Wednesday, July 9, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિએક હાથમાં ત્રિશુળ, બીજામાં ખપ્પર અને નૈવેધમાં 'મદિરા'…: આ છે 6 હજાર...

    એક હાથમાં ત્રિશુળ, બીજામાં ખપ્પર અને નૈવેધમાં ‘મદિરા’…: આ છે 6 હજાર વર્ષ જૂનો કાળભૈરવ મંદિરનો ઇતિહાસ, જ્યાં થાય છે ભગવાન શિવના રોદ્રરૂપની પૂજા

    ઇતિહાસકારોના મત અનુસાર, આ મંદિરનું નિર્માણ રાજા ભદ્રસેન દ્વારા ક્ષિપ્રા (શિપ્રા) નદીના કાંઠે કરવામાં આવ્યું હતું. જે પછી હાલનું વર્તમાન મંદિર 18મી સદીમાં મરાઠા સામ્રાજ્ય વખતે તૈયાર કરવામાં આવ્યું હતું. વર્ષ 1788માં મરાઠા શાસક મહાદજી શિંદેએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

    - Advertisement -

    ભારતમાં હિંદુ દેવી-દેવતાઓના હજારો તીર્થસ્થાનો આવેલા છે. અલગ- અલગ સ્થાનની પોતાની આગવી પરંપરાઓ અને રીતરીવાજો છે. ત્યારે મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) એક એવું મંદિર આવેલું છે. જ્યાં ભગવાનને ભોગ (નૈવેધ) સ્વરૂપે દારૂ ચઢાવવામાં આવે છે અને એ દારૂ પછીથી ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. આવી અનોખી પરંપરા ધરાવતું સ્થાન એટલે ઉજ્જૈનમાં (Ujjain) આવેલું ભગવાન કાળભૈરવનું મંદિર. આ મંદિર ફક્ત ધાર્મિક જ નહી, પરંતુ રહસ્યમયી પણ છે. અહિયાં કાળભૈરવ (Kaal Bhairav) તરીકે ભગવાન શિવના (lord shiva) રૌદ્ર સ્વરૂપની પૂજા થાય છે. અહિયાં દર્શનાર્થે આવતા હજારો ભક્તો ભગવાનના નૈવેધ તરીકે દારૂનો ભોગ ધરાવે છે.

    લોક માન્યતા અનુસાર, અહિયાં ભગવાનને જ્યારે દારુ પીવડાવવામાં આવે છે ત્યારે તે દારૂ આપોપાપ ભગવાનના મુખમાંથી ગાયબ થઈ જાય છે. રહસ્યમય વાત એ છે કે, અહિયાં મૂર્તિને અડીને કોઈ નળી કે પ્રવાહી બહાર નીકળી જાય એવી વસ્તુ લગાડવામાં આવેલી નથી. ઘટના પર સંશોધન કરતા વૈજ્ઞાનિકો પણ હજુ સુધી આ વિષયે કોઈ પાક્કો જવાબ આપી શક્યા નથી. ઉજ્જૈનમાં આવેલું કાળભૈરવ ભગવાનનું મંદિર ફક્ત શ્રદ્ધા જ નહી, પરંતુ જિજ્ઞાસાનું કેન્દ્ર પણ છે. અહિયાં સમાન્ય ભક્તોથી લઈ પ્રાચીન તંત્ર વિદ્યાના જાણકાર તાંત્રિક સુધી બધા જ કાળભૈરવના દર્શન કરવા આવે છે. 

    ઉજ્જૈનમાં કાળ ભૈરવ
    પુજારી કાળ ભૈરવને દારૂ ચઢાવતા (ફોટો-TripAdvisor)

    કાળ ભૈરવ મંદિરનો ઇતિહાસ

    - Advertisement -

    ભગવાન કાળભૈરવના આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો આ મંદિરનો ઇતિહાસ અંદાજે 6 હજાર વર્ષથી વધુ જૂનો છે. આ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને કાલિકા પુરાણ જેવા હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં મળે છે. ભગવાન શંકરના રૌદ્ર સ્વરૂપ એવા કાળભૈરવની પૂજા મુખત્વે હિંદુ ધર્મના કપાલિકા અને અઘોર સંપ્રદાયમાં વિશેષરૂપે થતી આવી છે.

    ઉજ્જૈનમાં કાળ ભૈરવ
    કાળ ભૈરવ મંદિરના ગર્ભગૃહનું દ્રશ્ય (ફોટો- MP Tourism)

    વિવિધ ઇતિહાસકારોના મત અનુસાર, આ મંદિરનું નિર્માણ રાજા ભદ્રસેન દ્વારા ક્ષિપ્રા (શિપ્રા) નદીના કાંઠે કરવામાં આવ્યું હતું. જે પછી હાલનું વર્તમાન મંદિર 18મી સદીમાં મરાઠા સામ્રાજ્ય વખતે તૈયાર કરવામાં આવ્યું હતું. વર્ષ 1788માં મરાઠા શાસક મહાદજી શિંદેએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એક સમયે અવંતિકા નગરી તરીકે ઓળખાતું ઉજ્જૈન શહેર હજારો વર્ષોથી ભગવાન શિવના સાનિધ્યમાં રહ્યું છે.

    મંદિરની સંરચનાની વાત કરવામા આવે તો તે પ્રાચીન હિંદુ મંદિરો જેવી જ છે, પરંતુ પ્રભાવશાળી છે. મંદિરની દીવાલો પર માલવા (માળવા) શૈલીમાં બનાવેલા અદ્ભુત ચિત્રો છે તો મંદિરના મુખ્ય દ્વાર પર બે વિશાળ સિંહોની મૂર્તિઓ બેસાડવામાં આવી છે, જે મંદિરના રક્ષકનું પ્રતિક છે. આ મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશતા જ ગર્ભગૃહમાં કાળા પથ્થરમાંથી બનેલી કાળભૈરવની મૂર્તિના દર્શન થાય છે. આ એ જ રહસ્યમય મૂર્તિ છે જેના મુખમાં દારૂ નાખતા દારુ ગાયબ થઈ જાય છે.

    ઉજ્જૈનમાં કાળ ભૈરવ
    કાળ ભૈરવ મદિરનું બહારનું દ્રશ્ય (ફોટો -MP Tourism)

    મૂર્તિનો ઉલ્લેખ કરીએ તો આ મૂર્તિના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં ખપ્પર (ખોપડીનું પાત્ર) છે. મંદિરની દિવાલો પર ભગવાન કાળભૈરવ સાથે સંબંધિત ચિત્રો અને તાંત્રિક પ્રતીકો પણ જોઈ શકાય છે. નજીકમાં નાના મંદિરો પણ છે, જે કાળભૈરવના અલગ-અલગ સ્વરૂપોને સમર્પિત છે. અહિયાં મંદિરમાં દારૂ ચઢાવવા માટે એક અલગ જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ભક્તો પૂજારીને તેમની દારૂની બોટલ આપે છે અને પુજારી તે દારૂ ભગવાનના મુખ પર ચઢાવે છે. 

    મંદિર કેવી રીતે પહોંચવું?

    ભગવાન કાળભૈરવનું મંદિર ઉજ્જૈન શહેરથી આશરે આઠ કિલોમીટર દૂર આવેલું છે. ઉજ્જૈન રેલવે સ્ટેશનથી રીક્ષા, ટેક્સી અથવા લોકલ બસ દ્વારા અહિયાં સરળતાથી પહોંચી શકાય છે. હવાઈ મુસાફરીથી આવતા ભક્તો માટે ઇન્દોર સૌથી નજીકનું એરપોર્ટ છે, જે મંદિરથી લગભગ 60 કિલોમીટર દૂર છે. ત્યાંથી ટેક્સી અથવા બસ દ્વારા ઉજ્જૈન પહોંચવું ખૂબ જ સરળ છે. આ ઉપરાંત રોકાવા, રહેવા માટે શહેરમાં હોટેલ અને ધર્મશાળાઓની પણ સારી સુવિધા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં