Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2022માં ગુજરાતની સૌથી રસપ્રદ ઘટના એટલે વિધાનસભા ચૂંટણી: જાણીએ આ ચૂંટણીમાં આપણે...

    2022માં ગુજરાતની સૌથી રસપ્રદ ઘટના એટલે વિધાનસભા ચૂંટણી: જાણીએ આ ચૂંટણીમાં આપણે કેવા ઉતાર-ચડાવ જોયા

    હવે વર્ષ પૂરું થઇ રહ્યું છે ત્યારે એક નજર કરીએ ગુજરાતની અને ગુજરાતીઓની ચૂંટણીયાત્રા ઉપર.

    - Advertisement -

    ગુજરાતીઓ માટે 2022નું વર્ષ સવિશેષ મહત્વનું હતું. કારણ કે ચૂંટણી હતી અને ભારતમાં ચૂંટણી એક ઉત્સવની જેમ ઉજવાય છે. ગુજરાતીઓએ પણ આ ઉત્સવ ભારે ઉત્સાહથી ઉજવ્યો. 182 બેઠકો પર ચૂંટણી થઇ, શાંતિપૂર્ણ રીતે પૂરી થઇ, નવી સરકાર બની અને કામે પણ લાગી ગઈ છે. હવે વર્ષ પૂરું થઇ રહ્યું છે ત્યારે એક નજર કરીએ આ ‘ચૂંટણીયાત્રા’ ઉપર. 

    ચૂંટણી હોય એટલે વર્ષ શરૂ થાય ત્યારથી ગણગણાટ શરૂ થઇ જાય છે, ધીમે-ધીમે તૈયારીઓ શરૂ થવા માંડે છે. આ ચૂંટણીમાં સૌથી પહેલી તૈયારીઓ આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી હતી. જેના કારણે ચૂંટણીનો માહોલ પણ બહુ વહેલો લગભગ માર્ચ-એપ્રિલ મહિનામાં બનવા માંડ્યો હતો. આમ આદમી પાર્ટી ઉપરાંત ચૂંટણીની તૈયારીઓ માંડવામાં પાટીદાર નેતા નરેશ પટેલે પણ મોટો ભાગ ભજવ્યો. જોકે, મહિનાઓ સુધી સમર્થકો, નેતાઓ અને મીડિયાને ચકડોળે ચડાવ્યા બાદ છેવટે જૂનમાં તેમણે જાહેર કરી દીધું કે તેઓ રાજકારણમાં જોડાશે નહીં.

    લગભગ માર્ચ-એપ્રિલ મહિનામાં આમ આદમી પાર્ટીએ ફૂલ-ફ્લેજ્ડ પ્રચાર શરૂ કરી દીધો હતો. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનિષ સિસોદિયા જેવા નેતાઓ પણ અવારનવાર આવતા રહેતા તો અહીં સ્થાનિક નેતાઓએ પણ પ્રચાર કરવા માંડ્યો હતો. બાકીનું કામ મેઈનસ્ટ્રીમ મીડિયાએ કરી આપ્યું હતું. 

    - Advertisement -

    જોકે, મોટા ઉપાડે શરૂઆત કર્યા પછી પણ આમ આદમી પાર્ટીને પહેલેથી છેક સુધી જમીની સ્તરે ખાસ સમર્થન મળ્યું નહીં. મે મહિનામાં પાર્ટીએ ‘પરિવર્તન યાત્રા’ કાઢી હતી, પણ સાવ ફ્લૉપ ગઈ. પહેલાં પંજાબથી વાહનો મંગાવવામાં આવતાં હોવાનું બહાર આવ્યું તો પછી ઈસુદાન ગઢવી જેવા નેતાઓની સભામાં લોકો જ ન આવ્યા.

    બીજી તરફ, આ જ સમય દરમિયાન કોંગ્રેસમાંથી નારાજ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું. તેની ચર્ચા હજુ તો ચાલતી જ હતી ત્યાં ભરતસિંહ સોલંકીએ ભગવાન શ્રીરામ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને પાર્ટીને વધુ તકલીફમાં મૂકી. જોકે, વિવાદિત નિવેદનો આપવામાં તો પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ પાછળ ન રહ્યા. તેમણે પણ ‘દેશના સંસાધનો પર પહેલો હક લઘુમતી સમાજનો છે’ તેમ કહીને વિવાદ શરૂ કરી દીધો હતો. તેનો પણ પાર્ટીએ વિરોધ વેઠવો પડ્યો અને બજરંગ દળે પાર્ટી ઓફિસની બહાર ‘હજ હાઉસ’નાં પોસ્ટરો લગાવી દીધાં હતાં, જે મુદ્દો પણ ખાસ્સો ચર્ચામાં રહ્યો.

    વચ્ચે એવી પણ ચર્ચાઓ કે અફવાઓ ઉડી હતી કે ચૂંટણી વહેલી (મે-જૂનમાં) આવી શકે. અમુક અખબારોએ પહેલા પાને આ પ્રકારના રિપોર્ટ પણ છાપ્યા હતા. પણ ભાજપ સરકાર AAPની વધતી લોકપ્રિયતાથી ડરી જઈને વહેલી ચૂંટણી લાવશે તેવું સાબિત કરવાના પ્રયાસો વ્યર્થ ગયા અને ચૂંટણી તેના સમયે જ આવી. 

    ચૂંટણી પહેલાં ભાજપ-વિરોધી કહી શકાય તેવો થોડો-ઘણો માહોલ બની ગયો હતો. કર્મચારીઓનાં લગભગ તમામ સંગઠનો વારાફરતી ગાંધીનગર જઈને પોતાની માંગણીઓ રજૂ કરી આવ્યાં હતાં. પેપરલીક કાંડ અને અન્ય નાની-મોટી ઘટનાઓ પણ આ સમય દરમિયાન જ ઘટી. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ સતત પોતાનું અસ્તિત્વ દેખાડવા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા. 

    આ આંદોલનોમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ કરતાં પણ આમ આદમી પાર્ટીએ મોટો ભાગ ભજવ્યો. પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા પેપરલીક કાંડમાં લગભગ રોજ પ્રેસ કોન્ફરન્સ કરતા રહ્યા, વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ કમલમ્ પર જઈને હોબાળો મચાવ્યો, જેમાં પછીથી પાર્ટીના CM ઉમેદવાર બનેલા ઈસુદાન ગઢવી સામે દારૂ પીને ધમાલ કરવાના આરોપસર કેસ પણ દાખલ થયો હતો. 

    અરવિંદ કેજરીવાલે પણ આ સમય દરમિયાન આંટાફેરા વધારી દીધા અને દિલ્હી મોડેલના નામે મત માંગવાના શરૂ કર્યા હતા. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ તો હજુ ચૂંટણી જાહેર પણ ન હતી થઇ તેના પણ બહુ પહેલાંથી ઉમેદવારો જાહેર કરવા માંડ્યા હતા. 

    આ સમય દરમિયાન રાજકીય ચર્ચાઓમાં આમ આદમી પાર્ટી જ છવાયેલી રહેતી હતી. તેનું કારણ એ હતું કે બાકીની બે પાર્ટીઓએ ચૂંટણીલક્ષી કામો શરૂ તો કર્યાં હતાં પરંતુ લોકો સુધી પહોંચવાનું શરૂ કર્યું ન હતું. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહેવા માટે પણ જે કરવું પડે એ કર્યું.

    ભાજપ અને કોંગ્રેસ આ સમય દરમિયાન સંગઠન મજબૂત કરવામાં અને ચૂંટણી પહેલાંની તૈયારીઓ કરવામાં લાગ્યાં હતાં. જોકે, કોંગ્રેસે તો બહુ ખાસ કર્યું હોય તેવું પરિણામ પરથી લાગ્યું નહીં પણ ભાજપે આ સમય દરમિયાન જે કામ કર્યું એ પરિણામોમાં સ્પષ્ટપણે દેખાયું. 

    સી. આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી જ ભાજપનું સંગઠન સતત સક્રિય થયું હતું પરંતુ ચૂંટણી પહેલાં તેને વધુ સક્રિય બનાવાયું. તેમણે ‘વન ડે-વન ડિસ્ટ્રિક્ટ’ જેવા કાર્યક્રમો કરીને આખા રાજ્યમાં ફર્યા, બાકીના નેતાઓને પણ કામો સોંપવામાં આવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ અવારનવાર ગુજરાત આવતા રહ્યા. 

    વચ્ચે સમય એવો આવ્યો જ્યારે આમ આદમી પાર્ટી બેકફૂટ ઉપર આવી ગઈ અને તમામ ખોટાં કારણોસર પાર્ટી ચર્ચામાં અને વિવાદોમાં આવવા માંડી. અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી એક ધર્માંતરણ કાર્યક્રમમાં જઈ આવ્યા અને એ મુદ્દાને પકડી લેવામાં આવ્યો. કેજરીવાલ વિરુદ્ધ ગુજરાતમાં પોસ્ટરો લાગ્યાં, ઠેરઠેર તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો. જેના કારણે પછી તેમણે કૃષ્ણ અને કંસની વાતો પણ કરવી પડી અને બાજી વધારે બગડતી ગઈ તો આખરે ચલણી નોટો ઉપર દેવી-દેવતાઓની તસવીરો છાપવાની માંગ પણ કરવી પડી. જોકે, આ બધાં ગતકડાં કરવા છતાં પણ કશું ઉપજ્યું નહીં. 

    બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના એક પછી એક જૂના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા, જેણે પણ પાર્ટીની બાજી બગાડી. પાર્ટીમાંથી ઘણા નેતાઓ ગયા તો આંતરિક વિખવાદ પણ ઘણે અંશે વધ્યો અને આ બધું પાર્ટી સમયસર ડામી શકી નહીં અને ત્યાં ચૂંટણી આવી ગઈ. ચૂંટણી પહેલાં વિડીયો જાહેર થવા મામલે કોંગ્રેસ પણ પાછળ રહી નહીં. પાર્ટીના બે ધારાસભ્યોના ઉપરાછાપરી બે વિડીયો જારી થયા. જેમાં પહેલો વિડીયો સિદ્ધપુરના કોંગ્રેસી MLAનો હતો, જેમણે ‘દેશને મુસ્લિમો જ બચાવી શકે’ તેમ કહીને વિવાદ શરૂ કરી દીધો હતો. બીજી બાજુ, ખેરાલુના MLA ઈંદ્રજિત પરમારનો પણ એક વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ દવાખાનું હિંદુ વિસ્તારમાં ન જવા દેવા માટે મુસ્લિમોને બાંહેધરી આપતા જોવા મળ્યા હતા.

    આ ચૂંટણીમાં રાજ્યની મુસ્લિમ બહુમતી બેઠકો ઉપર અસદુદ્દીન ઓવૈસીએ પણ તેમની પાર્ટીના ઉમેદવારો ઉતાર્યા હતા. AIMIMના 13 ઉમેદવારો ચૂંટણી લડ્યા પરંતુ તેમાંથી એકપણ જીતી શક્યો નહીં અને ઘણી બેઠકો પર તો પાર્ટી સ્પર્ધામાં પણ રહી નહીં.

    ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને આખી પાર્ટી એક્શનમાં આવી ગઈ. ગૃહમંત્રી અમિત શાહ મોટાભાગનો સમય ગુજરાતમાં રહ્યા અને કમાન પોતાના હાથમાં રાખી. પીએમ મોદીએ ભરપૂર સભાઓ કરી અને લગભગ દરેક જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા. ગૃહમંત્રી અમિત શાહે પણ દરેક ઝોનમાં જઈને બેઠકો કરી, કાર્યકર્તાઓને સાંભળ્યા. ઉપરાંત, ચૂંટણી પહેલાં પાર્ટીએ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓને પણ પ્રચારમાં ઉતાર્યા. બે વખત કાર્પેટ બોમ્બિંગ થકી પ્રચાર કર્યો. આ સમય દરમિયાન મુખ્યમંત્રીએ પણ ખૂબ પ્રચાર કર્યો અને સી. આર પાટીલે પ્રચાર કરવા કરતાં પડદા પાછળ મોટી ભૂમિકા ભજવી.

    આ સમય દરમિયાન કોંગ્રેસે શું કર્યું એ હજુ પણ એક પ્રશ્ન છે. કારણ કે કંઈ કર્યું હોત તો પરિણામોમાં દેખાયું હોત. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતવા માટે લડી જ ન હતી અને જેના કારણે કાર્યકર્તાઓ અને નેતાઓએ પણ ખાસ મહેનત કરી નહીં. રાહુલ ગાંધી માત્ર બે જ રેલીઓ કરી ગયા. પછી આવ્યા જ નહીં. પ્રિયંકા ગાંધીને આમંત્રણ હોવા છતાં ન આવ્યાં. જેના કારણે આ ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી જ લડતા હોય એમ લાગ્યું. કોંગ્રેસ ક્યાંય ચર્ચામાં પણ ન રહી, લડાઈમાં પણ નહીં અને આખરે પરિણામમાં પણ ન દેખાઈ. જોકે, પરિણામમાં તો AAP પણ દેખાઈ ન હતી.

    ચૂંટણી પહેલાંના 10 દિવસ બહુ અગત્યના હોય છે. પરિણામોનો મોટો આધાર આ દિવસો ઉપર હોય છે. આ સમય દરમિયાન પીએમ મોદીની રેલીઓએ મોટો ભાગ ભજવ્યો. બીજી તરફ, આમ આદમી પાર્ટીના મોટા નેતાઓનું ધ્યાન પોતાની બેઠકો પૂરતું જ સીમિત થઇ ગયું. કોંગ્રેસે તો પહેલાં પણ કંઈ કર્યું ન હતું અને આ સમય દરમિયાન પણ કંઈ ન કર્યું. 

    આખરે ચૂંટણી આવી. મતદાન થયું, આખરે પરિણામ જાહેર થયાં અને ભાજપે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું પરિણામ લાવીને મૂકી દીધું. કદાચ ભાજપના મોટા નેતાઓને પણ વિશ્વાસ નહીં હોય કે આવું અભૂતપૂર્વ પરિણામ આવશે. કોંગ્રેસ સાવ નષ્ટ થઇ ગઈ અને હવે બેઠી થઇ શકે તેમ લાગતું નથી. આમ આદમી પાર્ટીએ મહેનત તો બહુ કરી, પણ ધારેલી સફળતા ન મળી. તમામ મોટા નેતાઓ હાર્યા અને માત્ર 5 જ બેઠકો મળી. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉપર જેમણે 1 વર્ષ પહેલાંથી ધ્યાન આપવાનું ચાલુ રાખ્યું હશે તેમને આ પરિણામોમાં કશું જ આશ્ચર્યજનક લાગ્યું નહીં હોય. આ ચૂંટણી ભાજપ રેકોર્ડ તોડવા માટે, આમ આદમી પાર્ટી પોતાનું અસ્તિત્વ દેખાડવા માટે અને કોંગ્રેસ વેઠ ઉતારવા માટે લડ્યાં હતાં. ભાજપ અને કોંગ્રેસ સંપૂર્ણ સફળ ગયા છે, આમ આદમી પાર્ટીને ધારેલું ફળ ન મળ્યું. જોકે, નેશનલ પાર્ટી બની ગયાની ખુશી મળી, જે થોડી ઉજવણી કરવાનું કારણ બની રહી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં