Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલોકમાનસમાં કેજરીવાલ પર લાગેલું ‘હિંદુવિરોધી’નું લેબલ યથાવત: ઊંઝામાં મંદિરમાં સ્વાગત ન કરવાની...

    લોકમાનસમાં કેજરીવાલ પર લાગેલું ‘હિંદુવિરોધી’નું લેબલ યથાવત: ઊંઝામાં મંદિરમાં સ્વાગત ન કરવાની માંગ, ભાવનગરમાં પોસ્ટરો પર શ્યાહી ફેંકાઈ

    કેજરીવાલ અને તેમના મંત્રી હિંદુ દેવી-દેવતાઓમાં આસ્થા રાખતા નથી અને માત્ર રાજકારણ માટે દર્શન કરવાના નાટક કરવા આવે છે: હિંદુ હિતરક્ષક સમિતિ

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જોકે, હજુ પણ ગુજરાતમાં કેજરીવાલનો વિરોધ યથાવત છે. બંને નેતાઓ વિવિધ શહેરોમાં સભાઓ કરે તે પહેલાં જ સ્થાનિક સ્તરે તેમનો વિરોધ શરૂ થઇ ગયો છે. ભાવનગરમાં કેજરીવાલ અને ભગવંત માનના પોસ્ટરો પર શાહી ફેંકવામાં આવી હતી તો ઊંઝામાં પણ મંદિરમાં તેમનું સ્વાગત ન કરવાની માંગ સાથે અરજી આપવામાં આવી છે. 

    રવિવારે બપોરે કેજરીવાલ અને ભગવંત માન ભાવનગરમાં સભા કરવા જઈ રહ્યા છે ત્યારે તે અગાઉ શહેરમાં લાગેલાં તેમનાં પોસ્ટરો ઉપર શાહી ફેંકવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર, આ શાહી લગાવનાર આમ આદમી પાર્ટીના કાર્યકર જ હતા. વિડીયોમાં આમ આદમી પાર્ટીની ટોપી પહેરેલ એક વ્યક્તિને કેજરીવાલ અને માનના પોસ્ટર પર શાહી લગાવતો જોઈ શકાય છે. 

    શહેરમાં કેજરીવાલના પોસ્ટરો પર કાળી શ્યાહી લગાવવામાં આવતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તાત્કાલિક દોડ્યા હતા અને આવા પોસ્ટરો હટાવી દીધાં હતાં. 

    - Advertisement -

    બીજી તરફ, આવતીકાલે મહેસાણાના ઊંઝામાં પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સભા યોજાનાર છે ત્યારે તે પહેલાં ઊંઝાની હિંદુ હિતરક્ષક સમિતિએ ઊંઝા સ્થિત ઉમિયા માતા મંદિરના ટ્રસ્ટીને પત્ર લખીને કેજરીવાલનું મંદિરમાં સ્વાગત કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. 

    સંગઠને મંદિરના ટ્રસ્ટીઓને પત્ર લખીને કહ્યું હતું કે, ઉમિયા માતા લાખો હિંદુઓ આસ્થા ધરાવે છે અને કડવા પાટીદાર સમાજનાં કુળદેવી છે. બીજી તરફ, કેજરીવાલ પર આરોપ લગાવતાં કહેવામાં આવ્યું કે, તેઓ અને તેમના મંત્રી હિંદુ દેવી-દેવતાઓમાં આસ્થા રાખતા નથી અને માત્ર રાજકારણ માટે દર્શન કરવાના નાટક કરવા આવે છે. 

    મંદિરને રાજકીય અખાડો ન બનવા દેવાની અપીલ કરીને હિંદુ હિતરક્ષક સમિતિએ કેજરીવાલનું સ્વાગત ન કરવા માટે મંદિરના ટ્રસ્ટીઓને રજૂઆત કરી હતી. જોકે, સમિતિએ કહ્યું છે કે, કેજરીવાલ દર્શને જતા હોય તો તેમને કોઈ વાંધો નથી. 

    આ ઉપરાંત, ઊંઝામાં પણ કેજરીવાલના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. કેજરીવાલની સભાના એક દિવસ પહેલાં જ શહેરમાં ઠેરઠેર તેમનો વિરોધ કરતાં પોસ્ટરો લાગતાં આમ આદમી પાર્ટી ચિંતામાં મૂકાઈ છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ સરકારના તત્કાલીન મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમ હિંદુઓના ધર્માંતરણ માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ આ ઘટનાના અને ખાસ કરીને કાર્યક્રમમાં લેવડાવવામાં આવેલ ‘હિંદુવિરોધી શપથ’ના વિડીયો વાયરલ થઇ ગયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો ભારે વિરોધ થયો હતો. 

    બીજા દિવસે કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવે તે પહેલાં જ મોટાં શહેરોમાં તેમનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં, તો વડોદરામાં રોડ શૉમાં ભાગ લેવા જતાં ત્યાં પણ સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી આવીને કેજરીવાલનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જેના પરિણામે તેમણે દોઢ કિલોમીટરનો રોડ શૉ 400 મીટરમાં જ અધૂરો મૂકીને ભાગવું પડ્યું હતું. 

    જોકે, એક અઠવાડિયા બાદ પણ ગુજરાતમાં કેજરીવાલનો વિરોધ શાંત પડ્યો નથી અને હજુ પણ તેઓ જ્યાં જાય ત્યાં વિરોધ યથાવત છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં