા વિશ્વવસુની સહાયતા વગર આ કાર્ય થઈ શકશે નહીં. રાજાના આદેશ બાદ વિશ્વવસુ તે કાષ્ટને એક હાથમાં ઊંચકીને મંદિર સુધી લઈ ગયા હતા. આ જોઈને આસપાસના સૌ સૈનિકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

    હવે વાતો હતો કાષ્ટમાંથી ભગવાનની મૂર્તિને તૈયાર કરવાનો. રાજાના શ્રેષ્ઠ કારીગરોએ લાખ પ્રયાસ કર્યા પણ તેઓ કાષ્ટના લાકડા પર છીણી પણ મારી શક્યા નહીં. થોડા દિવસો પછી, એક રહસ્યમય વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવ્યો અને કહ્યું કે, તે ભગવાનની મૂર્તિ બનાવવાની જવાબદારી લેવા માંગે છે. પરંતુ તેની એક શરત હતી કે, તે બંધ ઓરડામાં મૂર્તિ બનાવશે અને જ્યાં સુધી તેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ ઓરડાનો દરવાજો ખોલવો નહીં, નહીં તો તે કામ અધૂરું છોડીને જતો રહેશે.

    6-7 દિવસ પછી, જ્યારે ઓરડામાંથી કામ કરવાનો અવાજ બંધ થયો, ત્યારે રાજા પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં અને બ્રાહ્મણને કંઈક થયું હશે, એમ વિચારીને તેમણે દરવાજો ખોલી નાખ્યો. પરંતુ અંદરથી માત્ર ભગવાનની અધૂરી મૂર્તિ મળી અને વૃદ્ધ બ્રાહ્મણ તો અદ્રશ્ય થઈ ગયો હતો. પછી રાજાને આભાસ થયો કે, તે વૃદ્ધ બ્રાહ્મણ બીજું કોઈ નહીં પણ દેવતાઓના વાસ્તુકાર વિશ્વકર્મા છે. રાજાને આઘાત લાગ્યો કારણ કે, મૂર્તિને હાથ-પગ નહોતા અને તેણે દરવાજો કેમ ખોલ્યો તેનો તેને અફસોસ પણ થવા લાગ્યો.

    પણ થોડા સમય પછી નારદ મુનિ બ્રાહ્મણના રૂપમાં ત્યાં પધાર્યા અને તેમણે રાજાને કહ્યું કે, ભગવાન આ સ્વરૂપમાં જ અવતાર લેવા માંગે છે અને દ્વાર ખોલવાનો વિચાર પણ સ્વયં શ્રીકૃષ્ણએ રાજાના મનમાં મૂક્યો હતો. નારદ ઋષિએ કહ્યું કે, આ જ જગતના તાતની ઈચ્છા છે, જે થઈ રહ્યું છે તે તેમની જ ઈચ્છા છે અને જે થશે તે પણ તેમની જ ઈચ્છા હશે. તેથી તેમાં આઘાત કરવાનું કોઈ કારણ જ નથી. ત્યારબાદ રાજાએ તે અધૂરી મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી.

    ભગવાન જગન્નાથ (નીલમાધવ) અને તેમના ભાઈ બળભદ્રના નાના-નાના હાથ બન્યા હતા, પરંતુ તેમના પગ બની શક્યા નહોતા, જ્યારે સુભદ્રાના તો હાથ-પગ બન્યા જ નહોતા. રાજાએ ભગવાનની ઈચ્છાને શિર પર રાખીને આ ત્રણેય મૂર્તિઓને સ્થાપિત કરી દીધી. ત્યારથી લઈને આજ સુધી ભગવાન જગન્નાથ સહિત તેમના ભાઈ-બહેનની મૂર્તિઓ પણ આ જ રૂપમાં વિદ્યમાન છે. વર્તમાનમાં જે મંદિર જોઈ શકાય છે, તે 7મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જોકે, આ મંદિરનું નિર્માણ ઈસા પૂર્વ 2માં પણ થયું હતું. આ મંદિર 3 વાર તૂટી ચૂક્યું છે. ઇસ. 1174માં ઓડિશાના શાસક અનંગ ભીમદેવે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

    (લેખના સંદર્ભ તરીકે અમુક ધાર્મિક પુસ્તકો, સંદર્ભોની મદદ લેવામાં આવી છે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં