Monday, March 9, 2026
More
    હોમપેજગુજરાતદિલ્હી બ્લાસ્ટ બાદ પોલીસે હાથ ધરેલા કૉમ્બિંગ દરમિયાન કોડીનારના ગામની દરગાહમાંથી મળ્યાં...

    દિલ્હી બ્લાસ્ટ બાદ પોલીસે હાથ ધરેલા કૉમ્બિંગ દરમિયાન કોડીનારના ગામની દરગાહમાંથી મળ્યાં ઘાતક હથિયારો, મુંજાવરની ધરપકડ: વાંચો FIRની વિગતો

    હાલ આરોપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે અને ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હથિયારો દરગાહમાં કેવી રીતે પહોંચ્યાં? કોના દ્વારા અપાયાં અને હથિતારો રાખવાનો હેતુ શું હતો એ અંગે તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની એક દરગાહમાંથી ઘાતક હથિયારો મળી આવ્યાં હોવાનું સામે આવ્યું છે. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતના સમુદ્રી વિસ્તારમાં SOG સહિતની પોલીસ ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું. એ જ કડીમાં કોડીનારના મૂળદ્વારકા વિસ્તારમાં પણ તપાસ ચાલી રહી હતી. દરમિયાન તે વિસ્તારની હઝરત કચ્છી પીરની દરગાહમાં તપાસ કરતા ત્યાંથી ઘાતક હથિયારો મળી આવ્યાં હતાં. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને દરગાહના મુંજાવર અમીનશા ઈસ્માઈલશા કનોજીયાની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે. 

    ઘટનાની વિગતો અનુસાર, રવિવારે (16 નવેમ્બર) ગીર સોમનાથ જિલ્લા પોલીસે સંવેદનશીલ દરિયાકાંઠાના ગામો અને બંદર વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ તપાસ કરવાના હેતુ સાથે એસપી જયદીપસિંહ જાડેજાની દેખરેખ હેઠળ આ ઑપરેશન ચાલી રહ્યું હતું. આ ઑપરેશનમાં બે DySP, છ PI, સાત PSI, SOG, LCB અને બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત 120થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા. કોડીનાર, ઉના અને વેરાવળની સંયુક્ત પોલીસ ટીમે મૂળ દ્વારકા બંદર પર અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું અને નજીકના ગામોમાં રહેતા લોકોની પૂછપરછ કરી હતી. 

    દરગાહમાંથી મળ્યાં હથિયારો

    તપાસ દરમિયાન SOGની ટીમને હઝરત કચ્છી પીર બાબા નામની દરગાહમાંથી ફરસા, છરા અને તલવારો સહિતનાં હથિયારો મળી આવ્યાં હતાં. આ દરમિયાન દરગાહનો કેરટેકેર (મુંજાવર) અમીનશા ઈસ્માઈલશા પણ ત્યાં હાજર હતો. પોલીસે પંચની હાજરીમાં તેની પાસેથી હથિયારોનો પરવાનો માગતાં તે આપી શક્યો નહોતો. જે બાદ પોલીસે ઘટનાસ્થળ પરથી હથિયારો જપ્ત કર્યાં હતાં અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. હાલ પોલીસ તે હથિયારો દરગાહમાં કેવી રીતે આવ્યાં? શું ઇરાદો હતો વગેરે પાસાં પર તપાસ કરી રહી છે. 

    - Advertisement -

    આ કેસ મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં દરગાહના મુંજાવર વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પોતે ફરિયાદી બનીને FIR નોંધી છે. SOGના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરીએ ફરિયાદ દાખલ કરાવી હતી અને ત્યારબાદ ગુનો પણ દાખલ થયો છે. પોલીસે અમીનશા ઈસ્માઈલશા વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટ 135 હેઠળની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ફરિયાદી પોલીસકર્મીએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના કલેકટ દ્વારા હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ સહિતની ટીમો કોમ્બિંગ કરી રહી હતી અને મૂળ દ્વારકામાં કચ્છી પીરની દરગાહ પર તપાસ કરતા હથિયારો મળી આવ્યાં હતાં. જે બાદ દરગાહની સંભાળ રાખનારા મુંજાવર વિરુદ્ધ જાહેરનામાં ભંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    પોલીસકર્મી અનુસાર, હાલ આરોપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે અને ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હથિયારો દરગાહમાં કેવી રીતે પહોંચ્યાં? કોના દ્વારા અપાયાં અને હથિતારો રાખવાનો હેતુ શું હતો એ અંગે તપાસ ચાલી રહી છે.

    જિલ્લા પોલીસ વડાએ ઑપઇન્ડિયાને શું જણાવ્યું?

    ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના બાદ જિલ્લા પોલીસની ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં કૉમ્બિંગ હાથ ધર્યું હતું, દરમ્યાન એક દરગાહની તપાસ કરતી વખતે હથિયારોનો જથ્થો મળ્યો. તેના કોઈ દસ્તાવેજો ન હોતાં જવાબદારોની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

    તેમણે ઉમેર્યું કે વિસ્તારમાં તપાસ દરમિયાન અન્ય પણ ઘણા કેસ મળી આવ્યા હતા, જેમાં કોઈ પોલીસને જાણ કર્યા વગર અન્ય રાજ્યોમાંથી આવેલા ભાડૂઆત રહેતા હતા તો કોઈની સામે અન્ય નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આગળ પણ પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરતી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ ગીર સોમનાથમાં જ એક ઠેકાણે ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન દરગાહ હટાવવા ગયેલી પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ પર હુમલો થવાની પણ ઘટના સામે આવી છે. જે મામલે મહિલાઓ સહિતના ટોળાં સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ જ ગીર સોમનાથમાંથી તાજેતરમાં અમુક કાશ્મીરી શખ્સોની પણ અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમની પાસેથી કશું શંકાસ્પદ મળ્યું ન હતું. જોકે એસપી જાડેજાનું કહેવું છે કે આ બધી સેપરેટ ઘટનાઓ છે, અને હજુ સુધી કોઈ કડી મળી આવી નથી.

    ગુજરાત ATSએ પકડેલા આતંકીઓએ પણ કલોલના કબ્રસ્તાનમાં છુપાવ્યાં હતાં હથિયારો

    અહીં એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે તાજેતરમાં જ ગુજરાત ATSએ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેઓ હથિયારની હેરફેર માટે ગુજરાત આવ્યા હતા. આ આતંકવાદીઓએ પણ હથિયારો ગાંધીનગરના કલોલના એક કબ્રસ્તાનમાં છુપાવ્યાં હોવાની જાણકારી મળી હતી. પહેલાં UPના બે આતંકીઓ રાજસ્થાનથી હથિયારો લઈને કલોલ પહોંચ્યા હતા અને કબ્રસ્તાનમાં મૂકી દીધાં હતાં. પછીથી હૈદરાબાદનો સૈયદ જઈને હથિયારો લઈ આવ્યો હતો. જોકે તે ગુજરાતની બહાર નીકળે તે પહેલાં જ એટીએસની ટીમે દબોચી લીધો હતો. હાલ આ તમામની પૂછપરછ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં