Tuesday, September 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની દેશભરમાં ઉજવણી, વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા: કહ્યું- 2035...

    પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની દેશભરમાં ઉજવણી, વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા: કહ્યું- 2035 સુધીમાં અંતરિક્ષમાં હશે ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન

    વર્ષ 2023માં આજના જ દિવસે વિક્રમ લેન્ડરે ચન્દ્રમાના એવા ભાગ પર પોતાના ડગ માંડ્યા હતા, જ્યાં વિશ્વના તમામ દેશ પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા હતા. આ ઉપલબ્ધી ભારત માટે એટલે પણ ખાસ છે કે જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું અને ચન્દ્રયાન-3 મિશન સફળ થયું, તે સાઉથ પોલ પર એક માત્ર ભારતનો જ ઝંડો છે.

    - Advertisement -

    આજથી બરાબર એક વર્ષ પહેલા, એટલે કે 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતે ઈતિહાસ રચ્યો. ISROએ ચંદ્રયાન-3 મિશનને સફળતાપુર્વક પાર પાડ્યું અને ભારતને ચન્દ્રમાના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનાવ્યો. આ ઐતિહાસિક દિવસને આજે એક વર્ષ પૂર્ણ થયું અને આખો દેશ વડાપ્રધાન મોદીએ જણાવ્યા અનુસાર પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ (National Space Day) ઉજવી રહ્યો છે. આજના આ ખાસ દિવસને ઉજવવા માટે દિલ્હીના ભારત મંડપમમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના લોકોએ દેશને પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની શુભેચ્છા પાઠવી છે. એમ કહી શકાય કે આખા દેશમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસને તહેવારની જેમ ઉજવવામાં આવી રહ્યો છે.

    નોંધનીય છે કે વર્ષ 2023માં આજના જ દિવસે વિક્રમ લેન્ડરે ચન્દ્રમાના એવા ભાગ પર પોતાના ડગ માંડ્યા હતા, જ્યાં વિશ્વના તમામ દેશ પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા હતા. આ ઉપલબ્ધી ભારત માટે એટલે પણ ખાસ છે કે જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું અને ચન્દ્રયાન-3 મિશન સફળ થયું, તે સાઉથ પોલ પર એક માત્ર ભારતનો જ ઝંડો છે. ચાંદના સાઉથ પોલ પર આજ દિવસ સુધી એક પણ દેશ સોફ્ટ લેન્ડિંગ નથી કરી શક્યો. એટલે જ ભારતીય અંતરિક્ષ પ્રોગ્રામ્સ માટે આ દિવસ નવા અધ્યાય તરીકે શરૂ થયો. ચંદ્રયાન-3ની સફળતા બાદ પણ ભારતીય સ્પેસ એજન્સી ISROએ અનેક મિશનો પાર પાડ્યા અને વિશ્વને દાંત વચ્ચે આંગળા દબાવવા વિવશ કરી દીધું. ભારતના પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પણ દેશને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આગામી સમયમાં ભારત દ્વારા હાંસલ કરવામાં આવનાર સિદ્ધિઓ વિશે પણ દેશને જણાવ્યું હતું.

    2035 સુધીમાં અંતરિક્ષમાં આપણું પોતાનું સ્પેસ સ્ટેશન હશે- વડાપ્રધાન મોદી

    પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ દેશને શુભેચ્છા પાઠવી હતી. તેઓ હાલ વિદેશ પ્રવાસે છે, પરંતુ તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને દેશને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે X પર લખ્યું કે, “મંગળયાન અને ચંદ્રયાનની સફળતા અને ગગનયાનની તૈયારીએ ભારતની યુવા પેઢીને એક નવો મિજાજ આપ્યો છે. ભારતે હજારો વર્ષ પહેલા અવકાશ તરફ મીટ માંડી હતી… આગામી 10 વર્ષમાં ભારતની સ્પેસ ઈકોનોમી 5 ગણી વધી જશે. આગામી દિવસોમાં ભારત એક મોટું વૈશ્વિક અંતરિક્ષ વાણિજ્યિક કેન્દ્ર બની જશે. આવનારા થોડા જ વર્ષોમાં આપણે ફરી ચંદ્ર પર જઈશું. શુક્ર પણ ઈસરોનો ટાર્ગેટ છે. આ અમૃતકાલમાં ભારતના અવકાશયાત્રી ભારતના રોકેટથી ચંદ્ર પર ઉતરશે.” પોતાની પોસ્ટમાં જ મુકવામાં આવેલા વિડીયો મારફતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 2035માં અંતરિક્ષમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે.

    - Advertisement -

    ભારતમંડપમની ભવ્ય ઉજવણીમાં હાજર રહ્યા રાષ્ટ્રપતિ મુર્મુ

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ દિલ્હીના ભારત મંડપમમાં રાષ્ટ્રીય અવકાશ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે અહીં ઈસરોની સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામોનું વિતરણ કર્યું હતું. આ પછી તેમણે અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધન પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું હતું કે, મને ચંદ્રયાન-3ની સફળતા પર ગર્વ છે. તેમણે દેશને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના અભિનંદન પાઠવ્યા હતા અને ઈસરોની સિદ્ધિઓ ગણાવીને તેને બિરદાવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન પ્રજ્ઞાન રોવરે તાજેતરમાં મોકલેલી માહિતીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    ISRO ચીફ એસ સોમનાથે પણ દેશને પાઠવી શુભેચ્છા

    રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઉપરાંત ઈસરોના વડા એસ. સોમાનાથે પણ દેશને આ ઐતિહાસિક દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, “ઈસરોની સફળતા બાદ જ્યારે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે જાહેર કરવામાં આવ્યો ત્યારે અમે ઘણા ખુશ હતા. અમે પહેલા આ વિશે વિચાર્યું નહતું.” ઈસરોના વડા એસ. સોમનાથે નવા અંતરિક્ષ મિશન માટે વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો.

    બીજી તરફ ઈસરોએ પણ નેશનલ સ્પેસ ડે સેલિબ્રેશનને લઈને ટ્વીટ કર્યું છે. તેની થીમ ‘ભારતની અંતરિક્ષ ગાથા – ટચિંગ લાઈફ્સ વ્હાઈટ ટચિંગ ધ મૂન’ રાખવામાં આવી છે. ઈસરોએ લખ્યું છે કે, “ભારતના અંતરિક્ષ મિશનોના પ્રયાસોની અતુલ્ય સફર અને તેના આપણા જીવન પરની અસરને માન આપવામાં અમારી સાથે જોડાઓ. ચાલો આપણે બધા આ ઐતિહાસિક દિવસને ગૌરવ સાથે ઉજવીએ!”

    આટલું જ નહીં, ઈસરો દેશભરના બાળકોને આકર્ષવા માટે ખાસ રીતે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરે છે. વિજ્ઞાનની થીમ પર ચિત્રસ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઈસરોએ પોતાના પેજ પર આ ચિત્ર સ્પર્ધાની વિજેતા યાદી પણ જાહેર કરી છે. જે તમે ઈસરોની આધિકારિક વેબસાઈટ પર જઈને જોઈ શકો છો. બિહારની આશિતા મતીન પ્રથમ, કર્ણાટકની હર્ષિતા કોકુ બીજા સ્થાને રહી હતી, જ્યારે પંજાબની અરમાનદીપ સિંહને ત્રીજું સ્થાન મળ્યું હતું.

    શું છે આગામી ભવિષ્યમાં ISROના લક્ષ્ય?

    ઉલ્લેખનીય છે કે ISROએ આગામી ટૂંકા ભવિષ્યમાં તેમના અંતરિક્ષ મિશનોને લઈને નક્કી કરેલા સંકલ્પો વિશે પણ માહિતી આપી હતી. આવતા વર્ષે, એટલે કે 2025માં એક હ્યુમન સ્પેસ મિશન કરવામાં આવશે. જેમાં 3 સભ્યોની એક ટીમને ધરતીથી 400 કિલોમીટર ઉપર અવકાશમાં મોકલવામાં આવશે. આ જ શ્રેણીમાં પ્રથમ અનમેન્ડ લોન્ચ શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે.

    ભવિષ્યના મિશન વિશે માહિતી આપતા ઈસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ ચંદ્રયાન 4 અને 5ની ડિઝાઈન પૂર્ણ કરી દેવામાં આવી છે. ISROને સરકારની પરવાનગી મળે તેની રાહ છે. આ મિશન ભારતની લૂનાર એક્સપ્લોરેશન કેપેબલીટીને આગળ લઈ જશે. પ્રાથમિક માહિતી અનુસાર પોતાના આગામી મિશનમાં ISRO ચન્દ્રમાની માટીને ધરતી પર લાવીને તેમાં શોધ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.

    એટલું જ નહીં, જેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આગામી સમયમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન અંતરિક્ષમાં હશે, તે દિશામાં કામ કરતા ISROએ માહિતી આપી છે કે ભારતના પોતાના સ્પેસ સ્ટેશનમાં 5 મોડ્યુલ હશે, પ્રથમ મોડ્યુલ 2028માં લોન્ચ થશે. તેના માટે પણ ડિઝાઈનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સરકાર પાસે મંજૂરી મેળવવા માટે તમામ રિપોર્ટ મોકલી દેવામાં આવ્યા છે.આ સ્પેસ સ્ટેશન પર પણ અંતરિક્ષયાત્રીઓ લાંબો સમય સુધી રહીને રીસર્ચ કરશે. ભારત વર્ષ 2040 સુધીમાં ભારતીય અંતરિક્ષયાત્રીઓને ચંદ્રમા પર મોકલવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેના પર પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

    વડાપ્રધાન મોદીએ કરી હતી અંતરિક્ષ દિવસની ઉજવણીની જાહેરાત

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. તેમણે 26 ઓગસ્ટ 2023ના રોજ બેંગલુરુમાં પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતાં આ ઘોષણા કરી હતી. ત્યાર બાદ 14 ઓકટોબર, 2023ના રોજ ભારત સરકાર દ્વારા અધિકારીક રીતે આ બાબતની ઘોષણા કરી દેવામાં આવી હતી. ભારત સરકારના અંતરિક્ષ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ અને પ્રજ્ઞાન રોવરના ડિપ્લોયમેન્ટની સાથે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3 મિશન સફળ થયું. આ મિશને ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર પ્રથમ દેશ તરીકે ઓળખ આપી અને ચંદ્રમા પર લેન્ડ થનાર દેશોની સૂચિમાં પણ સ્થાન અપાવ્યું. આ ઐતિહાસિક મિશનનાં પરિણામો આવનાર વર્ષોમાં માનવતાને અઢળક લાભ પહોંચાડશે.

    સરકારની આધિકારિક જાહેરાતમાં જણાવ્યા અનુસાર દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવીને ચંદ્રયાન-3 મિશનની સફળતાને યાદ કરવામાં આવશે. આ નોટિફિકેશનમાં તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ દિવસ અંતરિક્ષ મિશનમાં દેશની પ્રગતિનો પાયો છે. આ મિશનથી અંતરિક્ષ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને યુવાઓ આ સેક્ટરમાં આવવા માટે પ્રેરિત થશે. તેના કારણે જ સરકારે 23 ઓગસ્ટના ઐતિહાસિક દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં