હોમપેજગુજરાતસોમનાથમાં ગેરકાયદે દરગાહ હટાવવા પહોંચેલા અધિકારીઓ પર પથ્થરમારો, બે પોલીસકર્મી ઘાયલ: મહિલાઓ...

સોમનાથમાં ગેરકાયદે દરગાહ હટાવવા પહોંચેલા અધિકારીઓ પર પથ્થરમારો, બે પોલીસકર્મી ઘાયલ: મહિલાઓ સહિત 100ના મુસ્લિમ ટોળા સામે ગુનો– વાંચો FIRની વિગતો

પથ્થરમારાની આ ઘટનાને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે 17 નામજોગ શખ્સો સહિત 100ના ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હુમલાની ઘટના બાદ પોલીસે વિડીયો ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી. સરકારી જમીન પર ઊભા થયેલા બાંધકામોને દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક દરગાહના ડિમોલિશનને લઈને મુસ્લિમ ટોળું એકઠું થઈ ગયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હતાં. આ ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. હાલ આ ઘટના મામલે 100ના ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

માહિતી અનુસાર, સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો સામે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં અનેક રહેણાંક અને કમર્શિયલ ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવામાં આવી રહ્યાં છે. આ જ કડી હેઠળ 10 નવેમ્બરના રોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના શંખ સર્કલ પાસે સોમનાથ મંદિરની નજીક 11 જેટલી સંપત્તિઓ, જેમાં દુકાનો, મકાનો અને મજહબી સ્થળો સામેલ છે, તેને હટાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મોટાભાગનું દબાણ હટાવ્યા બાદ પોલીસ સહિતની ટીમો સાંજના સમયે ગેરકાયદે હઝરત રંગીલાશાહ દરગાહને હટાવવા પહોંચી તો બુરખાધારી મહિલાઓ અને બાળકો સાથેનું એક ટોળું ત્યાં ઘસી આવ્યું હતું અને પોલીસ સાથે વિવાદ શરૂ કરી દીધો હતો. પોલીસે આ ભીડને સમજાવવા માટેના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ ભીડમાં રહેલા શખ્સોએ દેકારો કરીને પોલીસ પર સીધો હુમલો કરી દીધો હતો અને પથ્થરો વરસાવવાના શરૂ કરી દીધા હતા. 

- Advertisement -
દરગાહ (ફોટો: ભાસ્કર)

આ દરમિયાન પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ત્રણ ટિયરગેસના સેલ છોડ્યા હતા. ત્યારબાદ ટોળું વિખેરાયું હતું અને સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. આ પથ્થરમારાની ઘટનામાં પ્રભાસ પાટણના પીઆઈ એમવી પટેલ તેમજ સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 80થી 100 માણસોના ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. 

સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ પોલીસે આરોપીઓને શોધવા માટે ઑપરેશન હાથ ધર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને હુમલાખોરો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ટોળાંમાં રહેલી મહિલાઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

17 નામજોગ અને 100ના ટોળાં સામે ગુનો

પથ્થરમારાની આ ઘટનાને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે 17 નામજોગ શખ્સો સહિત 100ના ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હુમલાની ઘટના બાદ પોલીસે વિડીયો ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ મામલતદાર રણજીતસિંહ ખેરની ફરિયાદના આધારે પોલીસે 17 નામજોગ શખ્સો સહિત આશરે 100ના ટોળાં વિરુદ્ધ FIR નોંધી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં BNSની (ભારતીય ન્યાય સંહિતા) કલમ 189(2), 189(3), 189(5), 190, 191(2), 195(1), 125, 121(1) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયેલા મુખ્ય આરોપીઓમાં રફીક ગઢીયા, શબાના હારુન મોઠીયા, રજીયા હુસૈન કાલવાત, સાકીલ ઉર્ફે ભૂરો, ગુલામ સાબિર ડૉક્ટર, રાજુશા હિનફશા બાનવા, શકીલ ઉર્ફે ગલી કાલવાત, ઓબામા, નદીમ કાલવાણીયા, અયુબ બદામ, રફીક ઉર્ફે બોદુ, સબ્બીર મૌલાના, સુફિયાન કાલવાણીયા, મયુદ્દીન હનીફ આમદ મહમદ મહિડા, સબ્બીર ઇકબાલ અને સબ્બીર હારુનનો સમાવેશ થાય છે. 

ઑપઇન્ડિયા સાથે વાત કરતા ફરિયાદી નાયબ મામલતદાર (સર્કલ ઓફિસર) રણજીતસિંહ ખેરે જણાવ્યું હતું કે સરકારી કામ હેઠળ તેમની ટીમ પોલીસ સુરક્ષા સાથે હઝરત રંગીલા દરગાહને ધ્વસ્ત કરવા માટે પહોંચી હતી. આ દરગાહ સરકારી જમીન પર બનેલી છે. જેવી ટીમ ત્યાં પહોંચી કે સ્થાનિક મહિલાઓ, બાળકો અને પુરુષોના ટોળાંએ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી અને પોલીસના સમજાવવા છતાં સરકારી કામમાં દખલ કરી. પોલીસે વધુ સમજાવવાનો પ્રયાસ કરતા મહિલાઓ સહિતના ટોળાંએ પથ્થરો ફેંકવાના શરૂ કરી દીધા હતા. 

ખેરે આગળ જણાવ્યું કે, પથ્થરમારો તીવ્ર થયા બાદ પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો અને ટિયર ગેસના સેલ છોડી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. તેમણે એવું પણ કહ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં લીધા બાદ તેમની ટીમે પોલીસ સાથે મળીને ગેરકાયદે દરગાહને ધ્વસ્ત કરી દીધી હતી. તેમણે જણાવ્યું છે કે પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે, પણ ડિમોલિશન ડ્રાઈવ હજુ પણ ચાલુ જ રાખવામાં આવશે.

હુમલા બાદ આરોપીઓને પકડવા માટે પોલીસે તાત્કાલિક કોમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું છે. જોકે મોટાભાગના આરોપીઓ ઘટના બાદ ભાગી છૂટ્યા હોવાનું કહેવાયું છે, જેની શોધખોળ પોલીસ કરી રહી છે. પ્રશાસને સ્પષ્ટ કહ્યું છે કે સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત ચાલુ રહેશે અને કાયદો હાથમાં લેનાર તેમજ સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. 

વધુ જાણકારી માટે પ્રભાસપાટણ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળવાની સ્થિતિમાં રિપોર્ટ અપડેટ કરી દેવાશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં