Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસતત ફ્લૉપ જતી આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’: જામનગરમાં ઈસુદાન ગઢવીની સભામાં...

    સતત ફ્લૉપ જતી આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’: જામનગરમાં ઈસુદાન ગઢવીની સભામાં કાગડા ઉડ્યા, સોશિયલ મીડિયા પર મજાક ઉડાવાઈ

    સોશિયલ મીડિયામાં લોકો બોલ્યા "તેમની સોસાયટીની મિટિંગમાં આના કરતા વધુ ભીડ એકઠી થાય છે તો કોઈએ કહ્યું હતું કે આનાથી વધી ભીડ તેમને રવિવારે ફરસાણની દુકાને જોવા મળે છે. તો કોઈએ કહ્યું હતું કે JCB નું ખોદકામ ચાલતું હોય તો આના કરતા વધુ ભીડ એકઠી થઇ જાય છે."

    - Advertisement -

    ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે તે પહેલાં પોતાનું અસ્તિત્વ જમાવવા માટે મથી રહેલી આમ આદમી પાર્ટીને એક પછી એક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પાર્ટીનું સંગઠન બેઠું થઇ રહ્યું નથી તો બીજી તરફ પાર્ટીના નેતાઓ અને કાર્યક્રમોને જોઈએ એવો પ્રતિસાદ મળી રહ્યો નથી. તાજેતરમાં જ આવા એકથી વધુ કિસ્સાઓ બન્યા છે. હવે જામનગરમાં ‘આપ’ની પરિવર્તન યાત્રા ફ્લૉપ સાબિત થઇ હતી.

    વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોના મતદારો સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રાની શરૂઆત કરી છે. સોમનાથથી શરૂ થયેલી આ આમ આદમી પાર્ટીની યાત્રા ગુજરાતના વિવિધ શહેરોમાં જઈ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી (આપ) આયોજિત આ ‘પરિવર્તન યાત્રા’ સુપર ફ્લૉપ સાબિત થઇ છે અને ક્યાંક તો ગુજરાતમાંથી સમર્થન ન મળતા પંજાબથી વાહનો મંગાવવા પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

    તાજેતરમાં જ ‘આપ’ની પરિવર્તન યાત્રાને જનપ્રતિસાદ ન મળ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું ત્યારે હવે જામનગર જિલ્લાના એક ગામમાં આયોજિત થયેલી સભામાં પણ પાર્ટીનો ફિયાસ્કો થયો હતો. પત્રકારમાંથી નેતા બનેલા આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીની સભામાં કાગડા ઉડ્યા હતા અને માંડ ગણ્યાગાંઠ્યા માણસો ભેગા થયા હતા. જેના કારણે પાર્ટી માત્ર શરમજનક સ્થિતિ સર્જાઈ હતી. 

    - Advertisement -

    આમ આદમી પાર્ટીની આ ફ્લૉપ સભાની તસવીરો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી. લોકોએ આ તસવીરો શૅર કરીને મજાક પણ બહુ ઉડાવી હતી તો અમુક યુઝરોએ આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી જીતવાના દાવાને લઈને કટાક્ષ પણ કર્યો હતો. 

    ટ્વિટર યુઝર ભાવેશ લોઢાએ આમ આદમી પાર્ટીની સભાની તસવીરો શેર કરીને કટાક્ષ કરતા કહ્યું હતું કે, “ગુજરાતના જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની બહુ મોટી સભા થઇ. સભામાં એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા ન મળી.”

    અન્ય એક ટ્વિટર યુઝર વિજય ગજેરાએ ઈસુદાન ગઢવીની સભાની તસ્વીર શેર કરીને લખ્યું કે, “ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવારોમાંના એક ઈસુદાન ગઢવી વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા છે.”

    ટ્વિટર યુઝર પ્રાપ્તિએ આ તસવીરો શૅર કરીને લખ્યું હતું કે, “આ છે આમ આદમી પાર્ટીની સભા. કૉમેન્ટ સેક્શનમાં કહો કે આનાથી વધુ ભીડ તમે ક્યાં-ક્યાં જોઈ છે?”

    જેના જવાબમાં કોઈએ કહ્યું હતું કે, તેમની સોસાયટીની મિટિંગમાં આના કરતા વધુ ભીડ એકઠી થાય છે તો કોઈએ કહ્યું હતું કે આનાથી વધી ભીડ તેમને રવિવારે ફરસાણની દુકાને જોવા મળે છે. તો કોઈએ કહ્યું હતું કે JCB નું ખોદકામ ચાલતું હોય તો આના કરતા વધુ ભીડ એકઠી થઇ જાય છે.  જોકે, એક આશાવાદી યુઝરે ભૂતકાળની ભાજપની સ્થિતિ સરખાવીને કહ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટી સમર્થક નથી પણ આપણે યાદ રાખવું જોઈએ કે એક સમય હતો જ્યારે સંસદમાં ભાજપના 2 જ સંસદસભ્યો હતા.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાની તસવીરો વાયરલ થઇ હતી, જેમાં સાવ ઓછી ભીડ જોવા મળી હતી તો યાત્રામાં સામેલ વાહનોના રજીસ્ટ્રેશન નંબર પણ પંજાબના જોવા મળ્યા હતા. જેની પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ હતી.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં