Monday, January 20, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજ્યારે 111 નાગા સાધુઓ ઇસ્લામી સેના પર પડ્યા હતા ભારે: ઐબક, અબ્દાલી...

    જ્યારે 111 નાગા સાધુઓ ઇસ્લામી સેના પર પડ્યા હતા ભારે: ઐબક, અબ્દાલી અને ઔરંગઝેબ સામે પણ ઉગામ્યા હતા શસ્ત્રો; વાત છે એ સનાતની સંન્યાસીઓના પરાક્રમની, જેની રચના સ્વયં આદિ શંકરાચાર્યે કરી હતી

    નાગા સાધુઓની વીરતાની સાક્ષી પૂરતા તેમના બે ભાલા આજે પણ કનખલમાં મોજૂદ છે. સૂર્ય પ્રકાશ અને ભૈરવ નામના આ ભાલાઓની વિજયાદશમીના દિવસે પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે.

    - Advertisement -

    મહાકુંભ (Mahakumbh). હિંદુઓની (Hindus) એકતા અને શક્તિને સિદ્ધ કરવાનું વિશ્વનું સૌથી મોટું ધાર્મિક અનુષ્ઠાન. મહાકુંભ 2025ના શુભારંભ સાથે જ વિશ્વની નજર ભારત પર છે. વિશ્વભરના શ્રદ્ધાળુઓ કુંભમાં સ્નાન કરીને દિવ્યતાના સાક્ષી બની રહ્યા છે. મહાકુંભની સાથે ભારતના સન્યાસીઓ પણ દુનિયાને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. મહાકુંભમાં દેશભરમાંથી સંતોના 13 અખાડા ભાગ લેવા જઈ રહ્યા છે. તેમાં આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર બન્યા છે નાગા સાધુઓ (Naga Sadhus). દુનિયા હજુ સુધી તેમના જીવન અને રહસ્યને જાણી શકી નથી. માત્ર કુંભમાં જ દર્શન આપતા આ સન્યાસીઓનું જીવન પણ અનેકો રહસ્યોથી ભર્યું પડ્યું છે.

    નાગા સાધુઓને સામાન્ય રીતે સનાતન ધર્મના રક્ષક અને સન્યાસીઓના સૈન્ય પંથ તરીકે ઓળખવામાં આવે છે. આજે સનાતન ટકી રહ્યો છે અને વિશ્વભરમાં પોતાની સુગંધ ફેલાવી રહ્યો છે તો તેમાં સૌથી મોટો ફાળો પણ આ નાગા સાધુઓનો જ છે. નાગા સાધુઓના સાત અખાડા આજે અસ્તિત્વ ધરાવે છે અને તેમાં રહેલા પ્રત્યેક સાધુઓ આજે પણ ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે શસ્ત્રો ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. દેશનો વિશાળ ઇતિહાસ પણ નાગા સાધુઓ સાથે જોડાયેલો છે. આજે એ જ ઇતિહાસના મહાકાય સમુદ્રમાં આપણે નજર કરવા જઈ રહ્યા છીએ.

    ધર્મની સ્થાપના બાદ આદિ શંકરાચાર્યે કરી હતી નાગા સૈન્યની સ્થાપના

    હિંદુ ધર્મશાસ્ત્રો અને તત્કાલીન ઇતિહાસ અનુસાર, ભારતવર્ષનો એક સમય એવો પણ હતો કે, જ્યાં વૈદિક ધર્મનું અસ્તિત્વ ખતમ થવા આવ્યું હતું. હિંદુ ધર્મમાંથી ઉદ્ભવેલા સંપ્રદાયો જ મૂળ વટવૃક્ષ વૈદિક ધર્મ (સનાતન) પર પ્રહાર કરી રહ્યા હતા. સ્થિતિ એવી હતી કે, મૂળ વૈદિક ધર્મ મરણ પથારીએ પડ્યો હતો અને સંપ્રદાય (જે પછીથી એક ધર્મ તરીકે આગળ વધ્યો) વિકસી રહ્યો હતો. વૈદિક પરંપરાને તુચ્છ ગણવામાં આવી રહી હતી. સંપ્રદાયના વિદ્વાનો સામે દલીલ કરી શકે અને સનાતનને શ્રેષ્ઠ સાબિત કરી શકે તેવો કોઈ સન્યાસી કે વિદ્વાન વૈદિક ધર્મ પાસે બચ્યો નહોતો.

    - Advertisement -

    દિવસે-દિવસે સનાતનની મૂળ પરંપરા સાથે જોડાયેલા લોકો વિવિધ ફાંટા અને અને સંપ્રદાયોમાં વિભાજિત થવા લાગ્યા હતા અને અંદરોઅંદર જ લડવા લાગ્યા હતા. આ બધી પરિસ્થિતિ વચ્ચે અચાનક પ્રગટ થાય છે આદિગુરુ શંકરાચાર્ય. સનાતન ધર્મને પાયામાંથી મજબૂત કરવાનું કાર્ય આ યુવા સન્યાસીએ કર્યું હતું. વિવિધ સંપ્રદાયોમાં ફંટાયેલા સનાતનને એક ભગવા ધ્વજ હેઠળ લાવવાનો તમામ શ્રેય શંકરાચાર્યને જાય છે. આદિ શંકરાએ દેશભરના વિદ્વાનો સાથે ગોષ્ઠી કરી અને સાબિત પણ કરી બતાવ્યું કે, સનાતન મૂળ પરંપરા અને શ્રેષ્ઠ છે. તેમણે દેશમાં અદ્વૈત વેદાંતની ફિલસૂફી પહોંચાડી અને સનાતનને ફરીથી વિશાળ અને શક્તિશાળી બનાવ્યો.

    સનાતનમાં ફરીથી પ્રાણ ફૂંકીને આદિગુરુએ દેશને એક કરવા માટે ચારેય દિશામાં ચાર મઠની સ્થાપના કરી. જેમાં ઉત્તરમાં બદ્રિકાશ્રમ જ્યોતિર્પીઠ, પશ્ચિમના દ્વારકામાં શારદાપીઠ, પૂર્વમાં પુરીમાં ગોવર્ધનપીઠ અને કર્ણાટકના ચિક્કામગલુર જિલ્લામાં શૃંગેરી શારદાપીઠનો સમાવેશ થાય છે. આ ચાર મઠના સર્વોચ્ચ વડાને આજે પણ શંકરાચાર્ય કહેવામાં આવે છે અને તેમને જ હિંદુ ધર્મના સૌથી ઉચ્ચ આસનના પદાધિકારી પણ ગણવામાં આવે છે.

    આ ચાર મઠોની સ્થાપના બાદ આદિ શંકરાએ ધર્મની રક્ષા માટે યોદ્ધાઓની ટુકડી તૈયાર કરી હતી. જે કોઈ પણ પરિસ્થિતિમાં સનાતન ધર્મ અને રાષ્ટ્રની રક્ષા કરી શકે છે. તેથી જ તેને પછીથી સનાતન ધર્મની રક્ષક સેના તરીકે જોવામાં આવી હતી. તે ટુકડીમાં એવા યોદ્ધાઓને લેવામાં આવતા હતા, જે નિર્મોહી અને ત્યાગી હોય. બાદમાં તેને નાગા સાધુ તરીકેનું નામ પણ આપવામાં આવ્યું હતું. સ્મશાનની પવિત્ર ભભૂત જ તેમના માટે વસ્ત્રનું કામ કરે છે. આ રીતે સનાતનના સૌથી મોટા યોદ્ધાઓના પહેલા અખાડાની સ્થાપના આદિગુરુ શંકરાચાર્યે કરી હતી. અહીં એ પણ નોંધવા જેવું છે કે, આદિ શંકરાચાર્યને ભગવાન શિવના અંશ તરીકે જોવામાં આવે છે અને ધર્મના સર્વોચ્ચ આદિગુરુ તરીકે સન્માનિત કરવામાં આવે છે.

    નાગા સાધુઓના પરાક્રમ

    આદિગુરુ શંકરાચાર્ય બાદ વિવિધ મઠોના શંકરાચાર્યોએ નાગા સેનાનું આધિપત્ય કર્યું હતું. નાગા સાધુઓના પરાક્રમનો ઇતિહાસ આજે પણ ભારતના અનેક પુસ્તકોમાં મળી આવે છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સંસ્કૃત વિદ્વાનો અને ઇતિહાસ વિભાગના અનેક પ્રોફેસરોએ ઐતિહાસિક પુસ્તકોની માહિતી આપી હતી. જેમાં નાગા સાધુઓના પરાક્રમની અનેક ગાથાઓ નોંધાઈ છે. ઇતિહાસકાર જદુનાથ સરકારથી લઈને આધુનિક ઇતિહાસકારોએ પણ નાગા સાધુઓ વિશે ઘણું બધુ લખ્યું છે. આપણે નાગા સાધુઓના પરાક્રમ વિશે વિગતે ચર્ચા કરીશું.

    માત્ર 111 નાગા સન્યાસીઓ ઇસ્લામી સેના પર પડ્યા હતા ભારી

    જાણીતા લેખક અક્ષત ગુપ્તાએ પોતાના પુસ્તક ‘ધ નાગા વોરિયર્સ’માં નાગા સાધુઓની વીરતા વિશે વિગતે વાત કરી છે. પુસ્તક અનુસાર, 1756-57માં અફઘાની મુસ્લિમ અહમદ શાહ અબ્દાલીની સેનાએ ગોકુળ-મથુરા પર હુમલો કરી દીધો હતો. અબ્દાલીના આદેશ પર સેનાપતિ સરદાર ખાન હજારોની ફૌજ લઈને ભારત પહોંચી ગયો હતો. અનેકો મંદિરો અને હિંદુઓનો નરસંહાર કરતા-કરતા તે ગોકુળમાં આવી પહોંચ્યો હતો. અબ્દાલીની સેના જેવી ગોકુળમાં પ્રવેશી કે સામે 7-7 ફૂટના 111 નાગા સાધુઓ ઊભા હતા. ભસ્મ ધારણ કરીને ઉભેલા નાગા સન્યાસીઓને જોઈને પહેલાં તો સરદાર ખાન ઉપહાસ કરવા લાગ્યો અને પોતાની સેનાને હુકમ આપ્યો કે, બપોરના ભોજન પહેલાં તમામ નાગા સાધુઓને ખતમ કરી નાખો.

    પરંતુ તે પછી તલવારો અને ત્રિશુલ સાથે નાગા સાધુઓ જ્યારે રણમાં ઉતર્યા તો અફઘાની સેના પળભરમાં ઢેર થઈ ગઈ. જે બાદ સરદાર ખાને વધુ ફૌજ માંગી પણ તે પણ નાગા સાધુઓ સામે ટકી ના શકી. ત્યારબાદ સરદાર ખાનને જાણ થઈ ગઈ હતી કે, નાગા સાધુઓને મારવા તો દૂર પણ તેને હરાવી શક્વા પણ શક્ય નથી. તે પછી તે પોતાની વધેલી સેનાને લઈને ભાગી નીકળ્યો. જે બાદ ગોકુળમાં મરેલા અફઘાની સૈનિકોના ઢેર પર નાગા સાધુઓએ ભાલા સાથે ભગવો ધ્વજ લહેરાવ્યો હતો.

    વધુ 7 વખત અબ્દાલીએ કર્યા પ્રયાસો, પરંતુ ન પાર પાડી શક્યો મનસૂબા

    ડૉ. વીડી મહાજન પોતાની પુસ્તક ‘મધ્યકાલીન ભારત’ના નાગા સાધુઓના અન્ય પરાક્રમો વિશે પણ વાત કરે છે. ગોકુળ પર થયેલી હાર બાદ ઇસ્લામી આક્રાંતા અબ્દાલી હચમચી ગયો હતો અને વારંવાર ભારતમાં હુમલા કરવા લાગ્યો હતો. તેણે 1767 સુધીમાં 7 વખત ભારત પર હુમલો કર્યો હતો, પરંતુ સાતેય વખત નાગા સાધુઓ ઢાલ બનીને ઊભા રહ્યા હતા. સાતેય વખત હાર મળ્યા બાદ અબ્દાલીએ પણ ભારત તરફ મીટ માંડવાનું બંધ કરી દીધું હતું. તેમાં સહેજ પણ અતિશયોક્તિ નથી કે, જ્યારે ભારતના શાસકોએ શસ્ત્રો ઉપાડવાથી દૂરી બનાવી ત્યારે રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે નાગા સાધુઓ જ હંમેશા રણમાં ઉતર્યા હતા.

    કુતુબુદ્દીન ઐબકની સેનાને પણ ચડાવી દીધો હતો હાંફ

    લેખક ધનંજય ચોપડા પોતાની પુસ્તક ‘ભારતમાં કુંભ’માં લખે છે કે, વર્ષ 1260માં ગુલામવંશની (કુતુબુદ્દીન ઐબક) સેનાએ પૌરાણિક પંચતીર્થ કનખલ પર હુમલો કરી દીધો હતો. આ તે જ સ્થળ હતું, જ્યાં પ્રજાપતિ દક્ષે યજ્ઞ કર્યો હતો અને દેવી સતી તેમાં બળીને ભસ્મ થયા હતા. 1260માં ઐબકના હુમલા બાદ નાગા સાધુઓના અખાડા ઇસ્લામી સેના પર તૂટી પડ્યા હતા. 11 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધની આગેવાની શ્રી પંચાયતી મહાનિર્વાણ અખાડાના મહંત ભગવાનંદે કરી હતી. તેમની 22 હજાર નાગા સાધુઓની સેના ઐબકની સેના પર કાળ બનીને તૂટી પડી હતી.

    11 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં આખરે નાગા સાધુઓનો વિજય થયો હતો અને ઇસ્લામી સેના જીવ બચાવીને ભાગી નીકળી હતી. નાગા સાધુઓની વીરતાની સાક્ષી પૂરતા તેમના બે ભાલા આજે પણ કનખલમાં મોજૂદ છે. સૂર્ય પ્રકાશ અને ભૈરવ નામના આ ભાલાઓની વિજયાદશમીના દિવસે પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે.

    ઔરંગઝેબની સેના પણ નાગા સાધુઓ સામે થઈ હતી નતમસ્તક

    કહેવાય છે કે, 1721માં ક્રૂર ઇસ્લામી આક્રાંતા ઔરંગઝેબ અને નાગા સાધુઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. 1721માં ક્રૂર ઔરંગઝેબની સેનાએ પ્રસિદ્ધ જ્ઞાનવાપી મંદિર પર હુમલો કરી દીધો હતો. તે સમયે ઇસ્લામી સેનાને મહાકાય નાગા સાધુઓનો ભેટો થઈ પડ્યો હતો. 15 હજાર નાગા સાધુઓ પહેલાંથી જ ઇસ્લામી સેનાની રાહ જોઈને બેઠા હતા. બરછટ શરીરના નાગા સન્યાસીઓએ ભાલા અને ત્રિશુલથી ઔરંગઝેબની સેનાને ધૂળ ભેગી કરી દીધી હતી. દિવસભર ચાલેલા આ યુદ્ધમાં નાગા સન્યાસીઓએ ઇસ્લામી સેનાને ઘૂંટણીયે પડવા પર મજબૂર કરી દીધી હતી. આ યુદ્ધમાં લગભગ એક હજાર નાગા સાધુઓને પોતાનું બલિદાન આપ્યું હતું.

    આ બધી ઘટનાઓ સિવાય પાનીપતના યુદ્ધમાં અને અફઘાનોના હમલા વખતે પણ નાગા સાધુઓ ઢાલ બનીને સનાતન પાસે ઊભા રહ્યા હતા. આદિગુરુ શંકરાચાર્યની આ સેના આજે પણ રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે, નાગા અખાડાની સ્થાપના બાદથી જ હિંદુ મંદિરો અને રાષ્ટ્રના રક્ષણની જવાબદારી નાગા સાધુઓએ પોતાના માથે લીધી હતી અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે, આજે સનાતન છે તો તેનો શ્રેય માત્ર અને માત્ર આ નાગા સન્યાસીઓની સેનાને જાય છે. સનાતનને ઉખાડી ફેંકવાની મંશા લઈને અનેક આવ્યા અને જતાં પણ રહ્યા, પરંતુ સનાતન આજે પણ એટલો જ મજબૂત છે, જેટલો પ્રાચીનકાળમાં હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં