Saturday, December 7, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસ્ત્રીઓની રક્ષા માટે માતંગી વેશ ધારણ કરીને રણમાં ઉતર્યાં હતાં લોકદેવી ગંગમ્મા...

    સ્ત્રીઓની રક્ષા માટે માતંગી વેશ ધારણ કરીને રણમાં ઉતર્યાં હતાં લોકદેવી ગંગમ્મા થલ્લી, ભગવાન વેંકટેશ બાલાજીનાં હતાં બહેન: જાણો પુષ્પા-2માં અલ્લુ અર્જુને અપનાવેલા સ્ત્રીવેશ પાછળનો ભવ્ય ઇતિહાસ

    અડધી રાત બાદ મંદિરની સામે ગંગમ્મા (વિશ્વરૂપમ)ની માટીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે છે. આ સાથે જ એક વ્યક્તિ સ્ત્રીવેશ ધારણ કરીને માતાજીની મૂર્તિમાંથી થોડી માટી હાથમાં લઈને સેવન કરે છે. આ ઘટના બાદ માટીને ભક્તોમાં વહેંચી દેવામાં આવે છે. માટી વિશે એવું કહેવાય છે કે, તેનામાં બ્રહ્માંડની તમામ ગુપ્ત શક્તિઓનું રહસ્ય રહેલું છે.

    - Advertisement -

    હિંદુ ધર્મશાસ્ત્રોમાં અનેક દેવતાઓ વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. વૈદિક સાહિત્ય અનુસાર, ધર્મમાં અનેક પ્રકારના દેવતાઓની આરાધનાઓ થતી રહે છે. જેમાં કુળદેવતા, ગ્રામદેવતા, લોકદેવતા અને ઇષ્ટદેવતાનો સમાવેશ થાય છે. કુળદેવતા-દેવી, ગ્રામદેવતા અને ઇષ્ટદેવતા કે આરાધ્ય દેવતા વિશે અનેક માહિતીઓ સામે આવતી રહે છે. પરંતુ લોકદેવતા વિશેનો ઇતિહાસ અને તેની માહિતી આજે પણ સમાજના એક મોટા વર્ગ સુધી પહોંચી શકી નથી.

    તાજેતરમાં જ રિલીઝ થયેલી કેટલીક ફિલ્મોમાં લોકસંસ્કૃતિનો ઊંડો પ્રભાવ જોવા મળ્યો છે. વર્ષ 2022માં રિલીઝ થયેલી દક્ષિણ ભારતની ફિલ્મ ‘કાંતારા’માં લોકદેવતા, લોકસંસ્કૃતિ અને લોકદેવતાના પ્રભાવથી થતી અસરો વિશે ખૂબ જ ઉમદા માહિતી આપવામાં આવી હતી. જે બાદ હવે અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ ‘પુષ્પા-2’ (Pushpa 2: The Rule) આવી રહી છે. આ ફિલ્મના એક સીનમાં અલ્લુ અર્જુન સ્ત્રીવેશ ધારણ કરીને નૃત્ય કરતો જોવા મળે છે. IMDb અને ફિલ્મનાં કેટલાંક સૂત્રોએ જણાવ્યું છે કે, દક્ષિણ ભારતના લોકદેવી ગંગમ્મા થલ્લીનાં (Gangamma Thalli) પોશાકથી પ્રભાવિત થઈને ફિલ્મમાં માતંગી વેશ (Matangi Vesham) અપનાવવામાં આવ્યો છે.

    અભિનેતા અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ‘પુષ્પા 2: ધ રૂલ’ની ટીમે એક ખાસ પોસ્ટર જારી કર્યું હતું. આ પોસ્ટર થોડા જ સમયમાં વાયરલ થઈ ગયું હતું. પોસ્ટરમાં અને પછીથી ટ્રેલરમાં પણ અલ્લુ અર્જુન એક દેવીના પોશાકમાં જોવા મળ્યા હતા. જાંબલી-લાલ રંગની સાડી, શરીર પર શ્યામ રંગનો લેપ, ગળામાં લીંબુના હારની માળા, કપાળ પર લાલ રંગનું તિલક, નાકમાં પહેરેલી નથ અને હાથમાં પહેરેલા ચુડા. આ તમામ બાબતો અલ્લુ અર્જુનના દેવીવેશને ઉત્તમ રીતે દર્શાવી રહ્યા છે. પરંતુ ઘણા ઓછા લોકો આ લુક પાછળના ઇતિહાસથી પરિચિત હશે. આજે આપણે અલ્લુ અર્જુનના તે વેશ અને તેની પાછળના ઇતિહાસ અંગેની ચર્ચા કરીશું.

    - Advertisement -

    લોકદેવી ગંગમ્મા થલ્લીના વેશમાં જોવા મળશે અલ્લુ અર્જુન

    પુષ્પા-2 ફિલ્મમાં અલ્લુ અર્જુને ધારણ કરેલો વેશ માત્ર કોઈ સાધારણ સ્ત્રીનો નથી, પરંતુ દક્ષિણ ભારતનાં એક લોકદેવીનો છે. દક્ષિણ ભારતનાં તે લોકદેવી ગંગમ્મા થલ્લી તરીકે પ્રસિદ્ધ છે. આંધ્રપ્રદેશમાં તેમનું ભવ્ય મંદિર પણ છે. મહત્વની વાત તે છે કે, ગંગમ્મા થલ્લીને ભગવાન વેંકટેશ બાલાજીનાં બહેન માનવામાં આવે છે. તેમણે સ્ત્રીઓની રક્ષા માટે શસ્ત્રો ધારણ કર્યાં હતાં અને અત્યાચારી શાસકો વિરુદ્ધ યુદ્ધ છેડ્યું હતું. દૈવિય તત્વ અને અસીમિત શક્તિઓના આધારે તેમણે તે વિસ્તારની તમામ સ્ત્રીઓની રક્ષા કરી હતી.

    તેમના રૌદ્રરૂપને જોઈને સ્થાનિકોએ તેમની સ્તુતિ-વંદના કરી હતી. આજે પણ દક્ષિણ ભારતના હિંદુઓ ગંગમ્મા થલ્લીમાં અદભૂત આસ્થા ધરાવે છે. આ દેવીને લોકદેવી કહેવામાં આવ્યાં છે. કારણ કે, દક્ષિણ ભારતની લોકસંસ્કૃતિમાં તેમનું સ્થાન આગવું છે. કોઈપણ વિસ્તાર કે પ્રદેશની પોતાની એક લોકસંસ્કૃતિ હોય છે, જેમાં લોકો સ્થાનિક દેવતાઓને પૂજે છે અને તેમની આરાધના પણ કરે છે. ગુજરાતમાં પણ કાઠિયાવાડી લોકસંસ્કૃતિ અને આદિવાસી લોકસંસ્કૃતિ જોવા મળે છે.

    કોણ હતા દેવી ગંગમ્મા થલ્લી?

    દક્ષિણ ભારતની લોકસંસ્કૃતિમાં ગંગમ્માં થલ્લી વિશેની ઘણી માહિતી મળી આવે છે. લોકસંસ્કૃતિ અનુસાર, આજથી સેંકડો વર્ષ પહેલાં તિરુપતિ અને તેની આસપાસના વિસ્તારમાં પલેગોંડુલુ વંશના અત્યાચારી શાસકોનું શાસન હતું. તે લોકો દક્ષિણ ભારતની સ્થાનિક મહિલાઓ પર ખૂબ અત્યાચાર આચરતા હતા. સ્ત્રીઓ પર હુમલા કરવા, તેમનો બળાત્કાર કરવો અને તેમના પર અમાનુષી અત્યાચાર આચરવો, આ બધી બાબતો પલેગોંડુલુ શાસકો માટે ખૂબ સામાન્ય હતી. દિવસ દરમિયાન અનેક સ્થાનિક મહિલાઓના મોત થતાં હતા અને ઘણી મહિલાઓ તો આપઘાત પણ કરી લેતી હતી.

    લોકસંસ્કૃતિ અનુસાર, આવા નિર્દયી અને ક્રૂર શાસકોના વિધ્વંસ માટે જ અવિલાલા ગામમાં ગંગમ્મા થલ્લીનો જન્મ થયો હતો. તેમનું તેજ ચંદ્ર કરતાં પણ શીતળ અને સૂર્ય કરતાં પણ તેજસ્વી હતું. યુવાન અવસ્થામાં પહોંચ્યા બાદ દેવી ગંગમ્માએ ક્રૂર શાસકોના વિનાશ માટેના રણશિંગા ફૂંકી દીધા હતા. અત્યાચારી પલેગોંડુલુ શાસકોએ ગંગમ્માને પણ પણ નુકસાન પહોંચાડવાની હિંમત કરી હતી. જેના કારણે તેમણે દેવીનાં કોપનો સામનો કરવો પડ્યો હતો.

    દેવી ગંગમ્માએ દૈવિય શક્તિ અને પોતાના અસીમિત તેજથી એક-એક અત્યાચારીનો વધ કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે મોટાભાગના પલેગોંડુલુઓ જંગલમાં જઈને છુપાઈ ગયા હતા અને દેવીની ક્ષમા માંગવા લાગ્યા હતા. તે તમામ અત્યાચારીઓને બહાર કાઢવા માટે દેવી ગંગમ્માએ ‘ગંગા જતારા’નામની યોજના બનાવી હતી. જેમાં તિરુપતિના લોકો સ્ત્રીવેશ ધારણ કરીને 7 દિવસ સુધી જંગલમાં તે અત્યાચારી શાસકોને શોધવા માટે ગયા હતા. સાત દિવસ બાદ તમામ અત્યાચારી શાસકો જંગલની બહાર આવે છે અને દેવી ગંગમ્મા થલ્લી માતંગી રૂપ ધારણ કરીને તમામ અત્યાચારીઓનો નાશ કરે છે.

    ઇતિહાસ કહે છે કે, અત્યાચારી શાસકોના વધ બાદ આ વિસ્તારમાં સ્થિર શાંતિ રહી હતી અને મહિલાઓ પણ સુરક્ષિત બની હતી. જેના કારણે સ્થાનિકો દેવી ગંગમ્મા થલ્લીને ‘સ્ત્રીઓનાં રક્ષક’ પણ કહે છે. આજે પણ દક્ષિણ ભારતમાં લોકદેવીનાં સન્માનમાં પુરુષો સ્ત્રીવેશ ધારણ કરીને ‘ગંગમ્મા જતારા’ તહેવારની ઉજવણી કરે છે. આ સાથે જ સ્થાનિક લોકોમાં આજે પણ લોકદેવી ગંગમ્મા થલ્લીનું ઉદાહરણ આપીને સ્ત્રીઓને સશક્ત કરવામાં આવે છે. દક્ષિણ ભારતના લોકો આજે પણ અનેક બાધાઓ અને માનતાઓ રાખીને લોકદેવીને રિઝવવાનો પ્રયાસ કરતાં રહે છે.

    લોકદેવી ગંગમ્મા થલ્લી વિશેની વધુ જાણકારી માટે ઑપઇન્ડિયાએ દક્ષિણ ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને લોકસંસ્કૃતિના જાણકાર ભરતભાઈ શુક્લાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકદેવી ગંગમ્મા થલ્લીને દક્ષિણ ભારતમાં દેવી માતંગીનાં અવતાર તરીકે પૂજવામાં આવે છે. તેમનો અવતાર માત્ર અને માત્ર સ્ત્રીઓની રક્ષા અને અત્યાચારીઓના સંહાર માટે થયો હતો. શુક્લાના મતે આજે પણ તિરુપતિના પવિત્ર વિસ્તારમાં ગંગમ્મા થલ્લીનાં બેસણા છે અને આજે પણ તેઓ તે સમગ્ર વિસ્તારની રક્ષા કરે છે. તેથી જ તેમને લોકસંસ્કૃતિમાં ‘રક્ષક દેવી’ અથવા તો ‘સ્ત્રીઓનાં રક્ષક દેવી’ તરીકે ઓળખવામાં આવે છે.

    લોકદેવીનાં સન્માનમાં દક્ષિણ ભારતમાં ઉજવાય છે સાત દિવસનો જતારા ઉત્સવ

    જતારા તિરુપતિ વિસ્તારનો એક લોકતહેવાર છે. આ તહેવાર દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ઉજવવામાં આવે છે. દેવી ગંગમ્મા થલ્લીનાં સન્માનમાં ઉજવાતો આ તહેવાર લગભગ 7 દિવસ સુધી ચાલે છે. તેનો સીધો સંબંધ પણ ગંગમ્મા થલ્લીના ઇતિહાસ સાથે જોડાયેલા છે. કારણ કે, સાત દિવસની ‘જતારા યોજના’ બાદ જ દેવીએ અત્યાચારીઓનો નાશ કર્યો હતો. તે યોજનામાં પુરુષોએ સ્ત્રીવેશ ધારણ કર્યો હતો. તેથી લોકતહેવારમાં પણ પુરુષો જ સ્ત્રીવેશને ધારણ કરે છે. આ તહેવારની શરૂઆત મે મહિનાના બીજા મંગળવારે અડધી રાત્રે કરવામાં આવે છે. મંગળવારના દિવસને ચતિમ્પૂ કહેવામાં આવે છે. ચતિમ્પૂનો અર્થ ‘ઘોષણા’ કે ‘એલાન’ થાય છે. એટલે મંગળવારની અડધી રાત્રે ગામનો એક વ્યક્તિ સંગીતના વાદ્ય સાથે આ તહેવારની ઘોષણા કરતો-કરતો આખા નગરમાં ફરે છે.

    તહેવારનો પ્રથમ દિવસ ભૈરવી વેશમ તરીકે ઓળખાય છે. આ દિવસે (બુધવારે) લોકો પોતાના શરીર પર સફેદ રંગનો લેપ લગાવે છે અને ફળોથી બનેલી માળા પોતાના ગળામાં ધારણ કરે છે. તેઓ હાથમાં લીમડાનાં પાન પકડે છે અને કમર પર પણ લીમડાનાં પાન બાંધીને ગંગમ્મા દેવીના મંદિર સુધી પદયાત્રા કાઢે છે. મંદિરમાં દેવીના દર્શન કર્યા બાદ તેઓ લીમડાના પાનને ત્યાં જ વિસર્જિત કરે છે.

    તહેવારનો બીજો દિવસ બંદા વેશમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ શરીર પર કુમકુમનો લેપ લગાવે છે અને માથા પર રક્ષાસૂત્ર બાંધે છે. તહેવારનો ત્રીજો દિવસ થોતી વેશમ તરીકે ઓળખાય છે, આ દિવસે ભક્તો પોતાના શરીર પર કોલસાનો લેપ લગાવે છે અને લીમડાના પાંદડાઓથી બનેલી માળાને ધારણ કરે છે. ચોથો દિવસ ડોરા વેશમ તરીકે ઓળખવાય છે. તે દિવસે ભક્તો શરીર પર પવિત્ર ચંદનનો લેપ કરે છે અને લીમડાના પાન તથા લીંબુની માળા પહેરીને મંદિર સુધી પદયાત્રા યોજે છે.

    આ તહેવારનો પાંચમો દિવસ માતંગી વેશમ તરીકે ઓળખાય છે. આ દિવસે પુરુષો પણ સ્ત્રીવેશ ધારણ કરે છે અને દેવી માતંગીની પૂજા-અર્ચના કરે છે. નોંધવા જેવું છે કે, દેવી ગંગમ્માં થલ્લીને દેવી માતંગીનો જ અવતાર ગણવામાં આવે છે. હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર, દેવી માતંગીને વિદ્યા, સંગીતના દેવી સરસ્વતીનું તાંત્રિક રૂપ ગણવામાં આવે છે. તેમની પૂજા અલૌકિક શક્તિઓને પ્રાપ્ત કરવા, શત્રુઓ પર નિયંત્રણ મેળવવા માટે કરવામાં આવે છે. માતંગી વેશમના દિવસે દેવી માતંગીના વેશને ધારણ કરવામાં આવે છે. એ જ વેશ ધારણ કરીને દેવી ગંગમ્માએ અત્યાચારીઓનો નાશ કર્યો હતો. ફિલ્મ પુષ્પા-2માં અલ્લુ અર્જુને પણ માતંગી વેશ ધારણ કરેલો જોવા મળે છે.

    આ તહેવારના છઠ્ઠો દિવસ સુન્નપુ કુંડલું તરીકે ઓળખાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પોતાના શરીર પર સફેદ લેપ લગાવે છે અને કોલસાથી કપાળ પર તિલક કરે છે. આ સાથે જ પોતાના માથા પર એક વાસણ રાખીને મંદિર સુધી યાત્રા પણ કરે છે. મંદિર પહોંચ્યા બાદ ભક્તો મસ્તક પર વાસણ રાખીને જ મંદિરની ત્રણ વખત પ્રદક્ષિણા કરે છે.

    આ તહેવારનો સાતમો અને અંતિમ દિવસ ગંગમ્મા જતરા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દક્ષિણ ભારતના તમામ ગંગમ્મા દેવીના મંદિરોમાં લાખો ભક્તો આવે છે. લોકો દર્શનાર્થે આવીને દેવીને પારંપરિક સાડી ચડાવે છે. કેટલાક ભક્તો અન્ય પવિત્ર સ્થાનિક વસ્તુઓ પણ દેવીને અર્પણ કરે છે. અડધી રાત બાદ મંદિરની સામે ગંગમ્મા (વિશ્વરૂપમ)ની માટીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે છે. આ સાથે જ એક વ્યક્તિ સ્ત્રીવેશ ધારણ કરીને માતાજીની મૂર્તિમાંથી થોડી માટી હાથમાં લઈને સેવન કરે છે. આ ઘટના બાદ માટીને ભક્તોમાં વહેંચી દેવામાં આવે છે. માટી વિશે એવું કહેવાય છે કે, તેનામાં બ્રહ્માંડની તમામ ગુપ્ત શક્તિઓનું રહસ્ય રહેલું છે અને તે તમામ બીમારીઓનો ઉપચાર કરવા માટે પણ સક્ષમ છે. આ ઘટના સાથે જ સાત દિવસના ગંગમ્મા જાતરા તહેવારનું સમાપન થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં