Wednesday, April 1, 2026
More
    હોમપેજગુજરાતકન્નડ લેખક એસ. એલ ભૈરપ્પાનું 94 વર્ષની વયે નિધન: પદ્મભૂષણ સહિત મળ્યાં...

    કન્નડ લેખક એસ. એલ ભૈરપ્પાનું 94 વર્ષની વયે નિધન: પદ્મભૂષણ સહિત મળ્યાં હતાં અનેક સન્માન, ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ હતી નવલકથાઓ

    ભૈરપ્પાએ લગભગ ત્રણ દાયકાઓ સુધી શિક્ષણ ક્ષેત્રમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. જોકે તેમનું પેશન નવલકથાઓ લખવાનું રહ્યું.

    - Advertisement -

    પ્રખ્યાત કન્નડ નવલકથાકાર, ચિંતક અને પદ્મ ભૂષણ પ્રાપ્ત સંતેશીવર લિંગન્નૈયા ભૈરપ્પાનું (S.L. Bhyrappa) અવસાન થયું છે. 94 વર્ષની ઉંમરે 24 સપ્ટેમ્બર 2025ના રોજ બેંગલુરુમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સમાચારથી સમગ્ર દેશ, ખાસ કરીને કન્નડ સાહિત્ય અને સંસ્કૃતિના પ્રેમીઓમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. તેમની નવલકથાઓએ ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, ફિલોસોફી અને સામાજિક મૂલ્યો પર ઊંડી છાપ છોડી હતી, જેના કારણે તેમની ગણના આધુનિક ભારતના સૌથી પ્રભાવશાળી લેખકોમાં થતી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૈરપ્પાના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

    PM નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, “એસ. એલ ભૈરપ્પાના નિધનથી આપણે એક એવું પ્રખર વ્યક્તિત્વ ગુમાવી દીધું જેણે આપણા અંતરાત્માને જગાવવાનું કામ કર્યું હતું, જેણે ભારતના આત્માને સમજવાના પ્રયાસો કર્યા હતા. તેમણે એક નીડર અને સશક્ત ચિંતક તરીકે પોતાની રચનાઓથી કન્નડ સાહિત્યને ઊંડાઈ આપી. તેમનાં પુસ્તકોએ નવી પેઢીને વિચારવા, પ્રશ્નો કરવા અને સમાજ સાથે જોડાવા માટે પ્રેરિત કરી હતી.”

    વડા પ્રધાને આગળ લખ્યું કે, “આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે તેમનો વિશેષ લગાવ આવનાર સમયમાં પણ લોકોને પ્રેરણા આપતો રહેશે. આ દુઃખના સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે.”

    - Advertisement -

    જન્મ અને પ્રારંભિક જીવન

    એસ.એલ. ભૈરપ્પા 20 ઓગસ્ટ 1931ના રોજ કર્ણાટકના હસન જિલ્લાના ચન્નારાયપટ્ટણ તાલુકાના સંતેશીવર ગામમાં જન્મ્યા હતા. બાળપણમાં પ્લેગથી તેમની માતા અને ભાઈઓનું મૃત્યુ થયું, જેના કારણે તેમનું પ્રારંભિક જીવન કષ્ટદાયી રહ્યું. શિક્ષણ માટે પૈસા ન હોવાને કારણે તેમણે રેલ્વે પોર્ટર, કામદાર જેવી નાની-મોટી નોકરીઓ કરી. એક સમયે તેમણે મુંબઈમાં સાધુઓની સાથે પણ સમય વીતાવ્યો, પરંતુ પછીથી તેઓ મૈસુર પરત ફર્યા અને શિક્ષણ પૂરું કર્યું હતું.

    તેમણે નવોદય હાઈસ્કૂલ, ચન્નારાયપટ્ટણ અને શારદાવિલાસ હાઈસ્કૂલ, મૈસુરમાં શિક્ષણ મેળવ્યું હતું. મૈસુર યુનિવર્સિટીથી ફિલોસોફીમાં બી.એ. (હોન્સ) અને એમ.એ. થયા, જેમાં તેમને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. પછીથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડામાંથી ફિલોસોફી પર ડૉક્ટરેટ પણ પૂર્ણ કર્યું. તેમની આત્મકથા ‘ભીત્તિ’માં (Bhitti) તેમણે પોતાના જીવનનાં આ કષ્ટો અને સંઘર્ષો વિશે વિગતે લખ્યું છે.

    ભૈરપ્પાએ લગભગ ત્રણ દાયકાઓ સુધી શિક્ષણ ક્ષેત્રમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેમણે શ્રી કદસિદ્ધેશ્વર કોલેજ, હુબ્લી, સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત, એનસીઇઆરટી, દિલ્હી અને મૈસુરના રીજીનલ કોલેજ ઑફ એજ્યુકેશનમાં લૉજિક અને સાયકોલોજીના લેક્ચરર તરીકે સેવા આપી હતી. 1991માં નિવૃત્તિ લેવા છતાં તેમણે સાહિત્ય સેવા અને લેખન જીવનભર ચાલુ રાખ્યાં.

    સાહિત્યિક યોગદાન

    ભૈરપ્પાએ પોતાના પાંચ દાયકાથી વધુ લાંબા સાહિત્યિક જીવનમાં 24 નવલકથાઓ લખી, જેમાંથી ઘણી વાર્તાઓએ સામાજિક, ઐતિહાસિક અને ફિલોસોફિકલ પાસાંને સ્પર્શ કર્યો છે. તેમની મુખ્ય કૃતિઓમાં આ પુસ્તકો સામેલ છે:

    પર્વ (Parva): મહાભારતની કથાને નવી દૃષ્ટિકોણથી રજૂ કરતી આ નવલકથામાં સામાજિક મૂલ્યો અને માનવીય સંઘર્ષોનું ચિત્રણ છે. આ નવલકથા વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ છે.

    વંશવૃક્ષ (Vamshavriksha): પરંપરા અને પરિવર્તન વચ્ચેના સંઘર્ષને રજૂ કરે છે, જે 1968માં લખાઈ હતી.

    ગૃહભંગ (Gruhabhanga): પરિવારના વિચ્છેદન અને જીવનના પડકારોની વાર્તા છે.

    આવરણ (Aavarana): ઇતિહાસના પડદા ઉઘાડતી આ નવલકથા ગુજરાતીમાં પણ અનુવાદિત થઈ છે. આ નવલકથામાં કટ્ટરપંથ, લવ જેહાદ અને સામ્યવાદનાં કાળાં પાસાંનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું છે.

    મંદ્ર (Mandra): સંગીતના જાદુ અને માનવીય સંબંધોનું ગાઢ ચિત્રણ.

    ઉત્તરકાંડ (UttaraKaanda): રામાયણના અંતિમ પ્રસંગો પર આધારિત, જે 2017માં પ્રકાશિત થઈ હતી અને તેમની અંતિમ નવલકથા હોવાનું જાહેર કર્યું.

    પર્વ અને આવરણ જેવી કૃતિઓ માટે વિવાદો સર્જવાના પણ પ્રયાસો થયા હતા, પરંતુ તેમની અને પુસ્તકોની લોકપ્રિયતા અવિરત રહી. તેમનાં પુસ્તકોના અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે, જેમાં ગુજરાતી પણ સામેલ છે. આવરણનો ગુજરાતી અનુવાદ થોડા સમય પહેલાં જ આવ્યો હતો, જેને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અનેક નવલકથાઓ ફિલ્મોમાં પણ રૂપાંતરિત થઈ ચૂકી છે.

    પુરસ્કારો અને સન્માન

    તેમના અસાધારણ સાહિત્યિક યોગદાન માટે ભૈરપ્પાને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    પદ્મ ભૂષણ (2016): ભારત સરકાર દ્વારા તેમના સાહિત્યિક અને સાંસ્કૃતિક યોગદાન માટે.

    સરસ્વતી સમ્માન (2010): તેમની કૃતિઓ અને તેના સમાજ પર પ્રભાવ માટે.

    સાહિત્ય અકાદમી પુરસ્કાર (1975): દાતુ નવલકથા માટે.

    કન્નડ સાહિત્ય અકાદમી પુરસ્કાર: વંશવૃક્ષ (1968) અને દાતુ (1974) માટે.

    સાહિત્ય અકાદમી ફેલોશિપ (2015): તેમના સાહિત્યિક યોગદાન માટે.

    નોંધનીય છે કે ભૈરપ્પાએ તેમની આખી જિંદગી સાહિત્ય સેવામાં વિતાવી, તેમણે 2017માં ઉત્તરકાંડ લખ્યા બાદ નવી નવલકથા લખવાનું બંધ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે ઉંમરના કારણે નવી કૃતિ શક્ય નથી. લેખકો, રાજકારણીઓ અને સામાન્ય જનતાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એસ.એલ. ભૈરપ્પા એક એવા સાહિત્યકાર હતા જેમણે પોતાની નવલકથાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઊંડી સમજણ અને વિચારોને પેઢીઓ સુધી પહોંચાડ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં